ભારતમાં કોરોનાની રસી માટે મોદી સરકાર વયમર્યાદા કેમ હઠાવતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સરકારે તેના કોરોના વૅક્સિન લેવા સંબંધી નિયમોમાં હવે થોડો ફેરફાર કરવો જોઈએ. આવી માગ ઘણાં રાજ્યોની સરકારો કરી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે આ સંબંધે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે અને 25 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોરોનાની રસી આપવાની પરવાનગી માગી છે.
બીજી તરફ દિલ્હીમાં શાસક 'આમ આદમી પાર્ટી'ના નેતા રાઘવ ચડ્ઢા વડા પ્રધાનને સવાલ પૂછી રહ્યા છે કે ભારત સરકાર માટે પાકિસ્તાની નાગરિકોના જીવનું મૂલ્ય, ભારતીય નાગરિકોના જીવના મૂલ્ય કરતાં વધારે છે? તેમનો ઈશારો વૅક્સિનની નિકાસના નિર્ણય તરફ હતો.
આ પ્રકારની વિનતી રાજસ્થાનના ચિકિત્સા તથા આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ પણ કેન્દ્ર સરકારને કરી છે.
તેમણે સોમવારે કહ્યું હતું કે "રાજ્યમાં જે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે કોરોના વૅક્સિનેશનની વયમર્યાદા તાત્કાલિક હઠાવી લેવી જોઈએ, જેથી ઓછા સમયમાં વધુ લોકોનું રસીકરણ કરીને કોરોનાનો પ્રસાર અટકાવી શકાય."
નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાન એ ત્રણેય રાજ્યોમાં બિન-ભાજપી સરકાર છે.
એ ઉપરાંત ઈન્ડિયન મેડિકલ ઍસૉસિયેશને (આઈએમએ) પણ મંગળવારે આવી માગણી કરી હતી.
આઈએમએએ વડા પ્રધાનને પત્ર લખીને સૂચવ્યું હતું કે સરકારે 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને કોરોના વૅક્સિન લગાવવાની પરવાનગી આપી દેવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, PIB INDIA
અલગ-અલગ ક્ષેત્રોમાંથી આટલી માગણી થઈ રહી છે ત્યારે મોદી સરકાર આ સંબંધે તાત્કાલિક નિર્ણય કેમ કરતી નથી? કેન્દ્ર સરકારના આરોગ્યસચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક પત્રકાર પરિષદમાં આ સવાલનો જવાબ પણ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે "વિશ્વના દરેક દેશમાં જરૂરિયાત અનુસાર જ રસીકરણ કરવામાં આવ્યું છે, લોકોની ઈચ્છા મુજબ નહીં."
આ સંબંધે તેમણે બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા જેવા વિશ્વના અનેક દેશોનું ઉદાહરણ પણ તેમણે આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે દરેક દેશે વયમર્યાદા સાથે રસીકરણ અભિયાનની તબક્કાવાર શરૂઆત કરી હતી.
તેમ છતાં લોકો સવાલ કરી રહ્યા છે કે કોરોના વૅક્સિન લેવાની વયમર્યાદા મોદી સરકાર હાલ હટાવી શકે કેમ શકતી નથી?
આ સમજવા માટે અમે ડૉ. સુનીલા ગર્ગ સાથે વાત કરી હતી. ડૉ. ગર્ગ મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં કમ્યુનિટી મેડિસિન વિભાગનાં વડા છે.
વય અનુસાર રસીકરણ અભિયાનની શરૂઆતને તેઓ યોગ્ય ઠરાવે છે. સરકારના આ નિર્ણય પાછળના તર્ક પણ તેઓ આપે છે.

પહેલો તર્ક: જેમને ખરેખર જરૂર છે તેવા લોકો બાકી ન રહી જાય

ઇમેજ સ્રોત, Getty Images
આંકડા દર્શાવે છે કે કોરોના મહામારી 45થી વધુ વર્ષના લોકો માટે વધારે ખતરનાક સાબિત થઈ છે.
18 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિનની છૂટ અત્યારે આપી દેવામાં આવે તો ક્યાંક એવું ન થાય કે નાની ઉંમરના લોકો વૅક્સિન લઈ લે અને મોટી ઉંમરના લોકો બાકી રહી જાય.
સરકાર ભવિષ્યમાં એ લોકોને વૅક્સિન આપી જ ન શકે એવું ન બને. જો આવું થાય તો કોરોનાથી થનારા મૃત્યુનો આંક વધી શકે છે.

બીજો તર્ક:વૅક્સિન નવી છે. ઘરેઘરે જઈને રસીકરણ ન કરી શકાય

ઇમેજ સ્રોત, Reuters
કોવિડ-19 વૅક્સિન વિક્રમસર્જક સમયમાં તૈયાર થઈ હોય એવી આ પહેલી ઘટના છે.
તેની કેટલીક આડઅસર પણ છે. અત્યાર સુધી ભારતમાં તેનાથી કોઈ મોટી દૂર્ઘટના થઈ નથી, પણ અગમચેતી જરૂરી છે. તેથી ઘરેઘરે જઈને કે રેલવેસ્ટેશન પર બૂથ બનાવીને આનું રસીકરણ થઈ શકે નહીં.
બીજું મોટું કારણ એ છે કે રસીકરણ માટે ભારત સરકાર લોકોના સહકાર પર નિર્ભર છે.

ત્રીજો તર્ક: વૅક્સિન લેવાના ખચકાટનું નિરાકરણ
શરૂઆતમાં લોકો વૅક્સિન લેવામાં બહુ ખચકાતા હતા. તેથી ઘણા લોકોએ, ડૉકટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સે પણ વૅક્સિન લીધી ન હતી.
હવે ડૉક્ટરો માટે રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું છે ત્યારે ઘણા ડૉક્ટર વૅક્સિન લેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ 45 વર્ષથી વધુ વયના લોકોમાં ન સર્જાય એટલે તેમને થોડો વધુ સમય આપવાની જરૂર છે.
જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું છે અને હજુ તો તેને ત્રણ મહિના પણ પૂરા થયા નથી.

ચોથો તર્ક:મૉનિટરિંગ મુશ્કેલ બનશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં વસતી વધારે છે. સરકારનું લક્ષ્યાંક 80 કરોડ લોકોના રસીકરણનું છે. તેથી 160 કરોડ ડોઝની જરૂર પડશે.
બધા લોકોને રસી આપવા માટે ખાનગી ક્ષેત્રની મદદ પણ લેવી પડશે. આ પરિસ્થિતિમાં મૉનિટરિંગની સમસ્યા સર્જાઈ શકે છે.
કોરોના નવી બીમારી છે અને કેન્દ્ર સરકાર જ સમગ્ર કામગીરીનું સંચાલન કરી રહી છે. વયમર્યાદા હઠાવવાથી કેન્દ્ર સરકાર માટે મૉનિટરિંગની સમસ્યા સર્જાઈ શકે છે.

પાંચમો તર્ક: નાની વયના લોકો માટે માસ્ક જ વૅક્સિન
સરકાર ઘરે બેઠેલા મોટી વયના લોકોને જ વૅક્સિન આપી રહી હોવાનો તર્ક પણ આપવામાં આવે છે. 18 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઓછી વયના લોકો જ સૌથી વધુ કોરોના ફેલાવી રહ્યા છે.
આવા લોકો માટેની દલીલ એ છે કે તેમના માટે માસ્ક જ વૅક્સિન છે તે આ વયજૂથના લોકોએ સમજવું જોઈએ.
તેમના માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.
સાબુથી હાથ ધોવાની આદત તેમણે છોડવી જોઈ નહીં. આમ પણ વૅક્સિન 100 ટકા સલામતીની ગૅરન્ટી નથી.

છઠ્ઠો તર્ક: વૅક્સિન રાષ્ટ્રવાદ અને કૉવેક્સ બન્ને સાથે ચાલે એ જરૂરી

ઇમેજ સ્રોત, EPA
ભારત વિશ્વનો સૌથી મોટો વૅક્સિન ઉત્પાદક દેશ છે. એ કારણે ભારતની પોતાની પણ કેટલીક જવાબદારી છે. ભારત કૉવેક્સ પ્રક્રિયા(જરૂરતમંદોને રસીકરણમાં અગ્રતા)માં ભાગીદાર છે.
એ ઉપરાંત ભારતે સામાજિક જવાબદારી સ્વરૂપે વૅક્સિનની વહેંચણી બીજા દેશોમાં કરી છે, પણ કેન્દ્ર સરકાર દેશના નાગરિકોનો જીવ દાવ પર મૂકીને કશું કરતી નથી.
સરકારનું ધ્યાન હાલ દેશવાસીઓની જરૂરિયાત સંતોષવા પર છે. વળી સમગ્ર ભારત માટે એક કે બે વૅક્સિન પૂરતી નથી.
ભારતમાં વધુ છ વૅક્સિનને પરવાનગી આપવાની વાત ચાલી રહી છે. એ વૅક્સિનને મંજૂરી મળશે કે તરત જ ભારત તેની સામાજિક જવાબદારીનું પાલન વધુ એકવાર કરી શકશે.
ડૉ. સુનીલાએ આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં આગામી તબક્કામાં 30 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિન દેવાની પરવાનગી આપવામાં આવશે.
જોકે, કેટલીક રાજ્ય સરકારો 18 વર્ષથી વધુ વયના અને કેટલાક 25 વર્ષથી વધુ વયના લોકોને તત્કાળ વૅક્સિન આપવાની માગણી કરી રહી છે.
આવી માગણી પાછળનો તર્ક સમજવા માટે અમે મુંબઈની જસલોક હૉસ્પિટલના મેડિકલ રિસર્ચ વિભાગના ડિરેક્ટર ડૉ. રાજેશ પારેખ સાથે વાત કરી હતી.
ડૉ. પારેખે 'ધ કોરોનાવાયરસ બૂક', 'ધ વૅક્સિન બૂક' નામનાં પુસ્તકો પણ લખ્યાં છે. તેઓ શું કહે છે એ જાણીએ.

પહેલો તર્ક : કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા વયમર્યાદા હઠાવવી જરૂરી
દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકીછે અને પહેલા તબક્કાની સરખામણીએ હવે કોરોના વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સેરો સર્વેમાં જાણવા મળ્યું છે કે કેટલાક વિસ્તારોમાંના લોકોમાં કોરોનાવિરોધી ઍન્ટીબૉડી વધુ છે, જ્યારે કેટલાકમાં ઓછા.
જે વિસ્તારના લોકોના શરીરમાં ઍન્ટીબૉડી ઓછાં છે એ વિસ્તારો હૉટ સ્પૉટ બનવાનું જોખમ વધારે છે.
તેથી એ વિસ્તારમાં તમામ વયજૂથના લોકોને વૅક્સિનેશનની પરવાનગી સરકાર હવે આપી દેવી જોઈએ. એ રીતે બીજી લહેરને ઝડપથી અંકુશમાં લઈ શકાશે.

બીજો તર્ક: વૅક્સિનેશનનું લક્ષ્યાંક ઝડપથી હાંસલ કરી શકાશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે પહેલા તબક્કામાં તમામ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વૅક્સિન આપવાનું નક્કી કર્યું હતું, પણ એ લક્ષ્યાંક ત્રણ મહિના થયા છતાં હાંસલ કરી શકાયો નથી.
ભારતમાં કુલ વસતીના માત્ર પાંચ ટકા લોકોને જ વૅક્સિન આપી શકાય છે, જ્યારે બ્રિટનમાં 50 ટકા લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે. ઇઝરાયલમાં પણ વૅક્સિનેશનની ગતિ સારી છે. તેથી ત્યાં કોરોના કંટ્રોલમાં છે. ભારતે આવા દેશો પાસેથી શીખવું જોઈએ.
ભારતમાં હાલ જે ઝડપે વૅક્સિનેશનનું કામ થઈ રહ્યું છે તે હિસાબે તમામ લોકોને વૅક્સિન આપવામાં ત્રણ વર્ષ થઈ શકે છે. વયમર્યાદા હઠાવીને એ સમયગાળાને ઘટાડી શકાય.

ત્રીજો તર્ક: વૅક્સિનની બરબાદી અટકાવવી
રાજ્ય સરકારો સાથેની બેઠકમાં ખુદ ભારત સરકારે સ્વીકાર્યું છે કે રસીકરણ નહીં થઈ શકવાને કારણે કેટલીક વૅક્સિન બરબાદ થઈ રહી છે. આંકડાની વાત કરીએ તો ભારતમાં સાત ટકા વૅક્સિન આ કારણસર જ બરબાદ થઈ રહી છે.
વયમર્યાદા હઠાવી લેવામાં આવે તો આ બરબાદી અટકાવી શકાય.
અલબત, ડૉ. સુનીલા કહે છે કે "વૅક્સિનની બરબાદીનું પ્રમાણ વૉક-ઈન વૅક્સિનેશન દ્વારા ઘણાં અંશે ઓછું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે."
"તેમાં વધુ ઘટાડા માટે ઉત્પાદકોએ વૅક્સિનના ઓછી માત્રાવાળા પેક બનાવવાં પડશે. હાલ 20 ડોઝનું એક પેક હોય મળતો હોય તો હવે પાંચ ડોઝનો પેક બનાવવું જરૂરી છે."

ચોથો તર્ક: બીજી લહેરમાં રસીકરણ-અભિયાન ચાલતું રહે

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. પારેખે જણાવ્યું હતું કે બીજી લહેરની વચ્ચે રસીકરણ-અભિયાન બે દિવસ માટે રોકવું પડ્યું હોય એવું ઇઝરાયલમાં બે મહિના પહેલાં બન્યું હતું.
ભારતમાં જે ઝડપે કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લેતાં ઇઝરાયલ જેવી પરિસ્થિતિ ન સર્જાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
તેથી ભારતે ઇઝરાયલ પાસેથી શીખવું જોઈએ.

પાંચમો તર્ક: બીજા દેશો પાસેથી પાઠ ભણે ભારત
અમેરિકા તથા બ્રિટન જેવા દેશોમાં ઝડપભેર રસીકરણ થઈ રહ્યું છે અને દેશની વસતીના એક મોટા હિસ્સાને વૅક્સિન આપી દેવાઈ છે. ત્યાં કોરોનાનો પ્રભાવ ધીમેધીમે ઓસરી રહ્યો છે. આ કારણસર ભારત સરકારે તેની વ્યૂહરચના બાબતે પુનર્વિચાર કરવો જોઈએ.
ભારત સરકારે બે સપ્તાહ પહેલાં જેટલા ડોઝ તેના નાગરિકોને આપ્યા હતા, તેનાથી વધુ ડોઝ બીજા દેશોની મદદ માટે મોકલ્યા હતા.
આ વ્યૂહરચના એ વખતે યોગ્ય હતી, એક માણસથી શરૂ થયેલી મહામારી આજે વિશ્વમાં વ્યાપક રીતે ફેલાઈ ગઈ છે.
તેથી રસીકરણ-અભિયાન પણ ઝડપભેર વિસ્તારવાની જરૂર છે.
અહીં નોંધવું જોઈએ કે અમેરિકા તથા બ્રિટન જેવા દેશોમાં પણ કોવિડ-19 બીમારીના જોખમને ધ્યાનમાં રાખીને રસીકરણ-અભિયાન ચલાવવામાં આવ્યું હોવાનું ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












