LIC IPO : કર્મચારી સંગઠને કહ્યું, 'સોનાનાં ઈંડાં આપનારી મરઘી' વેચી રહી છે સરકાર
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય જીવનવીમા નિગમ એટલે કે એલઆઈસી સમગ્ર વિશ્વમાં પાંચમા ક્રમાંકની સૌથી મોટી વીમાકંપની છે. પરંતુ, 'એલઆઈસી'ની ખાસિયત એ છે કે એ પૂર્ણપણે સરકારી છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1956માં રાષ્ટ્રીયકૃત થયેલી એલઆઈસી દાયકાઓ સુધી ભારતની એકમાત્ર જીવનવીમાકંપની તરીકે ટકી રહી છે.
વર્ષ 2000માં ખાનગી કંપનીઓ માટે ફરી એક વાર વીમાક્ષેત્ર ખોલી દેવાયું. તેમ છતાં, એલઆઈસી જ ભારતની સૌથી મોટી વીમાકંપની રહી છે.
એલઆઈસી પાસે વીમાક્ષેત્રનો 75 ટકા હિસ્સો છે.
શૅરબજારમાં એલઆઈસીનો આઈપીઓ લાવવા માટે સરકાર તરફથી મૂડીબજારની નિયમનકારી સેબીમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાંથી એલઆઈસીની 'માર્કેટ વૅલ્યૂ'નો અંદાજ મળે છે. સરકારના ડ્રાફ્ટ એટલે કે 'ડીઆરએચપી'માં એલઆઈસીની 'ઍમ્બેડેડ વૅલ્યૂ' 71.56 અબજ ડૉલર દર્શાવવામાં આવી છે.

સરકારનો ઉદ્દેશ

ઇમેજ સ્રોત, Ani
ભારત સરકારના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (દીપમ)એ સેબી સમક્ષ જે મુસદ્દો રજૂ કર્યો છે એમાં જણાવાયું છે કે સરકાર 'એલઆઈસી'ના માત્ર 'પાંચ ટકા' શૅર જ વેચશે, એટલે કે કંપનીના 31.6 કરોડ 'ઇક્વિટી' શૅર.
આના દ્વારા સરકારે 63 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
મુસદ્દામાં ઉલ્લેખ કરાયો છે કે આ 'ઇક્વિટી' શૅરનો 10 ટકા હિસ્સો વીમાધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એના ઉપરાંત, કેટલોક હિસ્સો 'ઍન્કર' રોકાણકારો માટે પણ સુરક્ષિત રહેશે, જ્યારે જીવનવીમા નિગમના કર્મચારીઓને પણ એમાં છૂટ આપવાની જોગવાઈ હશે.
સરકારને આશા છે કે 10 ટકા શૅર 29 કરોડ 'પૉલિસીધારકો માટે અનામત રાખવો એ 'આઈપીઓ'ની સફળતા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે.
સાથે જ 35 ટકા શૅરને 'રિટેલ' રોકાણકારો માટે પણ અનામત રાખવાની જોગવાઈ છે. એક શૅરનો ભાવ 4.7 રૂપિયા રાખવામાં આવ્યો છે.
એલઆઈસીમાં ભારત સરકારનો 100 ટકા ભાગ છે એટલે 100 ટકા શૅર.
આઈપીઓ આવ્યા બાદ એલઆઈસીમાં સરકારની ભાગીદારી 95 ટકા થઈ જશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એવી આશા પ્રકટ કરી હતી કે આઈપીઓ આવવાના લીધે એલઆઈસીનાં કામકાજમાં વધારે પારદર્શિતા આવશે. અત્યાર સુધી તો એલઆઈસીનું દાયિત્વ માત્ર ભારત સરકાર પ્રત્યે હતું પરંતુ 'આઈપીઓ' આવ્યા પછી એલઆઈસીએ પોતાના રોકાણકારો માટે પણ ઉત્તરદાયી બનવું પડશે.
આઈપીઓ દ્વારા જે આવક થશે એ સીધી સરકારના ખાતામાં જશે અને એમાંથી એલઆઈસીને કશું નહીં મળે.
ભારત સરકારના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (દીપમ)ના સચિવ તુહિનકાન્ત પાંડેએ એક અંગ્રેજી સમાચારપત્ર સાથે વાત કરતાં જણાવેલું કે 31 માર્ચ, 2021 સુધી એટલે કે ગયા નાણાવર્ષની સમાપ્તિ સુધીમાં એલઆઈસી પાસે 28.3 કરોડ વીમા અને 10.35 લાખ એજન્ટો મળીને નવા બિઝનેસ પ્રીમિયમમાં 66 ટકા બજારની હિસ્સેદારી હતી.

એલઆઈસી કર્મચારી યુનિયનનો વિરોધ

ઇમેજ સ્રોત, LIC INDIA/BBC
એલઆઈસીનાં કર્મચારી સંગઠનો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે અને બધાં કામદાર સંગઠનોએ ભેગાં મળીને આગામી 28 અને 29 માર્ચે હડતાલનું આહ્વાન કર્યું છે.
કર્મચારી સંઘના એ.કે. ભટનાગરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "એલઆઈસી 'સોનાનાં ઈંડાં આપતી મરઘી' રહી છે. તેઓ એને 'પૈસાના ઝાડ'ની ઉપમા પણ આપે છે."
ભટનાગરે કહ્યું કે, "સરકારનો નિર્ણય એ મૂળ ભાવનાની વિરુદ્ધનો છે જેના હેઠળ વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું."
તેમણે કહ્યું કે, "1956માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને નાણામંત્રી સી.વી. દેશમુખે રાષ્ટ્રીયકરણ કરતાં કહેલું કે એનાથી વીમાકંપનીઓ દ્વારા થતા ગોટાળા પર નિયંત્રણ તો આવશે, સાથે જ લોકોને સામાજિક સુરક્ષા આપવા સાથે દેશના વિકાસમાં એનું મોટું યોગદાન રહેશે."
યુનિયનોનો દાવો છે કે બૅન્કોની સરખામણીએ સરકારી વીમાકંપની એટલે કે એલઆઈસી સંપૂર્ણપણે 'ભ્રષ્ટાચારમુક્ત' રહી છે.
યુનિયનોનો એવો પણ દાવો છે કે, "અત્યાર સુધી એલઆઈસી વીમાધારકોના 99 ટકા કેસમાં 'સેટલમેન્ટ' કરતી આવી છે, જ્યારે એ જ દિશામાં ખાનગી વીમાકંપનીઓનો 'રેકૉર્ડ' ઘણો ખરાબ છે."
સંગઠનોએ ભારતના રાષ્ટ્રપતિને જે આવેદનપત્ર સોંપ્યું એમાં કહેવાયું છે કે "એલઆઈસીના 'આઈપીઓ'ને શૅરબજારમાં લાવવાનો પ્રસ્તાવ સરકારે આપ્યો છે એ આર્થિક રીતે દેશની સૌથી મજબૂત સંસ્થાને ખતમ કરવા જેવો છે."
સંગઠનોનો એવો પણ દાવો છે કે અત્યારે તો સરકાર માત્ર 5 ટકા શૅર કે હિસ્સેદારી વેચવાની વાત કરી રહી છે, જ્યારે મૂડીબજાર નિયમનકાર એટલે કે 'સેબી'ની એવી શરત છે કે જ્યારે નોંધણી કરવામાં આવશે ત્યારે ત્રણ વર્ષની અંદર સંસ્થાના 25 ટકા શૅરને 'ઑફ લોડ' એટલે કે કુલ 25 ટકા સુધીના શૅર ઇશ્યૂ કરવા પડશે.
ભટનાગરે કહ્યું કે, "અત્યારે આઈપીઓ આવતાં જ ત્રણ વર્ષમાં એલઆઈસીએ પોતાના 25 ટકા શૅર ઇશ્યૂ કરવા પડશે."

ખાનગીકરણની તૈયારી?

ઇમેજ સ્રોત, Getty Images
કામદાર સંગઠનોનું કહેવું છે કે, "અલગ-અલગ કંપનીઓને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટે એલઆઈસીના જે પૈસા રોકવામાં આવે છે એના ઉપરાંત સરકારને ગયા નાણાકીય વર્ષમાં એલઆઈસીમાંથી 10,500 કરોડ રૂપિયા માત્ર ટૅક્સ દ્વારા જ મળ્યા છે, જ્યારે 2,889 કરોડ રૂપિયા 'ડિવિડન્ડ'માંથી મળ્યા છે."
સંગઠનોએ જે અહેવાલ આપ્યો છે એમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઉપરાંત લગભગ 36 લાખ કરોડ રૂપિયા જુદી-જુદી વિકાસ પરિયોજનાઓમાં રોકાયા છે, તો એલઆઈસીની પોતાની સંપત્તિ 38 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
ઉદાહરણ તરીકે, વર્ષ 2015માં જ્યારે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ આઈપીઓ ઇશ્યૂ કર્યો હતો ત્યારે એલઆઈસીના 1.4 અબજ ડૉલર એમાં રોકવામાં આવ્યા હતા.
એ જ રીતે દેવામાં ડૂબેલી 'આઈડીબીઆઇ બૅન્ક'ને ઉગારવામાં પણ એલએઈસીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
કામદાર સંગઠનોએ પોતાના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, "વર્ષ 2020ના માર્ચ મહિના સુધી જુદી-જુદી વિદ્યુત પરિયોજનાઓમાં એલઆઈસીના 24,803 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, આવાસ પરિયોજનાઓમાં 9,241 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે, જ્યારે જુદી-જુદી માળખાકીય સંરચનાઓ વિકસાવવાની પરિયોજનાઓમાં 18,253 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે."
ભટનાગરે કહ્યું કે, "એલઆઈસી પહેલાં વીમાધારકોને લાભ આપવાનું કાર્ય કરતી હતી, હવે એ બદલાઈ જશે અને હવે રોકાણકારોને લાભ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."
એલઆઈસીના કર્મચારીઓનાં યુનિયનોના 'ફૅડરેશન'નો તર્ક છે કે વીમાક્ષેત્રમાં સરકારી કંપનીઓ હોવાના લીધે ખાનગી કંપનીઓનો એટલો દાબ નથી રહેતો. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે હવે વીમાક્ષેત્રમાં ખાનગી કંપનીઓનો દાબ વધવો શરૂ થઈ જશે.
તેમણે કહ્યું કે, "સરકાર જે કંઈ કરી રહી છે એનાથી એલઆઈસીના 'ખાનગીકરણનો માર્ગ મોકળો' થઈ રહ્યો છે.
યુનિયનોએ સરકારને સૂચન કર્યું છેઃ 'સોનાનાં ઈંડાં આપનારી મરઘીને બચાવીને રાખો.'




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













