મહારાષ્ટ્રમાં શિવસેના-કૉંગ્રેસની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે?

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના નેતા પ્રતાપ સરનાયક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના નેતા પ્રતાપ સરનાયક
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે અટકળો છે કે શું 'મહા વિકાસ અઘાડી સરકાર' પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.

આ દરમિયાન ત્રણ ઘટકદળો તરફથી સમયાંતરે નિવેદનબાજી પણ થતી રહે છે.

તાજેતરનો વિવાદ શિવસેનાના નેતા પ્રતાપ સરનાયકની ચિઠ્ઠીથી શરૂ થયો છે, જેમાં તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે હાથ મિલાવવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં સરનાયક એ નેતાઓમાંના એક છે, જે ઉદ્ધવ ઠાકરેની નજીક માનવામાં આવે છે. એવામાં સરનાયકની ચિઠ્ઠીને એક અસંતુષ્ટ ધારાસભ્યની ચિઠ્ઠીના રૂપમાં ન જોઈ શકાય.

તો, આ ગઠબંધનના અન્ય ઘટકદળ કૉંગ્રેસના ટોચના નેતા નાના પટોલેએ આગામી ચૂંટણી પોતાના દમ પર લડવાની વાત કરી છે.

એવામાં સવાલ થાય કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના વચ્ચે થયેલા ગઠબંધનમાં તિરાડો પડી રહી છે?

line

આખરે વિવાદનું કારણ શું છે?

સવાલ થાય કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના વચ્ચે થયેલા ગઠબંધનમાં તિરાડો પડી રહી છે?

ઇમેજ સ્રોત, @SHIVSENA

ઇમેજ કૅપ્શન, સવાલ થાય કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના વચ્ચે થયેલા ગઠબંધનમાં તિરાડો પડી રહી છે?

લગભગ 18 મહિના પહેલાં જ્યારે શિવસેના, કૉંગ્રેસ અને એનપીસીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન કરીને સરકાર બનાવી ત્યારે ઘણા રાજનીતિક વિશ્લેષકો માટે આ ગઠબંધન એક આંચકા સમાન હતું.

તેનું કારણ આ ત્રણેય પાર્ટીઓની વિરોધાભાસી વિચારધારા છે. આ ત્રણેય દળનો ઇતિહાસ પણ તેમને એક મેળ વિનાના ગઠબંધનની સંજ્ઞા આપવામાં એક ભૂમિકા અદા કરે છે.

મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા રાજકીય વિશ્લેષક અશ્વિન અઘોર માને છે કે આ એક એવું ગઠબંધન છે, જેનું ભવિષ્ય પડકારજનક હોવું સ્વાભાવિક છે, કેમ કે તેનાં ઘટકદળોની વિચારધારાઓ એકબીજાથી ઘણી અલગ છે.

તેઓ કહે છે, "આ સમયે સ્થિતિ એ છે કે ત્રણેય ઘટકદળો એ ઇચ્છે છે કે તેમને કોઈ રીતે આ મેળ વિનાની ગઠબંધનની સરકારથી છુટકારો મળે. પણ સમસ્યા એ છે કે કોઈ પહેલ કરવા માગતું નથી, કેમ કે જે પણ દળ આગળ આવીને પોતાનું સમર્થન પાછું લેશે, તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે."

અઘોર માને છે કે વધતા અંતરનું કારણ પવારના ઇન્ટરવ્યૂમાં પણ સ્પષ્ટ થઈ જાય છે.

કેટલાક દિવસો પહેલાં શરદ પવારે શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સરકારને પાર્ટીની જેમ ચલાવાશે, તો તકલીફ થશે.

અઘોર કહે છે, "કેટલાક દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરે તેમના મંત્રીઓ સાથે વાતચીત કરતા નથી. કોરોનાનું સંકટ ચરમસીમા હતું ત્યારે અહીંના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ મુખ્ય મંત્રી પાસે સલાહ માટે કેટલાય ફોન કર્યા હતા."

"ઠાકરેથી લઈને તેમના પીએને ફોન કર્યો. પણ વાત ન થઈ શકી. અને એક સામાન્ય ફરિયાદ છે કે મુખ્ય મંત્રી નૉટ- રીચેબલ એટલે કે પહોંચથી દૂર છે અને સરકાર પોતાની રીતે ચલાવી રહ્યા છે."

line

શું આ સંકટનો સંકેત છે?

કહેવાય છે કે ઉદ્ધવ ઠાકરે તેમના મંત્રીઓ સાથે વાતચીત કરતા નથી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે ઉદ્ધવ ઠાકરે તેમના મંત્રીઓ સાથે વાતચીત કરતા નથી

શિવસેનાના નેતા પ્રતાપ સરનાયકની ચિઠ્ઠી અંગે અઘોર કહે છે કે તેને હળવાશથી ન લઈ શકાય, કેમ કે તેમણે આ પત્ર મુખ્ય મંત્રી કાર્યાલયમાં મોકલ્યો છે, પાર્ટી મુખ્યાલયમાં નહીં.

તેઓ કહે છે, "તેમાં ઘણા સવાલો થાય છે કે શું મુખ્ય મંત્રી પોતાના જ ધારાસભ્યો સાથે મુલાકાત કરતા નથી. અને સરનાયક કોઈ નાના નેતા નથી. તેઓ ઠાકરે પરિવારની બહુ નજીકના લોકોમાં સામેલ છે. તેઓ ગમે ત્યારે માતોશ્રી જઈ શકે છે. એવામાં તેમનો આવો પત્ર લખવો એ ઘણા સવાલ પેદા કરે છે."

મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારાં વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદન માને છે કે આ રાજકીય ઘમસાણને સરકાર પર સંકટના રૂપમાં ન જોવું જોઈએ, કેમ કે વર્તમાન સમયમાં જો સરકાર પડી જાય તો ઘટકદળોને કંઈ પણ સકારાત્મક પરિણામ નહીં મળે.

તેઓ કહે છે, "આપણે સમજવું પડશે કે આ નિવેદનબાજી કેવા સમયે થઈ રહી છે. થોડા મહિનાઓ બાદ નગરપાલિકાની ચૂંટણી થવાની છે. હવે આ ચૂંટણીમાં આ પાર્ટીઓ સાથે મળીને લડે તો શિવસેનાને કેટલીક સીટો છોડવી પડી શકે તેમ છે. એટલા આ જે કંઈ થઈ રહ્યું છે તેને એ સંદર્ભમાં જોવાની જરૂર છે કે ત્રણેય પાર્ટીઓ એકબીજાને અજમાવી રહી છે, જેથી સમજૂતી યોગ્ય અને સંતુલિત ઢંગથી થઈ શકે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો