ગુજરાતમાં ભાજપના નેતૃત્વપરિવર્તનથી કૉંગ્રેસને કેટલો ફાયદો થશે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલાં જ ભાજપના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયમાં નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમની જાહેરાત થશે.
સત્તાવિરોધી વલણ તથા કોવિડ દરમિયાન સરકારની કામગીરીને કારણે ભાજપમાં પ્રવર્તમાન આંતરિક અસંતોષને કારણે રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું હોવાનું ચર્ચાય છે.
પરંપરાગત રીતે ગુજરાત 'ટુ પાર્ટી સ્ટેટ' રહ્યું છે, જેમાં એક શાસકપક્ષ હોય અને બીજો વિપક્ષ હોય; અપવાદરૂપે જ ત્રીજા પક્ષ માટે કોઈ ભૂમિકા રહી છે.

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
ત્યારે ગુજરાત ભાજપના તાજેતરના ઘટનાક્રમથી શું કૉંગ્રેસને કોઈ લાભ થશે, શું કૉંગ્રેસ તેના માટે તૈયાર છે?

નેતૃત્વ ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
આગામી વિધાનસભા ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં નહીં લડી શકાય તેવું ગુજરાત ભાજપ, કેન્દ્રીય નેતૃત્વ તથા માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લાગતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
સામે પક્ષે ગુજરાત કૉંગ્રેસમાં પણ નેતૃત્વનું સંકટ પ્રવર્તમાન છે. માર્ચ-2021માં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના ધબડકા બાદ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના નેતા પરેશ ધાનાણી તથા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ તેમના પદ પરથી રાજીનામાં આપી દીધાં હતાં.
એ સમયે તેમને નવી જાહેરાત ન થાય, ત્યાર સુધી પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે આજે છ મહિના પછી પણ નવી જાહેરાતો નથી થઈ. જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે વિપક્ષ સવાથી દોઢ વર્ષ પહેલાં મેદાન ઉપર ઉતરી જતો હોય છે, પરંતુ નેતૃત્વના અભાવે કૉંગ્રેસમાં આવો કોઈ સળવળાટ જોવા નથી મળતો.
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું અવસાન થયું હતું, એ વાતને ચાર મહિના બાદ પણ પાર્ટી દ્વારા ગુજરાતના નવા પ્રભારીની જાહેરાત કરવામાં નથી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેતૃત્વસંકટ માત્ર ગુજરાતમાં જ નહીં, કેન્દ્રમાં પણ પ્રવર્તમાન છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, તેમનાં સ્થાને સોનિયા ગાંધીએ ફરીથી પાર્ટીની ધૂરા સંભાળી હતી, પરંતુ નવા અધ્યક્ષની ખોજ ચાલુ જ છે.
સામે પક્ષે સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી તથા સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં વિજય નોંધાવ્યો છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં '182માંથી 182 બેઠક' જીતવાનું લક્ષ્યાંક રાખી રહી છે.

'ચાણક્ય'ની ખોટ

ઇમેજ સ્રોત, Mail Today/Getty
કૉંગ્રેસનાં વડાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ગુજરાતના હતા. તેઓ રાજ્યની રાજનીતિને સારી રીતે સમજતા હતા. યુવા કૉંગ્રેસના સમયથી તેઓ પાર્ટીમાં સક્રિય હતા અને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. આથી જ તેમને 'ગુજરાત કૉંગ્રેસના ચાણક્ય' તરીકે ઓળખવામાં આવતા હતા.
જોકે, નવેમ્બર-2020માં તેમનું અવસાન થઈ ગયું, જેના કારણે ગુજરાત કૉંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમના સ્થાને પ્રશાંત કિશોરને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે લાવવાની ચર્ચા છે. આ અંગે સોનિયા ગાંધી અંતિમનિર્ણય લેવાના છે.
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રશાંત કિશોરે ભાજપને પોતાની વ્યવસાયિક સેવાઓ આપી હતી, નરેન્દ્ર મોદી એ સમયે રાજ્યના મુખ્ય મંત્રી હતા. એટલે તેઓ ગુજરાતના રાજકારણને સારી રીતે સમજે છે.
વળી તૃણમુલ કૉંગ્રેસને પશ્ચિમ બંગાળમાં, વાયએસઆર કૉંગ્રેસને આંધ્ર પ્રદેશમાં અને ડીએમકેને તામિલનાડુમાં જીતાડવામાં પ્રશાંત કિશોરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ત્યારે શું પ્રશાંત કિશોરનો કૉંગ્રેસમાં પ્રવેશ શક્ય બનશે અને તેઓ ગુજરાત કૉંગ્રેસને માટે વ્યૂહાત્મક રીતે વિજય અપાવી શકશે કે કેમ તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.

કૉંગ્રેસમાં જૂથબંધી

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ જ ગુજરાત કૉંગ્રેસમાં વ્યાપકપણે જૂથબંધી પ્રવર્તમાન હતી. જનતાદળ-જી જૂથ, રાજપજૂથ, પાર્ટીના નેતાઓના પોતાના વફાદારો વગેરે. પરંતુ માર્ચ-2019માં હાર્દિક પટેલના કૉંગ્રેસમાં પ્રવેશ બાદ આ જૂથબંધી વધુ વ્યાપક બની છે.
પટેલને પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીનું સમર્થન હાંસલ હતું, અને તેમને સાંભળવામાં આવતા હતા. એટલે તેમના આગમનથી નારાજગી હોવા છતાં કૉંગ્રેસના નેતાઓએ સાર્વજનિક રીતે કંઈ પણ કહ્યું ન હતું.
જૂન-2020માં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી હતી. એ સમયે કૉંગ્રેસના એક નેતાએ મને કહ્યું હતું, "જે ઉંમરે યુવા કૉંગ્રેસ તો ઠીક, એનએસયુઆઈ (કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇંડિયા)ના અધ્યક્ષ ન બની શકાય, અરે વિચારી ન શકાય, તેમના જેટલી ઉંમર સુધી પાર્ટીની સેવા કર્યા પછી પ્રદેશાધ્યક્ષના પદ માટે દાવેદાર ન થવાય અને તેમને સીધા જ કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવે એટલે તકલીફ તો થાય."
જોકે, હાર્દિક પટેલ પણ સંતુષ્ટ નથી અને તેઓ પાર્ટીમાં આંતરિક જૂથબંધીની ફરિયાદ કરી ચૂક્યા છે અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તેમને પૂછવામાં ન આવતું હોવાની ફરિયાદ કરી ચૂક્યા છે.
સામે પક્ષે કૉંગ્રેસના અનેક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તેઓ, પાટીદાર ધારાસભ્યો કે અન્ય કોઈ નેતા પોતાનું જૂથ દેખીતી રીતે ઊભું નથી કરી શક્યા. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ (મોદી અને શાહ એમ વાંચો) દ્વારા જે નામને ફાઇનલ કરવામાં આવશે, તેમના ઉપર ધારાસભ્યો ઔપચારિક મહોર મારશે.

પાટીદાર પરિબળ નહીં

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
2015ની સ્થાનિકસ્વરાજ્ય ચૂંટણી હોય કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, બંનેમાં કૉંગ્રેસે બે દાયકાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આને માટે પાટીદારોનો ભાજપ પ્રત્યેનો આંતરિક અસંતોષ પણ જવાબદાર હતો.
એ પછીનાં વર્ષોમાં ગુજરાતમાં સવર્ણ કમિશન, આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા અનામત, પાટીદાર અનામત આંદોલનના નેતાઓનું રાજકીય પક્ષોમાં જોડાઈ જવું, વગેરે કારણોસર પાટીદારો ફરી એક વખત કૉંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે.
ભાજપથી નારાજ પાટીદારોના બાકી વર્ગને આમ આદમી પાર્ટીના સ્વરૂપે વિકલ્પ દેખાય છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કથિત રીતે જૂથબંધીને કારણે કૉંગ્રેસની ટિકિટ નહીં મળવાથી નારાજ પાટીદારોએ આપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.
કૉર્પોરેશનમાં આપ મુખ્ય વિપક્ષ બન્યો છે અને કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી શકી. પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા છે અને ખોડલધામના નરેશ પટેલને પણ આપમાં પાટીદારોનો રાજકીય અવાજ દેખાય છે.
ગુજરાતમાં પાટીદાર મતોની ટકાવારી 15 ટકા છે અને તેઓ 182માંથી 71 બેઠક ઉપર નિર્ણાયક બની રહે છે.

સૉફ્ટ હિંદુત્વનું સંકટ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી તથા 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ દ્વારા સરાજાહેર સૉફ્ટ હિંદુત્વનો સહારો લેવામાં આવ્યો હતો. મંદિરોમાં દર્શન, પૂજા-આરતી, ધોતી તથા જનોઈ ધારણ કરવા જેવાં પ્રતીકાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પરંપરાગત રીતે મુસ્લિમો કૉંગ્રેસની સાથે રહ્યા છે, પરંતુ સૉફ્ટ હિંદુત્વને કારણે તેમનામાં કચવાટ પ્રવર્તમાન છે, જેથી તેઓ વિકલ્પરૂપે આપ કે AIMIMની તરફ ઢળી શકે છે.
તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વૉર્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેનું પુનરાવર્તન નકારી ન શકાય.
બે ચૂંટણીથી દિલ્હીના મુસ્લિમોએ આપને સાથ આપ્યો છે, ત્યારે ગરીબ મુસ્લિમોમાં આપ પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે. મુસ્લિમો સામે તેમનો મત 'વૉટ કટર'ને ન જાય, તે જોવાનો પણ પડકાર હશે.
સામે પક્ષે ભાજપે ઓબીસીમાં પેઠ વધારવાનો અને 'ઉનાકાંડ' બાદ દલિતોમાં આવેલી નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













