ચિત્રા રામક્રિષ્ન : NSEનાં પૂર્વ CEO અજ્ઞાત યોગીના હાથની કઠપૂતળી હતાં - સેબી

ભારતના સૌથી મોટા શૅરબજાર નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)નાં ભૂતપૂર્વ ચીફ ઍક્ઝિક્યૂટિવ એક યોગીને ગુપ્ત માહિતી મોકલતાં હતાં અને તેની સલાહને આધારે મહત્ત્વના નિર્ણયો લેતાં હતાં, એવું નિયમનકર્તાઓએ જણાવ્યું છે.

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું છે કે ચિત્રા રામક્રિષ્ન નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)નાં વડાં હતાં ત્યારે તેઓ હિમાલયમાં બિરાજતાં એક આધ્યાત્મિક ગુરૂની સલાહ લેતાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું છે કે ચિત્રા રામક્રિષ્ન નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)નાં વડાં હતાં ત્યારે તેઓ હિમાલયમાં બિરાજતાં એક આધ્યાત્મિક ગુરૂની સલાહ લેતાં હતાં

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું છે કે ચિત્રા રામક્રિષ્ન નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)નાં વડાં હતાં ત્યારે તેઓ હિમાલયમાં બિરાજતાં એક આધ્યાત્મિક ગુરુની સલાહ લેતાં હતાં.

ચિત્રાએ અજાણ્યા ગુરુ સાથે બિઝનેસ પ્લાન્સ, બોર્ડ મિટિંગોના ઍજન્ડા તેમજ નાણાકીય અનુમાનો પણ કથિત રીતે શૅર કર્યાં હતાં. ચિત્રા રામક્રિષ્ને 2016માં એનએસઈમાંથી રાજીનામું આપ્યું હતું.

સેબીના જણાવ્યા મુજબ, તેની તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો "સ્પષ્ટ દર્શાવે છે" કે એનએસઈનું સંચાલન યોગી કરતા હતા અને ચિત્રા રામક્રિષ્ન, તેમના કાર્યકાળ દરમિયાન 'યોગીના હાથની કઠપૂતળી' હતાં.

નિયમનકર્તાએ કહ્યું હતું કે "એનએસઈના નાણાકીય તથા બિઝનેસ પ્લાનની માહિતી શૅર કરવાનું કૃત્ય અકલ્પ્ય ન હોય તો પણ ઊડીને આંખે વળગે તેવું છે, જેનાથી શૅરબજારના પાયા હચમચી શકે છે."

એનએસઈ ભારતનું શૅરોમાં વાયદા માટેનું સૌથી મોટું બજાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એનએસઈ ભારતનું શૅરોમાં વાયદા માટેનું સૌથી મોટું બજાર

સેબીએ ચિત્રા રામક્રિષ્નને ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને શૅરબજાર અથવા નિયમનકર્તા સાથે નોંધાયેલી કોઈ પણ કંપનીમાં કામ કરવા સામે ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે.

નિયમનકર્તાએ જે ઇ-મેઇલ ઍડ્રેસ આપ્યું હતું તેના પર બીબીસીએ મોકલેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો.

યોગી સંભવતઃ હિમાલયની પર્વતમાળામાં રહેતા હોવાની માહિતી સિવાય સેબીએ તેમની બીજી કોઈ વિગત આપી નથી.

સેબી સમક્ષ કરેલી રજૂઆતમાં ચિત્રા રામક્રિષ્નએ જણાવ્યું હતું કે તેઓ યોગીને બે દાયકા પહેલાં ગંગા નદીના કિનારે મળ્યાં હતાં. એ પછી તેમણે યોગી પાસેથી "અંગત અને પ્રોફેશનલ " બાબતોમાં અનેક વખત સલાહ લીધી હતી.

ચિત્રા રામક્રિષ્ને કહ્યું હતું કે "આપણે જાણીએ છીએ તેમ વરિષ્ઠ નેતાઓ પ્રશિક્ષકો, માર્ગદર્શકો અને અન્ય સિનિયરો પાસેથી સલાહ લેતા હોય છે, જે પ્રાકૃતિક રીતે અનૌપચારિક હોય છે. એવી જ રીતે મને પણ લાગતું હતું કે યોગીની સલાહ મને મારી ભૂમિકા વધુ સારી રીતે ભજવવામાં મદદરૂપ થશે."

સેબીએ ચિત્રા રામક્રિષ્નનાં પગલાંને "નિયમોનો ખુલ્લેઆમ ભંગ" ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે પોતાનાં પગલાંથી માર્કેટને કોઈ નુકસાન ન થયું હોવાનું તેમનું મંતવ્ય "વાહિયાત" છે.

સેબીએ એમ પણ જણાવ્યું હતું કે એનએસઈમાં અગાઉ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આધ્યાત્મિક ગુરુ અને ચિત્રા રામક્રિષ્ન વચ્ચેનો ઇ-મેઇલવ્યવહાર તેમના ધ્યાનમાં આવ્યો હતો.

ચિત્રા રામક્રિષ્નનો સમાવેશ 1990ના દાયકાની શરૂઆતમાં એનએસઈ શરૂ કરનારા ઍક્સિક્યૂટિવ્સમાં થાય છે. તેમણે 2016માં "અંગત કારણોસર" એનએસઈમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

line

નિખિલ ઇનામદાર, બીબીસી બિઝનેસ સંવાદદાતા દ્વારા વિશ્લેષણ

સોમવારે એનએસઈમાં 532 પૉઇન્ટ જેટલો કડાકો બોલી ગયો હતો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સોમવારે એનએસઈમાં 532 પૉઇન્ટ જેટલો કડાકો બોલી ગયો હતો

દેશના સૌથી મોટા શૅરબજારના મહત્વના નિર્ણયો હિમાલયમાંના એક અજાણ્યા 'આધ્યાત્મિક ગુરૂ'ની સલાહને આધારે લેવાતા હોવાના ઘટસ્ફોટનો પ્રતિભાવ આપતાં ભારતમાંના સોશિયલ મીડિયા યૂઝર્સે તેને અકલ્પનીય અને મગજ ચકરાવે ચડી જાય તેવી ઘટના ગણાવી હતી.

કેટલાક યૂઝર્સે જણાવ્યું હતું કે આ ઘટનાને આધારે તો દિલધડક વેબ-સીરિઝ બનાવી શકાય તેમ છે.

સામાન્ય લોકોએ આ ઘટસ્ફોટને આઘાતજનક ગણાવ્યો હતો, જ્યારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતના શૅરબજારના નિયમનકર્તાની તપાસનું આ ભયાનક તારણ, એનએસઈમાં કૉર્પોરેટ ગવર્નન્સની પ્રણાલી કંગાળ હોવાનો ગંભીર આરોપ છે. આવાં શૅરબજારોમાં લિસ્ટેડ કંપનીઓએ ગવર્નન્સના આકરા નિયમોનું પાલન કરવાનું હોય છે ત્યારે આ વિધિની વક્રતા છે.

દેશનાં અગ્રણી ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર અને 'ઍબ્સોલ્યૂટ પાવર' પુસ્તકનાં સહ-લેખિકા સુચેતા દલાલે કહ્યું હતું કે "આ તો વૈશ્વિક કૌભાંડ છે." એનએસઈની આશ્ચર્યજનક પ્રગતિ અને અલ્ગોરિધમ કૌભાંડ બાબતે નિયમનકર્તાએ શરૂ કરેલી તપાસમાં આ વાત બહાર આવી છે.

આ વિશેની તપાસને નિરર્થક ગણાવતાં સુચેતા દલાલે જણાવ્યું હતું કે એનએસઈનાં ભૂતપૂર્વ વડા ચિત્રા રામક્રિષ્નની કસ્ટડીમાં આકરી પૂછપરછ કરવામાં આવે તે જરૂરી છે. સુચેતા માને છે કે ચિત્રા રામક્રિષ્ન હળવી સજા સાથે છટકી ગયાં છે.

સુચેતા દલાલે આ ઘટસ્ફોટના ટાઇમિંગ સામે પણ સવાલ કર્યો હતો. તેઓ માને છે કે એનએસઈના જાહેર ભરણાં પહેલાં માર્ગ મોકળો કરવા સત્તાવાળાઓ સંસ્થામાંની તમામ પેન્ડિંગ ઇન્ક્વાયરી પર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છે છે.

આઈઆઈએએસ નામની ઈન્સ્ટિટ્યૂશનલ એડવાઈઝરી કંપનીના સ્થાપક અમિત ટંડને બીબીસીને જણાવ્યું હતું કે આ નાટકના કેન્દ્રમાંના રહસ્યમય યોગિની ઓળખ વિશે અંતિમ નિર્ણય થવો બાકી છે ત્યારે આ મુદ્દા પર આસાનીથી પૂર્ણવિરામ મૂકાશે નહીં. તંત્રમાંની ખામીઓ પરત્વે આગ્રહપૂર્વક આંગળી ચીંધે તેવી મજબૂત વ્યવસ્થાના નિર્માણની જરૂરિયાત આ ઘટનાએ વધુ એકવાર દર્શાવી છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો