મહેશ દવે : એ ગુજરાતી લેખક, જે સાંપ્રદાયિક દમન અને લોકોના અધિકારો માટે સતત સક્રિય રહેતા

    • લેેખક, પ્રો. સંજય શ્રીપાદ ભાવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સદગત મહેશ દવે નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને સંપાદક હોવાની સાથે કર્મશીલતાનો પાસ ધરાવતા નાગરિક હતા. નાગરિક સમાજના ઉપક્રમોમાં તેમની સક્રિયતાની કેટલીક યાદો છે.

2 ફેબ્રુઆરી 2022માં 90 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.

અમદાવાદમાં 1995થી પંદરેક વર્ષ દરમિયાન પ્રમાણમાં ઓછાં નિયંત્રણો હેઠળ વિરોધપ્રદર્શનો થઈ શકતાં હતાં. તેના અનેક કાર્યક્રમોમાં મહેશભાઈ જોડાતા.

અમદાવાદના મીઠાખળી વિસ્તારની મ્યુનિસિપલ શાળા ખાનગી સંચાલકના હાથમાં જતી બચાવવા માટે ત્યાંની નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે આંદોલન ચાલ્યું. એ સમયથી મહેશભાઈની સક્રિયતા આ લખનારે જોઈ છે.

શિક્ષણનાં ખાનગીકરણ અથવા સ્વનિર્ભર શિક્ષણવ્યવસ્થા સામે તેમણે વારંવાર લખ્યું હતું, 'શિક્ષણ બચાઓ સમિતિ' ગુજરાતમાં યોજેલાં સભા-સંમેલનોમાં એ વક્તવ્યો આપ્યાં હતાં.

વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટસના એક વિદ્યાર્થીએ કરેલા ચિત્ર નિમિત્તે અભિવ્યક્તિસ્વાતંત્ર્યના બચાવમાં કે પછીના વર્ષે કૉમન યુનિવર્સિટી ઍક્ટના વિરોધ માટેની સભાઓમાં તેમનો હંમેશાં ટેકો રહેતો.

એમની વધતી ઉંમરે પણ માનવ અધિકારદિનના અને બીજા કેટલાંય ધરણાં-દેખાવોમાં તેમ જ મીઠાખળીના બગીચામાં સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે યોજાતાં નવા વર્ષના સ્નેહમિલનમાં પણ મહેશભાઈ અચૂક હાજર રહેતા.

ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપ અને રમખાણો દરમિયાન રાહત-પુનર્વસન-ન્યાય માટે નાગરિક પહેલ મંચ અને નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે કામ થતાં તેમાં પણ મહેશભાઈનો સહયોગ રહેતો.

એક નાગરિક પક્ષ ઊભો કરીને ચૂંટણી લડવાનો વિચાર પણ તેમણે કેટલાક સમવિચારીઓ સામે મૂક્યો હતો.

આ લખનારની છાપ એ પણ છે કે તેઓ જે પ્રતિષ્ઠિત 'ઇમેજ' પ્રકાશનગૃહમાં મહત્ત્વની જવાબદારી સંભાળતા હતા તેમાંથી છૂટા પડવાનું કારણ પણ 'ઇમેજ'માં પ્રવેશી રહેલો ભારતીય જનતા પક્ષ, અને એમાંય નરેન્દ્ર મોદી તરફી ઝુકાવ હતો.

ત્યાર બાદ તેમણે પોતાનું 'સ્વમાન પ્રકાશન' શરૂ કર્યું અને તેની ઑફિસ આશ્રમ રોડ પરના સેલ્સ ઇન્ડિયાની પાછળના વિસ્તારમાં રાખી હતી.

દેશમાં વધતાં જતાં દમન, સાંપ્રદાયિકતા, બેરોજગારી, આપખુદશાહી સામે તેઓ સતત વ્યથિત રહેતા. અલબત્ત, તેમની અભિવ્યક્તિ હંમેશાં તેમના કંઈક તીણા અવાજમાં અને સંયત રહેતી. એક વર્ષે ગુજરાત સ્થાપનાદિનની સંધ્યાએ રાજ્ય સરકારે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પર શકિતપ્રદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

એને સમાંતરે કેટલાંક સંગઠનોએ ગૂજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમમાં યોજ્યો હતો. મહેશભાઈ એમાં વક્તવ્ય આપતી વખતે દેશની દુર્દશા અંગે અત્યંત લાગણીવશ થઈ ગયા હતા.

એ કાર્યક્રમમાં તેમણે શેક્સપિયરના યથાર્થ રીતે પ્રસ્તુત નાટક 'જ્યુલિયસ સિઝર'માંથી પોતે અનુવાદિત કરેલાં અંશોનું નિમેષ દેસાઈના નાટ્યવૃંદ થકી, ઐતિહાસિક વેશભૂષા સાથે મંચન કરાવ્યું હતું. ભજવણી માટેનો ખર્ચ મહેશભાઈએ ઉઠાવ્યો હતો.

પ્રગતિશીલ વિચારોના સમર્થક

આવું જ તેમણે સાને ગુરુજીના અમર પુસ્તક 'શ્યામચી આઈ'માંથી ચૂંટેલા પ્રસંગોની ભજવણી વખતે કર્યું હતું. મહેશભાઈએ ખુદના 'સ્વમાન પ્રકાશને' બહાર પાડેલા 'શ્યામચી આઈ'ના અરુણા જાડેજાએ કરેલા અનુવાદના પ્રકાશન સમારંભમાં આ મંચન થયું હતું.

પ્રગતિશીલ વિચારોના કાયમી સમર્થક એવા મહેશભાઈએ 1981 અને 1985 એમ બંને અનામત વિરોધી આંદોલનો વખતે અનામતનીતિનું કાયદાકીય દૃષ્ટિએ અને મનોસામાજિક પૃથક્કરણ કરી તેની તરફેણ કરતી ત્રણ પુસ્તિકાઓ લખી હતી એવી માહિતી જાણીતા સામાજિક વિશ્લેષક ચંદુ મહેરિયા આપે છે.

તેમણે લખેલી 'પરિચય પુસ્તિકા'માં રૅડિકલ રાજકારણી રામ મનોહર લોહિયા પરની પુસ્તિકાનો સમાવેશ થાય છે. તેમણે જુલાઈ 2010માં 'રાઇટ ટુ એજ્યુકેશન'ની વિગતવાર માહિતી આપતું પુસ્તક 'શિક્ષણમાં નવક્રાન્તિનો અવસર' સ્વમાન પ્રકાશનમાંથી બહાર પાડ્યું હતું.

આ પુસ્તકનાં મુખપૃષ્ઠ પરથી તેના મહત્ત્વનો અંદાજ આવતો હતો, કારણ કે પોતાના એક હોદ્દાનો ક્યારેય ઉલ્લેખ નહીં કરનારા મહેશભાઈએ તેમાં લેખક તરીકે પોતાના નામ નીચે લખ્યું હતું : 'પૂર્વ-ન્યાયમૂર્તિ', ગુજરાત રાજ્ય શિક્ષણ ટ્રિબ્યુનલ'.

મહેશભાઈ ઊંઝા જોડણીના પણ સમર્થક હતા. તેમનું સમર્થન કેટલું સક્રિય અને મક્કમ હતું તેનો દાખલો તેમણે જયંત ગાડીતની ગાંધીજી પરની બૃહદ્ નવલ 'સત્ય'નું પ્રકાશન કર્યું તેની પરથી મળે છે.

આ નવલકથા અતુલ ડોડિયાનાં અલગઅલગ આવરણચિત્રો સાથેના ચાર ખંડોના કુલ 1,111 પાનાંમાં છપાયેલી છે. ગાડીતને પુસ્તક ઊંઝા જોડણીમાં જ છપાવવું હતું. પણ એ માટે સંભવત: પ્રકાશકો વૈચારિક/વ્યાપારિક ભૂમિકાએ તૈયાર ન હતા.

મહેશ દવેએ આર્થિક જોખમ લીધું, આગોતરી યોજના જાહેર કરીને 'સત્ય'ના ખંડો પ્રસિદ્ધ કર્યા. નોંધપાત્ર વાત એ છે કે અરૂઢ જોડણીમાં મોટું પુસ્તક બહાર પાડવાના વ્યાવસાયિક કે વૈચારિક સાહસના દાવા કે હિરોઇઝમ તો બાજુ પર, મહેશભાઈએ પ્રકાશક તરીકે નોંધ સુધ્ધાં લખી નથી.

દરેક ખંડના ઊઘડતા શીર્ષક પાનાના છેડે, વચ્ચેના ભાગમાં સ્વમાન પ્રકાશનનું નામ છે અને તેની નીચે એક વાક્ય છે : 'લેખકના સૈદ્ધાંતિક આગ્રહને કારણે સમગ્ર ગ્રંથના ચારે ભાગ એક દીર્ઘ ઈ અને એક હ્રસ્વ ઉવાળી ઊંઝા જોડણીમાં છાપ્યા છે.'

જોકે ગાડીતસાહેબનાં પત્ની મંજુલાબહેનના શબ્દો હૃદયસ્પર્શી છે : 'લેખકને અંતિમ દિવસોમાં પુસ્તકના પ્રકાશનની ચિંતા હતી. પરંતુ પ્રકાશનનો ભાર ઉપાડીને, લેખકને સાંત્વના આપીને મહેશભાઈ દવેએ મોટું કામ કર્યું છે. જેમને ભરોસે માનવી દેહ છોડે એ ભરોસો આપનારાના અમે ખૂબ આભારી છીએ.'

જ્યારે સ્વમાન માટે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું

નખશીખ સદગૃહસ્થ (a thorough gentleman) મહેશભાઈ સાથેનાં વ્યક્તિગત સંભારણાં ભાવુક બનાવે છે. ડૉ. પ્રકાશ આમટેની 'પ્રકાશવાટા' નામની મરાઠી આત્મકથાનો અનુવાદ 'પ્રકાશની પગડંદીઓ'ની પહેલી આવૃત્તિ સ્વમાન પ્રકાશને ઊલટભેર પ્રસિદ્ધ કરી તેનું ઋણ મારી પર છે.

'ઇમેજ' પ્રકાશનના આંબાવાડી ખાતે આવેલા પુસ્તકભંડાર-વત્તા-કાર્યાલયમાં મહેશભાઈ બેસતા. ત્યાં પુસ્તકો, પ્રૂફો, હસ્તપ્રતો, છબિઓની વચ્ચે બેસીને ચા પીતાં પીતાં તેમની સાથે દુનિયાભરની વાતો થતી.

પ્રકાશ આમટેનું મરાઠી પુસ્તક વાંચીને પૂરું કર્યું અને તેના વિશે તરત બીજા જ દિવસે મહેશભાઈને મેં હરખભેર વાત કરતાં કરતાં કહ્યું કે 'મને એમ થાય છે કે આનો અનુવાદ કરી જ નાખું'.

મહેશભાઈ દેશ-દુનિયાની બાબતે એકંદરે મહિતગાર રહેનાર મહેશભાઈ આમટે પરિવારના કામથી પરિચિત હતા જ. એટલે તરત એમણે કહ્યું : 'આપો ત્યારે, આપણે છાપીએ.'

એ વખતે એમણે 'ઇમેજ'ના સમાંતરે હરીફાઈ તરીકે નહીં, પણ સહજભાવે સંપૂર્ણપણે પોતાના હોય તેવા અલાયદા પ્રકાશન તરીકે 'સ્વમાન' નવું શરૂ કર્યું હતું, અને એ બંને પ્રકાશનગૃહો સંભાળતા હોય તેવો ગાળો હતો. એમણે મારી સામે પસંદગી મૂકી.

એ વખતે મારા મહેશભાઈ સાથેના પરિચયને ત્રણ-ચાર વર્ષ થઈ ગયાં હતાં. તેમની પ્રગતિશીલ વિચારસરણી અને સહૃદયતા મને ગમી ગયાં હતાં. એટલે મેં 'ઇમેજ' નહીં પણ 'સ્વમાન' પસંદ કર્યું, ને તે પછી તો તેમણે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું.

હવે વાતો અને અનુવાદ માટેની અમારી બેઠકો સ્વમાનની ઑફિસમાં થતી. મહેશભાઈએ પ્રકાશક તરીકે પોતાનો હાથ સહેજેય ઉપર રાખ્યા વિના લાક્ષણિક ઉમદા વર્તન અને સ્વચ્છ વ્યવહાર સાથે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.

'પ્રકાશની પગદંડીઓ' અનુવાદના પ્રકાશન સમારંભ માટે, મારા નિમંત્રણની માન આપીને, ડૉ પ્રકાશ અને ડૉ. મંદા આમટે આવ્યાં હતાં. તેમનું વિમાનભાડું આપવાની મહેશભાઈએ આગ્રહપૂર્વક તૈયારી બતાવી હતી.

ઊંચી હોટલમાં તેમના નિવાસની વ્યવસ્થા કરવા પણ તેઓ તત્પર હતા. પણ આમટે દંપતીએ અમારા ઘરે અને ગૂજરાત વિદ્યાપીઠના અતિથિગૃહમાં રહેવાનું પસંદ કર્યું. તેમને વિમાનઘર પર આવકારવા મહેશભાઈ મને તેમની મોટરમાં લઈને ગયા હતા એટલું જ નહીં પણ એમણે એમની મોટર ત્રણેક દિવસ માટે ચાલક સહિત આમટે દંપતી માટે આપી દીધી હતી.

'પ્રકાશની પગદંડીઓ' પહેલાંનાં વર્ષોમાં મારી પાસે મહેશભાઈએ 'ઇમેજ'ના 'મારું પ્રિય પુસ્તક', 'ધરતીનો છેડો ઘર', 'મૈત્રીનો સૂર્ય' જેવાં સંપાદનોમાં લેખો લખાવ્યા હતા. એમનાં સમજ અને લેખનકૌશલ હું જાણતો, એટલે એમને મારા લેખો ગમતાં એ બાબત મને શાબાશી સમી લાગતી.

વળી, મારા લેખોમાં કાપકૂપ કરવાની કોઈ ચેષ્ટા એ કરતાં નહીં. માત્ર વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓના પરિચય લેખોના સંચય 'બહુરત્ના વસુંધરા'માં દરેક લેખની શબ્દમર્યાદા નક્કી હતી.

મારે જોતીરાવ ફુલે અને લોકમાન્ય ટિળક વિશે લખવાનું હતું. મેં લગભગ દોઢ ગણા શબ્દોમાં લખ્યું. મને એમ કે ચાલશે. પણ મહેશભાઈએ બહુ પ્રેમથી એ ન ચલાવ્યું.

મારી પાસે બે વખત લખાવ્યું ને પછી થોડું પોતે ટૂંકાવ્યું. એ વખતે મારામાં લેખનશિસ્ત ઓછી હતી. કૉલમ લખવાનું શરૂ થયું ન હતું. જે વિચારપત્રોમાં લખતો તેમનું સ્વરૂપ, સંપાદકોની ઉદારતા અને કંઈક અંશે મારા લખાણની ગુણવત્તાને કારણે મારાં લાંબાં લખાણો છપાતાં.

શબ્દમર્યાદામાં લખવાનો કદાચ પહેલવહેલો પાઠ મહેશભાઈ પાસેથી 'બહુરત્ના' નિમિત્તે મળ્યો.

હું એ પાઠ ભણ્યો તેમાં મારી નમ્રતા કરતાં સંપાદક તરીકે મહેશભાઈની લેખક પાસે કામ લેવાની મિત્રતાભરી કુનેહનો હિસ્સો વધારે હતો.

મહેશભાઈએ મને તેમનાં કેટલાંય પુસ્તકો બહુ ભાવપૂર્વક ભેટ આપ્યાં છે. તે પુસ્તકો વિશે હું લખું એવી કોઈ અપેક્ષા વ્યક્ત ન થઈ જાય તેની તકેદારી રાખવી એ કદાચ તેમના વાગ્મિતા વિનાના સ્વમાની સ્વભાવનો હિસ્સો હતો.

તેમણે મને આપેલું પહેલું ભેટ પુસ્તક એટલે વાર્તાસંગ્રહ 'કેન્દ્રબિંદુ' જેમાંની બધી વાર્તાઓ મને ઘણી તાજગીસભર લાગી હતી. ત્યાર બાદ તેમણે મને અનેક પુસ્તકો ભેટ આપ્યાં. તેમનાં નામ વાંચતાં મહેશભાઈના લેખનના વૈવિધ્યનો પણ નિર્દેશ મળશે.

એ પુસ્તકો છે : રવીન્દ્રનાથનું મૌલિક ગુજરાતી જીવનચરિત્ર 'કવિતાનો સૂર્ય', તેમના જ જીવનને લગતું 'રવીન્દ્ર-ઑકામ્પો પત્રાવલી', કાવ્યાનુવાદોના સંચયો 'અનુરણન' અને 'અનુધ્વની', વિશ્વવિખ્યાત ફ્રેંચ નવલકથા 'લે મિઝરાબ્લ'નો તેમણે 'ગુનેગાર' નામે કરેલો ઠીક ઓછો જાણીતો સંક્ષેપ, 'પાંદડે પાંદડે' સંવેદનકથા શ્રેણીનાં ત્રણ પુસ્તકો અને મુલ્લા નસરુદ્દીન તેમજ પુસ્તકોનાં ગામ હે-ઑન-વાય પરની પરિચયપુસ્તિકાઓ.

મહેશભાઈ વિશ્વનો ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે જેની સામગ્રી 'ગુર્જર' પ્રકાશન પાસે છે એવી માહિતી રમેશ તન્નાએ તેમના અવસાન પછી ટૂંકા ગાળામાં અને વિસ્તારથી લખેલા અંજલિલેખમાં મળી.

થોડાંક વર્ષો પૂર્વે 'મહાભારત'ની કથા પણ તેમણે પોતાની રીતે લખવાની શરૂઆત કરી હતી અને તેનાં કમ્પોઝ કરેલાં પચીસેક પાનાં મને વાંચવા માટે મોકલ્યાં હતાં.

શાબાશી આપનારા અને વસમી મનસ્થિતિમાં નજર સામે રહેનારા વડીલોથી કોવિડને કારણે અનિચ્છાએ દૂર રહેવાનું આવ્યું. તેમાંથી જે હંમેશ માટે દૂર ચાલ્યાં ગયાં તેમાંના એક તે મહેશભાઈ દવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો