શાળાઓમાં 100 ટકા હાજરી મામલે ગુજરાત સરકારને હાઈકોર્ટે નોટિસ કેમ ફટકારી? - પ્રેસ રિવ્યુ
મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટે શાળાઓમાં 100% હાજરી અંગેના સરકારના નિર્ણય અંગે નોટિસ ફટકારી હતી.
અરજદારે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારે જારી કરેલ વટહુકમ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી સાથે ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અરજદારના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે નાનાં બાળકો માટે કોરોના સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ નથી. તેથી શાળાએ ફરજિયાતપણે હાજર રહેવાનો નિર્ણય રદ થવો જોઈએ.
આ બાબતે કરાયેલી જાહેર હિતની અરજીમાં દલીલ કરાઈ હતી કે આ નિર્ણય હાલમાં જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની વિરુદ્ધ છે. રાજ્ય સરકારનું આ પગલું ઉતાવળભર્યું છે.
આ મામલે ન્યાયાધીશોએ કહ્યું હતું કે કોર્ટ અરજદાર કરતાં વિદ્યાર્થીઓની ચિંતા વધુ કરે છે. આ મુદ્દે વધુ સુનાવણી 15 માર્ચે હાથ ધરાશે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી : અખિલેશ યાદવે ભાજપ પર EVM ચોરીનો આરોપ લગાવ્યો

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના રિપોર્ટ મુજબ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પહેલાં ભાજપ પર EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ચોરીનો આરોપ લગાવ્યો છે.
તેમના પક્ષના કાર્યકરો દ્વારા વારાણસીમાં EVM લઈ જતી ટ્રકોને અલગ-અલગ જિલ્લામાં ત્રણ જગ્યાએ અટકાવાઈ હતી.
રાજ્યના ચૂંટણીઅધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિર્ધારિત મતદાન અધિકારીઓની તાલીમ માટે EVM વારાણસીમાં લાવવામાં આવ્યાં હતાં, EVM સીલ અને સુરક્ષિત છે અને 24 કલાક તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લખનૌમાં તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવેલી પત્રકારપરિષદમાં, સમાજવાદી પાર્ટીના વડાએ EVM અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના મંત્રીઓ મતદારો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
મીડિયાકર્મીઓ જોડે વાતચીત કરતાં, વારાણસીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કૌશલ શર્માએ કહ્યું હતું કે "એક પિક-અપ ટ્રકમાં 20 મશીન હતાં, જે ટ્રકને લોકોએ અટકાવી હતી. આ મશીનોને મતગણતરી જોડે કોઈ લેવાદેવા નથી."

ગુજરાતનાં મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ મળશે

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય મંત્રીએ મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે.
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ધારાસભ્યને વિકાસકાર્યો માટે વાર્ષિક 1.5 કરોડ ગ્રાન્ટ મળે છે. હવેથી મહિલા ધારાસભ્યોને 2.75 કરોડ ગ્રાન્ટ મળશે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે મહિલાઓ માટે આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા સુનિશ્ચિત કર્યાં છે.
આ ઉપરાંત મુખ્ય મંત્રીએ વર્ષ 2020-21 અને 2021-22 મહિલા વિકાસ પુરસ્કાર આંગણવાડી પણ અર્પણ કર્યો હતો.
મહિલા ધારાસભ્ય ગેનીબહેને સભાગૃહના તમામ સભ્યોને અપીલ કરી હતી કે મહિલા અત્યાચારની ઘટના બને ત્યારે તમામ સભ્યોએ પક્ષાપક્ષીથી દૂર રહી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવી જોઈએ.




તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












