ગુજરાતમાં વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ કેટલા દિવસ વરસશે?

ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિવિધિ પૂરજોશમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે. સપ્ટેમ્બરની શરૂઆત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સારી રહી છે અને અનેક ડૅમોમાં નવાં નીર આવવાનાં શરૂ થયાં છે.

એવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે? કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને વરસાદની ગતિવિધિ ક્યારે ધીમી પડી જશે?

સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ વરસાદ પડશે?

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ ગુજરાતના ખેડૂતો માટે સારી રહી છે, હજારો ખેડૂતોના સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવજીવન મળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જ્યાં વરસાદની ભારે ઘટ હતી, ત્યાં અનેક વિસ્તારોમાં હાલ સારો વરસાદ થયો છે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

જોકે, 4 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી જશે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જોકે, બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે.

હાલ આ વરસાદ મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ફરી નવજીવન આપશે અને ખેડૂતોને થોડી રાહત થશે.

કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

ખાનગી હવામાનસંસ્થા 'સ્કાયમેટ વૅધર'ના જણાવ્યા પ્રમાણે હાલ કચ્છ પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન છે, જે હવે આગળ વધીને પાકિસ્તાન તરફ જશે.

જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ધીમો પડી શકે છે, પરંતુ હજી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

3 સપ્ટેમ્બર સુધી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે.

'સ્કાયમેટ વૅધર'ના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પંદર દિવસ વરસાદની દૃષ્ટિએ ગુજરાત માટે સારા રહેવાની ધારણા છે.

લૉ પ્રેશરને કારણે વરસાદ

ગુજરાતમાં હાલનો વરસાદ બંગાળની ખાડીમાં પેદા થયેલા લૉ પ્રેશરને કારણે આવ્યો છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બન્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધ્યું હતું.

જેના કારણે 'એક્સિસ ઑફ મૉન્સુન' એટલે કે ટ્રફ રેખા હિમાલયની તળેટીથી નીચે આવી હતી અને દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ઑગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ તેના અંતિમ દિવસોમાં માત્ર એક લૉ પ્રેશર સર્જાયું હતું. જોકે, તેના કારણે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિમાં થોડી રાહત થવાની શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો