કોરોનાની ગંભીર સ્થિતિ : જે હૉસ્પિટલમાં ભણાવતા હતા ત્યાં જ લાચાર સ્થિતિમાં ડૉક્ટરે ગુમાવ્યો જીવ

ડૉક્ટર જે કે મિશ્રા ગયા અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્વરૂપરાણી નહેરુ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ઇમેજ સ્રોત, SAMIR ATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર જે કે મિશ્રા ગયા અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી સંવાદદાતા

"અલ્હાબાદ શહેરની જે સ્વરૂપરાણી હૉસ્પિટલમાં મારા પતિએ પાંચ દાયકા સુધી લોકોની સારવાર કરી હતી અને જેમના હાથ નીચે ભણેલા ડૉક્ટરો આ હૉસ્પિટલમાં હતા, ત્યાં જ કોવિડની બીમારીના કારણે એક ડૉક્ટર પણ મારા પતિને જોવા માટે ન આવ્યા અને મારી નજરોની સામે તેમણે જીવ ગુમાવ્યો. ડૉક્ટર હોવા છતાં હું પણ તેમની કોઈ મદદ કરી ન શકી."

પ્રયાગરાજના જાણીતાં ડૉક્ટર રમા મિશ્રા ફોન પર વાત કરતી વખતે રડી પડે છે. તેઓ માત્ર એ કારણથી લાચાર નથી કે તેમના પતિએ તેમની આંખોની સામે હોસ્પિટલની કથિત બેદરકારી, ડૉક્ટરો અને કર્મચારીઓની ઉપેક્ષા અને સંસાધનોની અછતના કારણે દમ તોડી દીધો. તેમને એ વાતનો પણ અફસોસ છે કે ચાર રાત દરમિયાન તેમણે ડઝનેક લોકોને આવી રીતે જીવ ગુમાવતા જોવા પડ્યા.

80 વર્ષીય ડૉક્ટર રમા મિશ્રા પ્રયાગરાજનાં વિખ્યાત મહિલા રોગનિષ્ણાત છે. તેઓ અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)ના મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલ આ જ મેડિકલ કૉલેજ સાથે સંલગ્ન છે. તેમના પતિ ડૉક્ટર જે કે મિશ્રા અને તેઓ બંને જણા ગયા અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

ડૉક્ટર રમા મિશ્રા જણાવે છે, "કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી શરૂઆતમાં અમે લોકો હોમ ક્વોરૅન્ટાઈનમાં જ રહ્યા. પરંતુ તેમનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હતું. મેડિકલ કૉલેજના ડૉક્ટરોએ જ સલાહ આપી કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવી દો. જોકે, હૉસ્પિટલમાં બેડની પણ બહુ અછત હતી. અમારા ઓળખિતા ડૉક્ટરોએ તેમના માટે પથારીની વ્યવસ્થા તો કરી દીધી, પરંતુ ત્યાર પછી ત્યાં જે સ્થિતિ હતી તે ભયંકર હતી."

ડૉક્ટર રમા મિશ્રા અને તેમના પતિ જે. કે. મિશ્રા 13 એપ્રિલે હૉસ્પિટલમાં ગયા. હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં માત્ર એક પથારી મળી શકી.

ડૉક્ટર રમા મિશ્રાએ જણાવ્યું કે તે રાતે તેઓ ભોંયતળિયા પર સુતા રહ્યા કારણ કે તેમને બીજા દિવસે પથારી મળી હતી.

તેઓ કહે છે, "મને પથારી ન મળી. મને ઓક્સિજનની જરૂર ન હતી. મારો રિપોર્ટ પૉઝિટિવ હોવા છતાં મારી તબિયત ખરાબ ન હતી. તે રાતે ડૉક્ટર સાહેબને કોઈ ઇન્જેક્શન લગાવવામાં આવ્યું. પરંતુ તે કયું ઇન્જેક્શન છે તે અમને જણાવાયું નહીં. અમે પૂછ્યું તો પણ ન જણાવ્યું. બીજા દિવસે સવારે ફરી ઇન્જેક્શન આપવામાં આવ્યું. ત્યાં રાતના સમયે અમે જે જોયું તે બહુ ભયંકર હતું. આખી રાત દર્દીઓ ચીસો પાડતા રહ્યા. તેમને જોવા માટે કોઈ આવતું ન હતું. વચ્ચે વચ્ચે કોઈ નર્સ આવતી હતી અને ડૉક્ટર આવતા હતા ત્યારે ડૉક્ટરો ધમકાવીને બધાને ચૂપ કરાવી દેતા હતા. અથવા કોઈ ઇન્જેક્શન આપી દેતા હતા. તેમાંથી ઘણા લોકોને સવારે સફેદ કપડાંમાં વીંટાળીને બહાર લઈ જવાતા હતા. એટલે કે તેઓ મૃત્યુ પામ્યા હતા."

line

હૉસ્પિટલમાં શું થયું?

ડૉક્ટર રમા મિશ્રા અને તેમના પતિ જે. કે. મિશ્રા 13 એપ્રિલે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં માત્ર એક પથારી મળી શકી.

ઇમેજ સ્રોત, SAMIR ATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર રમા મિશ્રા અને તેમના પતિ જે. કે. મિશ્રા 13 એપ્રિલે હૉસ્પિટલમાં ગયા પરંતુ કોવિડ વોર્ડમાં માત્ર એક પથારી મળી શકી.

પ્રયાગરાજમાં મમ્ફોર્ડગંજના રહેવાસી ડૉક્ટર જગદીશ કુમાર મિશ્રા અને તેમના પત્ની ડૉક્ટર રમા મિશ્રાએ પહેલી માર્ચે શહેરની બેલી હૉસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. સાતમી એપ્રિલે તેમણે બીજો ડોઝ પણ લીધો, છતાં પતિ-પત્ની બંનેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

13 એપ્રિલે બંનેને સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં ડૉ. જગદીશ કુમાર મિશ્રાનું શુક્રવારે બપોર પછી મૃત્યુ થયું.

ડૉક્ટર રમા મિશ્રા કહે છે કે ડૉક્ટર જે. કે. મિશ્રા સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલના સૌપ્રથમ હાઉસ સર્જન હતા.

ત્યારબાદ તેઓ સર્જરી વિભાગના વડા બન્યા. ડૉક્ટર રમા મિશ્રા સ્વયં સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલમાં મહિલા અને પ્રસૂતિ વિભાગમાં પ્રોફેસર રહી ચૂક્યાં છે.

ડૉક્ટર રમા મિશ્રાએ જણાવ્યું, "હૉસ્પિટલમાં કોરોનાના નોડલ ઓફિસર ડૉક્ટર મોહિત જૈન પણ અમારા જુનિયર રહી ચૂક્યા છે. ભરતી થયાના બીજા દિવસે તેઓ આવ્યા તો અમને જોઈને ચોંકી ગયા. તેમણે હસીને અમને પૂછ્યું કે તમે લોકો અહીં કેવી રીતે આવી ગયા? તેઓ થોડો સમય રહ્યા. હાલચાલ પૂછ્યા. પરંતુ તેમણે પણ અમને જણાવ્યું નહીં કે અમને શું થયું છે અને કઈ સારવાર અપાઈ રહી છે. ત્યાર પછી તેઓ એક વખત પણ અમને જોવા ન આવ્યા."

ડૉક્ટર રમા મિશ્રા જણાવે છે કે ખાસ કરીને રાતના સમયે વોર્ડમાં કોઈ રહેતું ન હતું. વોર્ડ બૉય પણ ન હતા.

વીડિયો કૅપ્શન, રાજકોટમાં વૅક્સિન માટે અનોખી સ્કિમ, રસી મૂકાવો અને મેળવો સોનાની ચૂની

તેઓ કહે છે, "રાતે માત્ર એક જુનિયર ડૉક્ટર આવતા હતા. તેઓ પણ માત્ર ઓક્સિજનનું લેવલ જોઈને જતા રહેતા હતા. પહેલા દિવસે એક ડૉક્ટર સચદેવા હતા જેઓ અમારા ડૉક્ટર સાહેબના જુનિયર હતા. તેઓ ત્રણ ફૂટના અંતરે રહીને હાલચાલ પૂછીને જતા રહ્યા અને પછી આવ્યા જ નહીં. થોડી વાર પછી બીજા એક ડૉક્ટર આવ્યા. તેમણે અમને મેદાંતામાં જવાની સલાહ આપી."

ડૉક્ટર રમા મિશ્રાએ જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ સુધી આમ ચાલતું રહ્યું. 16 એપ્રિલે ડૉક્ટર જે. કે. મિશ્રાની તબિયત વધારે કથળી. "ઑક્સિજનનું લેવલ સતત ઘટતું જતું હતું. બીજું એક સાધન લગાવવામાં આવ્યું તો તેનાથી તેમનો શ્વાસ રોકાવા લાગ્યો. ત્યારબાદ અમે તે સાધન દૂર કરાવ્યું તો કફમાંથી લોહી પડવા લાગ્યું. મેં ત્યાં હાજર એક વ્યક્તિને આ વિશે જણાવ્યું તો તેણે બેદરકારીથી કહ્યું કે આ બીમારીમાં આવું તો થાય જ છે.''

''હું બૂમો પાડવા લાગી. મેં કહ્યું કે તમે લોકો કંઇક કરો, આમને વૅન્ટિલેટર પર રાખો. પરંતુ ડૉક્ટરોએ કહ્યું કે અહીં વૅન્ટિલેટર છે જ નહીં. અમારા જુનિયર રહી ચુકેલા ડૉક્ટર શક્તિ જૈન દોડીને ઉપર ગયા અને ત્યાં તેમણે પથારીની વ્યવસ્થા કરી. હું લિફ્ટમાં ઉપર પહોંચી તો મેં જોયું કે તેઓ શ્વાસ જ લેતા ન હતા. વૅન્ટિલેટર લાવીને તેને કનેક્ટ કરવામાં એટલો બધો સમય લાગ્યો કે ત્યાં સુધીમાં તેમનો જીવ જતો રહ્યો."

ડૉક્ટર રમા મિશ્રા હૉસ્પિટલના કર્મચારીઓ અને ડૉક્ટરોની બેદરકારી તથા તેમના કથિત ખરાબ વ્યવહારના કારણે પણ વ્થતિત છે.

તેઓ કહે છે, "અમને તો ઘણા ડૉક્ટરો ઓળખતા હતા, છતાં આવી સ્થિતિ હતી. સામાન્ય દર્દીઓની તો કોઈ વાત પણ સાંભળતું ન હતું. તેઓ કંઇ બોલે તો તેમને એવી રીતે ધમકાવવામાં આવતા હતા જાણે તેમણે આ લોકોનું કંઇ ઝૂંટવી લીધું હોય. હૉસ્પિટલમાં નથી કોઈ સુવિધા કે નથી કોઈ સ્ટાફ. ખરું કહું તો આ લોકો એવું જ વિચારે છે કે અહીં જે દાખલ થયું છે તેમણે હવે મરવાનું જ છે."

line

સંસાધનોની અછત હોવાનો ઇનકાર

ડૉક્ટર જે. કે. મિશ્રાના મૃત્યુ અંગે ડૉક્ટર મોહિત જૈન કહે છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે.

ઇમેજ સ્રોત, SAMIR ATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર જે. કે. મિશ્રાના મૃત્યુ અંગે ડૉક્ટર મોહિત જૈન કહે છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે.

જોકે, સ્વરૂપરાણી હૉસ્પિટલમાં કોવિડના નોડલ ઓફિસર ડૉક્ટર મોહિત જૈને હૉસ્પિટલમાં સંસાધનોની અછત હોવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે હૉસ્પિટલમાં હવે દર્દીઓની સંખ્યા એટલી બધી છે કે તેમને સંભાળવાનું મુશ્કેલ થઇ ગયું છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉક્ટર મોહિત જૈન કહે છે, "સૌથી મોટી સમસ્યા એ છે કે જે દર્દીઓ આવતા હતા તેઓ પહેલેથી બહુ ગંભીર સ્થિતિમાં હતા. તેમનું ઓક્સિજનનું લેવલ 25-30 સુધી પહોંચી ગયું હતું. અત્યારે અમારી હૉસ્પિટલમાં 500થી વધુ લોકો છે. તેમાંથી ઘણા ગંભીર સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં આવનારાઓ માટે અમારી પાસે ઇલાજ માટે કંઇ રહેતું નથી. દર્દી યોગ્ય સમયે અમારી પાસે આવે તો અમે દરેક પ્રકારની સારવાર કરવામાં સક્ષમ છીએ."

ડૉક્ટર મોહિત જૈન કહે છે કે લોકો લક્ષણો દેખાવા છતાં ઘણા દિવસો સુધી પોતાના ઘરમાં જ રહે છે અને જ્યારે સ્થિતિ ગંભીર થઈ જાય ત્યારે હૉસ્પિટલમાં આવે છે.

તેઓ કહે છે કે અગાઉ જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ અમારી પાસે સંસાધનો હતા. પરંતુ હવે જે સ્થિતિ છે તે બહુ વિસ્ફોટક છે. હાલની સ્થિતિ પ્રમાણે તો સંસાધનો વિશે વિચારવામાં પણ આવ્યું ન હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, હકીકત એ પણ છે કે કોવિડ ટેસ્ટ માટે લોકો આમતેમ ભટકી રહ્યા છે. જેમનો ટેસ્ટ થઈ જાય છે તેમને પણ રિપોર્ટ મળવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગી રહ્યો છે.

સમસ્યા એ છે કે આ દરમિયાન દર્દીની સ્થિતિ કથળતી જાય છે પરંતુ રિપોર્ટ ન હોવાના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવતા. બીજી તરફ આ કારણોથી તેઓ બીજા લોકોને પણ સંક્રમિત કરી રહ્યા છે.

ડૉક્ટર જે. કે. મિશ્રાના મૃત્યુ અંગે ડૉક્ટર મોહિત જૈન કહે છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે.

તેઓ કહે છે, "મેડમ મારા પણ સિનિયર રહ્યા છે. હાલમાં તેમના પતિનું મૃત્યુ થયું છે તેથી તેમની ફરિયાદો જરૂર હશે. પરંતુ અમે તેમની સારવારમાં કોઈ કસર છોડી ન હતી. હું પોતે ઘણી વખત તેમની પાસે ગયો હતો. પાંચ મિનિટ પહેલા સુધી તેઓ બરાબર હતા. અચાનક જે સ્થિતિમાં તેઓ બીમાર થયા અને મૃત્યુ થયું તે સ્થિતિમાં તેમને કોઈ પણ હૉસ્પિટલમાં બચાવી શકાયા ન હોત."

line

પ્રયાગરાજમાં કેવી સ્થિતિ છે?

ઉત્તર પ્રદેશમાં લખનૌ પછી સૌથી વધુ કોરોનાગ્રસ્ત જિલ્લો પ્રયાગરાજ છે.

ઇમેજ સ્રોત, SAMIR ATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં લખનૌ પછી સૌથી વધુ કોરોનાગ્રસ્ત જિલ્લો પ્રયાગરાજ છે.

ઉત્તર પ્રદેશમાં લખનૌ પછી સૌથી વધુ કોરોનાગ્રસ્ત જિલ્લો પ્રયાગરાજ છે. સરકારી આંકડા પ્રમાણે અહીં દરરોજ સરેરાશ 10થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે.

સેંકડોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. અહીં કોરોનાની તપાસ કરાવનાર દર પાંચમી વ્યક્તિનો રિપોર્ટ પૉઝિટિવ આવે છે.

રવિવારે પણ અહીં 1711 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક દિવસમાં 15 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. હૉસ્પિટલોમાં પથારી અને ઓક્સિજનની અછત છે જેના કારણે ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે.

કોવિડ હૉસ્પિટલ સાથે સંકળાયેલા પ્રયાગરાજના એક ડૉક્ટરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે મૃત્યુના જે સત્તાવાર આંકડા આવે છે તે વાસ્તવિક આંકડાની સરખામણીમાં બહુ ઓછા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે શહેરના જુદા જુદા સ્મશાનગૃહોમાં દરરોજ 100થી વધુ મૃતદેહોને સળગાવવામાં આવે છે અને તેમાંથી મોટા ભાગના લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

જોકે, વહીવટીતંત્ર અથવા આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વાતની પુષ્ટિ નથી કરતા.

ડૉક્ટર મોહિત જૈન ભલે બધું બરાબર હોવાની વાત કરતા હોય, પરંતુ ડૉક્ટર રમા મિશ્રા મુજબ અહીં જે સ્થિતિ છે તેમાં ગંભીર દર્દીઓ માટે બચવું મુશ્કેલ છે.

તેઓ કહે છે, "હૉસ્પિટલમાં જબરદસ્તીથી લોકોને રાખવામાં આવે છે. બહુ બેદરકારી દાખવવામાં આવે છે અને સંસાધનો બિલકુલ નથી. માત્ર ત્રણ વૅન્ટિલેટર હતા. તે પણ જરૂર પડે ત્યારે કામ નથી કરતા. દવા તો આપે છે પરંતુ ભારે અવ્યવસ્થા છે. હું ઇચ્છું છું કે બીજા દર્દીઓને બચાવવા હશે તો આ હૉસ્પિટલમાં ઓછામાં ઓછા 15-20 ડૉક્ટરોની ડ્યૂટી ગોઠવવામાં આવે. ભલે પછી તેઓ ચાર-ચાર કલાક ડ્યૂટી કરે. ગંભીર દર્દીઓ મૃત્યુ પામશે. પરંતુ કમસેકમ હૉસ્પિટલમાં હોવાથી તેમના પર ધ્યાન આપી શકાશે અને સમયસર સારવાર થઈ શકશે."

17 એપ્રિલે ડૉક્ટર રમા મિશ્રાનો બીજો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો તેથી તેઓ રાતે જ ઘરે આવી ગયા. તેમનું કહેવું છે કે કોવિડ વોર્ડને સંપૂર્ણપણે બંધ કરવા ન જોઈએ. પરંતુ તેમાં કમસેકમ એક કાચ હોવો જોઈએ જેથી દર્દીઓના સ્વજનોને ખબર પડે કે અંદર શું થઈ રહ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો