ભારતના સામાન્ય બજેટમાં લાલ બૅગનું શું મહત્ત્વ છે? જાણો રસપ્રદ માહિતી

ઇમેજ સ્રોત, Getty Images
સંસદનું નાણાકીય વર્ષ 2024નું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું.
ભારતીય બંધારણ અનુસાર, વાર્ષિક બજેટ સરકારની આવક તથા ખર્ચનો હિસાબ હોય છે. તમામ આર્થિક વર્ગના લોકોને કેન્દ્રીય બજેટ પાસેથી અંગત અપેક્ષાઓ હોય છે, કારણ કે તેઓ આગામી નાણાકીય વર્ષમાં ભાવમાં વધારા-ઘટાડા, કરવેરા, વેરામુક્તિ અને નાણાકીય યોજનાઓ વિશે જાણવા ઉત્સુક હોય છે.
આ વર્ષે રજૂ થનારું બજેટ એ વચગાળાનું બજેટ હશે. વચગાળાનું બજેટ એ ચૂંટણી પહેલાં રજૂ થતું બજેટ છે જે દર વર્ષે રજૂ થતા કેન્દ્રીય બજેટથી અલગ હોય છે.
કેન્દ્રીય બજેટ આખા વર્ષ માટેનું હોય છે જ્યારે વચગાળાનું બજેટ 2થી 4 મહિનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.
વચગાળાના બજેટમાં ગત વર્ષના ખર્ચ અને આવકની માત્ર ઉપરછલ્લી જાણકારી જ હોય છે જ્યારે કેન્દ્રીય બજેટમાં ખર્ચ અને આવકનું વિસ્તૃત વિવરણ હોય છે.
જોકે, અહીં એ ઉલ્લેખનીય છે કે વચગાળાનું બજેટ જાહેર કરવાની કોઈ બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી નથી. સરકાર ઇચ્છે તો વર્ષમાં બે વખત પણ બજેટ રજૂ કરી શકે છે.
આ બજેટ પાછળનો સૈદ્ધાંતિક તર્ક એવો છે કે જ્યારે સરકારનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો હોય ત્યારે તે આવનારા આખા વર્ષ માટે જાહેરાતો કરી શકતી નથી કારણ કે ચૂંટણી પછી કોઈ અન્ય પક્ષની સરકાર પણ બની શકે છે.

કેન્દ્રીય બજેટની કેટલીક સૌથી વધુ રસપ્રદ બાબતો

ઇમેજ સ્રોત, Getty Images
1. બ્રિફકેસમાં બજેટના દસ્તાવેજો સંસદમાં લાવવાની પરંપરા બ્રિટિશરોએ શરૂ કરી હતી. 'બજેટ' શબ્દનો ઉદભવ ફ્રેન્ચ શબ્દ 'Bougette' (બુશેત) પરથી થયો છે. બુશેતનો અર્થ નાનકડી બેગ એવો થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. સૌપ્રથમ ભારતીય બજેટ જેમ્સ વિલ્સન નામના એક સ્કોટિશે 1860ની પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું. તેઓ ઇન્ડિયન વાઇસરોય મૅનેજમૅન્ટ કમિટીના નાણાકીય સભ્ય હતા. તેઓ ધ ઇકૉનોમિસ્ટ અને ચાર્ટર્ડ બૅન્કના સ્થાપક પણ હતા. ચાર્ટર્ડ બૅન્કને 1969માં સ્ટાન્ડર્ડ બૅન્ક સાથે ભેળવી દેવામાં આવી હતી.
3. સ્વતંત્ર ભારતનું સૌપ્રથમ બજેટ તત્કાલીન નાણામંત્રી આર કે શણ્મુગમ ચેટ્ટિયારે 1947ની 26 નવેમ્બરે રજૂ કર્યું હતું. કોઇમ્બતૂરમાં જન્મેલા આર કે શણ્મુગમ ચેટ્ટિયારે જવાહરલાલ નેહરુના પ્રધાનમંડળમાં નાણામંત્રી તરીકે એક વર્ષ કામ કર્યું હતું.
4. ભારતીય સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે કેન્દ્રીય નાણામંત્રી તરીકે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. કૉંગ્રેસના પી ચિદમ્બરમ નવ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.
5. વર્ષ 2000 સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ તે જ વર્ષે બજેટ સંસદમાં રજૂ કરવાનો સમય બદલીને સવારના 11 વાગ્યાનો કર્યો હતો.
6. ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ 2014માં બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે 2.50 મિનિટ સુધી બજેટ ભાષણ કર્યું હતું, જેને બજેટની સૌથી લાંબી રજૂઆત પૈકીનું એક ગણવામાં આવે છે.
7. ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર સૌપ્રથમ મહિલા હતાં. તેઓ વડાં પ્રધાન હતાં ત્યારે તેમણે કામચલાઉ રીતે નાણા મંત્રાલય પણ સંભાળ્યું હતું. નિર્મલા સિતારમણે તેમનું સૌપ્રથમ બજેટ 2019ની પાંચમી જુલાઈએ રજૂ કર્યું હતું અને પૂર્ણકાલીન નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર સૌપ્રથમ મહિલા બન્યાં હતાં.
8. જૂના સમયમાં બજેટની બ્રિફકેસ લાલ રંગની જ રહેતી હતી. 2019માં નિર્મલા સીતારમણે તે પરંપરા તોડી હતી અને બજેટના દસ્તાવેજો સ્વદેશી કપડાની, રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત વહીખાતા બેગ્ઝમાં લાવવાનું શરૂ કર્યું હતું.

હલવા સેરેમની અને પ્રિન્ટિંગની ગુપ્તતા

ઇમેજ સ્રોત, Getty Images
9. નિર્મલા સીતારમણે 2021માં દેશનું સૌપ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. કોરોના મહામારીને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો હતો. બજેટના દસ્તાવેજો કપડાની બેગમાં લાવવાને બદલે નિર્મલા સીતારમણે ભારતમાં નિર્મિત ઈલેક્ટ્રોનિક ટેબ્લેટ પરથી ડિજિટલ બજેટ વાંચી સંભળાવ્યું હતું.
10. તત્કાલીન નાણામંત્રી યશવંતરાવ ચવ્હાણે 1973-74માં 550 કરોડ રૂપિયાના ખાધ સાથેનું બજેટ રજૂ કર્યું હતું, જે ભારત સરકારની એ સમયની સૌથી મોટી ખાધ હતી. 'બ્લૅક બજેટ' તરીકે જાણીતું તે અંદાજપત્ર ભારત-પાકિસ્તાન યુદ્ધ અને નિષ્ફળ ચોમાસા પછી રજૂ કરવામાં આવ્યું હતું.
11. 2017 સુધી દર વર્ષે બે અલગ બજેટ રજૂ કરવામાં આવતાં હતાં. નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરતા હતા, જ્યારે રેલવેમંત્રી રેલવે બજેટ રજૂ કરતા હતા. નરેન્દ્ર મોદી સરકારે કોમન બજેટ પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ કોમન બજેટ તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 2017માં રજૂ કર્યું હતું.
12. તત્કાલીન નાણામંત્રી ટી ટી ક્રિષ્નામાચારીએ 1958માં રાજીનામું આપ્યું ત્યારે જવાહરલાલ નેહરુએ બજેટ રજૂ કર્યું હતું અને તેઓ બજેટ રજૂ કરનાર સૌપ્રથમ વડા પ્રધાન બન્યા હતા. ઇન્દિરા ગાંધીએ 1970માં બજેટ રજૂ કર્યું ત્યારે તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું હતું. તત્કાલીન નાણામંત્રી વી પી સિંહે 1987-88માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.
13. બજેટની રજૂઆતના 10 દિવસ પહેલાં નાણા મંત્રાલયમાં 'હલવા સેરેમની' યોજવામાં આવે છે. તેમાં હલવો બનાવવામાં આવે છે અને પ્રિન્ટિંગ પ્રેસમાં વિતરીત કરવામાં આવે છે. આ પરંપરાગત ઘટના સાથે બજેટની પ્રિન્ટિંગ-પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. બજેટ તૈયાર કરવા સાથે સંકળાયેલા નાણામંત્રી સહિતના તમામ લોકો હલવા સેરેમનીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
14. હલવા સેરેમની પૂર્ણ થાય પછી પ્રિન્ટિંગ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ કર્મચારીઓને નાણા મંત્રાલયની નોર્થ બ્લોક ખાતેની બિલ્ડિંગમાં બંધ કરી દેવામાં આવે છે. તેમનો વિશ્વ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવે છે અને બજેટને છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ કર્મચારીઓને જ્યાં 10 દિવસ રાખવામાં આવે છે તે બિલ્ડિંગના દરવાજા બજેટની સંસદમાં રજૂઆતના દિવસે જ ખુલે છે.
15. જૂના સમયમાં બજેટનું છાપકામ રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા પ્રેસમાં કરવામાં આવતું હતું, પરંતુ 1950માં બજેટની કેટલીક વિગત લીક થઈ ગઈ એ પછી બજેટના પ્રિન્ટિંગનું કામ મિન્ટો રોડ પરના પ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું.
16. બજેટના દસ્તાવેજોનું છાપકામ 1980થી નાણા મંત્રાલયની વહીવટી ઇમારતમાં બનાવવામાં આવેલા ખાસ પ્રિન્ટિંગ પ્રેસમાં જ કરવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













