IND vs AUS : અશ્વિન-બુમરાહનો તરખાટ, ઑસ્ટ્રેલિયા 191માં ઑલઆઉટ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેટ ખાતે યોજાઈ રહેલી પહેલી પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ મૅચનો આજે બીજો દિવસ છે અને ભારત મજબૂત સ્થિતમાં છે અને ઑસ્ટ્રેલિયાને 191 રનમાં ઑલઆઉટ કરી મહત્ત્વની કહી શકાય એવી 53 રનની લીડ મેળવી છે.

જોકે, બીજા દિવસની રમતને અંતે ભારતે ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી છે. બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 9 રનમાં એક વિકેટ છે.

પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 244 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બૉલરોએ શરૂઆત સારી કરી હતી. ઑસ્ટ્રેલિયન ઓપનર બૅટ્સમૅન પણ ચાલી શક્યા નહોતા.

ઓપનરમાં આવેલા મેથ્યુ અને જો બર્ન્સ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

જોકે વનડાઉનમાં આવેલા બૅટ્સમૅન મારનસે બાજી સંભાળી હતી. જોકે બાદમાં મારનસ પણ 47 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. સ્ટિવ સ્મિથ, ટ્રાવિસ હેડ અને કેમરુન ગ્રીનને અશ્વિને સસ્તામાં આઉટ કરી દેતા ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડરનો ધબડકો થયો હતો.

જોકે, એ પછી કૅપ્ટન ટીમ પાયને 99 બૉલમાં 73 રન નોટઆઉટની શાનદાર રમત રમી ઑસ્ટ્રેલિયાને મોટી આફતમાંથી ઘણે અંશે ઉગારી લીધું અને ભારતની લીડ સતત ઘટતી જઈ. એક તબક્કે ભારત 100થી વધારે લીડ મેળવશે એમ લાગતું હતું પરંતુ પાયનની કપ્તાની ઇનિંગે ભારતની લીડ 53 રન સુધી સીમિત કરી દીધી.

ભારત તરફથી આર. અશ્વિને 4 અને બુમરાહે 2 અને ઉમેશ યાદવે 3 વિકેટ ખેરવી છે.

ઉલ્લેખનીય છે કે આઈસીસી રૅન્કિંગ મુજબ ટેસ્ટ ક્રિકેટમાં હાલ ઑસ્ટ્રેલિયા એક નંબરની ટીમ છે અને ભારત બીજા સ્થાને છે. ગત બૉર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવી દીધું હતું.

ભારતની પહેલી ઇનિંગ

ભારતીય ઓપનર બૅટ્સમૅન સારી શરૂઆત કરી શક્યા નહોતા. પૃથ્વી શો શૂન્ય રને અને મયંક અગ્રવાલ માત્ર 17 કરીને આઉટ થઈ ગયા હતા.

જોકે બાદમાં આવેલા કૅપ્ટન વિરાટ કોહલીએ 74 અને ચેતેશ્વર પૂજારાએ 43 રન કર્યા હતા.

તો પાંચમા નંબરે આવેલા અજિંક્ય રહાણેએ પણ 42 રનનું યોગદાન આપ્યું હતું.

બીજા દિવસે વિકેટકીપર વૃદ્ધિમાન સહા અને રવિચંદ્રન અશ્વિન રમતની શરૂઆત કરી હતી.

જોકે સહા અને અશ્વિન સહિત ભારતીય બૅટ્સમૅન બાજી સંભાળી શક્યા નહોતા અને એ રીતે આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા તરફથી બૉલર મિશેલ સ્ટાર્કે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી અને પેટ કમિન્સે ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય ટીમમાં પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, વ્રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ છે.

ઑસ્ટ્રેલિયાની ટીમમાં જો બર્ન્સ, મેથ્યુ વેડ, લાબુસચાને, સ્ટીવ સ્મિથ, ટ્રાવીસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેઈન, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નથન લિઓન અને જોશ હેઝલવૂડ છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હાલ સુધીમાં 99 ટેસ્ટ મૅચ રમાઈ છે. જેમાં 28માં ભારતને જીત મળી છે. જ્યારે 42માં હાર મળી છે. ઉપરાંત 27 ટેસ્ટ મૅચ ડ્રો ગઈ છે. જ્યારે 1 મૅચમાં ટાઈ પડી છે.

ઑસ્ટ્રેલિયા હાલ સુધીમાં પિન્ક બૉલ પર સાત મૅચ રમ્યું છે. જેમાંથી તે એક પણ હાર્યું નથી. આ સાત મૅચમાંથી ચાર મૅચ એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ છે.

2018-19માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 4 મૅચની સિરિઝમાં 2-1થી હરાવ્યું હતું. 2016-17માં ઑસ્ટ્રેલિયા ભારત રમવા આવ્યું ત્યારે ભારતે પણ ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો