કોરોના વાઇરસ : શું ગુજરાતમાં બાળકોમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. તેનો સૌથી મોટો દાખલો વડોદરા છે, જ્યાં સયાજી હૉસ્પિટલમાં દરરોજ 5 -6 બાળકોને કોરોના પૉઝિટિવ ડિટેક્ટ થતાં હોવાનું હૉસ્પિટલના તબીબનું કહેવું છે.
સયાજી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડાં ડૉ. શીલા ઐય્યરે બીબીસીને જણાવ્યું કે, ''બાળકોમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લાં એક અઠવાડિયાથી દરરોજ 5-6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય.''
તેઓ વધુમાં જણાવે છે કે વડોદરામાં દરરોજ 300થી વધુ પુખ્તવયનાં લોકો કોરોના પૉઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે 5-6 બાળકો જો પૉઝિટિવ મળી આવે તો પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે. તેમનું કહેવું છે કે બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયાં હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો સામેલ છે.
દરમિયાન બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે વડોદરામાં બાળકોમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે અને તે વિશે તેઓ શનિવારે વડોદરા જઈ રહ્યા છે, ત્યારે આ મામલે અધિકારીઓ સાથે મિટીંગ કરશે.
જોકે, અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બેંગ્લુરુમાં પણ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 1 માર્ચથી 28 માર્ચ દરમિયાન 10 વર્ષથી ઓછી ઉંમરના 472 બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં હતા. જે 472 બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં છે તેમાં 244 છોકરા છે અને 228 છોકરીઓ છે.
નિષ્ણાતોને ટાંકતાં અહેવાલ લખે છે કે કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ગયા વર્ષે બાળકો મોટાભાગનો સમય ઘરની અંદર જ હતા પરતું હાલમાં તેઓ પરિવાર સાથે બહાર જઈ રહ્યાં હોવાથી તેમને ચેપ લાગવાનો જોખમ વધી ગયું છે.
કર્નાટક ટેકનિકલ ઍડવાઇઝરી કમિટીના સભ્ય અનુસાર લૉકડાઉન વખતે બાળકો ઘરની અંદર હતા. હવે તેઓ બગીચામાં જઈ રહ્યાં છે અથવા પોતાના ઍપાર્ટમેન્ટના કોમન એરિયામાં રમી રહ્યાં છે. સભ્ય અનુસાર બાળકો કોરોના કૅરિયર બની શકે છે. નિષ્ણાતો અનુસાર બાળકોને માસ્ક પહેરાવવો અને તેમની પાસે સોશિયલ ડિસ્ટેન્સિંગનું અનુસરણ કરાવવો એ સૌથી મુશ્કેલ કામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વડોદરામાં શું પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વડોદારામાં સયાજી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગની ઓપીડીમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવાં બાળકોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. મોટાભાગના બાળકોને વાયરલ ઇન્ફૅકશનના લક્ષણો હોય છે.
ડૉ. શીલા ઐય્યર કહે છે કે, ''રૅપિડ ઍન્ટિજન ટેસ્ટમાં આ બાળકો પૉઝિટિવ મળી આવે છે. અમુક બાળકોને શરદી-ખાંસી અને તાવ હોય છે જ્યારે બીજાં બાળકોને ઝાડા-ઊલટી થતાં હોય છે. ઘણાં બાળકો એવા હોય છે જેમનાં માતા-પિતા અથવા પરિવારના સભ્યોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને તપાસ દરમિયાન તેઓ પણ પૉઝિટિવ મળી આવ્યાં છે.''
''આ બાળકો ક્રિટિકલ નથી અને તેમને હળવાં લક્ષણો હોય છે. અમે જરુરી દવા આપીને બાળકોને હૉમ-આઇસોલેશનમાં મોકલી આપીએ છીએ. આ બાળકોની સાજા થવાની ઝડપ પણ સારી છે અને તેઓ અઠવાડિયાથી દસ દિવસની અંદર સાજા થઈ છે. અમારા હૉસ્પિટલના પીડિયાટ્રિક વૉર્ડમાં 4 બાળકો દાખલ છે."
''તેઓ વધુમાં જણાવે છે કે બાળકોમાં કેસ વધી રહ્યાં પરતું પરિસ્થિતિ એટલી પણ ગંભીર નથી. પુખ્યવયનાં લોકોની સરખામણીમાં બાળકોમાં કોરોના વાઇસનું પ્રમાણ બહું ઓછું છે. પરતું પરિસ્થિતિ વણસી શકે છે અને એટલા માટે માતા-પિતા પોતાનાં બાળકોની સંભાળ રાખે એ જરુરી છે.''
''પ્રથમ લહેરમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બાળકો માત્ર સુપર સ્પ્રેડર છે અને તેમને કોરોના વાઇરસના લક્ષણો નહીં જોવા મળે પરતું બીજી લહેરમાં બાળકોને પણ કોરોના વાઇસનો ચેપ લાગી રહ્યો છે. આ છેલ્લાં એક અઠવાડિયાથી થઈ રહ્યું છે.''
વડોદરા એસએસજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐય્યરે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું કે, ''કોરોના વાઇરસની બીજી લહેરમાં બાળકો નોંધપાત્ર સ્તરે સંક્રમિત થઈ રહ્યાં છે અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે અમે પીડિયાટ્રિક વિભાગમાં વધારાના બૅડની વ્યવસ્થા કરી છે અને જરુર જણાય તો સુવિધામાં વધારો કરીશું.''

શું આ ચિંતાજનક પરિસ્થિતી છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે શું કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ બાળકોમાં ઝડપથી ફેલાય છે કે નહીં. જો સંશોધનમાં આ વાતની પુષ્ટી થઈ જાય તો કોરોના વાઇરસનો ચેપ ફેલાવવા પાછળ એક મોટું કારણ પુરવાર થઈ શકે છે.
ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડનના પ્રોફેસર વૅન્ડી બાર્કલે કહ્યું કે વાઇરસમાં જે મ્યુટેશન આવી રહ્યું છે તેના કારણે તે વધુ ફેલાઈ રહ્યું છે. મ્યુટેશન બાદ બાળકોને પણ પુખ્યવયની વ્યક્તિની જેમ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. મ્યુટેશન પહેલાં બાળકોને ચેપ લાગવાની શક્યતા ઓછી હતી, જે હવે વધી ગઈ છે.
બીજી બાજુ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના પીડિયાટ્રિશન ડૉ. નિશ્ચલ ભટ્ટ કહે છે કે બાળકોનું કોરોનાથી સંક્રમિત થવું એ એટલી પણ ગંભીર પરિસ્થિતિ નથી. કોરોના વાઇરસનો જે નવો વૅરિયન્ટ છે તે પરિવારનાં બધા સભ્યોને સંક્રમિત કરી રહ્યું છે અને બાળકો પણ બાકાત નથી. તેના કારણે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે.
''કોરોના વાઇરસ પુખ્યવયનાં લોકોમાં અને જેમને કૉ-મોર્બિડીટી હોય તેવાં લોકોમાં વધુ અસર કરે છે. આ વ્યક્તિઓમાં ચેસ્ટ ઇન્ફેક્શન, બ્લડ ક્લોટ થવી અને સાઇટોકાઇન્ડ સ્ટોમ (સ્થિતિ જ્યાં શરીરનું ઇમ્યુન સિસ્ટમ કોરોના વાઇરસની સામે લડવાની જગ્યાએ શરીર સામે લડવા લાગે છે) હોય છે. બાળકોમાં આ ત્રણેય લક્ષણો જોવા મળ્યાં નથી જેના કારણે કોરોના વાઇરસની થઈ પણ જાય તો બાળકના જીવને જોખમ નથી.''
''બાળકોમાં આ બધું જોવા મળતું નથી. 95 ટકા કેસમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયાં બાદ બાળકો 3-4 દિવસ બાદ સાજા થઈ જાય છે. જ્યારે કોરોના વાઇરસની પ્રથમ લહેર હતી ત્યારે પણ સમગ્ર ભારતમાં જૂજ કેસ નોંધાયા છે જ્યારે વાઇરસના કારણે બાળકનું મૃત્યુ થયું હોય.''
પીડિયાટ્રિશિયન ડૉ. સંજીવ રાવ કહે છે, ''પુખ્તવયનાં લોકોમાં કોરોના વાઇરસ જેટલી ઝડપથી અસર કરે છે, તેટલી ઝડપથી બાળકોમાં અસર કરતી નથી. પરતું બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે. જો તેમને ચેપ લાગ્યો હોય તો જરુરી છે કે બાળકને આઇસોલેટ કરવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે નહીંતર બીજાને ચેપ લાગી શકે છે.
તેઓ વધુમાં જણાવે છે કે, ''પહેલાં પુખ્યવયનાં લોકોને ફ્લૂની સૌથી વધુ અસર થતી હતી, પરતું હવે બાળકોમાં ફ્લૂ થવો સામાન્ય બાબત છે. જે રીતે કેસ વધી રહ્યાં છે તે જોતાં બાળકોમાં પણ કેસ વધે તો નવાઈ નથી. તેની પૂરેપૂરી શક્યતા છે કે તેમને કોરોના વાઇરસ પણ થશે.''

વૅક્સિન નિમાર્તાઓએ બાળકો પર ટ્રાયલ શરુ કરી છે

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યાં છે ત્યારે ફાઇઝર, મૉડર્ના અને બીજી વૅક્સિન કંપનીઓએ બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી દીધી છે.
ફાઇઝરે જાહેરાત કરી કે તેણે બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી નાખી છે અને ટ્રાયલમાં સામેલ બાળકોએ વૅક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. ત્રણ તબક્કામાં ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
યુકેમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ 6-17 વર્ષનાં બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ કર્યો છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે.
જૉનસન ઍન્ડ જૉન્સન અને નોવાવેક્સએ પણ જાહેરાત કરી છે કે તેઓ નજીકના દિવસોમાં બાળકો પર પોતાની રસીની ટ્રાયલ શરુ કરશે. જોકે અગાઉ બાળકોને કોરોનાની રસીની જરૂર વિશે મતમતાંતર હતો પણ હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાથી ફરી ચર્ચા ઊઠી છે.
એનબીસી ન્યૂઝ અનુસાર ફાઇઝર ત્રણ વયજૂથોમાં રસીની પરીક્ષણ કરી રહી છે. પ્રથમ વયજૂથમાં 6 મહિનાથી 2 વર્ષ સુધીનાં બાળકો સામેલ છે. બીજા વયજૂથમાં 2થી 5 વર્ષ સુધીના બાળકો છે અને ત્રીજા વયજૂથમાં 5 થી 11 વર્ષની ઉંમરના બાળકો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ તબક્કામાં વયજૂથમાં સામેલ બાળકોને વૅક્સિનનો 10 માઈક્રોગ્રામ, 20 માઈક્રોગ્રામ અને 30 માઈક્રોગ્રામનો ડોઝ આપવામાં આવશે અને પરીણામોનું પૃથ્થકરણ કરવામાં આવશે.
ફાઇઝરે જાહેરાત કરી તે પહેલાં મૉર્ડના અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ બાળકો પર વૅક્સિનની પરીક્ષણ કરવાની શરુઆત કરી નાખી છે.
બીજા અને ત્રીજા તબક્કામાં ફાઇઝર અભ્યાસ કરશે કે શું રસી ઇમ્યુનિટી રિસ્પોન્સ લાવે છે કે નહીં અને ડોઝની દરેક વય જૂથનાં બાળકોમાં શું અસર થાય છે? સાથે આડઅસરો અને બીજી સલામતીના બાબતો પણ ચકાસવામાં આવશે.
ફાઇઝરના પ્રવક્તા કિઆના ગઝવિનીને ટાંકતાં અહેવાલ લખે છે કે 12 વર્ષથી ઓછી વયના બાળકો માટેના વૅક્સિન માટે એક નવી ટ્રાયલ અને સુધારેલ ડોઝની શિડ્યુલ જોઈશે.
બીબીસીના અહેવાલ અનુસાર ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ટ્રાયલમાં 6થી 17 વર્ષનાં 300 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી 240 બાળકોને રસી આપવામાં આવી હતી અને 60 બાળકોને 'મેનેનજઈટીસની' રસી આપવામાં આવી હતી.
ધ ઇકૉનોમિક ટાઇમ્સ અનુસાર જૉન્સન ઍન્ડ જૉન્સન પોતાના કોરોના વાઇરસ વૅક્સિનનું નવજાત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને શંકાસ્પદ ઇમ્યુનીટી ધરાવતા લોકો પર ટ્રાયલ કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલ અનુસાર અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ ઍડમિનીસ્ટ્રેશન (એફડીએ)ના સભ્ય ડૉ. ઓફર લેવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















