આર્યન ખાન કેસથી ચર્ચામાં આવેલા સમીર વાનખેડે કોણ છે?
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી મરાઠી
આર્યન ખાનના કેસમાં નવા વળાંક આવી રહ્યા છે અને એનસીબીના અધિકારીઓ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં એનસીબીના સમીર વાનખેડેનું નામ પણ સામેલ છે.
આ કેસમાં રાજકીય કડીઓ જોડાતી ગઈ, એ પછી સમગ્ર મામલો ભારે વિવાદાસ્પદ બન્યો છે. આ વિવાદના કેન્દ્રમાં છે એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે.

ઇમેજ સ્રોત, ANI
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એનસીબીએ મુંબઈમાં બોલીવૂડમાં પ્રસરેલા ડ્રગ રૅકેટ સામે પોતાની કાર્યવાહી તેજ કરી છે.
તેના કારણે આક્ષેપો થવા લાગ્યા છે કે વાનખેડે પ્રસિદ્ધ થવાના મોહમાં ફિલ્મદુનિયાના સીતારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે.
જોકે સમીર વાનખેડે માટે આ પ્રકારના વિવાદો કોઈ નવી વાત નથી.
મુંબઈ ઍરપૉર્ટ પર તેઓ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યારે પણ તેમણે બોલીવૂડના કેટલાક જાણીતા લોકો સામે કાર્યવાહી કરી હતી.

કોણ છે સમીર વાનખેડે?

ઇમેજ સ્રોત, Twitter
મૂળ મહારાષ્ટ્રના જ સમીર વાનખેડે 2008ની બેચના ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસ (આઈઆરએસ) અધિકારી છે.
આઈઆરએસ બનતા પહેલાં વાનખેડે 2006માં સૅન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશન (સીપીઓ)માં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ટેલિજન્સ બ્યૂરો, સીબીઆઈ, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તથા અન્ય કેટલાક વિભાગો સીપીઓ હેઠળ આવે છે.
સમીર વાનખેડેના પિતા પણ પોલીસ અધિકારી હતા તેમ જણાવવામાં આવે છે.
આઈઆરએસ બન્યા પછી વાનખેડેની નિમણૂક કસ્ટમ વિભાગમાં થઈ હતી. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તેઓ આસિસ્ટન્ટ કમિશનર (કસ્ટમ્સ) તરીકે ફરજ બજાવતા હતા.
આ ઉપરાંત તેમણે ત્રાસવાદી પ્રવૃત્તિઓ અંગેના કેસોમાં તપાસ કરતી ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ તથા એનઆઈએમાં પણ કામ કર્યું છે.
2020માં તેમની નિમણૂક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ ડિરેક્ટર તરીકે થઈ હતી.
કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી તેમને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન માટેનો ઍવૉર્ડ પણ મળેલો છે.

બોલીવૂડમાં કેફી દ્રવ્યોની બોલબાલા અને એનસીબીની કામગીરી

ઇમેજ સ્રોત, ANI
બોલીવૂડમાં ચાલતા ડ્રગ રૅકેટને ખુલ્લું પાડ્યું ત્યારે પ્રથમ વાર સમીર વાનખેડે પ્રસિદ્ધિમાં આવ્યા હતા.
અભિનેતા સુષાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવૂડમાં ચાલતા કેફી દ્રવ્યોના રૅકેટનો મામલો ચર્ચામાં આવ્યો હતો અને તેથી તેની તપાસ એનસીબીએ શરૂ કરી હતી.
ફિલ્મોની દુનિયામાં નશીલા પદાર્થોના વ્યાપક ઉપયોગની ચર્ચાઓ વચ્ચે સુષાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ પર ડ્રગની હેરફેર કરવાનો પણ આરોપ મુકાયો હતો.
એનસીબી મુંબઈએ રિયા ચક્રવર્તિની ધરપકડ કરી હતી અને તે પછી સમીર વાનખેડેએ કેફી દ્રવ્યો અંગેની તપાસ બોલીવૂડ પર કેન્દ્રીત કરી હતી.
એનસીબીએ દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. હાસ્ય કલાકાર ભારતીસિંહની પણ ડ્રગ લેવાના આરોપમાં ધરપકડ થઈ હતી.
એનસીબીએ અભિનેતા અર્જૂન રામપાલની પણ તપાસ કરી હતી અને ટીવી સિરિયલોમાં કામ કરતાં અભિનેત્રી પ્રતીકા ચૌહાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષ દરમિયાન એનસીબીની મુંબઈ ઝોનલ ઓફિસે નશીલા પદાર્થોની હેરફેર તથા ઉપયોગના મામલમાં ઘણી કાર્યવાહી કરી હતી.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા અને મંત્રી નવાબ મલીકના જમાઈની પણ આવા જ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
સમીર વાનખેડેએ એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ વર્ષે મુંબઈમાંથી 94 કેસ થયા છે, જ્યારે ગોવામાં 12 કેસ થયા છે. આ કાર્યવાહી દરમિયાન એનસીબીએ નશીલા પદાર્થોની હેરફેર કરનારી 12 મોટી ગૅન્ગને પકડી પાડી છે."
આ બધા વચ્ચે આક્ષેપો થવા લાગ્યા છે કે સમીર વાનખેડે પ્રસિદ્ધિ માટે બોલીવૂડના લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

વાનખેડે અને વિવાદો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સમીર વાનખેડે અગાઉ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર કસ્ટમ ડિપાર્ટમૅન્ટમાં કામ કરતા હતા ત્યારે પણ તેમણે બોલીવૂડના જાણીતા લોકોને ટાર્ગેટ કર્યા હોવાના આરોપ લાગ્યા હતા.
કસ્ટમ-ડયૂટી છુપાવવાના મામલે તેમણે હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ સામે કાર્યવાહી કરી હતી.
કસ્ટમ-ડયૂટી ન ભરવાના મામલે સમીર વાનખેડેએ મીનિષા લાંબા અને ગાયક મિકાસિંહને દંડ ફટકાર્યો હતો.
2011માં વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ પરત ફરી ત્યારે તેની વિજેતાની ટ્રૉફી માટેની ડ્યૂટી ભર્યા પછી જ તેને મુંબઈ ઍરપૉર્ટની બહાર લઈ જવાની મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.
ટ્રૉફી સોનાની બનેલી હતી એટલે તેના પર કસ્ટમ-ડ્યૂટી માગવામાં આવી હતી. તે વખતે કસ્ટમમાં સમીર વાનખેડે કામ કરતા હતા.
સમીર વાનખેડેએ જાણીતી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યાં છે. ક્રાંતિએ ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આર્યન ખાનની ધરપકડ પછી વાનખેડે સામે ઘણા આક્ષેપો થયા છે. આ બધા વચ્ચે ક્રાંતિ રેડકરે એનસીબીની પ્રસંશા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












