ગુજરાતમાં એક જ દિવસમાં 5000થી વધુ કેસ, કોરોના આ જ ગતિએ જ વકર્યો તો શું થશે?

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોનાના નવા 5396 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 2281 નોંધાયા છે. જ્યારે સુરતમાં નવા 1350 કેસ નોંધાયા છે. વડોદરામાં 239 અને રાજકોટમાં 203 કેસ નોંધાયા છે.

જોકે, સારી વાત એ છે કે રાજ્યમાં આજે પણ ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી. નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રૉનના કુલ 204 કેસ નોંધાઈ ચૂક્યા છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 18,583 સક્રિય કેસ છે.

નોંધનીય છે કે ગત દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આ પહેલાં ગુરુવારે રાજ્યમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા. એ પહેલાં બુધવારે, મંગળવારે અને સોમવારે કોરોનાના અનુક્રમે 3,350, 2,265 અને 1,259 નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે રિકવરી રેટ પણ દિવસેદિવસે ઘટી રહ્યો છે. ગુરુવારે જે રિકવરી રેટ 97.10 હતો એ શુક્રવારે 96.62 ટકા થઈ ગયો હતો.

રાજ્યમાં કેવાં-કેવાં નિયંત્રણો લાગુ થશે?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં કોરોના સંક્રમણને લઈને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

- રાજ્યનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તેમજ આણંદ અને નડિયાદમાં દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

- દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ સહિત શૉપિંગ સેન્ટર, ગુજરી, હૅર-કટિંગ સલૂન તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- હોટલ-રેસ્ટોરાંને બેઠકક્ષમતા 75 ટકા સાથે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- હોટલ-રેસ્ટોરાંમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- લગ્નપ્રસંગે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા, એટલે કે મહત્તમ 400 વ્યક્તિઓને મંજૂરી અપાઈ છે.

- તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિ, પરંતુ બંધ સ્થળોએ 50 ટકા ક્ષમતા સાથે વ્યક્તિઓ એકઠા થઈ શકશે.

- અંતિમવિધિ-દફનવિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી.

- સિનેમાહૉલમાં બેઠકક્ષમતા 50 ટકાથી ચાલુ રખાશે.

- રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઑફલાઇન શિક્ષણ 31-1-2022 સુધી બંધ રહેશે. માત્ર ઑનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.

આ વખતે બીજી લહેર કરતાં પણ વધારે કેસ આવશે?

ગુજરાત અને દેશમાં વધી રહેલા કોરોનાને જોતા કેવી સ્થિતિ સર્જાઈ શકે એ જાણવાનો પ્રયાસ કરતાં બીબીસી ગુજરાતીએ ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર સાથે વાત કરી.

ડૉ. માવળંકરે જણાવ્યું, "આ વખતે બીજી લહેરથી ત્રણ-ચાર ગણા કેસો વધશે એવું લાગી રહ્યું છે. ભારતમાં દૈનિક કેસનો આંકડો એક લાખ ઉપર પહોંચી ગયો છે. બીજી લહેરમાં આ આંક મહત્તમ ચાર લાખ થયો હતો."

તેમણે ઉમેર્યું હતું, "ગુજરાતમાં હૉસ્પિટલની જે તૈયારી કરવી જોઈએ એ ઘણીબધી તૈયારી સરકારે કરી છે અને હજુ કરી રહી છે. ડેટાનું પબ્લિક હેલ્થની દ્રષ્ટિએ વિશ્લેષણ થવું જોઈએ. કેસો માત્ર શહેરો જ નહી, કયા વિસ્તારોમાં વધી રહ્યા છે અને કઈ રીતે તેનું ટ્રાન્સમિશન થઈ રહ્યુ છે એ જોવું જોઈએ.

કોરોનાને અંકુશમાં લેવા માટે તેમણે 'લૉકડાઉન, રાત્રિકર્ફ્યુ વગેરે સિવાય પણ આવી કવાયતો' કરવાની વાત કરી હતી

ભારતમાં એક જ દિવસમાં 1,17,000 કોરોના કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના એક લાખથી વધારે કેસ નોંધાયા છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ ગેબ્રેસિયસ કહ્યું છે કે ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દુનિયાભરની આરોગ્યસેવાઓ પર ભાર વધી રહ્યો છે.

તેમણે પ્રેસ સાથેની એક વાતચીતમાં ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કારણે બીમાર થયેલા લોકો ડેલ્ટાથી સંક્રમિત દરદીઓ કરતાં ઓછા બીમાર દેખાઈ રહ્યા છે પણ આને હળવેથી ન લેવું જોઈએ.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,17,100 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 30,836 દરદીઓ રિકવર થયા છે.

છેલ્લા 24 કલાકમાં 302 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં હાલમાં 3,71,363 ઍક્ટિવ કેસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો