You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપિંદર સિંહ માન : સુપ્રીમ કોર્ટની સમિતિમાંથી નામ પાછું ખેંચનાર ખેડૂતનેતા કોણ છે?
ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે બનાવેલી ચાર સભ્યોની સમિતિમાંથી ભારતીય કિસાન યુનિયન (માન)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભૂપિન્દર સિંહ માને પોતાને અલગ કરી લીધા છે.
એમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેઓ આ સમિતિનો હિસ્સો બનવા માગતા નથી.
એમણે કહ્યું કે, "હું સુપ્રીમ કોર્ટનો આભારી છું કે તેમણે મને ચાર સભ્યોની સમિતિમાં નામાંકિત કર્યો જેથી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓ બાબતે ખેડૂતો સાથે વાતચીત શરૂ થઈ શકે."
"પોતે એક ખેડૂત હોવાને કારણે અને ખેડૂતોનો નેતા હોવાને કારણે, પરિસ્થિતિ અને ખેડૂત સંગઠનોની ચિંતાઓને ધ્યાનમાં લઈને હું કોઈ પણ પદની કુરબાની આપવા માટે તૈયાર છું જેથી પંજાબ અને દેશના ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન ન થાય. હું પોતાને આ સમિતિથી અલગ કરું છું અને હું કાયમ ખેડૂતો અને પંજાબની સાથે ઊભો છું."
કોણ છે ભૂપિંદર સિંહ માન?
ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા ભૂપિંદર સિંહ માન કૃષિ વિશેષજ્ઞ હોવાની સાથોસાથ અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના ચૅરમૅન છે અને ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.
તેમનો જન્મ 1939માં ગુજરાંવાલા (હાલ પાકિસ્તાનમાં) થયો હતો. ખેડૂતોના સંઘર્ષમાં તેમની ભાગીદારી માટે 1990માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્યસભામાં નીમવામાં આવ્યા હતા.
1966માં ફાર્મર ફ્રેન્ડ્સ ઍસોસિયેશનનું ગઠન કરાયું જેના તેઓ સંસ્થાપક સભ્ય હતા.
ત્યાર બાદ આ સંગઠન રાજ્ય સ્તરે 'પંજાબ ખેતી-બાડી યુનિયન' તરીકે ઓળખાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય સ્તરે આ સંગઠન ભારતીય કિસાન યુનિયન બની ગયું અને આ સંગઠને અન્ય કૃષિ સંગઠનો સાથે મળીને કિસાન સમન્વય સમિતિનું ગઠન કર્યું.
ભૂપિંદર સિંહ માને પંજાબમાં ફૂડ કૉર્પોરેશન ઇન્ડિયામાં ભ્રષ્ટાચારથી માંડીને ખાંડ મિલોમાં શેરડી સપ્લાય અને વીજળીદરોમાં વધારા જેવા મુદ્દા ઉઠાવ્યા છે.
14 ડિસેમ્બરે અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિ હેઠળ આવનારાં કૃષિ સંગઠનોએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. માને કૃષિકાયદાઓનું સમર્થન કર્યું હતું.
ત્યારે 'ધ હિંદુ' અખબાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા માટે સુધારા જરૂરી છે પંરતુ ખેડૂતોની સુરક્ષાના ઉપાયો થવા જોઈએ અને ખામીઓ સુધારવી જોઈએ.
અન્ય સભ્યો કોણ છે?
અનિલ ઘનવત
અનિલ ઘનવત મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત સંગઠન શેતકારી સંગઠનના અધ્યક્ષ છે.
શેતકારી સંગઠન કૃષિકાયદા પર કેન્દ્ર સરકારનું સમર્થન કરી રહી રહ્યું છે.
આ ખેડૂત સંગઠન કેન્દ્રીય કૃષિમંત્રી સાથે મળીને કૃષિકાયદા પર પોતાનું સમર્થન આપી ચૂક્યું છે.
મહારાષ્ટ્રસ્થિત આ સંગઠનનું ગઠન પ્રખ્યાત ખેડૂતનેતા શરદ જોશીએ કર્યું હતું. જેમણે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિનું ગઠન કર્યું હતું.
અશોક ગુલાટી
કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીને વર્ષ 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારની ખાદ્ય પુરવઠા અને મૂલ્ય નિર્ધારણ નીતિઓ માટે સલાહ આપનારી સમિતિ કમિશન ફૉર એગ્રિકલ્ચરલ કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઇસેસના તેઓ ચૅરમૅન રહી ચૂક્યા છે.
ગુલાટીએ ખેતી સાથે જોડાયેલા વિવિધ વિષયો પર સંશોધન કર્યાં છે. આ વિષયો ખાદ્ય સુરક્ષા, કૃષિવેપાર, ચેન સિસ્ટમ, પાક વીમા, સબસિડી, સ્થિરતા અને ગરીબી ઉન્મૂલન સાથે સંકળાયેલા છે.
અશોક ગુલાટી મોદી સરકારના કૃષિકાયદાનું સમર્થન કરે છે.
હાલમાં જ ઇંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં તેમણે આ કાયદાઓનું સમર્થન કરતાં લખ્યું હતું કે, આપણને એવા કાયદાની જરૂરિયાત છે જેમાં ખેડૂતોને પોતાનાં ઉત્પાદનો વેચવા માટે વધુમાં વધુ મોકળાશ મળે. નવા કૃષિકાયદા આ જરૂરિયાત સંતોષે છે.
ખેડૂત સંગઠન જે ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, તે વિશે અશોક ગુલાટીનું કહેવું છે કે MSP સિસ્ટમ 1960ના દાયકામાં ત્યારે લાવવામાં આવી હતી જ્યારે ખાદ્યાન્નની તંગી હતી અને ભારતની ખેતી એ જમાનામાંથી નીકળીને ખાદ્યાન્ન સરપલ્સના સ્તર પર પહોંચી ગઈ છે. અને જ્યારે ખાદ્યાન્ન સરપ્લસની સ્થિતિ હોય તેવી પરિસ્થિતિમાં જો બજારને મોટી ભૂમિકા ન આપવામાં આવે અને ખેતીને માગ આધારિત ન બનાવવામાં આવે તો MSPની વ્યવસ્થા આર્થિક આપત્તિ સર્જી શકે છે.
ડૉ. પ્રમોદ કુમાર જોશી
જોશી પણ કૃષિ સંશોધન ક્ષેત્રમાં એક પ્રમુખ નામ છે. તેઓ હૈદરાબાદની નૅશનલ ઍકેડમી ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ મૅનેજમેન્ટ અને નૅશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
આ પહેલાં જોશી ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દક્ષિણ એશિયાના કૉર્ડિનેટર રહી ચૂક્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો