BBC ISWOTY : વર્લ્ડ ચૅમ્પિયન શૂટર અપૂર્વી ચંડેલાની નજર ઑલિમ્પિક્સ મેડલ પર

શૂટર અપૂર્વી ચંડેલા 2019માં 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ISSF વર્લ્ડ કપ ચૅમ્પિયન રહી ચૂક્યાં છે, પરંતુ ઑલિમ્પિક્સમાં તેમનો પ્રથમ અનુભવ બહુ સારો રહ્યો ન હતો.

ચંડેલાએ સૌપ્રથમ 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યાં ન હતાં. તેઓ કહે છે કે ત્યાં તેમને જે અનુભવ મળ્યો તે નવું શીખવાની શ્રેષ્ઠ તક સમાન હતો.

નિરાશાજનક દેખાવ પછી તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2018માં ઑસ્ટ્રેલિયા ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

ત્યાર પછીનું વર્ષ તેમના માટે પહેલાં કરતા પણ વધુ સફળ રહ્યું. તેઓ નવી દિલ્હીમાં ISSF વર્લ્ડકપ ફાઇનલ જીત્યાં અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે સફળતાના કારણે તેઓ 2021ના ટોક્યો ઑલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય થયાં.

ચંડેલાને 2016માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ મળ્યો હતો. તેઓ આ વખતના ઑલિમ્પિક્સમાં પોતાનું અને પોતાના દેશનું નામ ઊંચું કરવા માંગે છે અને કહે છે કે તેઓ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવીને ટોક્યોમાં જ્વલંત દેખાવ કરવા માંગે છે.

પરિવારના ટેકાએ મજબૂત પાયો નાખ્યો

શૂટિંગ એક ખર્ચાળ રમત છે. પરંતુ જયપુરના વતની ચંડેલાના પરિવારે તેમને આગળ વધવામાં તમામ પ્રકારની મદદ કરી હતી.

અપૂર્વી ચંડેલાનાં માતા બિંદુ એક બાસ્કેટ-બૉલ ખેલાડી હતી જ્યારે તેમના એક પિતરાઈ શૂટર હતા.

નાનપણથી જ તેમના ઘરમાં રમતગમતને લગતી વાતો થતી તેથી ચંડેલાએ શરૂઆતમાં સ્પૉર્ટસ પત્રકાર બનવાનો વિચાર કર્યો હતો.

જોકે, 2008માં બીજિંગ ઑલિમ્પિક્સ ખાતે અભિનવ બિંદ્રાને ગોલ્ડ મેડલ જીતતા જોઈને તેમણે શૂટર બનવાનો નિર્ણય લીધો. બિંદ્રાની સફળતાના કારણે આખા દેશમાં આનંદનો માહોલ ફેલાયો હતો અને ચંડેલાએ પણ ગન ઉઠાવવાનું નક્કી કર્યું.

પરિવારે શરૂઆતથી જ તેમને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. અપૂર્વીને શૂટિંગમાં રસ છે તે જોઈને તેમના પિતા કુલદીપે સિંઘ ચંડેલાએ તેમને રાઇફલ ગિફ્ટમાં આપી અને આ સાથે તેમની સફર શરૂ થઈ.

શરૂઆતના દિવસોમાં તેમને નજીકની શૂટિંગ રેન્જ સુધી પહોંચવામાં જ ઓછામાં ઓછી 45 મિનિટ લાગતી હતી. તેમના પરિવારને જ્યારે સમજાયું કે અપૂર્વીનો ઘણો સમય મુસાફરીમાં જાય છે ત્યારે તેમણે ઘરમાં જ એક શૂટિંગ રેન્જ બનાવી આપી.

આ રમતના નાણાકીય ખર્ચની જવાબદારી ચંડેલાના પિતાએ ઉઠાવી હતી જ્યારે તાલીમ સત્ર અને ટુર્નામેન્ટ્સ દરમિયાન તેમનાં માતે સતત તેમની પડખે રહ્યાં હતાં. તેઓ કહે છે કે માતાની ઉપસ્થિતિ તેમને શક્તિ પૂરી પાડે છે.

સાતત્યપૂર્વક ટાર્ગેટ પાર પાડ્યાં

ચંડેલાએ 2009માં ઑલ ઇન્ડિયા સ્કૂલ શૂટિંગ ચૅમ્પિયનશિપ ખાતે ગોલ્ડ મેડલ જીત્યો અને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ત્યાર પછી 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપ જીતવામાં તેમને માત્ર ત્રણ વર્ષ લાગ્યાં હતાં.

2012 અને 2019 વચ્ચે તેઓ ઓછામાં ઓછાં છ વખત નેશનલ ચૅમ્પિયનશિપમાં મેડલ વિજેતા બન્યાં હતાં. સાથે સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ જ્વલંત દેખાવ કર્યો હતો.

2014માં ગ્લાસગ્લો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો જે એક બહુ મોટી સફળતા હતી. તેઓ કહે છે કે તે વિજય તેમના માટે સૌથી યાદગાર પળ હતી કારણ કે તેમના પરિવારના 14 સભ્યો તે સમયે ત્યાં ઉપસ્થિત હતા.

(આ પ્રોફાલ બીબીસી દ્વારા અપૂર્વી ચંડેલાને મોકલવામાં આવેલી પ્રશ્નાવલિના જવાબો પર આધારિત છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો