સી. આર. પાટીલનું ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે એક વર્ષ : પક્ષને ફાયદો થયો કે નુકસાન?

ઇમેજ સ્રોત, C R Paatil/Facebook
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સી. આર. પાટીલ ભાજપના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ બન્યા એને એક વર્ષ પૂર્ણ થયું છે, તેઓ આ નિમિત્તે દેશના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને તેમની સાથેની તસવીર પણ ટ્વીટ કરી હતી.
અધ્યક્ષ તરીકે એક વર્ષના કાર્યકાળ દરમિયાન સી. આર. પાટીલે કામ કરવામાં જે આક્રમકતા દેખાડી છે, એ અગાઉના પ્રદેશાધ્યક્ષોની કામગીરીમાં જોવા નથી મળી, એવો રાજકીય વિશ્લેષકોનો મત છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ સાથે જ એક વર્ષ દરમિયાન પાટીલનું નામ વિવાદોમાં પણ રહ્યું છે, જેમ કે કોરોનાકાળના પ્રતિબંધો વચ્ચે સભા-સરઘસોનું આયોજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં તેનું વિતરણ.
સી.આર. પાટીલે 'ઔપચારિક' રીતે ગાંધીનગરસ્થિત ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું:
"ભાજપ જ એવો રાજકીય પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતાને અનુસારની જવાબદારી મળે છે. જેણે નાના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો, તેને ત્રણ વખત સંસદસભ્ય અને આજે પ્રદેશ અધ્યક્ષ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે."
સી. આર. પાટીલના અધ્યક્ષ બન્યા બાદ ચૂંટણીઓમાં પણ ભાજપનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું છે અને હવે તેમની સમક્ષ સૌથી મોટો પડકાર 2022ની ચૂંટણીમાં મોટી જીતનો રહેશે.
તો પ્રદેશાઘ્યક્ષ તરીકેની સી. આર. પાટીલની એક વર્ષની કામગીરી ભાજપને ફળી કે નડી?

સી. આર. પાટીલ, જિતુ વાઘાણી અને આર. સી. ફળદુ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, C R Paatil/Facebook
સી. આર. પાટીલ તેમની અગાઉના ભાજપના પ્રદેશાધ્યક્ષ કરતાં પ્રમાણમાં જાણીતો ચહેરો રહ્યા છે અને તેઓ સતત સભાઓ અને કાર્યક્રમો કરતા રહ્યા છે.
સુરતના પત્રકાર ફયસલ બકીલી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે એક વર્ષ પહેલાં સી. આર. પાટીલ સૌથી વધુ લીડથી જીત મેળવનારા નવસારીના સંસદસભ્ય માત્ર હતા અને અધ્યક્ષ બન્યા એ પછીના એક વર્ષમાં તેમનું રાજકીય મહત્ત્વ ભાજપની બહાર પણ વધ્યું છે.
વડોદરાની એમ. એસ .યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે સી. આર. પાટીલ આક્રમક રીતે કામગીરી કરી રહ્યા છે અને કાર્યકરો તરફથી પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફયસલ બકીલી પણ ધોળકિયા જેવો જ મત ધરાવે છે. તેઓ કહે છે, "સંગઠનના પ્રમુખની આટલી સક્રિયતા અગાઉ ક્યારેય દેખાઈ નથી."
"આ પહેલાં જિતુ વાઘાણી અને એમની પહેલાં ફળદુ પ્રદેશાધ્યક્ષ હતા. તેઓ સભાઓ, યાત્રાઓ, કાર્યક્રમો યોજતા હતા પણ અધ્યક્ષ સતત પ્રવાસ કરતા રહ્યા હોય, એવું ઓછી વખત જોવા મળ્યું છે. જ્યારે પાટીલ સતત ફરતા રહે છે અને એ નિમિત્તે કાર્યકર્તાઓ વચ્ચે સતત રહે છે."
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, "એક વર્ષ પહેલાં પાટીલનું નામ પ્રદેશાધ્યક્ષ તરીકે જાહેર થયું, ત્યારે એને ચોંકાવનારી પસંદગી મનાતી હતી. બધાને એવું હતું કે પાટીદાર અથવા ઓબીસી ચહેરો અધ્યક્ષ માટે આવશે પણ દક્ષિણ ગુજરાતમાંથી એક બિનગુજરાતી નેતાને પ્રદેશાધ્યક્ષ માટે લઈ આવ્યા હતા."
"એમની કામ કરવાની પદ્ધતિ બીજા નેતાઓ કરતાં સાવ જુદી રહી છે. એવું કહેવાય છે કે તેઓ ચૂંટણીઓ લડતા હતા ત્યારે ઝાઝી સભાઓ યોજતા ન હતા, પણ તેઓ પોતાના નેટવર્કિંગની મદદથી ચૂંટણીઓ જીતી જતા હતા."

ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, C R Paatil/Facebook
એક વર્ષ પહેલાં પ્રદેશાધ્યક્ષ માટે સી. આર. પાટીલના નામની જાહેરાત થઈ ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીઓને પ્રથમ પડકાર માનવામાં આવતો હતો.
એ માપદંડથી તપાસ કરતાં વિશ્લેષકો સી. આર. પાટીલ સફળ થયાનું જણાવે છે. પાટીલના અધ્યક્ષસ્થાને વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે.
વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર બલદેવ આગજા કહે છે કે પાટીલના આવ્યા પછી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ એટલું જ નહીં, જ્યાં-જ્યાં કૉંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા, ત્યાં પણ પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી.
બકીલી કહે છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત થઈ, સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં રહ્યાં છે, એ પાટીલની મોટી સફળતા ગણી શકાય.

આમ આદમી પાર્ટીનો ‘સુરતથી ગુજરાતપ્રવેશ’
મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પ્રદર્શન કર્યું, જેને ફયસલ બકીલી સી. આર. પાટીલની સફળતા પર 'કાળી ટીલડી' ગણાવે છે.
બકીલી કહે છે, "આમ આદમી પાર્ટીનો ગુજરાતપ્રવેશ સુરતથી એટલે કે પાટીલની હોમ પીચ પરથી થયો છે."
તેઓ ઉમેરે છે કે "સુરતમાં જે કોઈ રાજકીય કે સામાજિક શરૂઆત થાય તો તેની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થાય છે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં આગામી ચૂંટણીઓ લડવાની સક્રિયતા દેખાડી રહી છે."
કૌશિક મહેતા કહે છે કે "ગુજરાતના રાજકારણમાં રાજકોટ અને સુરત મહત્ત્વનાં રહ્યાં છે. પહેલાં રાજકોટ સત્તાનું કેન્દ્ર મનાતું હતું અને હવે સુરત છે. નરેન્દ્ર મોદીના આવ્યા પછી પટેલોના રાજકારણને કટ ટુ સાઇઝ કરી દેવાયું હતું. જોકે સુરતની ગતિવિધિ જોતાં લાગે છે કે પટેલ વિરુદ્ધ પટેલની વાત ફરી શરૂ થઈ છે."

સત્તાનું બીજું કેન્દ્ર સી. આર. પાટીલ?

ઇમેજ સ્રોત, CR PATEEL TWITTER
સી. આર. પાટીલે ભાજપના મંત્રીઓને પક્ષના કાર્યાલય કમલમ્ ખાતે બોલાવ્યા હતા, એ અંગે પણ વિવાદ સર્જાયો હતો.
પક્ષના બીજા નેતાઓ અને અધ્યક્ષ સી. આર. પાટીલ વચ્ચે ખટરાગની વાત પણ અનેક વખત સપાટી પર આવી છે.
કૌશિક મહેતા કહે છે કે "એવું માની લેવાની સહેજ પણ જરૂર નથી કે પાટીલ પ્રત્યે પક્ષમાં નારાજગી કે વિરોધ નથી."
તેઓ કહે છે, "સી. આર. પાટીલના આવ્યા પછી સરકારની સાથે-સાથે સત્તાનું એક બીજું કેન્દ્ર ઊભું થયું છે, એવી પણ એક છાપ છે. એક વિજયભાઈ રૂપાણી મુખ્ય મંત્રી છે અને બીજી તરફ પક્ષપ્રમુખ સી. આર. પાટીલ છે."
પ્રોફેસર ધોળકિયા પણ મહેતા જેવો જ મત ધરાવે છે. તેઓ કહે છે, "કોઈ પણ પક્ષમાં સંગઠનની ભૂમિકા હોય અને સરકારની ભૂમિકા હોય, અત્યાર સુધી ગુજરાત ભાજપ સરકારના કંટ્રોલમાં હતો અને છેલ્લા એક વર્ષ દરમિયાન ભાજપમાં સંગઠન અને સરકારની ભૂમિકા લગભગ સમકક્ષ થઈ ગઈ છે."
મહેતા કહે છે, "સુરતથી કેન્દ્રીયમંત્રી તરીકે દર્શના જરદોશની પસંદગી થઈ એમાં પાટીલનું ચાલ્યું નથી એવી ભાજપની અંદર ચર્ચા છે, કારણ કે પાટીલ અને જરદોશ બંને શરૂથી સામસામે રહેલાં છે."

કોરોનાકાળમાં સભાઓ અને રેમડેસિવિરના વિતરણના વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સી. આર. પાટીલ અધ્યક્ષ બન્યા એ સાથે જ વિવાદોનો ક્રમ પણ શરૂ થઈ ગયો હતો.
અધ્યક્ષ બન્યા બાદ કોરોના મહામારી વચ્ચે પક્ષના કાર્યકરોને એકઠા કરીને યોજેલી સભાઓ અને સરઘસો અંગે વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કૌશિક મહેતા કહે છે, "કોરોનાના વખતમાં સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના તેમના પ્રવાસો અંગે વિવાદ ભલે થયા હોય પણ એની સી. આર. પાટીલે પરવા કરી નથી. પેટાચૂંટણીઓમાં ભાજપને નુકસાન ન થાય, એની પર જ તેમનું ધ્યાન રહ્યું હતું."
કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી થઈ હતી, એ વખતે સુરતમાં ભાજપ દ્વારા પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
સી. આર. પાટીલનો આ કાર્યક્રમ પણ વિવાદોના ઘેરામાં રહ્યો હતો.
જ્યારે રાજ્યભરમાં અને સરકારના આરોગ્યખાતા પાસે રેમડેસિવિર ઇન્જેક્શન નહોતાં ત્યારે પાટીલ કે ભાજપ પાસે ક્યાંથી આવ્યાં? આવા પ્રશ્નો પણ એ વખતે ઊઠ્યા હતા.
આ સિવાય એક વર્ષ દરમિયાન સી. આર. પાટીલને કેટલીક સંગઠનાત્મક અને વ્યૂહાત્મક સફળતાઓ પણ મળી છે.
ભાજપના પેજપ્રમુખ અભિયાનનો તેમને જોર-શોરથી પ્રચાર કર્યો હતો અને આ પગલું ચૂંટણીમાં ભાજપનું ફળ્યું હોવાનું વિશ્લેષકો માને છે.
પ્રોફેસર અમિત ધોળકિયા તેમની વધુ એક સફળતા તરફ ધ્યાન દોરે છે અને કહે છે કે "કૃષિકાયદાના વિરુદ્ધમાં જ્યારે ખેડૂતોનું આંદોલન શરૂ થયું, ત્યારે ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ન થાય એ માટે પાટીલે પૂરતા પ્રયાસો કર્યા હતા."
તેઓ કહે છે, "ગુજરાતમાં ખેડૂત આંદોલનની મોટી અસર ન થઈ, ભાજપનું સંગઠન ગુજરાતના ખેડૂતો સુધી પહોંચ્યું અને ખેડૂતોને કૃષિકાયદા અંગેનાં સારાં પાસાં જણાવ્યાં, જેમાં તેમને સફળતા મળી."
આગામી વર્ષે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં ભાજપને મોટી જીત અપાવવાનો પડકાર સી. આર. પાટીલ માટે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













