'સોશિયલ મીડિયા પોસ્ટના આધારે પણ અટકાયત', ગુજરાતમાં ભારત બંધને નિષ્ફળ કરવા ખેડૂતોને કઈ રીતે અટકાવાયા?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

રાજકોટના ખેડૂત હેમંતભાઈ વીરડાની રાજકોટ પોલીસે સોમવાર વહેલી સવારે અટકાયત કરીને આખો દિવસ તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.

હેમંતભાઈના જણાવ્યા અનુસાર તેમનો વાંક માત્ર એટલો હતો કે તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધને સમર્થન આપવા માટે કાર્ટૂન બનાવી લોકો સુધી પોતાની વાત પહોંચાડી હતી.

હેમંતભાઈની જેમ ઘણા ખેડૂત આગેવાનો અને ખેડૂતોને રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં અટકાયત કરીને રાખવામાં આવ્યા હતા.

એમ છતાં ખેડૂત નેતાઓનો દાવો છે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ભારત બંધને સારું સમર્થન મળ્યું હતું. જોકે, ગામ્ય વિસ્તારોમાં પણ પ્રદર્શન કરવા નીકળેલા ખેડૂતોની પોલીસે તત્કાલ અટકાયત કરી લીધી હતી.

લક્ષ્મીબહેન મહેરિયા ખેતી કરે છે. સોમવારે સવારે આશરે 11 વાગ્યાથી ધોળકા પોલીસ સ્ટેશનમાં અન્ય ત્રણ ખેડૂત આગેવાનો સાથે તેમને અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં.

ધોળકા વિસ્તારના ખેડૂતો સાથે મળીને તેમણે અમદાવાદ-ધોળકા ધોરીમાર્ગને લગભગ પંદરેક મિનિટ માટે બ્લૉક કરી કરી દીધો હતો.

જોકે, એટલામાં જ પોલીસ આવી પહોંચી હતી અને તેમની અટકાયત કરી લેવાઈ હતી.

ધોળકાની જેમ જ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનાં નાનાં અને અલ્પ સમય માટે ભારત બંધના એલાનને સમર્થન આપતાં પ્રદર્શનો થયાં હતાં. બીબીસી ગુજરાતીએ એ વિવિધ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી.

લક્ષ્મીબહેન મહેરિયા પાસે બે એકર જેટલી જમીન છે અને તેઓ માને છે કે આવનારા સમયમાં આ જમીન કોઈ ઉપયોગમાં નહીં આવે, કેમ કે કે ખેડૂતો માટેના નવા કાયદા પ્રમાણે તેઓ વધુ ખેતી નહીં કરી શકે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "અમે સોમવારે સવારે સાડા દસની આસપાસ સરોડા ગામ પાસે એકઠાં થયાં હતાં અને ભારત બંધના સમર્થન માટે રસ્તો બ્લૉક કરી દીધો હતો. ગુજરાતમાંથી અમે તમામ લોકો, ખાસ કરીને મહિલાઓ ખેડૂત આંદોલનને સમર્થન આપવા ઇચ્છીએ છીએ. "

સોમવારે અટકાયત કરી લેવાઈ હોવા છતાં પણ આગળ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન કરતાં રહેશે, એવું લક્ષ્મીબહેનનું કહેવું છે.

સોશિયલ મીડિયા પર સમર્થન આપ્યું તો અટકાયત થઈ

પ્રદર્શન દરમિયાન લક્ષ્મીબહેન સાથે અન્ય ખેડૂત મહિલાઓ પણ હતી. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે એ મહિલાઓને સાંજ સુધી પોલીસે અટકાયતમાં રાખી હતી.

ધોળકામાં ખેતી કરતા અશ્વિનભાઈ મહેશ્વરીની પણ પોલીસે ભારત બંધને સમર્થન આપવા બદલ અટકાયત કરી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે નવા કાયદાઓને પગલે તેમની હાલત દયનીય થઈ ગઈ છે. એપીએમસીની સ્થિતિ ખરાબ છે અને ગમે ત્યારે બંધ થઈ શકે છે.

અશ્વિનભાઈએ કહ્યું, "એપીએમસી જેવી સંસ્થાઓને કારણે જ ખેડૂતો બચેલા છે, નહીંતર અમારે મોટી કંપનીઓના ભરોસે રહેવું પડશે."

સોશિયલ મીડિયા પોસ્ટ થકી ભારત બંધને સમર્થન આપનારા અને બાદ અટકાયતમાં લઈ લેવાયેલા હેમંતભાઈ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાતચીત કરી.

હેમંતભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સોમવારે વહેલી સવારે પોલીસ મારા ઘરે આવી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આખો દિવસ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો."

ભારતના નકશા પર એક દરવાજો અને તેના ઉપર હળના સ્વરૂપનું તાળું દર્શાવતી એક પોસ્ટ તેમણે કરી હતી.

હેમંતભાઈએ ઉમેર્યું, "મારી એક બીજી પોસ્ટમાં મેં લખ્યુ હતું કે ઑર્ગૅનિક ફૂડ જોઈતું હોય તો ખેડૂતોનું સમર્થન કરવું જ પડશે અને તે પોસ્ટને કારણે મારી અટકાયત કરવામાં આવી હતી."

ગુજરાતના ખેડૂત નેતાઓનું શું કહેવું છે?

આ દરમિયાન અમુક ખેડૂત આગેવાનોને પોલીસે રવિવારથી તેમનાં જ ઘરોમાં નજરકેદ કરી દીધા હતા. જેમાં ચેતનભાઈ ગડિયા જેવા લોકોનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મને નજરકેદ કરવામાં આવ્યો હોય એવો વર્ષનો આ 50મો દિવસ હતો. હું જાન્યુઆરીમાં દિલ્હી ખાતે ખેડૂત આદોલનમાં હાજર હતો અને ત્યારથી જ રાજ્યની પોલીસ મારા પર એક બાદ એક કેસ કરી રહી છે અને મને હેરાન કરી રહી છે."

તેમણે જણાવ્યું કે રવિવારની સાંજે પોલીસ તેમના ઘરે આવી હતી અને આખી રાત તેમના ઘરની બહાર પહેરો ભર્યો હતો.

"હુ જ્યાં જઉં ત્યાં પોલીસ મારી સાથે જ રહે છે અને તેમને કંઈ પણ શંકાસ્પદ જણાય તો મારી ઝીણવટપૂર્ણ તપાસ કરવામાં આવે છે."

ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ 25 સપ્ટેમ્બરે ખેડૂતો અને વિવિધ બિનસરકારી સંગઠનો તથા બીજી સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળીને ગુજરાતમાં ભારત બંધ સફળ રહે એ માટે પ્રયાસો કર્યા હતા.

જોકે, કેટલાય ખેડૂત આગેવાનો તેમજ કર્મશીલોની પોલીસે અકટાયત કરી લીધી હતી, જેના કારણે ગુજરાતમાં ભારત બંધને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો.

આ વિશે વાત કરતાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ કહ્યું, "પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી, અનેક નેતાઓને નજરકેદ કર્યા હતા, પરંતુ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ બંધ પાળીને આંદોલનનું સમર્થન કર્યું હતું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો