BBC ISWOTY - ઈશા સિંઘ : ભારતનાં સૌથી યુવા નેશનલ શૂટિંગ ચૅમ્પિયન

ભારતનાં સૌથી યુવા નેશનલ શૂટિંગ ચૅમ્પિયન ઈશા સિંઘ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાની ઇચ્છા ધરાવે છે.

16 વર્ષનાં ઈશા સિંઘને રમત ગળથૂથીમાં મળી છે. તેમના પિતા સચીન સિંઘ મોટર સ્પૉર્ટ્સમાં નેશનલ રેલી ચૅમ્પિયન હતા.

જોકે ઈશાને સ્ટીયરિંગ વ્હીલ કરતાં ટ્રિગરમાં વધારે રસ હતો. શૂટિંગની તાલીમ લેવાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર નવ વર્ષનાં હતાં.

ઈશા કહે છે કે ગનશૉટસ્ તેમની માટે સંગીત હતું અને તેમને એવી રમત પસંદ હતી, જેમાં હિંમતની જરૂર હોય.

2014માં એક શૂટરનો જન્મ ત્યારે થયો, જ્યારે ઈશાએ સૌથી પહેલાં પિસ્તોલ હાથમાં લીધી હતી. માત્ર ચાર વર્ષની અંદર એટલે કે 2018માં ઈશાએ નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશીપ જીતી લીધી.

13 વર્ષની ઉંમરે ઈશાએ આંતરાષ્ટ્રીય શૂટર મનુ ભાખર અને હિના સિધુને હરાવીને ઇતિહાસ રચ્યો. તેમણે યુથ, જુનિયર અને સિનિયર કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવીને બધાને ચોંકાવી દીધા હતા.

આંતરાષ્ટ્રીય સ્પાર્ધાઓમાં પણ ઈશાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું અને જુનિયર વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. એશિયન શૂટિંગ ચૅમ્પિયનશીપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જરૂરી નથી કે રમત પ્રત્યે આકર્ષણ હોય એટલે સફળતા મળી જાય છે, સફળતા સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.

તેલંગણાના ઈશા સિંઘના ઘર નજીક કોઈ શૂટિંગ રેન્જ નહોતી, જેના કારણે ટ્રેનિંગ લેવામાં ઘણી તકલીફ થતી હતી.

જ્યારે સ્પાર્ધાઓ નજીક હોય ત્યારે ટ્રેનિંગ માટે ઈશા ગાચીબાઉલી સ્ટેડિયમ જતાં હતાં. સ્ટેડિયમ જવા માટે ઈશાને કલાકની મુસાફરી કરવી પડતી હતી. ઉપરાંત સ્ટેડિયમમાં તેઓ મેન્યુઅલ રેન્જમાં ટ્રેનિંગ લેતાં હતાં.

અભ્યાસ, ટ્રેનિંગ અને સ્ટેડિયમ આવવા-જવા વચ્ચે સંતુલન જાળવવામાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

નવ વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમત અને બીજી પ્રવૃત્તિઓમાં રચ્યાં-પચ્યાં હોય છે ત્યારે ઈશા સિંઘ માટે બાળપણની રમત છોડીને શૂટિંગની રમતમાં ધ્યાન પરોવવું મુશ્કેલ હતું. તેમ છતાં તેઓ પોતાના ધ્યેય તરફ આગળ વધતાં રહ્યાં.

ઈશા કહે છે કે રમત માટેનો પ્રેમ અને ચોક્કસ ધ્યેયના કારણે તેઓ આ પડકારથી બહાર આવી શક્યાં છે.

જ્યારે પડકારોને શૂટ કર્યા

પોતાના કૅરિયર માટે માત્ર ઈશાએ બલિદાન નહોતું આપ્યું, પરંતુ તેમના પરિવારે પણ ઘણું સહન કર્યું છે. પોતાની દીકરી શૂટર બની શકે તે માટે પિતા સચીન સિંઘે મોટર રેલીને અલવિદા કહ્યું.

ઈશાનાં માતાપિતા કાયમ તેમની પડખે ઊભા રહ્યાં, જેથી તેઓ પોતાનું કૅરિયર બનાવી શકે. એ જરૂરી છે કે એક યુવાન ખેલાડીને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતાં રહે.

પિતા સચીન સિંઘે ક્યારેય પણ ઈશાને એકલાં પડવા દીધાં નથી. તેઓ ઈશાને પીઠબળ પૂરું પાડતા હતા.

પરિવારે કરેલા સંઘર્ષના પરિણામે શૂટિંગમાં પદાર્પણ કરવાનાં ચાર વર્ષની અંદર ઈશાએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધાં હતાં.

આ પ્રદર્શનના કારણે તેમની અંદર આત્મવિશ્વાસનો સંચાર થયો કે જો વધુ મહેનત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્પાર્ધાઓમાં મેડલ મેળવી શકે.

મેડલ મેળવવાની શરુઆત

વર્ષ 2019માં જર્મનીના સુલમાં યોજાયલો જુનિયર વર્લ્ડકપ ઈશાનું પ્રથમ આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી. સ્પાર્ધામાં ઈશા ફાઇનલ સુધી પહોંચી ગયાં, પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

ઈશા 2019માં રિયો ડી જાનેરોમાં યોજાયલ વર્લ્ડકપમાં મેડલ ન જીતી શક્યાં, પણ સ્પાર્ધામાં ભાગ લેવાના કારણે તેમની રમતમાં ઘણો સુધાર આવ્યો હતો.

2020માં ઈશાએ એશિયન શૂટિંગ ચૅમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે ઈશાનું લક્ષ્ય ઊંચુ છે અને 2024 પેરિસ ઑલિમ્પિક્સમાં તેમનું ગોલ્ડ જીતવાનું સપનું છે.

ઈશા જણાવે છે કે કોરોના વાઇરસ મહામારીના કારણે તેઓ ઘણા મહિનાઓ સુધી પ્રૅક્ટિસ કરી શક્યાં નથી પણ તેમને આશા છે કે તેઓ યુથ ઑલિમ્પિક્સ, કૉમનવૅલ્થ ગેમ્સ અને 2022 એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરશે.

2020માં ભારત સરકારે ઈશાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે.

ઍવૉર્ડ વિશે વાત કરતાં ઈશા કહે છે, "મારાં માટે આ બહુ યાદગાર ક્ષણ હતી."

તેઓ વધુમાં કહે છે, "ભારત સરકારને મારી વિનંતી છે કે મહિલા ખેલાડીઓની સંખ્યા વધારવા માટે તેઓ પગલાં લે. સરકારે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને ઇનામ તરીકે સારી રકમ આપવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો