ગુજરાતમાં કોરોનાને ચાર મહાનગરોમાં કર્ફ્યુ લાદવાથી ખરેખર રોકી શકાશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાઇરસની સ્થિતિને જોતાં સરકારે ચાર મહાનગરોમાં રાત્રીકર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં કુલ 57 કલાક એટલે કે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

આ પહેલાં પણ અમદાવાદમાં કોરોનાની ગતિને ધીમી કરવા માટે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ કર્ફ્યુમાં માત્ર આવશ્ય વસ્તુની દુકાનો અને સેવાઓ શરૂ રહેશે. બાકી તમામ ધંધારોજગાર બંધ રહેશે.

દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદ શહેર અને રાજ્યમાં કોરોના વાઇરસના કેસ ધીમેધીમે ઓછા થવા લાગ્યા હતા.

જોકે, તહેવારોની મોસમમાં અનેક જગ્યાએ ભીડ અને લોકો બહાર નીકળતાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું હતું.

અહીં સવાલ એ છે કે કોરોના વાઇરસના સંક્રમણની સાંકળને આ કર્ફ્યુ દ્વારા તોડી શકાશે?

લોકોએ છૂટછાટનો દુરુપયોગ કર્યો?

રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ કાબૂમાં આવતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી હતી.

જેમ કે લગ્નમાં પહેલાં 50 લોકોને સામેલ કરી શકવાની મંજૂરી હતી, જે બાદ સરકારે આ મર્યાદામાં છૂટછાટ આપીને 200 લોકો સુધીની મંજૂરી આપી હતી.

દિવાળી પહેલાંની સ્થિતિને જોતાં રાજ્ય સરકારે સ્કૂલો અને કૉલેજોને ખોલવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ધંધારોજગાર માટે પણ સરકારે ઘણી છૂટછાટો આપી દીધી હતી.

જે બાદ તહેવારો પર અને તે પહેલાં બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતાં સંક્રમણ વધ્યું અને કોરોના ફેલાવાની ગતિએ ઝડપ પકડી.

57 કલાકના કર્ફ્યુથી કોરોના કાબૂમાં આવી જશે?

અમદાવાદ મેડિકલ ઍસોસિએશનનાં પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જે પ્રકારે તહેવારોમાં અપાયેલી છૂટછાટોનો લોકોએ દૂરુપયોગ કર્યો છે અને માસ્ક, સૅનિટાઇઝરનો ઉપયોગ બંધ કરાયો એમાં કોરોનાના કેસ વધી ગયા."

"સરકાર પાસે આના સિવાય કોઈ બીજો ઉપાય નથી . જો આ પ્રકારે કર્ફ્યુ નાખવામાં આવે તો લોકોમાં જાગૃતિ આવશે, કારણ કે જો કર્ફ્યુ હશે તો લોકોને તેની ગંભીરતા સમજાશે. "

"આ શિયાળાનો સમય છે જેમાં સંક્રમણ વધે ત્યારે આ જરૂરી છે."

અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યારે કોરોનાની સાઇકલને બ્રેક કરવા માટે આ જરૂરી છે.

જોકે, તેમનું માનવું છે કે આ 'લૉન્ગ ટર્મ સૉલ્યુશન' નથી. તેનાથી થોડા સમય માટે કોરોનાનું સંક્રમણ રોકી શકાશે પરંતુ લાંબા સમયનું આ સમાધાન નહીં મળે.

રાત્રીકર્ફ્યુથી કેટલો ફરક પડશે?

મોના દેસાઈનું કહેવું છે, "શિયાળાના સમયમાં કફ , શરદી અને તાવના વાયરા હોય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધી જાય છે. "

"ઉપરાંત લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે એકવાર કોરોના થયો એટલે બીજીવાર નહીં થાય એ ભ્રમણાને કારણે લોકો બેફિકર બની ગયા છે."

"આપણી માનસિકતા એવી છે કે રાત્રીના સમયે દુકાનો પર ટોળે વળવું. આવું કરવું કોરોનાનું સંક્રમણ વધારનારું છે એટલે રાત્રીકર્ફ્યુ જરૂરી છે."

ગુજરાત લૅબોરેટરી મેડિસિન ઍક્સપર્ટ ડૉ. મુકેશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું, " આ દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ અને મૉલમાં ખરીદીને કારણે કેસ વધ્યા છે."

"આ કર્ફ્યુને કારણે આપણે 40% જેટલું સંક્રમણ રોકી શકીશું. કારણ કે રાત્રી ના સમયે કર્ફ્યુના કારણે લોકો બહાર નીકળતાં અટકશે."

તેમણે કહ્યું, "હવે કોરોનાની પૅટર્ન બદલાઈ છે લોકોને મૉર્ટાલિટી રેટ ઓછો દેખાતા બેફિકર થયા છે. જેના કારણે એક જ ઘરમાં કોરોનાના ચારથી પાંચ કેસ સામટા જોવા મળ્યા છે. આ એક ઍલાર્મ છે."

માહેશ્વરીના કહેવા પ્રમાણે, "શિયાળામાં વાઇરસનું સંક્ર્મણ આમેય વધુ હોય છે ત્યારે આ ચાર મોટાં શહેરોમાં રાત્રીકર્ફ્યુ જરૂરી છે. "

"જોકે, આ કર્ફ્યુ આવનારાં ચાર અઠવાડિયાં સુધી રાખવો જોઈએ તો જ કોરોનાની ચેઇને તોડી શકાશે નહીં તો પરિસ્થિતિ ગંભીર થશે."

તેમના કહેવા પ્રમાણે, " અત્યારે જે કેસ આવે છે એમાં 21%થી વધુ કેસમાં ઑક્સિજનની જરૂર પડે છે, જે ગંભીર નિશાની છે, અલબત્ત સરકારે હવે સ્વિડનની જેમ માસ્ક, સૅનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સની સાથે ટેસ્ટની સંખ્યા વધારી છે."

"માહેશ્વરીએ જણાવ્યું કે આપણે પહેલાં પણ જોયું છે કે રાત્રીકર્ફ્યુથી કોરોનાની ચેઇન તૂટી છે એટલે કોરોનાના સંક્રમણને અટકાવવું હોય તો ત્રણ અઠવાડિયાં કર્ફ્યુ રહેવો જોઈએ. "

'કર્ફ્યુ સમાધાન નથી, આર્થિક ફટકો પડશે'

જાણીતા અર્થશાસ્ત્રી અને અમદાવાદ આઈઆઈએમના ભૂતપૂર્વ ડાયરેક્ટર બકુલ ધોળકિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કર્ફ્યુ એ સંપૂર્ણ સમાધાન નથી અને એનાથી અર્થતંત્ર પર અસર જરૂર પડશે.

તેમના કહેવા પ્રમાણે, "નાના વેપારી અને લારી-ગલ્લાવાળા, નાના ફેરિયાઓનું અર્થતંત્ર ખોરવાઈ જાય એમ છે. કારણ કે રાત્રે મોડે સુધી ખુલ્લી રહેતી નાની દુકાનો, લારી-ગલ્લા બંધ થશે એટલે એમના ધંધા પર અસર થશે."

"કર્ફ્યુથી નાના ધંધાવાળા લોકોને મોટું નુકસાન થશે પરંતુ મૉલ અને મોટાં શોપિંગ સેન્ટરને બહુ અસર નહીં થાય. બીજી તરફ ઓનલાઇન શૉપિંગ વધશે અને લૉકડાઉનથી લોકોની આ આદતમાં થયેલો વધારો દેખાયો છે."

"આ સંજોગોમાં આવા કર્ફ્યુને કારણે ઓનલાઇન શૉપિંગ વધતા લાંબાગાળે નાના વેપારીઓને મોટી ખોટનો સામનો કરવો પડી શકે છે."

"જયારે લક્ઝુરિયસ વસ્તુ વેચવાવાળા ઉત્પાદકો પણ ઓનલાઇન શૉપિંગ પર વધુ ડિસ્કાઉન્ટ આપતા થયા છે. એટલે નાના વેપારી અને દુકાનદારોને આવા કર્ફ્યુને કારણે માર સહન કરવો પડશે અને લિક્વિડિટી નાના માણસના હાથમાં નહીં હોય એ સમસ્યા ઊભી થશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો