You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા ગાંધીનો CWC બેઠકમાં અસંતુષ્ટોને જવાબ, 'હું જ કૉંગ્રેસની પૂર્ણકાલીન અધ્યક્ષ'
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ પૂર્ણકાલીન અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, "જો તમે મને કહેવા દો તો હું કૉંગ્રેસની પૂર્ણકાલીન અધ્યક્ષ છું. મારી સાથે મીડિયા થકી વાત કરવાની જરૂર નથી."
નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ કાર્યાલયમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, આગામી વર્ષે યોજાનારી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પહેલાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી.
સમાચાર એજન્સી ANI અનુસાર સોનિયા ગાંધીએ બેઠકમાં સંગઠનની ચૂંટણી મુદ્દે વાત કરતાં જણાવ્યું કે, "સમગ્ર સંગઠન કૉંગ્રેસનું પુનરુત્થાન ઇચ્છે છે, પરંતુ આ માટે એકતા અને પક્ષનાં હિતોને સર્વોપરી રાખવા જરૂરી છે. તેના માટે આત્મનિયંત્રણ અને શિસ્તની જરૂર છે."
સોનિયા ગાંધીએ જણાવ્યું કે, "ચૂંટણીના કાર્યક્રમને સંગઠનાત્મક ઓપ આપી દેવાયો છે."
એજન્સીએ સૂત્રોને ટાંકીને માહિતી આપતાં કહ્યું કે, અશોક ગહેલોતે CWCની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે રાહુલ ગાંધીએ કૉંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ. જેને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો.
પાર્ટીના આંતરિક વિવેચકો, ખાસ કરીને જી-23 પર પરોક્ષ રીતે કટાક્ષ કરતાં ગાંધીએ કહ્યું કે, "મીડિયા થકી મારી સાથે વાત કરવાની જરૂર નથી."
"આપણે બધાં મુક્ત અને પ્રમાણિક ચર્ચા કરીએ, પરંતુ આ રૂમની બહાર શું વાત થવી જોઈએ તે કૉંગ્રેસ વર્કિંગ કમિટીનો સામૂહિક નિર્ણય હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી વિધાનસભાની ચૂંટણીની ચર્ચા
આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "કૉંગ્રેસની તૈયારી થોડા સમય પહેલાં જ શરૂ થઈ ગઈ હતી."
"બેશક, આપણે ઘણા પડકારોનો સામનો કરીએ છીએ; પરંતુ જો આપણે એક થઈએ, આપણે શિસ્તબદ્ધ હોઈએ અને આપણે પક્ષનાં હિતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મને વિશ્વાસ છે કે આપણે સારું પ્રદર્શન કરીશું."
ANIએ ટ્વીટ કરીને જણાવ્યું કે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, "અમને સોનિયા ગાંધી પર વિશ્વાસ છે અને કોઈ પણ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યું નથી."
વધુ એક ટ્વીટમાં એએનઆઈએ જણાવ્યું કે, કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સપ્ટેમ્બર 2022માં થઈ શકે છે.
શિવરાજસિંહ ચૌહાણે શું કહ્યું?
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કૉંગ્રેસમાં કશું નથી, છતાં મુખ્ય મંત્રીને હઠાવવાનો નિર્ણય લે છે.
તેમણે કહ્યું કે, "દુનિયામાં એવી કોઈ પાર્ટી જોઈ છે, જેના અધ્યક્ષ જ ના હોય? સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે. પંજાબની સરકાર સારી રીતે ચાલી રહી હતી, તો તેને ડુબાડી દીધી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો