ગુજરાતમાં ફ્રન્ટલાઇન વૉરિયર્સ 'ડૉક્ટરો' અને સરકારી તંત્ર વચ્ચે ખટરાગ કેમ?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
પાછલા અમુક સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકો સહિત નિષ્ણાતો અને ન્યાયતંત્ર પણ કોરોનાને ડામવામાં ગુજરાત સરકારની કામગીરીની અવારનવાર જાહેરમાં ટીકા કરી ચુક્યા છે.
બુધવારે ફરીથી રાજ્ય સરકાર અને જુદી જુદી સંસ્થાઓ વચ્ચે ઘર્ષણની સાંકળીમાં વધુ એક કડી ત્યારે ઉમેરાઈ જ્યારે અમદાવાદના જાણીતા ડૉક્ટર વીરેન શાહે ખાનગી હૉસ્પિટલોની માંગણીઓ અંગે સરકારની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.
નોંધનીય છે કે ડૉ. વીરેન શાહ અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશન (AHNA)ના સચિવ હતા.
ઍસોસિયેશન પાછલા ઘણા સમયથી રાજ્ય સરકાર અને સરકારી તંત્રને કોવિડના દર્દીઓની સારવારમાં લાગેલી ખાનગી હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની સપ્લાય મામલે રજૂઆતો કરી રહ્યો છે.
છતાં ઍસોસિયેશન સાથે સંકળાયેલા ડૉક્ટરોનું કહેવું છે કે સરકાર તેમની માગણીઓ અંગે ગંભીરતાપૂર્વક નથી વિચારી રહી.
અહીં નોંધનીય છે કે જુદા જુદા પ્રસંગોએ ગુજરાતના તબીબોનાં સગઠનોએ કોરોના વાઇરસની મહામારીના યોગ્ય વ્યવસ્થાપનમાં ગુજરાત સરકાર જરૂરિયાત મુજબનાં પગલાં ન લઈ રહી હોવાનો મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો છે.
હાલ જ્યારે કોરોના ગુજરાત સામે એક પડકાર બનીને ઊભો છે તેવા સમયે આખરે કેમ કોરોનાના ખતરાથી સામાન્ય નાગરિકોને બચાવવાની જેમની જવાબદારી છે તેવી બે સંસ્થાઓ એટલે કે સરકાર અને જેમને આ મહામારીમાં ફ્રન્ટલાઇન વર્કર અને કોરોના વૉરિઅર તરીકેનું બહુમાન હાંસલ તેવા તબીબો વચ્ચે સતત ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
નોધનીય છે કે થોડા દિવસ પહેલાં જ ડૉક્ટરોનાં કેટલાંક સંગઠનોએ સરકારને ઝડપથી વધી રહેલા કેસોને અટકાવવા માટે લૉકડાઉન જાહેર કરવાની રજૂઆત કરી હતી. પરંતુ સરકારે આ માંગણી સ્વીકારી નહોતી. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તો લૉકડાઉનના વિકલ્પનો કોઈ વૈજ્ઞાનિક આધાર ન હોવાની વાત કરીને તબીબોની માંગણીનો છેદ ઉડાડી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે જ્યારે ફરીથી કોરોના સામેની આ લડાઈમાં ડૉક્ટરો અને સરકાર સામસામે આવી ગયાં છે ત્યારે બીબીસી ગુજરાતીએ આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે આ વિવાદના પક્ષકારો સાથે વાત કરી હતી.
આ વાતચીતમાં નિષ્ણાતોએ તબીબી સંસ્થાઓ અને સરકારે એકબીજાના પૂરક બનીને એકબીજાની જરૂરિયાતો સમજીને કોઈ પણ નિર્ણય લેવો તેવો મત વ્યક્ત કર્યો હતો.

'સરકારી કનડગત છે ખટરાગનું મુખ્ય કારણ'

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુક ડૉ. કિરીટ ગઢવી કોરોનાના આ કપરા કાળમાં સરકાર અને તબીબો વચ્ચે જોવા મળી રહેલા ઘર્ષણ માટે સરકારી કનડગત અને ચંચુપાતને કારણભૂત માને છે.
તેઓ કહે છે કે, "તબીબોને હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે તેમની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સેવા આપવા માટે ફરજ પાડવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા વારંવાર જુદા જુદા આદેશો જારી કરીને હૉસ્પિટલોની તેમના કામમાં બિનજરૂરી અવરોધો ઊભા કરવામાં આવે છે."
"હાલ સરકારે તબીબો સાથે તાલમેલ સાધીને કોરોનાના પડકારનો સામનો કરવાનો છે, ના કે તેમના કામમાં અવરોધો ઊભા કરવાના છે. સરકાર હાલ ઘણા બધા પ્રકારે હૉસ્પિટલોની કામગીરી સામે બિનજરૂરી પ્રશ્નો ઉઠાવે છે. જેના કારણે તબીબોના ઉત્સાહમાં ઘટાડો થાય છે."
ડૉ. ગઢવી કહે છે કે, "હાલ સરકારે એ સમજવાની જરૂર છે કે પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી તબીબો સતત આ ખતરનાક બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આવા સમયે જ્યારે તેમનો ઉત્સાહ વધારવાની જરૂર છે ત્યારે જરૂરી દવા અને સાધનો ન પૂરાં પાડવામાં આવે બલકે તેમની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે તો ઘર્ષણ તો થવાનું જ છે."
તેઓ કહે છે કે માત્ર ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ જાહેર કરી દેવાથી કામ નહીં થાય, સરકારે આ હૉસ્પિટલો અને ડૉક્ટરો સારી રીતે કામ કરી શકે તે માટે તેમને જરૂરી સુવિધાઓ અને સંસાધનો પૂરાં પાડવાં પડશે.
માત્ર પ્રશ્નો કે વાંધા ઉઠાવવાથી વાત નહીં બને તેમણે ડૉક્ટરોની યોગ્ય સલાહો ઉપર પણ ધ્યાન આપવું પડશે તો જ કોરોના સામેની આ જંગ આપણે જીતી શકીશું.

'આ રોગનિયંત્રણનું કામ છે રોડ બનાવવાનું નહીં'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પૂર્વ સચિવ ડૉક્ટર વીરેન શાહે અમદાવાદમાં સરકારી તંત્ર દ્વારા તઘલખી નિર્ણયો કરવામાં આવતા હોવાનું જણાવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું હતું કે, "વારંવાર બદલાતા નિર્ણયોને કારણે હાલ ડૉક્ટરો દર્દીઓને સારી રીતે સારવાર નથી આપી શકતા. આ સિવાય વારંવાર ઓક્સિજન અને રેમડેસિવિર જેવી જરૂરી દવાઓનો જથ્થો પૂરો પાડવા માટે લેખિત રજૂઆતો છતાં અમારી રજૂઆતો પર ઇરાદાપૂર્વક ધ્યાન ન અપાતું હોય તેવું લાગે છે. આવી પરિસ્થિતિમાં સરકારી તંત્ર સાથે અનુકૂલન સાધવું લગભગ અશક્ય બની ગયું છે. જેનું પરિણામ અંતે જાહેર જનતાને ભોગવવું પડી શકે છે."
અહીં નોંધનીય છે કે ડૉ. વીરેન શાહે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓના ડૉક્ટરો અને હૉસ્પિટલો પ્રત્યેના વર્તનથી વ્યથિત થઈને અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના સચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.
ડૉ. વીરેન શાહ પોતાના રાજીનામાના કારણ અંગે બીબીસી ગુજરાતીને જણાવે છે કે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પેોરેશનની નિષ્ક્રિયતા અને ખાનગી હૉસ્પિટલો પ્રત્યેના ભેદભાવભર્યા વલણ વિરુદ્ધ આ પગલું લીધું છે.
તેઓ કહે છે કે, "પહેલાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર એવો હુકમ આપે છે કે હવેથી અમદાવાદમાં હોમ કૅર ટ્રીટમેન્ટ લઈ રહેલા લોકોને પણ AHNA મારફતે રેમડેસિવિર દવા ઉપલબ્ધ કરાવાશે. પછી થોડા દિવસોમાં જ આ આદેશ કારણ વગર પાછું ખેંચી લેવાય છે. જે કારણે દર્દીઓ અને ડૉક્ટરો વિમાસણમાં મુકાયા છે."
અમદાવાદની હૉસ્પિટલોમાં સર્જાયેલી ઓક્સિજનની અછત અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "વારંવાર રજૂઆત છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર જવાબ આપવામાં આવતા નથી. માત્ર આશાઓ બંધાવવામાં આવે છે, ઉપરાંત હૉસ્પિટલો અને ડૉક્ટરો દ્વારા ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપો કરી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવે છે. મેં કૉર્પોરેશનના આવા મનસ્વી અને તઘલખી નિર્ણયો અને અવ્યવસ્થા સામે રાજીનામું આપ્યું છે."
તેઓ સરકારી તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરતાં આગળ કહે છે કે કોને રેમડેસિવિર જેવી મહત્ત્વપૂર્ણ દવા આપવી અને કોને નહીં તેનો નિર્ણય ડૉક્ટરથી સારો કોઈ ન લઈ શકે. આ કોઈ રોડ બનાવવાની કામગીરી નથી આ રોગનિયંત્રણનું કામ છે. જેમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વધારે પડતી દખલ કરવામાં આવી રહી છે.

ડૉક્ટરોની લૉકડાઉનની માગણીને સરકારે ન આપી મચક

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી જણાવે છે કે ઘણાં તબીબી સંગઠનોએ સરકાર સામે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક અસરથી લૉકડાઉન મૂકવાની માગ કરી છે પરંતુ સરકારે કોઈકને કોઈક કારણોસર આ માંગણી સ્વીકારી નથી.
તેઓ કહે છે કે, "જો સરકાર ડૉક્ટરોને ફ્રન્ટલાઇન વૉરિયર માનતી હોય તો તેમની સારી અને સાચી સલાહ પર પણ ધ્યાન આપવું જોઈએ."
ડૉ. ગઢવી હાલની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ઓછામાં ઓછા 15 દિવસના લૉકડાઉનની જરૂરિયાત હોવાની વાત કરતાં કહે છે કે, "સરકારે એ સમજવાની તાતી જરૂરિયાત છે કે આપણે માત્ર પ્રતીક લૉકડાઉન નથી કરવાનું. લૉકડાઉનનો હેતુ સંક્રમણની ચેઇન તોડવાનો હોવો જોઈએ. તેથી જો સંક્રમણની ચેઇન તોડવી હોય તો સરકારે ઓછામાં ઓછાં બે અઠવાડિયાંનું લૉકડાઉન જારી કરવું જોઈએ."
નોંધનીય છે કે હાલ ઘણાં તબીબી સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી લૉકડાઉનની માગ અંગે સરકારને પત્ર લખવામાં આવ્યો છે. પરંત સરકારે અવારનવાર લૉકડાઉનની કોઈ જરૂરિયાત ન હોવાની વાત પકડી રાખી છે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તો લૉકડાઉન સંક્રમણની ચેઇન તોડવામાં અસરકારક છે તે વાતના કોઈ પુરાવા ન હોવાનું કહીને તબીબોની માંગણીનો છેદ ઉડાડી ચુક્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના વડા ડૉ. દિલીપ માવળંકરે પણ કેટલાક ડૉક્ટરો સાથે મળીને સરકાર સમક્ષ સંક્રમણને રોકવા માટે લૉકડાઉનની જાહેરાત કરવાની માગ કરી હતી. પરંતુ સરકારે હજુ સુધી તેમની આ માગણી પર કોઈ વિચાર કર્યો હોય તેવું લાગતું નથી.
આ વિશે ડૉ. દિલીપ માવળંકર જણાવે છે કે, "સરકાર પર પણ ધંધા-રોજગાર ચાલુ રાખવાની સાથોસાથ સંક્રમણ અટકાવવાનું દબાણ છે. તેથી લૉકડાઉનનો વિકલ્પ હોવા છતાં પણ તેઓ નિર્ણય નથી લઈ શકી રહ્યા."

સરકાર આ મામલે શું કહે છે?

ઇમેજ સ્રોત, @NITINBHAI_PATEL/TWITTER
રાજ્યના તબીબો અને સરકાર વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ અંગે સરકારનો પક્ષ જાણવા માટે પણ બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વાસ્થ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીનો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
રાજ્યની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરીને સુનાવણી કરી ત્યારે ગુજરાત સરકાર વતી સરકારી વકીલે કહ્યું હતું કે સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.
સાથે-સાથે તેમણે કહ્યું હતું કે રેમડેસિવિરનો કેટલાક કિસ્સામાં બિનજરૂરી ઉપયોગ પણ થઈ રહ્યો છે અને કેટલાક ડૉક્ટર્સ તેને ખોટી રીતે પ્રિસ્ક્રાઇબ કરે છે.
જોકે એ વખતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી કે સરકાર દરરોજ 25 હજાર ઇન્જેક્શન ભેગાં કરે છે.
તેમણે કહ્યું હતું કે છેક આસામથી, મુંબઈથી ઇન્જેક્શનો લાવીને, ગુજરાતના ઉત્પાદકો પાસેથી લાવીને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે.
મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે અને એમાંથી ગુજરાત બાકાત નથી. ભારતનાં દરેક રાજ્યમાં, દરેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, કેસો વધતા જાય છે."
"ગુજરાતની સરકારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતની પ્રજા માટે દિવસરાત જોયા વગર કામગીરી કરી છે અને અનેક નિર્ણયો કર્યા છે."
"લાખો કર્મચારી, દરેક વિભાગના કર્માચારીઓએ દિવસરાત જોયા વગર કામગીરી કરી છે અને દુખ સાથે કહેવું પડે છે કે કામગીરી કરતા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












