તૌકતે વાવાઝોડું ભવિષ્યમાં આવનારી આફતોની એંધાણી છે?

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP via Getty Image
વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતે ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યું છે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પણ વૃક્ષો-મકાનો મોટાં પ્રમાણમાં ધરાશાયી થયાં હોવાનું અનુમાન છે.
તૌકતેના લૅન્ડફૉલની સાથે ફરીથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે શા કારણે ગુજરાતના દરિયાકાંઠે હવે અવારનવાર વાવાઝોડાં આફત બનીને ત્રાટકી રહ્યાં છે?
વર્ષ 2020ની વાત કરીએ તો અરબ સાગરમાં બે અને બંગાળની ખાડીમાં ત્રણ વાવાઝોડાંનું નિર્માણ થયું હતું.
નોંધનીય છે કે ગત વર્ષે જૂનમાં અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડા નિસર્ગની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠે ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું.
વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. જોકે, આ વાવાઝોડાના નિશાન પર અંતિમ ઘડીએ ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર આવી ગયું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે પાછલાં અમુક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડાંના નિર્માણની ઍક્ટિવિટીમાં અસામાન્ય વધારો થયો છે.
તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ કાંઠે આવેલાં રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર પર વાવાઝોડાં સ્વરૂપે કુદરત કોપાયમાન થવાનો સિલસિલો પાછલાં અમુક વર્ષોથી સતત વધારા પર હોવાનું જોવા મળી રહ્યું છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર પહેલાં ભારતની દરિયાઈ વિસ્તારોમાં સર્જાતાં વાવાઝોડાં પૈકી દરેક પાંચમાંથી ચાર વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાતાં હતાં. જોકે, પાછલાં અમુક વર્ષોમાં આ વલણ બદલાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાવાની ઍક્ટિવિટીમાં વધારો જોવા મળ્યો છે.
જે સ્પષ્ટપણે ગુજરાત દરિયાકાંઠાને વાવાઝોડાની વધુ શક્યતાવાળા ઝોનમાં મૂકી દે છે.
માત્ર વાવાઝોડાં સર્જાવાની કિસ્સા જ નહીં પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું જણાવાય છે.
બીબીસી ગુજરાતીએ આ રાજ્ય માટે ચિંતાજનક ગણાતા આ વલણ માટેનાં કારણોની તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

કેમ ગુજરાતના દરિયાકાંઠે વધુ વાવાઝોડાં?

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty
પહેલાં એવું માનવામાં આવતું કે બંગાળની ખાડીનો પ્રદેશ અરબ સાગર કરતાં વધુ ગરમ હોવાના કારણે અરબ સાગરની સરખામણીએ બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાં સર્જાય છે.
આ બાબતને ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાનાં રાજ્યો રાહતની બાબત ગણતા હતાં.
પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી આ વલણમાં ફેરફાર થયો છે.
અને ગુજરાતને પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવાં પૂર્વ કાંઠે આવેલાં રાજ્યો, જ્યાં અવારનવાર વાવાઝોડાં તબાહી સર્જતાં હોય છે, તેવી ચિંતાજનક શ્રેણીમાં મૂકે છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર હવામાનશાસ્ત્રીઓ આ બદલાવ માટે અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં થયેલા ફેરફારને કારણભૂત માને છે.
આ ક્ષેત્રના તાપમાનના વધારા માટે તેઓ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાને તરફ આંગળી ચીંધે છે.
પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે વાવાઝોડાના નિર્માણના કિસ્સામાં વધારા ઉપરાંત આ ક્ષેત્રમાં આવતાં વાવાઝોડાંની તીવ્રતામાં વધારો કેમ જોવા મળી રહ્યો છે?

કેમ વધુ તીવ્ર બની રહ્યાં છે વાવાઝોડાં?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વાતનો સંબંધ પણ જે-તે ક્ષેત્રના તાપમાન સાથે જ છે.
અરબ સાગરમાં પાણી અને હવાનું તાપમાન વધવાના કારણે આ ક્ષેત્રમાં વાવાઝોડું વધુ તીવ્ર બનવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે.
નોંધનીય છે કે પાણી અને હવાના તાપમાનને કારણે સર્જાતાં લૉ પ્રેશરના કારણે વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે અનુસાર તેની તીવ્રતા પણ વધતી-ઘટતી હોય છે.
વેધર ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગત વર્ષે પશ્વિમ કાંઠે ત્રાટકેલ વાવાઝોડા નિસર્ગના નિર્માણ દરમિયાન પાણીની સપાટીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું.
નોંધનીય છે કે આ ક્ષેત્રમાં આ સિઝન દરમિયાનનું તાપમાન સરેરાશ 24થી 26 ડિગ્રી સેલ્સિયસ હતું.
ભારતીય હવામાન ખાતાના એક રિપોર્ટ અનુસાર અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં 1981-2010ના સમયગાળાના સરેરાશ તાપમાનની સરખામણીમાં 0.36 સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો.
આગળ જણાવ્યું એમ દરેક વાવાઝોડાની શક્તિનો સ્રોત સપાટીનું તાપમાન હોય છે. આમ અરબ સાગર ક્ષેત્રનું તાપમાન વાવાઝોડાના નિર્માણ માટે પાછલા ઘણા સમયથી અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડતી હોવાનું કહી શકાય.

ભારતમાં ગત વર્ષોમાં સર્જાયેલ વાવાઝોડાં

ઇમેજ સ્રોત, Dilip Mori
વર્ષ 2020માં બંગાળની ખાડીમાં અંફન વાવાઝોડું સર્જાયું હતું. જે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લૅન્ડફૉલ થયું હતું. લૅન્ડફૉલ સમયે હવાની ઝડપ 240 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.
આ પહેલાં વર્ષ 2019માં આવો જ એક સુપર સાયક્લોન ક્યાર સર્જાયો હતો. પરંતુ તે અરબ સાગરના વિસ્તારો પર ત્રાટક્યો હતો.
આ સિવાય વર્ષ 2019માં 'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
અંફન બાદ નિસર્ગ વાવાઝોડાની આફત ભારતના પશ્ચિમી દરિયાકાંઠે આવી હતી.
જૂન, 2020માં ત્રાટકેલ આ વાવાઝોડાનું લૅન્ડફૉલ મહારાષ્ટ્રમાં થયું હતું. લૅન્ડફૉલ સમયે હવાની ઝડપ 110 કિલોમિટર પ્રતિ કલાક હતી.
ત્યાર બાદ ભારતની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં ગતિ, નીવાર અને બુરેવી વાવાઝોડાં સર્જાયાં હતાં. જે પૈકી ગતિ અરબ સાગરનાં ક્ષેત્રોમાં સર્જાયું હતું.
પરંતુ ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાનાં રાજ્યો આ વાવાઝોડાના કેરથી બચી ગયા હતા. અને આ વાવાઝોડું 165 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે સોમાલીયાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












