You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓને બૅક્ટેરિયલ વજાઇનોસિસ નામની સમસ્યા કેમ થાય છે?
PLoS બાયૉલૉજી નામની જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે બૅક્ટેરિયલ વજાઇનોસિસ (BV) નામની યોનિને લગતી એક સામાન્ય સમસ્યા માટે ઓરલ સેક્સ (મુખમૈથુન) કારણભૂત હોઈ શકે છે.
બૅક્ટેરિયલ વજાઇનોસિસ એ કોઈ જાતીય ચેપ નથી. પણ તે યોનિમાં મળી આવતા સામાન્ય બૅક્ટેરિયાનું અસંતુલન દર્શાવે છે.
BV ધરાવતાં મહિલામાં કોઈ લક્ષણ કદાય ન દેખાય, પરંતુ કેટલીક મહિલાઓને યોનિમાંથી તીવ્ર દુર્ગંધ ધરાવતો ડિસ્ચાર્જ થઈ શકે છે.
યોનિમાં મળી આવતા અને વૃદ્ધિ કરતા માઇક્રોબ્સ પર મોઢાના બૅક્ટેરિયા કેવી અસર કરી શકે તેના વિશે સંશોધનકર્તાઓએ અભ્યાસ કર્યો હતો.
બૅક્ટેરિયલ વજાઇનોસિસ શું છે?
BV સામાન્ય રીતે ગંભીર સમસ્યા નથી. પરંતુ તેની સારવાર કરાવવી જરૂરી છે, કારણ કે BV ધરાવતાં મહિલાઓને જાતીય બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. તેમને મૂત્રમાર્ગમાં ચેપ લાગવાનું જોખમ પણ વધુ હોય છે.
જો મહિલા ગર્ભવતી હોય તો અધૂરા માસે પ્રસૂતિનું જોખમ વધી જાય છે.
તમને આ તકલીફ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે?
તે બહુ સામાન્ય છે અને જે મહિલાઓને બૅક્ટેરિયલ વજાઇનોસિસ હોય તેમને અસામાન્ય ડિસ્ચાર્જ થાય છે, જેમાંથી માછલી જેવી બહુ આકરી દુર્ગંધ આવે છે.
ડિસ્ચાર્જના રંગ અને તેના સાતત્યમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમ કે ગ્રે-વ્હાઇટ રંગનું અથવા પાતળું કે પાણી જેવું હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને BV છે કે નહીં તે જાણવું હોય તો જાતીય આરોગ્યની ક્લિનિક પર સ્વેબ ટેસ્ટ કરાવવો પડે.
તેનું રિઝલ્ટ પૉઝિટિવ આવે તો ઍન્ટીબાયૉટિક ગોળીઓ, જેલ અથવા ક્રિમ દ્વારા સારવાર કરાવી શકાય છે.
BV ન હોય તેવી મહિલાઓ વજાઇનામાં પુષ્કળ પ્રમાણમાં 'સારા' બૅક્ટેરિયા ધરાવે છે, જે લેક્ટોબેસિલી તરીકે ઓળખાય છે. તે યોનિને વધુ એસિડિક રાખે છે અને PH સ્તર નીચે રહે છે.
કેટલીક વખત આ સંતુલન ખોરવાઈ જાય ત્યારે યોનિમાં બીજા માઇક્રો-ઑર્ગેનિઝમની વૃદ્ધિ થાય છે.
આવું શા માટે થાય છે તેની સંપૂર્ણ વિગત ઉપલબ્ધ નથી. પરંતુ એવી મહિલાઓને BV થવાની શક્યતા વધી જાય છે, જેઓ...
- સેક્સની દૃષ્ટિએ સક્રિય હોય (જોકે સેક્સ વગર પણ મહિલાને BV થઈ શકે છે)
- પાર્ટનર બદલાવ્યો હોય
- મહિલા IUD (ગર્ભનિરોધક સાધન)નો ઉપયોગ કરતાં હોય
- યોનિમાં અથવા યોનિની આસપાસ પર્ફ્યુમ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય.
PLoS બાયૉલૉજીમાં આ અભ્યાસે દર્શાવ્યું કે મોઢામાં મળી આવતા એક સામાન્ય પ્રકારના બૅક્ટેરિયા બૅક્ટેરિયલ વજાઇનોસિસ માટે કારણભૂત હોઈ શકે છે. આ બૅક્ટેરિયા પેઢાંની બીમારી અને દાંત પરની છારી (પ્લેક) સાથે પણ સંકળાયેલાં છે.
વૈજ્ઞાનિકોએ માનવ વજાઇનાના નમૂના અને ઉંદરના નમૂના સાથે પ્રયોગો કર્યા હતા અને બૅક્ટેરિયાની વર્તણૂકનો અભ્યાસ કર્યો હતો.
મોઢામાં મળી આવતા બૅક્ટેરિયા ફ્યુસોબેક્ટેરિયમ ન્યુક્લીટમ (Fusobacterium nucleatum)ના કારણે BV અને બીજા બૅક્ટેરિયાની વૃદ્ધિને ઉત્તેજન મળતું હોવાનું જોવા મળ્યું છે.
યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના રિસર્ચર ડૉ. એમેન્ડા લુઇસ અને તેમના સાથીદારોએ જણાવ્યું કે ઓરલ સેક્સ (મુખમૈથુન) BVના કેટલાક કેસ માટે જવાબદાર હોવાનું તારણ નીકળે છે.
નિષ્ણાતો પહેલેથી જાણે છે કે BV માટે સેક્સ જવાબદાર હોઈ શકે છે. તેમાં બે મહિલાઓ વચ્ચેના જાતીય સંબંધથી પણ BV થઈ શકે.
બ્રિટિશ ઍસોસિયેશન ફૉર સેક્સ્યુઅલ હેલ્થ ઍન્ડ એચઆઈવીના પ્રવક્તા પ્રોફેસર ક્લોડિયા એસ્ટકોર્ટે જણાવ્યું કે BVની સમજણ મેળવવા માટે આ પ્રકારના સંશોધનો મહત્ત્વપૂર્ણ છે.
"આપણે જાણીએ છીએ કે BV એ બહુ જટિલ ચીજ છે અને તેમાં ઘણાં પરિબળ સંકળાયેલાં છે."
તેમણે જણાવ્યું કે ઓરલ સેક્સ દરમિયાન જાતીય ચેપ તથા બીજા બૅક્ટેરિયા ફેલાવાની શક્યતા રહે છે, જે આરોગ્યને લગતી બીજી સમસ્યા માટે જવાબદાર હોય અથવા ન પણ હોય.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો