You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#INDvENG : મિશન ઇંગ્લૅન્ડ માટે ટીમ ઇન્ડિયા કેટલી સજ્જ?
- લેેખક, પરાગ ફાટક
- પદ, બીબીસી સંવાદદાતા
ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ પરત આવી ગઈ. ચાર ટેસ્ટ મૅચની શ્રેણીમાં અજિંક્યા રહાણેના નેતૃત્વ હેઠળ ભારતે ઑસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો છે.
ભારતીય ક્રિકેટ માટે આ વિજય એક નિર્ણાયક વળાંક સમાન ગણાય છે. ઑસ્ટ્રેલિયામાં ભારતના રેગ્યુલર કૅપ્ટને ઘરે પરત જવું પડ્યું હતું અને દરેક મૅચમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધતી જતી હતી.
ભારત માટે બહુ મુશ્કેલ સ્થિતિ હતી. છતાં ભારે દબાણ હેઠળ પણ ભારતના યુવા ખેલાડીઓએ હાર માની નહીં. હવે ભારતીય ટીમ માટે નવો પડકાર રાહ જોઈ રહ્યો છે.
ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ લાંબી ટુર માટે અહીં આવી પહોંચી છે. આ શ્રેણીમાં ચાર ટેસ્ટ મૅચ, પાંચ ટી-ટ્વેન્ટી અને ત્રણ વન-ડે રમવામાં આવશે. શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીંથી તેઓ અમદાવાદ જશે અને શ્રેણીના સમાપન વખતે પૂણેમાં મૅચ રમાશે.
ઇંગ્લૅન્ડની ટીમ શ્રીલંકાને 2-0થી જોરદાર પરાજય આપીને ભારત આવી. તેઓ આત્મવિશ્વાસથી છલકાય છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં ભારતે કેવો દેખાવ કર્યો હતો તેનાથી પણ ઇંગ્લૅન્ડ વાકેફ છે. હવે વિરાટ કોહલી અને જો રૂટ વચ્ચે મુકાબલો થવાનો છે.
કેવી ટીમ તૈયાર થઈ છે?
વિરાટ કોહલીનાં પત્ની અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યાં બાદ વિરાટનું ટીમમાં પુનરાગમન થયું છે. ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરાયો છે.
મોહમ્મદ શામી, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ હજુ ઇજામાંથી સાજા થઈ રહ્યાં છે. પૃથ્વી શોને પડતા મૂકાયા છે જ્યારે ટી. નટરાજનની બાદબાકી કરવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બૂમરા રમવા માટે ફિટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હનુમા વિહારીની નસ ખેંચાઈ ગઈ હોવાથી તેઓ નહીં રમી શકે. જસપ્રીત બૂમરા હજુ ઘર આંગણે એક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી અને તેઓ સારું પ્રદર્શન કરવા ઉત્સુક છે.
અનુભવી ઇશાંત શર્મા 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિથી હવે માત્ર ત્રણ મૅચ દૂર છે અને ટીમમાં તેમનું પુનરાગમન થયું છે.
મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરાયા છે. આ ત્રણેયે ઑસ્ટ્રેલિયામાં અદભૂત દેખાવ કર્યો હતો.
ઇંગ્લૅન્ડની ટીમ ચાલુ વર્ષમાં 17 ટેસ્ટ મેચ ઉપરાંત વન-ડે અને ટી-ટ્વેન્ટી રમવાની છે. તેના કારણે તેમણે રોટેશન પદ્ધતિ અપનાવી છે. તેમાં ખેલાડીઓને જુદી જુદી મેચ વચ્ચે આરામ આપવામાં આવશે.
શરૂઆતની બંને ટેસ્ટમાં બૅટ્સમૅન અને વિકેટકિપર જ્હોની બેરસ્ટોનો સમાવેશ નથી કરાયો. શ્રીલંકામાં સારો દેખાવ કરનારા માર્ક વૂડ અને સેમ ક્યુરનને આરામ અપાયો છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ચેન્નાઇ ખાતે પોતાની 100મી ટેસ્ટ રમશે.
2012માં રિપ્લેસમેન્ટ તરીકે આવેલા રૂટ નાગપુરમાં પહેલી ટેસ્ટ રમ્યા હતા. શ્રીલંકામાં રૂટને ભારે સફળતા મળી હતી અને તેઓ 228 અને 186 રનની મેરેથોન ઇનિંગ રમ્યા હતા.
આ શ્રેણીમાં રૂટ કેવું પ્રદર્શન કરે છે તે ઇંગ્લેન્ડ માટે ખૂબ મહત્ત્વનું રહેશે. રોરી બર્ન્સ, ઝેક ક્રોલી અને ડોમ સિબ્લી ઓપનિંગ સ્લોટના દાવેદાર છે.
મિડલ ઓર્ડર બૅટ્સમૅન ઓલી પોપને પણ ટીમમાં સામેલ કરાયા છે. જોસ બટલર વિકેટકિપર-બૅટ્સમૅન છે.
ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર જોફરા આર્ચરની પણ ટીમમાં વાપસી થઈ છે જેઓ શ્રીલંકા ગયા ન હતા. જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે વારાફરથી લેવામાં આવશે.
જેક લિચ અને ડોમ બેસ તથા મોઇન અલી સ્પીન બૉલિંગની જવાબદારી સંભાળશે. લીચ અને બેસની આ પ્રથમ ભારતીય ટુર હશે.
ટુરનું કઈ રીતે આયોજન કરાયું છે?
પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ શરૂ થશે. આ મૅચમાં કોઈ દર્શકને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે, પરંતુ તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને બીજી ટેસ્ટમાં 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
બીજી ટેસ્ટ પણ આ મેદાન પર જ રમાશે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મૅચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમનું પુનઃનિર્માણ થયું છે અને 1,10,000 દર્શકોને બેસાડવાની ક્ષમતા સાથે હવે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે કોરોના ફાટી નીકળ્યો તે અગાઉ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશને આગામી મેચમાં દર્શકોને પ્રવેશ આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
આ જ સ્થળે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમાશે. ત્યાર પછી બંને ટીમ પૂણે જશે જ્યાં ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ મૅચ રમાશે.કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી ભારતમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી હશે.
ગયા માર્ચમાં સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવી હતી, પરંતુ કોરોનાના કારણે ટુર રદ કરવામાં આવી હતી.ભારતમાં ઇંગ્લૅન્ડનો દેખાવઅત્યાર સુધીમાં ઇંગ્લૅન્ડ ભારતની ભૂમિ પર 60 ટેસ્ટ મૅચ રમ્યું છે જેમાંથી 13 ટેસ્ટમાં તેનો વિજય થયો છે, 19માં પરાજય થયો છે અને 28 મૅચ ડ્રો રહી છે.
ઇંગ્લૅન્ડ ભારતમાં પાચ ટેસ્ટ શ્રેણી જીત્યું છે. છેલ્લે 2012માં ઇંગ્લૅન્ડનો ટેસ્ટ શ્રેણીમાં વિજય થયો હતો જ્યારે એલેસ્ટેર કૂકની આગેવાની હેઠળ તેમણે ભારતને 2-1થી પરાજય આપ્યો હતો.
ઇંગ્લૅન્ડે છેલ્લે 2016માં ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. તે પાંચ ટેસ્ટની શ્રેણી હતી જેમાં ભારતે 4-0થી ઇંગ્લૅન્ડને જોરદાર પરાજય આપ્યો હતો.
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝિલેન્ડ સામે કોણ રમશે?
આ શ્રેણી ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. કોરોનાના કારણે ઑસ્ટ્રેલિયાની સાઉથ આફ્રિકાની ટુર રદ થઈ હોવાથી ન્યૂઝિલૅન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે.
હવે ન્યૂઝિલૅન્ડ સામે રમવા માટે ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે સ્પર્ધા છે. જો ઇંગ્લૅન્ડ ભારતને 3-0 અથવા 3-1 અથવા 4-0થી પરાજય આપે તો તે ક્વોલિફાઈ થશે.
જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડને 2-0, 2-1, 3-0, 3-1, 4-0થી હરાવે તો ભારત ન્યૂઝિલૅન્ડ સામે ટકરાશે. ઑસ્ટ્રેલિયા પણ ક્વોલિફાઈ થઈને ન્યૂઝિલૅન્ડ સામે રમવાની તક મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં શ્રેણીમાં વિજય શા માટે મહત્ત્વનો રહેશે?
એડિલેઇડમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો.
માત્ર 40 મિનિટની અંદર ટીમ પેવિલિયન ભેગી થઈ ગઈ જેના કારણે ભારતની આકરી ટીકા થઈ હતી અને નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ઓસ્ટ્રેલિયા 4-0થી શ્રેણી જીતી જશે.
ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ વધતી જતી હતી. કેપ્ટન વિરાટ કોહલી પિતા બનવાના હોવાથી તેમણે અધવચ્ચેથી ઘરે પરત ફરવું પડ્યું. મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શામી ઇજાગ્રસ્ત હતા.
એડિલેઇડમાં શરમજનક પરાજય પછી ભારતીય ટીમ મેલ્બર્ન ટેસ્ટની તૈયારી કરતી હતી. તેમાં ટેસ્ટ સ્કવોડમાં ચાર ફેરફાર કરાયા હતા. બીજી ટેસ્ટમાં અજિંક્યા રહાણેએ પ્રશંસનીય નેતૃત્વ કરીને સદી ફટકારી.
આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ભારતે 1-1થી શ્રેણી બરાબર કરી હતી.ત્યાર બાદ સિડની ટેસ્ટમાં પાંચમા દિવસે ભારત પરાજયની અણી પર હતું પરંતુ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઇજા અને બાઉન્સરોની પરવા કર્યા વગર મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી.
તે અગાઉ ચેતેશ્વર પુજારાએ 205 બોલમાં મેરેથોન ઇનિંગ રમીને લડાયક 77 રન બનાવ્યા હતા. રિષભ પંતે સૌને આશ્ચર્યમાં મૂકીને 97 રન ફટકાર્યા જેના કારણે એક તબક્કે વિજયની પણ શક્યતા હતી. પરંતુ વિહારી અને અશ્વિન ઇજાગ્રસ્ત હોવાથી ભારતે ડ્રોથી સંતોષ માનવો પડ્યો.
બ્રિસ્બેનમાં છેલ્લા દિવસ, છેલ્લી કલાક અને છેલ્લી ઘડીઓ સુધી મેચ ચાલી. ભારતને 98 ઓવરમાં 328 રનની જરૂર હતી. શુભમ ગિલે ફટકાબાજી કરીને 91 રન બનાવ્યા.
ચેતેશ્વર પુજારા વધુ એક સોલિડ ઇનિંગ રમ્યા. પરંતુ રિષભ પંતની 89 રનની ઇનિંગ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ અને ભારતે 2-1થી વિજય મેળવ્યો.
મોટા ભાગના ખેલાડીઓ સપ્ટેમ્બરમાં દેશ છોડીને દુબઈ ગયાહતા. ત્યાં તેમણે આઈપીએલમાં ભાગ લીધો. ત્યાંથી તેઓ સીધા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ક્રિકેટ ખેલાડીઓ પાંચ મહિના કરતા વધુ સમય સુધી બાયો બબલમાં રહ્યા હતા.
ક્રિકેટ શ્રેણીનો કાર્યક્રમ
5થી 9 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ, ચેન્નાઈ
13થી 17 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ, ચેન્નાઈ
24થી 28 ફેબ્રુઆરી -ત્રીજી ટેસ્ટ, અમદાવાદ
4થી 8 માર્ચ - ચોથી ટેસ્ટ, અમદાવાદ
12 માર્ચ -પ્રથમ T-20, અમદાવાદ
14 માર્ચ -બીજી T-20, અમદાવાદ
16 માર્ચ -ત્રીજી T-20, અમદાવાદ
18 માર્ચ -ચોથી T-20, અમદાવાદ
20 માર્ચ -પાંચમી T-20, અમદાવાદ
23 માર્ચ -પ્રથમ ODI, પૂણે
26 માર્ચ - બીજી ODI, પૂણે
28 માર્ચ -ત્રીજી OD, પૂણે