You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTY ભાવના જાટ : એક પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધા વિના ઑલિમ્પિકમાં પહોંચનારાં રેસ વૉકર
રાજસ્થાનના નાનકડા ગામમાંથી આવતા ભારતીય ઍથ્લીટ ભાવના જાટે નાણાકીય અગવડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને રૂઢિચુસ્ત પડોશીઓની અવગણના કરીને રમતગમત ક્ષેત્રે પ્રેરણાદાયક દેખાવ કર્યો છે.
2021ના ટોક્યો ઑલિમ્પિક્સ ખાતે જાટ રેસ વૉકિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે આ રમતને શા માટે પસંદ કરી તેની પાછળ પણ એક અનોખી કહાણી છે.
ભાવના જાટ કહે છે કે, એક વખત તેઓ જિલ્લા સ્તરે રમતોત્સવમાં ભાગ લેવા ગયા હતા જ્યાં રેસ વૉકિંગની સ્પર્ધા માટે માત્ર એક જ સ્થાન ખાલી હતું. તેમણે તક ઝડપી લીધી અને આ રીતે એક રેસ વોકરનો જન્મ થયો.
ભાવના જાટ બાળપણથી જ મક્કમ મનોબળ ધરાવતાં ખેલાડી રહ્યાં છે. તેઓ રમતગમતના ક્ષેત્રે નામના મેળવવા માંગતા હતા, પરંતુ શરૂઆતમાં તેમણે પોતાની ભાવિ દિશા નક્કી કરી ન હતી.
2009માં તેમણે રાષ્ટ્રીય સ્તરના શાળાકીય રમતોત્સવમાં ભાગ લેવાનો નિર્ણય લીધો. રાજ્યની ટીમમાં સ્થાન મેળવવા માટે તેમણે સૌપ્રથમ જિલ્લા સ્તરના અવરોધ પાર કરવાના હતા.
તેમના સ્પોર્ટ્સ શિક્ષક તેમને ટ્રાયલ્સ માટે લઈ ગયા. ત્યાં તેમને ખબર પડી કે માત્ર રેસ વૉકિંગની સ્પર્ધા માટે એક જગ્યા ખાલી હતી. થોડો વિચાર કર્યા પછી જાટે આ રમતને અજમાવવાનો નિર્ણય લીધો.
પ્રારંભિક અવરોધો પાર કર્યા
ભાવના જાટના પિતા શંકરલાલ જાટ એક ગરીબ ખેડૂત હતા જ્યારે તેમના માતા નોસર દેવી સાધારણ ગૃહિણી હતાં. રાજસ્થાનના કાબરા ગામે રહેતા ભાવનાનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેઓ માત્ર બે એકર જમીનમાં થતી ખેતીની આવક પર નિર્ભર હતા.
પુત્રીની નિયમિત તાલીમની જરૂરિયાત સંતોષવી એ પણ જાટ પરિવાર માટે મુશ્કેલ કામ હતું. આ ઉપરાંત નજીકમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. રમત માટે સારું કહી શકાય તેવું કોઈ મેદાન પણ ન હતું તેથી ઉભરતા ખેલાડી માટે શરૂઆત બહુ કઠિન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ભાવના જાટ કોઇ પણ સંજોગોમાં હાર માનવા તૈયાર ન હતાં. તેમણે પોતાના ગામની આસપાસ જ વહેલી સવારે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી.
તેમણે વહેલી સવારે પ્રેક્ટિસ કરવી પડતી હતી જેથી ગામના લોકોની તેમના પર નજર ન પડે. કોઈ યુવાન મહિલા શોર્ટ્સ પહેરીને ગામમાં રમતગમતની પ્રેક્ટિસ કરે તે વિચાર જ ગામવાસીઓને પસંદ ન હતો.
ભાવના કહે છે કે સામાજિક દબાણ હોવા છતાં તેમનો પરિવાર તેમની પડખે રહ્યો. તેમના મોટા ભાઈએ કૉલેજનો અભ્યાસ છોડી દીધો અને એક નોકરી શોધી લીધી જેથી ભાવનાને રેસ વૉકિંગમાં કારકિર્દી બનાવવામાં મદદ કરી શકાય.
મહેનત રંગ લાવી
કોઈ પણ સ્થિતિમાં હાર ન માનવાના મિજાજના કારણે ભાવનાને ધીમે ધીમે પરિણામ મળવા લાગ્યું. સ્થાનિક અને જિલ્લા સ્તરની અનેક સ્પર્ધાઓમાં તેમનો વિજય થયો અને અંતે તેઓ ભારતીય રેલવેમાં જોડાયાં.
2019માં તેઓ ઓલ ઇન્ડિયા રેલવેઝની એક સ્પર્ધામાં 20 કિલોમીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યાં. તેમણે એક કલાક 36 મિનિટ અને 17 સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. તેઓ કહે છે કે આ સફળતાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાય થવા પ્રયત્નો શરૂ કર્યા.
બીજા જ વર્ષે તેમની મહેનત રંગ લાવી. 2020માં રાંચી ખાતે નેશનલ ચેમ્પિયનશિપમાં તેમણે એક કલાક 29 મિનિટ અને 54 સેકન્ડમાં રેસ પૂરી કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો. આ પરફોર્મન્સના કારણે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય થયાં.
જાટે એક ખેલાડી તરીકેના પ્રવાસમાં જે અવરોધો સહન કર્યા તે ભારતમાં મોટા ભાગના મહિલા ખેલાડીઓએ સહન કરવા પડે છે.
તેઓ કહે છે કે ભારતીય મહિલા ઍથ્લીટ્સને ભારત બહારના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે હરીફાઈ કરવાની વધુ તક મળવી જોઈએ. તેઓ કહે છે કે તેનાથી ભારતીય મહિલા ખેલાડીઓને પોતાની ટેક્નિક અને પ્રદર્શન સુધારવામાં મદદ મળશે.
કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધા વગર પણ ભાવના જાટ ઑલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થયા તે તેમની ઉચ્ચકક્ષાની પ્રતિભાનો પુરાવો છે.
ઑલિમ્પિક્સમાં ભાગ લેવો એ તેમના માટે એક નવો પડકાર હશે, પરંતુ 20 કિલોમીટરની ઑલિમ્પિક્સ રેસના ભૂતકાળના ટાઇમિંગને ધ્યાનમાં લેતા ભાવનાને આશા છે કે તેઓ ભારત માટે મેડલ જીતી શકશે.
(આ પ્રોફાઈલ બીબીસી દ્વારા ભાવના જાટને મોકલવામાં આવેલી પ્રશ્નાવલિના જવાબો પર આધારિત છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો