જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર શું નિર્ણય લેવાયો? TOP NEWS

20 મહિના બાદ લખનૌ ખાતે મળેલ GST કાઉન્સિલની ફિઝિકલ બેઠકમાં પેટ્રોલ-ડીઝલને સમગ્ર દેશમાં GST અંતર્ગત આવરી લેવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કારણે તેને GST અંતર્ગત આવરી લેવાની માગણી થઈ રહી હતી. આ નિર્ણયથી રાજ્યો દ્વારા લદાતા અન્ય કરવેરા નાબૂદ કરી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકે તેવી દલીલ કરાઈ હતી.

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મિટિંગની અધ્યક્ષતા કરી હતી.

ઉત્તર પ્રદેશના નાણામંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવાને લઈને બેઠકમાં કોઈ નિર્ણય નથી થઈ શક્યો. આ પહેલાં દિલ્હીના રાજ્ય નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને GSTમાં આવરી લેવા માટે આ સમય અનુકૂળ નથી, કારણ કે તેની કરની આવક પર ભારે અસર પડી શકે છે. તે અંગે વિચાર કરવાની જરૂર છે.

ઝોલોજેન્સ્મા અને વિલેટેસ્ટો જેવી આયાત કરી શકાય તેવી મોંઘી જીવનરક્ષક દવાઓને હાલ GSTમાં નથી આવરાઈ. આ દવાઓનો ઉપયોગ કોવિડ-19ના ઇલાજ માટે નથી થતો.

કોવિડના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી દવાઓ સહિત કેટલીક દવાઓ પર GSTમાં અપાયેલી છૂટને 31 ડિસેમ્બર સુધી વધારાઈ છે. પહેલાં આ છૂટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ છૂટ માત્ર રેમડેસિવિર પર લાગુ થશે, ના કે મેડિકલ ઉપકરણો પર. સાથે જ કૅન્સરના ઇલાજમાં ઉપયોગમાં લેવાનાર દવાઓ પર લાગતા GSTને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે.

ગાડીઓ અને રેલગાડીઓના કેટલાક ભાગો પર લાગનાર 12 ટકા GSTને વધારીને 18 ટકા કરાશે.

PM મોદીના જન્મદિને 9 કલાકમાં 2 કરોડ લોકોનું રસીકરણ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દાવો કર્યો છે કે ગત નવ કલાક દરમિયાન ભારતમાં બે કરોડ કરતાં વધુ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી હતી.

કોરોના વિશે માહિતી આપતા સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર આ વિશે જાહેરાત કરતાં લખવામાં આવ્યું, "ભારતે આજે નવ કલાક કરતાં ઓછા સમયમાં બે કરોડ કરતાં વધુ લોકોને વૅક્સિન આપીને નવો મુકામ હાંસલ કર્યો છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા દેશભરમાં નાગરિકોને વૅક્સિન અપાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 'વૅક્સિન સેવા અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે. સાંજે પાંચ કલાકે જ્યારે ભારતે આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય મનસુખભાઈ માંડવિયા દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ ખાતે રસીકરણ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા.

ભારતે આ સિદ્ધિ મેળવતાં માંડવિયાએ તેમના સ્ટાફને ગુજરાતીમાં પૂછ્યું હતું, "લાડુ લાવો, લાડુ." તેમણે ઉપસ્થિત તબીબો, સ્ટાફ તથા પ્યુનનું મોં મીઠું કરાવ્યું હતું. માંડવિયાએ ટ્વીટ કર્યું :

"તમામ સ્વાસ્થ્યકર્મીઓનો આભાર. વેલડન ઇંડિયા."

ન્યૂઝીલૅન્ડે રદ કર્યો પાકિસ્તાન પ્રવાસ

પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ વનડે મૅચના તાકડે ન્યૂઝીલૅન્ડે પ્રવાસ રદ કર્યો છે. ન્યૂઝીલૅન્ડે સુરક્ષાનાં કારણોસર રાવલપિંડીના સ્ટેડિયમ ખાતે જવાનો ઇનકાર કરી દીધો. અહીં પાકિસ્તાન વિરુદ્ધ તેઓ પ્રથમ ODI રમવાના હતા.

ન્યૂઝીલૅન્ડની ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ક્રિકેટ રમવા માટે આવી છે. બંને ટીમો વચ્ચે રાવલપિંડીમાં ત્રણ ODI રમાવાની હતી. જે બાદ લાહોરમાં પાંચ T-20 મૅચોની સિરીઝનો કાર્યક્રમ હતો.

ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ઍસોસિયેશને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે "પાકિસ્તાનમાં જોખમના સ્તરમાં વધારાને કારણે સુરક્ષા સલાહકારો સાથે ચર્ચા બાદ ન્યૂઝીલૅન્ડે પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે."

ન્યૂઝીલૅન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઇટે કહ્યું કે તેમને જે સલાહ મળી રહી હતી તેના કારણે પ્રવાસ ચાલુ રાખવો શક્ય નહોતો.

તેમણે કહ્યું કે, "હું સમજુ છું કે આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આંચકો હશે કારણ કે તેઓ શાનદાર મેજબાન રહી ચૂક્યા છે. પરંતુ અમારા માટે ખેલાડીઓની સુરક્ષા સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે અને અમારું માનવું છે કે આ જ એકમાત્ર વિકલ્પ છે."

ડૉન ન્યૂઝ પ્રમાણે, પ્રવાસ રદ ન થઈ શકે એ માટેની PCBના તમામ પ્રયત્નો બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ જેસિંડા આર્ડર્નને ફોન કર્યો હતો. તેમણે આર્ડર્નને મનાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ ના માન્યાં.

પ્રવાસ રદ થયા બાદ ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા આર્ડર્ને કહ્યું કે ખેલાડીઓને સુરક્ષાને જોતાં પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા બાદ ન્યૂઝિલૅન્ડ ક્રિકેટ બોર્ડના નિર્ણયનું તેઓ સંપૂર્ણપણે સમર્થન કરે છે.

સમાચાર એજન્સી રૉયટર્સને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, "મેં પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાત કરી અને અમારી ટીમનું ધ્યાન રાખવા માટે તેમનો આભાર માન્યો."

તેમણે લખ્યું, "દુર્ભાગ્યપૂર્ણ છે કે રમત ન યોજાઈ શકી. પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે નિર્ણયનું સમર્થન કરીએ છીએ."

ભાજપ સરકારે ગુજરાતના માથેથી 'કર્ફ્યૂ કૅપિટલ'નું લેબલ હઠાવ્યું - અમિત શાહ

ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'ગુજરાતની સુરક્ષિત રાજ્ય'ની છબિનું શ્રેય ભાજપ સરકારને આપ્યું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યાંથી માંડીને આજ સુધીની ભાજપની સરકારોમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનો પણ દાવો તેમણે કર્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદ જિલ્લાના છ નવા પોલીસસ્ટેશનના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે ભાજપની સરકારે ગુજરાતના માથેથી 'કર્ફ્યુ કૅપિટલ'નું ટૅગ હઠાવી 'સુરક્ષિત રાજ્ય' બનાવ્યું છે.

તેમણે કહ્યું, "એક સમય હતો, જ્યારે ગુજરાત કર્ફ્યુ કૅપિટલ તરીકે ઓળખાતું હતું. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર કામ કર્યું છે."

તેમણે એવું પણ કહ્યું કે "હવે રાજ્યમાં રથયાત્રા વખતે કોમી રમખાણો થતાં નથી અને રાજ્યમાં શાંતિ છે."

મોદી સરકારના નિશાન પર ટીકાકાર, પત્રકાર અને કર્મશીલો

માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે માનવાધિકાર કાર્યકરો, પત્રકારો અને સરકારના ટીકાકારોને ચૂપ કરાવવા માટે ભારતીય અધિકારીઓ ચોરી અને આર્થિક અનિયમિતતાના આરોપોનો ઉપયોગ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 2021માં સરકારી અધિકારીઓએ શ્રીનગર, દિલ્હી અને મુંબઈમાં ઠેકઠેકાણે છાપા માર્યા હતા. જેમાં પત્રકાર, અભિનેતા અને માનવાધિકાર કાર્યકરોનાં ઘરો પર પણ છાપા માર્યા હતા.

હ્યુમન રાઇટ્સ વૉચનું કહવું છે કે છાપા મારવાનો આ ક્રમ રાજકીય દૃષ્ટિએ પ્રેરિત છે.

તેમનું કહેવું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી, એ પછી શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા લોકો પર અને અભિવ્યક્તિની આઝાદીની વાત કરનારા લોકો પર કરાઈ રહેલી કાર્યવાહીના ભાગરૂપે આ છાપા મારવામાં આવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો