પાંચ રાજ્યનાં ચૂંટણીપરિણામો પહેલાં શું છે રાજકીય હલચલ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિર્ધારિત સમય પ્રમાણે, ગુરુવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

સંખ્યાબળની દૃષ્ટિએ જોતાં ગોવા, ઉત્તરાખંડ તથા મણિપુરમાં કોની સરકાર બની રહી છે, તેનો અંદાજ બપોર સુધીમાં મળી જશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ચિત્ર સ્પષ્ટ થતાં સમય લાગી શકે છે.

ઍક્ઝિટ પોલનાં તારણો અનુસાર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારનું પુનરાવર્તન થઈ શકે છે. મણિપુરમાં પણ ભાજપયુતિ વિજયી બનશે. પંજાબમાં પૂર્વ કૉમેડિયન ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

જ્યારે ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઈ શકે છે. આ શક્યતાને જોતાં બંને પક્ષોએ પોત-પોતાના ઉમેદવારોને સાચવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે ઍક્ઝિટ પોલનાં તારણ અને વાસ્તવિક પરિણામોની વચ્ચે તફાવત હોઈ શકે છે.

ચૂંટણી પહેલાં હાઇવૉલ્ટેજ ડ્રામા

સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે મતદાન પછી અને મતગણતરી પૂર્વે મંગળવારે પાર્ટી તથા સાથી પક્ષોના કાર્યકરોને સતર્ક રહેવા તાકિદ કરી હતી, તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ "બહુમતી ચોરવા" માટે પ્રયાસરત્ છે. તેમણે વારાણસીનું ઉદાહરણ ટાંક્યું હતું.

ભાજપ દ્વારા અખિલેશના નિવેદનને "હાર પહેલાંની હતાશા" કહીને વખોડી કાઢવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા પણ આરોપો અંગે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું.

બીજી બાજુ, બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ટ્રેનિંગ માટેના ઈવીએમની હેરફેર દરમિયાન નિયમોનું પાલન નહીં કરનારા સબ ડિવિઝિનલ મૅજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરવા ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને સૂચના આપી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કૉંગ્રેસ-ભાજપના મૅનેજરો મેદાનમાં

કૉંગ્રેસને આશંકા છે કે ઉત્તરાખંડ તથા ગોવામાં બહુમતીથી થોડો દૂર રહેશે, તો ભાજપ તેના ધારાસભ્યોને તોડી શકે છે. એટલે જ કૉંગ્રેસે ઉત્તરાખંડમાં ઉમેદવારોને કૉંગ્રેસશાસિત છત્તીસગઢના એક રિસૉર્ટમાં મોકલવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ બઘેલને તેમને મૅનેજ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. બુધવારે બજેટ રજૂ કરીને તેઓ દહેરાદૂન પહોંચશે તેવા અહેવાલ છે.

બીજી બાજુ, ગોવામાં પાર્ટીને તૂટતી બચાવવા માટે કર્ણાટક કૉગ્રેસના દિગ્ગજ નેતા ડી. કે. શિવકુમારને કામે લગાડવામાં આવ્યા છે. જેઓ અગાઉ કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કૉંગ્રેસને તૂટતી બચાવવા માટે 'રિસૉર્ટ પૉલિટિક્સ' કરી ચૂક્યા છે.

ઉમેદવારોની રાજ્યની બહાર લઈ જવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. એવી અટકળ છે કે તેમને શિવસેનાશાસિત અને કૉંગ્રેસ સમર્થિત મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવશે. અહીં કૉંગ્રેસે દિગંબર કામતને બાદ કરતાં મોટાભાગે નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.

બીજી બાજુ, જો કોઈ ઘટ પડે તો તેને પૂરી કરવા માટે ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવિસને કામે લગાડ્યા છે. આ સિવાય પણજીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અંતાશિયો મૉન્ટેસારિતેને કામે લગાડ્યા છે.

અંતાશિયો અગાઉ કૉંગ્રેસમાં હતા અને 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પણજીની બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે પણજીની બેઠક માગતા, તેમને બે વૈકલ્પિક બેઠક ઑફર કરવામાં આવી હતી, પરંતુ અંતાશિયોને હઠાવવામાં આવ્યા ન હતા. જે તેમનું કદ અને પહોંચ સૂચવે છે.

તૃણમુલ કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડનારી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ કહ્યું છે કે મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત સાથેના વાંધાવચકા હવે જૂના થઈ ગયા છે અને તેઓ કૉંગ્રેસ તથા ભાજપની સાથે સંપર્કમાં છે.

પરિણામોની અસર

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર જે-તે રાજ્યના મુખ્ય મંત્રીપદના ઉમેદવારો તથા ચૂંટણીજંગમાં ઝંપલાવનારા કૅન્ડિડેટ પર તો થશે જ સાથે-સાથે તેના દૂરગામી રાજકીય પરિણામો હશે. યુપીમાં વિજય-પરાજય મોદી-યોગીની શાખ પર અસર કરશે.

પંજાબ-ઉત્તરાખંડ-ગોવાના ચૂંટણીપરિણામો રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે, પાર્ટીમાંથી તેમના નેતૃત્વની સામે કદાચ પડકાર ઊભા ન થાય તો પણ ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસની ઉપર સવાલ ઊઠશે.

પંજાબમાં આપનો વિજય થાય તો ત્રીજા મોરચામાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું કદ વધશે.

આ સિવાય નવા ચૂંટાયેલા ધારાસભ્યો આગામી છ મહિના દરમિયાન લગભગ 70 જેટલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ઉપલાગૃહમાં પોતપોતાની પાર્ટીના પ્રતિનિધિત્વને અસર પહોંચાડશે.

નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને તેમણે ચૂંટેલા રાજ્યસભાના સંસદસભ્યો આગામી રાષ્ટ્રપતિપદની ચૂટણી દરમિયાન ભાજપ (કે એનડીએ)ના ઉમેદવારની હારજીતને નહીં તો કમ સે કમ માર્જિનને તો અસર કરશે જ.

પંજાબની ચૂંટણીમાં પરિવર્તન કૅપ્ટન અમરિંદરસિંહ અને તેમની પાર્ટીનું રાજકીય ભાવિ નક્કી કરશે તો ગોવાનાં પરિણામોના આધારે મમતા બેનરજીની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ નિર્ધારિત થશે.

ઍક્ઝિટ પોલ અને ઇતિહાસની આરસી

પોલ ઑફ ધ પોલ (ઍક્ઝિટ પોલોની સરેરાશ) ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપને 242 બેઠક મળી શકે છે, જે બહુમત માટે જરૂરી 202 કરતાં 40 (લગભગ 20 ટકા) વધારે છે. ગત ચૂંટણી દરમિયાન ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય તથા સત્તા માટે 'દિલ્હીના દરવાજા' એવા યુપીમાં 320 બેઠક મળી હતી.

અહીં તેની મુખ્ય ટક્કર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તથા માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે છે. બંનેને અનુક્રમે 143 તથા 11 બેઠક મળવાનું અનુમાન મૂકવામાં આવે છે. આકલનો મુજબ ભાજપ જીતે, તો પણ તેનું નુકસાન ભારે હશે.

ઉત્તરાખંડની 70 બેઠકમાંથી ભાજપને 35 બેઠક મળી શકે છે અને બહુમતીથી એક બેઠક ઓછી થઈ શકે છે. ગત ચૂંટણી વખતે ભાજપને 57 તથા કૉંગ્રેસને 11 બેઠક મળી હતી. વિધાનસભાના ચાલુ કાર્યકાળ દરમિયાન પાર્ટીએ ત્રિવેન્દ્રસિંહ રાવત, તીરથસિંહ રાવત તથા પુષ્કરસિંહ ધામી એમ ત્રણ મુખ્ય મંત્રી બદલાવ્યા, જેના કારણે તેની છાપ ખરડાઈ હતી.

2017ની ચૂંટણી પછી ગોવામાં ભાજપને 13 અને કૉંગ્રેસને 17 બેઠક મળી હતી, પરંતુ નાના-નાના પક્ષોએ તત્કાલીન સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો ટેકો આપવાની તૈયારી દેખાડી હતી. આથી, પર્રિકરને ગોવા મોકલવામાં આવ્યા અને 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપની સરકાર બની.

2019માં તેમના અવસાન પછી પ્રમોદ સાવંતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને કેન્દ્રીય માર્ગ અને નિર્માણમંત્રી નીતિન ગડકરી બહુમતી મૅનેજ કરવામાં સફળ રહ્યા. આ વખતે ભાજપ તથા કૉંગ્રેસ બંનેને 16-16 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પછી અને પરિણામ પહેલાં મુખ્ય મંત્રી સાવંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'શુભેચ્છા મુલાકાત' કરી હતી, જેને ઘણી સૂચક માનવામાં આવે છે.

ઍક્ઝિટ પોલનાં અનુમાનો અનુસાર, પજાબમાં સત્તાપરિવર્તન થઈ શકે છે અને દિલ્હી પછી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. અહીં 'જનતાની પસંદ' પર પૂર્વ કૉમેડિયન ભગવંત માનને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.

પંજાબમાં 77 બેઠક સાથે કૉંગ્રેસે સત્તા મેળવી હતી. વર્તમાન કાર્યકાળ દરમિયાન કૅપ્ટન અમરિંદરસિંહની મુખ્ય મંત્રીપદેથી હકાલપટ્ટી બાદ, તેમણે અલગ પક્ષ રચીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસે દલિતનેતા ચરણજિત ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

ગત ચૂંટણી વખતે ભાજપ અને શિરોમણિ અકાલીદળે (18 બેઠક) ગઠબંધન કર્યું હતું. આ વખતે બંને અલગ લડ્યાં છે. ગત ચૂંટણી દરમિયાન 20 જેટલી બેઠક સાથે આપ બીજા ક્રમાંક પર રહ્યો હતો.

60 ધારાસભ્યોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપ યુતિને 30 બેઠક મળી શકે છે, એવું પોલ ઑફ પોલનું અનુમાન છે. ભાજપને આશા છે કે તેને પૂર્ણ બહુમત મળશે અને જો કચાશ રહી જશે તો અપક્ષો તથા અન્ય પક્ષોની મદદથી ખોટ પૂરી કરી લેશે.

ચૂંટણીકાર્યક્રમ ફ્લૅશબૅક

પાંચ રાજ્યોમાં કુલ 690 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે હતી. જ્યાં સાત તબક્કામાં (10મી, 14મી, 20મી, 23મી, 27મી ફેબ્રુઆરી તથા ત્રીજી અને સાતમી માર્ચના) ચૂંટણી યોજાઈ હતી.

ઉત્તરાખંડ (70 બેઠક) તથા ગોવામાં (40 બેઠક) 'વેલેન્ટાઇન્સ ડે' એટલે કે 14મી ફેબ્રુઆરીના એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

મણિપુરની કુલ 60 બેઠક પર 28મી ફેબ્રુઆરી તથા પાંચમી માર્ચના બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે પંજાબમાં તા. 20મી ફેબ્રુઆરીના એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો