સી-130 સુપરજેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાયુસેનાના વિમાનમાં આવ્યા, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લૅન્ડિંગ -BBC TOP NEWS
નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્તર પ્રદેશ પહોંચી ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુદળના વિશિષ્ટ હર્ક્યુલસ વિમાનમાં સુલતાનપુર જિલ્લાના કરવાલ ખેડી પહોંચ્યા છે.
આ યાત્રા દરમિયાન તેઓ 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્પ્રેસનું ઉદ્ઘાટન કરશે.
આ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવાઈ રહી છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ તથા નાયબ મુખ્ય મંત્રી તથા મંત્રીમંડળના અન્ય પ્રધાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

ઇમેજ સ્રોત, Ani
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી બાજુ, પૂર્વાંચલ એક્સપ્રેસના ઉદ્ઘાટન પહેલાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તેની ઉપર સાયકલયાત્રા કરી હતી.
પાર્ટીનું કહેવું છે કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા અખિલેશ યાદવના કાર્યકાળમાં શરૂ થયેલાં કામોનું શ્રેય ચોરવાનો પ્રયાસ થઈ કહ્યો છે.
અખિલેશે કહ્યું, 'રિબિન લખનઉથી અને કાતર નવી દિલ્હીથી આવ્યાં.'

અમદાવાદમાં નૉન-વેજની લારીઓ પર કાર્યવાહી

ઇમેજ સ્રોત, Tim Graham
રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં નૉન વેજ ફૂડના સ્ટૉલ્સને હઠાવવાની કાર્યવાહી બાદ અમદાવાદ ચોથું શહેર બની ગયું છે, જ્યાં મ્યુનિસિપલ કૉર્પોરેશને જાહેરમાં નૉન-વેજ ફૂડ વેચતી લારીઓને હઠાવવાનો નિણય લેવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'રાજ્ય સરકારને લોકો જે પણ ખાય છે તેને લઈને કોઈ વાંધો નથી.'
મંગળવારે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે ઈંડાં તથા નૉનવેજનું વેચાણ કરતા લોકોએ વિરોધપ્રદર્શન કર્યાં હતાં. ત્યારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે કૅમેરાપર્સન પવન જ્યસ્વાલ સાથે તેમની સાથે વાત કરી હતી.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
ઓઢવ વિસ્તારમાં મચ્છી ફ્રાય તથા ઈંડાં ખીમાનો ધંધો કરતા મીનાબહેન સુરેશભાઈ પટણીના કહેવા પ્રમાણે, "લૉકડાઉનમાં માંડ-માંડ બે વર્ષ કાઢ્યા, હવે ધંધો ફરી સેટ થયો છે. સાહેબ અમને ધંધો નહીં કરવા દે તો અમે છોકરા કેવી રીતે જીવાડવાના? ધંધો નહીં હોય તો અમારે આત્મહત્યા કરવાનો દિવસ આવશે."
મીનાબહેનનું કહેવું છે કે તેમની લારી 27 વર્ષથી અહીં ઊભી રહે છે.
લારી-ગલ્લા પાથરણાં સંઘના વડા રાકેશભાઈ મહેરિયાએ બીબીસી સાથે વાત કરતા દાવો કર્યો કે, "કૉર્પોરેશન દ્વારા આવો કોઈ પરિપત્ર કાઢવામાં નથી આવ્યો અને અમારા જીવન જીવવાના અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. વસ્ત્રાપુર તથા અન્ય વિસ્તારોમાંથી નૉનવેજ સિવાયની પણ નાસ્તાની લારીઓને હઠાવવામાં આવી રહી છે. "
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બનેલા કાયદાનો અમલ કરવામાં આવે તથા હૉકર્સ ઝોનમાં લારીગલ્લા અને પાથરણાંવાળાઓને સ્થાન આપવામાં આવે. એ પછી જો કોઈ અડચણકર્તા લારીગલ્લા હોય તો તેને હઠાવવામાં આવે.
મહેરિયાના કહેવા પ્રમાણે, સવા લાખ લારીગલ્લાવાળા છે, જેમાંથી પાંચ હજાર આ વ્યવસાય સાથે જોડાયેલા છે.
દેખાવકારોના હાથમાં 'લારી-ગલ્લાવાળા પર અત્યાચાર બંધ કરો', 'હૉકિંગ ઝોન માટે જગ્યા ફાળવો', 'લૅન્ડ-ગ્રૅબિંગના આરોપો ઉપર માફી માગો' તથા 'સ્ટ્રીટ વૅન્ડર્સ ઍક્ટનો અમલ કરો' વગેરે જેવાં પ્લેકાર્ડ હતાં.

હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરી, 'પાંચ કરોડની નહીં ઘડિયાળ 1.5 કરોડની હતી'

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઍરપોર્ટ પરથી તેમની પાસેથી પાંચ કરોડની બે ઘડિયાળ મળી હોવાના દાવાને ફગાવ્યો છે.
એનડીટીવીના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે દુબઈથી પરત ફરતા તેમની પાસેથી માત્ર દોઢ કરોડની ઘડિયાળને તેની કિંમતના સાચા આકલન માટે લેવામાં આવી.
મંગળવારે સમાચાર સંસ્થા એએનઆઈએ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા પાસેથી કસ્ટમ વિભાગે બે ઘડિયાળ રવિવારે રાત્રે જપ્ત કરી હતી કારણ કે હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળોના બિલ નહોતાં.
ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું જાતે મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ વિભાગના કાઉન્ટર પર મારા દ્વારા લાવવામાં આવેલી વસ્તુઓનું ડિક્લેરેશન કરવા અને જરૂરી કસ્ટમ ડ્યુટી ભરવા માટે ગયો હતો. સોશિયલ મીડિયા પર મારા ડિક્લેરેશન અંગે ખોટી વાતો ફેલાઈ રહી છે, હું આ અંગે સ્પષ્ટતા કરવા માગું છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે આગળ લખ્યું છે કે મેં દુબઈથી કાયદેસર ખરીદેલી વસ્તુઓના ડિક્લેરેશન માટે જાતે જ કસ્ટમ વિભાગ પાસે હું ગયો હતો અને જરૂરી ડ્યુટી ભરવા માટે તૈયાર હતો. કસ્ટમ વિભાગે ખરીદીના બધા દસ્તાવેજ માગ્યા હતા જે રજૂ કરવામાં આવ્યા હતા, કસ્ટમ વિભાગ વસ્તુઓની કિંમતનું આકલન કરે છે જેથી યોગ્ય ડ્યુટી નક્કી કરી શકાય, અને મેં ડ્યુટી ભરવાની તૈયારી પહેલાં બતાવી છે.

ગુજરાત: 100થી વધુ આદિવાસીઓના ઇસ્લામમાં ધર્માંતરણના આરોપમાં નવ લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, Raquel Maria Carbonell Pagola/Getty
ગુજરાતના ભરૂચ જિલ્લામાં 'વસાવા હિંદુ'ના 37 પરિવારોના 100થી વધુ લોકોને નાણાં તથા અન્ય વસ્તુઓની લાલચ આપીને ઇસ્લામમાં ધર્માંતરણ કરવાના આરોપનાં પગલે પોલીસે નવ શખ્સોની ધરપકડ કરી છે.
એનડીટીવીના આરોપ મુજબ, મોટાભાગના આરોપીઓ સ્થાનિક છે, જેમણે કથિત રીતે લોકોની ગરીબી તથા અજ્ઞાનતાનો લાભ લીધો હતો. એક આરોપી ફેફડાવાલા હાજી અબ્દુલ, મૂળ ભરૂચના છે, પરંતુ હાલમાં લંડનમાં સ્થાયી થયા છે. તેમણે નાણાકીય વ્યવસ્થા કરી હોવાનું કહેવાય છે.
આરોપીઓની સામે ગુજરાત ફ્રિડમ ઑફ રિલિજિયન (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 120 (બી) ગુનાહિત કાવતરું, 153 (બી) (સી) કોમી સૌહાર્દ બગાડવાનું કૃત્ય, 506 (2) ગુનાહિત ઉશ્કેરણી જેવી કલમો લગાડવામાં આવી છે.

'ગુજરાત નાર્કોટિક્સનું હબ બની ગયું છે?'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત એટીએસે કાર્યવાહી કરતા મોરબીમાંથી નશાકારક પદાર્થનો લગભગ 120 કિલોગ્રામનો જથ્થો ઝડપયો હતો. જેના પછી મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.
નવાબ મલિકને ટાંકતા અખબાર ડેક્કન હેરાલ્ડ લખે છે, 'ગુજરાતમાં એક પછી એક ડ્રગ્સની ખેપ પકડાય રહી છે, ત્યારે શું ગુજરાત નાર્કોટિક્સનું હબ બની ગયું છે? ગોવામાં રશિયનો કેવી રીતે ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યા છે?' યોગાનુયોગ બંને ભાજપશાસિત રાજ્યો છે.
મલિકે આરોપ મૂક્યો હતો કે શાહરુખખાનના પુત્ર આર્યન ખાનની સાથે સંકળાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસના અનેક આરોપીઓ વારંવાર ગુજરાત અને અમદાવાદની મુલાકાત લેતા હતા અને ત્યાંની ફાઇવ-સ્ટાર હોટલોમાં ઉતરતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્કવૉડ દ્વારા વર્ષ 2016થી રૂ. 1900 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, જેમાંથી રૂ. 900 કરોડનું ડ્રગ્સ ચાલુ વર્ષ દરમિયાન ઝડપી લેવામાં આવ્યું છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ અરસામાં બે હજાર 242 કિલોગ્રામ નશાકારક પદાર્થો ઝડપાયા હતા, જેમાં હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમડી, મૅન્ડ્રેક્સ વગેરેનો સમાવેશ થાય છે.
સોમવારની કાર્યવાહી પછી એટીએસે દાવો કર્યો હતો કે પાકિસ્તાનસ્થિત ડ્રગ્સ સિન્ડિકેટ ગુજરાતના લાંબા દરિયાકિનારાનો ઉપયોગ કરીને વિદેશમાં તથા ભારતમાં ડ્રગ્સ ધકેલવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ એટીએસ, કોસ્ટગાર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય છે.
ગત વર્ષે એટીએસે રૂ. 177 કરોડનું, 2019માં રૂ. 526 કરોડનું, વર્ષ 2018માં રૂ. 14 કરોડનું, વર્ષ 2016માં રૂ. 303 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું હતું, જોકે વર્ષ 2017માં કોઈ રિકવરી થઈ ન હતી.

બાઇડન અને જિનપિંગ વચ્ચે મુલાકાત

ઇમેજ સ્રોત, PAUL J. RICHARDS
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ફેસ-ટુ-ફેસ વર્ચ્યુઅલ મીટિંગ શરૂ થઈ ગઈ છે. જેમાં જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિને 'જૂના મિત્ર' ગણાવ્યા હતા.
જિનપિંગે કહ્યું કે બંને દેશો વચ્ચે 'સંવાદ' તથા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે 'સહકાર' વધારવાની જરૂર છે. જાન્યુઆ મહિનામાં બાઇડને પદભાર સંભાળ્યો તે પછી બંને દેશ વચ્ચે આ સૌથી મોટી વાતચીત છે.
ચીન અને અમેરિકાની વચ્ચે તાઇવાન મોટો મુદ્દો છે. ચીન તેને પોતાના ભાગરૂપ માને છે, જ્યારે તાઇવાન ખુદને સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે. અમેરિકાએ તેની સુરક્ષા કરવાની વાત કહી છે.
બંને દેશો વચ્ચે તાઇવન, વેપાર તથા માનવ અધિકાર સહિતના મુદ્દે વાતચીત ઍજન્ડા પર છે.

રશિયા દ્વારા ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ

ઇમેજ સ્રોત, Mikhail Metzel
રશિયા દ્વારા જમીનથી લગભગ 420 કિલોમિટરની ઊંચાઈએ કૉસમોસ-1408 નામના પોતાના જ વર્ષ 1982માં લૉન્ચ થયેલા સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યું છે.
આને કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે રહેલા ચાર અમેરિકન, એક જર્મન તથા બે રશિયન વિજ્ઞાનીઓએ સોયુઝ યાનમાં આશરો લેવો પડ્યો હતો. સેટેલાઇટને કારણે લગભગ 1500 ટુકડા પેદા થયા છે, જે અવકાશમાં સેટેલાઇટ લૉન્ચ સમયે સંકટ ઊભું કરી શકે છે
રશિયાની સ્પેસ એજન્સી રોસકૉસમૉસના કહેવા પ્રમાણે, આઈએસએસના વિજ્ઞાનીઓએ જે કંઈ કર્યું, તે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક 'ગ્રીન ઝોન'માં છે.
અમેરિકાએ આ પરીક્ષણને 'ભયાનક તથા બેજવાબદારીપૂર્ણ' ગણાવ્યું છે. અમેરિકા, રશિયા, ચીન ઉપરાંત ભારત આ પ્રકારની ટેકનૉલૉજી ધરાવે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












