કેજરીવાલે સી. આર. પાટીલને કેમ કહ્યું, 'આમ આદમીની મજાક ન ઉડાવો'

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવી છે. ચૂંટણી પરિણામ બાદ પક્ષના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ટ્વિટર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને નેતાઓએ ટ્વિટર પર એક-બીજા સામે શાબ્દિક પ્રહાર કરતા ઘણાં યુઝર્સે તેમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

કેવી રીતે શરુ થયો વિવાદ

શુક્રવારે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા જ્યાં તેમને પક્ષને વૉટ આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, "અમે ગુજરાતમાં ચૂંટણી લડ્યા અને ભાજપના ગઢ સુરતમાં ચૂંટણી લડ્યા અને સફળતા મેળવી. સારી શરુઆત બહુ મોટી વસ્તુ હોય છે અને બધી લડાઈ એક દિવસમાં નહીં જીતી શકાય. અમે બહુ સારી શરુઆત કરી છે અને એ માટે તમને બધાને અભિનંદન."

"જ્યારથી પરિણામ આવ્યાં છે ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હેબતાઈ ગયા છે અને થોડાં-થોડાં ગભરાઈ ગયા છે. તેઓ તમારાથી અથવા આમ આદમી પાર્ટીથી ગભરાયા નથી પરતું એ 16 લાખ લોકોથી ગભરાઈ ગયા છે, જેમને આપને વૉટ આપ્યો છે."

"ભાજપ કેમ 25 વર્ષથી અહીં શાસન કરી રહ્યું છે? એવું તો નથી કે ભાજપનું શાસન બહુ સારો છે. ઘણી બધી સમસ્યાઓ છે. દેશના અન્ય રાજ્યોમાં બીજા પક્ષો પણ સત્તામાં આવતી હોય છે પરતું ગુજરાતમાં આવું થતું નથી કારણકે ભાજપે બીજી પાર્ટીને પોતાના ખિસ્સામાં રાખ્યો છે."

"આજે ગુજરાતમાં નહીં પરતું સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે કે સુરતમાં શું થઈ ગયું. જો 27 લોકોએ સારું કામ કરશે તો ડિસેમ્બર 2022માં ગજબની ક્રાંતિ આવવાની છે. તેમણે કહ્યું કે આપના 27 કાઉન્સીલરોને કહ્યું કે તમને ભાજપ તરફથી ફોન આવશે. તેઓ યોજના બનાવી રહ્યાં છે. બની શકે કે ભાજપવાળા તમને ધમકાવાનો અથવા લાલચ આપવાનો પ્રયાસ કરે."

જાહેરસભા બાદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરી રહ્યા હતા જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ટ્વિટ કરીને જણાવ્યું કે, કેજરીવાલજીએ કહ્યું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને 27 બેઠકો મળી છે.

પરતું તેમણે જે નહીં જણાવ્યું તે છે કે સુરતમાં આપના 59 ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી દીધી છે. વડોદરામાં આપના દરેક ઉમેદવારની ડિપૉઝિટ ડુલ થઈ ગઈ છે. અમદાવાદમાં 48માંથી 46 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે જ્યારે રાજકોટમાં 72માંથી 68 ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાની ડિપૉઝિટ ગુમાવી દીધી છે.

બીજા ટ્વિટમાં પાટીલે લખ્યું છે કે, ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપનો સ્કૉર.

3 શહેરોમાં 100 ટકા. 2 શહેરોમાં 90 ટકાથી વધુ અને 1 શહેરમાં 50 ટકાથી વધુ. ના, આ બેઠકો જીત્યાં નથી પરતું ડિપૉઝીટ ગુલ થઈ છે. કેજરીવાલજી આની ઉજવણી કરવા માટે રોડ શો કરી રહ્યા છે.

સી. આર. પાટીલને જવાબ આપતા કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે,ગુજરાતના લોકો ઉજવણી કરી રહ્યાં છે. આજે સુરતના લોકોએ ઉજવણી કરી હતી. ગુજરાતમાં દરેક વ્યક્તિ આપ વિશે વાત કરી રહી છે. કૃપા કરીને લોકોની શક્તિને ઓછી ન આંકો.

બીજા ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કૃપા કરીને મજાક ઉડાવશો નહીં અને સામાન્ય વ્યક્તિની તાકાતની અવગણના ન કરો.

કેજરીવાલને જવાબ આપતા સી.આર. પાટીલે જણાવ્યું કે ગુજરાતી મતદારોએ પોતાનો મત સ્પષ્ટ રીતે આપી દીધો છે. 6 મહાનગરપાલિકામાં સુરતમાં 65, વડોદરામાં 41, અમદાવાદમાં 155, ભાવનગરમાં 39 અને રાજકોટમાં 68 આપના ઉમેદવારોએ પોતાની ડિપૉઝીટ ગુમાવી છે.

સી. આર. પાટીલને જવાબ આપતા કેજરીવાલે ટ્વિટ કર્યું કે, ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે - 25 વર્ષના શાસન પછી ગુજરાતમાં વીજળી કેમ મોંઘી છે?

ખેડૂતો આપઘાત કેમ કરી રહ્યાં છે?

સરકારી હૉસ્પિટલો અને શાળાઓ ખંડેર કેમ છે?

કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી?

તમે અડધી રાત્રે ટ્વિટ કર્યું? કાશ ગુજરાતના લોકોના આ મુદ્દાઓ માટે આટલી બેચેની રહી હોત.

'બીજેપીને સાહેબના નામ પર વોટ મળ્યાં'

મનીષ નાવાડીયા નામના યુઝર લખે છે કે, શત્રુ ને ક્યારે તુચ્છ નાં સમજો. બીજેપીને સાહેબનાં નામ ઉપર વોટ મળ્યા છે. નિરંતર પ્રયત્ન ના કરીએ તો વિધાનસભા માં આશ્વર્યજનક નિકાલ જોવા મળશે. એક બીજેપી સમર્થક; પણ સ્થાનિક બીજેપી નાં કામ થી નાખુશ.

કિરપાલસિંહ સોલંકી નામના યુઝર લખે છે, ભાજપ આપના ઉમેદવારો પર ધ્યાન આપવા કરતા ગુજરાતના યુવાનોની રોજગારીની સમસ્યા પર વાત કરે.

શૈલેષ પ્રજાપતિ નામના યુઝર લખે છે કે, ભાજપના સભ્ય તરીકે હું આ સમજું છું પરતું સાથે-સાથે તમને જણાવવા માગું છું કે આપણા સ્થાનિક ઉમેદવારો સામાન્ય જનતા માટે કંઈ પણ કરતા નથી. તમે જણો છો કે કેમ જીતી રહ્યાં છીએ કારણકે એક વ્યક્તિના કારણે જીતે છે.જે છે નરેન્દ્ર મોદી.

અલોક ચૌધરી લખે છે કે તમારી જાણ માટે કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ 25 વર્ષથી શાસનમાં છે. શું તમને લાગે છે કે સુરતના લોકો ગાંડા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો