કૃષિકાયદાઓમાં જો ફેરફાર કરવો પડે તો અમે તૈયાર છીએ- નરેન્દ્ર મોદી - BBC Top News

ઇમેજ સ્રોત, LokSabha TV
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ભાષણ આપતી વખતે દેશમાં લાવેલા નવા ત્રણ કૃષિકાયદાઓ અંગે વાત કરી હતી.
તેઓએ કહ્યું કે કૃષિક્ષેત્રના ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને આ કાયદાઓ લાવવામાં આવ્યા છે.
તેઓએ કહ્યું કે દિલ્હીની સરહદે જે ખેડૂતભાઈ-બહેનો બેઠાં છે, તેઓ ખોટી ધારણાઓ અને અફવાના શિકાર બન્યાં છે.
વડા પ્રધાને કહ્યું કે અમે માનીએ છીએ કે જો કાયદાઓમાં ખામી લાગશે તો સુધારો કરવામાં શું ખોટું છે. અમે એના માટે તૈયાર છીએ.
તેમણે એમ પણ કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોનો આદર કરે છે અને કરતી રહેશે.
વડા પ્રધાને આ વાત કરી ત્યારે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ વિરોધ કર્યો હતો અને થોડી વાર માટે લોકસભામાં હંગામો પણ થયો હતો.

ગુજરાતમાં કોરોનાની રસી લેનારા ડૉક્ટરનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પૉઝિટિવ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના રામબાગ સરકારી સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અનુજ શ્રીવાસ્તવે ગાંધીધામ ખાતે કોવિડ-19 સામે રક્ષણ આપતી વૅક્સિન કોવિશિલ્ડનો ફર્સ્ટ ડોઝ લીધાના અમુક દિવસો બાદ 7 ફેબ્રુઆરીના રોજ તેમનો RTPCR પરીક્ષણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર તેમણે આ વિશે વાત કરતાં અખબારને કહ્યું કે, “મેં કોરોનાની રસી કોવિશિલ્ડનો ફર્સ્ટ ડોઝ 16 જાન્યુઆરીના રોજ લીધો હતો. પરંતુ દુર્ભાગ્યે ફર્સ્ટ ડોઝ શરીરને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપતો નથી. તેમજ બીજો ડોઝ લીધાના 14 દિવસ બાદ જ શરીરમાં ઍન્ટિબોડી બનવા લાગે છે. દુર્ભાગ્યે ચાર દિવસ પહેલાં મને સૂકી ખાંસી હતી અને 7 ફેબ્રુઆરીના રોજ મને તાવ આવ્યો. જ્યારે રેપિડ એન્ટિજન પરીક્ષણ કરાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે હું કોવિડ-19 પૉઝિટિવ છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ જણાવ્યું હતું કે, “હું સારવાર હેઠળ છું અને આઇસોલેશનમાં છું. હાલ મને થોડી અશક્તિ છે. RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવતી કાલે આવશે. હું છેલ્લા એક વર્ષથી કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કામ કરી રહ્યો છું.”
આ સિવાય બિઝનેસઇનસાડર ડોટ ઇનના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી મોટા ભાગના પોલીસના જવાનોને કોવિડ-19ની વૅક્સિન આપી દેવાઈ છે.
મંગળવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના લગભગ 80 ટકા જેટલા પોલીસકર્મીઓને કોવિડ-19 વૅક્સિન ડ્રાઇવ અંતર્ગત વૅક્સિન આપી દેવાઈ છે.
આધિકારિક નિવેદન અનુસાર, “રાજ્ય પોલીસદળના 81,000, 22,000 હોમગાર્ડ, 22,000 ગ્રામ રક્ષક દળના જવાનો અને ટ્રાફિક બ્રિગેડના 4,000 જવાનોને વૅક્સિન આપી દેવાઈ છે.”

ગુજરાતના તાપી જિલ્લામાં મહારાષ્ટ્રના નવાપુરથી આવતી પૉલ્ટ્રી પેદાશો પર પ્રતિબંધ લદાયો

ઇમેજ સ્રોત, CHICKENS - GENERIC
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના તાપી જિલ્લામાં મહારાષ્ટ્રના નંદુરબારના નવાપુર તાલુકામાંથી આવતી પૉલ્ટ્રી પેદાશોના ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. મંગળવારે આ પગલા અંગે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું કે પાડોશી રાજ્યના આ જિલ્લાના કેટલાક ભાગોમાં બર્ડ ફ્લુના કેસો આવતાં બે માસ માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નોધનીય છે કે નંદુરબારનો નવાપુર તાલુકો, જ્યાં બર્ડ ફ્લુના કેસો સામે આવ્યા છે, તેની સીમા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સાથે જોડાયેલી છે.
અહેવાલ પ્રમાણે તાપીના કલેક્ટર આર. જે હાલાણીએ સોમવારે સાંજે એક નોટિફિકેશન જારી કરી નવાપુર પાસેમાંથી પૉલ્ટ્રી પેદાશો મેળવવા અને મોકલવા બંને પર બે માસનો પ્રતિબંધ લાદી દીધો હતો.
તાપી જિલ્લાના વેટરનરી ઑફિસર પંકજ ફુલેત્રા અનુસાર નવાપુરમાં જે ફાર્મોમાં બર્ડ ફ્લુના કેસો મળ્યા છે તેની આસપાસના દસ કિલોમિટરના રેડિયસના વિસ્તારને સર્વેલન્સ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.

વી. કે. સિંઘના LAC અંગેના નિવેદન મામલે રાહુલ ગાંધીની કાર્યવાહીની માગણી

ઇમેજ સ્રોત, ANI
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને ભૂતપૂર્વ આર્મી વડાના ભારત-ચીનની સરહદને લઈને અપાયેલા નિવેદનને મામલે તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
તેમણે પોતાની વાત મૂકતાં આગળ કહ્યું કે, “સરકારે તેમના નિવેદનનું કાં તો ખંડન કરવું જોઈએ કાં તો સમજાવવું જોઈએ કે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું છે અને તેની ભારતની સ્થિતિ પર શું અસર પડશે.”
લોકસભામાં ઉઠેલા આ મુદ્દાને કૉંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ટેકો આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કેન્દ્રીય મંત્રી સિંઘની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, “જો તેમની હકાલપટ્ટી નહીં કરાય તો તે સેનાના દરેક જવાન માટે ‘નિરાદર’ હશે. કેમ ભાજપના મંત્રી ચીનને ભારત વિરુદ્ધ મદદ કરી રહ્યા છે? તેમની હકાલપટ્ટી થવી જોઈતી હતી.”
નોંધનીય છે કે 7 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી વી. કે. સિંઘે મદુરાઈ ખાતે રિપોર્ટરો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભારતે ચીન કરતાં વધુ વખત LAC ઓળંગી છે.”

ગૃહમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વિશે ટિપ્પ્ણી કરનારાં TMCનાં સાંસદ મહુઆ મોઈત્રા પર કોઈ કાર્યવાહી નહી થાય

ઇમેજ સ્રોત, LOKSABHATV
NDTV ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે સરકારે તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અંગે સંસદમાં ટિપ્પણી કરવા બાબતે સરકાર કોઈ પણ કાર્યવાહી નહીં કરે.
અહેવાલ પ્રમાણે કેન્દ્રના પાર્લામેન્ટ્રી અફેર્સ મિનિસ્ટર પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે મહુઆ મોઈત્રા સામે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ટાર્ગેટ કરતી ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકાય છે.
જ્યાં સુધી તે અંગે યોગ્ય પ્રસ્તાવ મૂકી ચર્ચા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ સભ્યે ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિના આચરણ બાબતે ટિપ્પણી કરવાની નથી.
મહુઆના નિવેદન અંગે ભાજપના સાસંદોએ વાંધો રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ ગોગોઈએ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે.
પરંતુ સૂત્રો અનુસાર મહુઆ મોઈત્રાએ એક ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અંગે ટિપ્પણી કરી હતી, તેઓ સિટિંગ જજ ન હોઈ તેમનો સમાવેશ ઉચ્ચ અધિકારીમાં થતો ન હોઈ તેમના નિવેદન બદલ મહુઆ મોઈત્રા સામે કાર્યવાહી થઈ શકી નહોતી.
મહુઆ મોઈત્રાના નિવૃત્ત જસ્ટિસ રંજન ગોગોઈ અંગેનું નિવેદન ન્યાયતંત્ર વિરુદ્ધ હોવાનું કારણ આગળ ધરી તેનો રેકૉર્ડમાં સમાવેશ નહોતો કરાયો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ કાર્યવાહી અંગે પોતાનો પક્ષ મૂકતા મહુઆ મોઈત્રાએ ટ્વીટ કર્યું હતું કે, “ભારત માટે આ અંધકારના આ સમયમાં સત્ય બોલવા માટે મારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી કાર્યવાહી કરવામાં આવે એ મારા માટે સન્માનની વાત હશે.”


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













