અર્ણવ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા, જસ્ટિસ ચંદ્રચૂડની કોર્ટે શું કહ્યું?

અર્ણવ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં ઇન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઇકના આપઘાતના કેસમાં આરોપી રિપલ્બિક ટીવીના ઍટિડર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અને અન્યોની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે અને તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતીશ શારદાને 50 હજારના બોન્ડ પર મુક્ત કરવા આદેશ કર્યો છે.

અર્ણવ ગોસ્વામીને જામીન આપતા અદાલતે કહ્યું કે, વ્યક્તિની સ્વતંત્રતાનો આદર થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આરોપીઓએ તપાસસંસ્થાને સહકારા આપવાનો રહેશે અને તેઓ પુરાવાઓ સાથે છેડછાડ ન કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન ન આપવાનો બૉમ્બે હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે વિગતવાર આદેશ સર્વોચ્ચ અદાલત હવે આપશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને ઇન્દિરા બેનરજીની વેકેશન બેન્ચ આ કેસમાં તત્કાળ સુનાવણી કરી હતી.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "જો એફઆઈઆર લંબિત છે અને જામીન ન અપાય તો તે ન્યાયના પગલાનું દમન હશે."

સોમવારે આગોતરા જામીન આપવાની અરજી બૉમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું કે તેઓ આજથી ચાર દિવસમાં સેસન્સ કોર્ટમાં જઈ શકે છે.

મુંબઈ પોલીસે ગત અઠવાડિયે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનરની આત્મહત્યાના કેસમાં અર્ણવ ગોસ્વામીની ધરપકડ કરી હતી. અર્ણવ ઉપરાંત અન્ય બે લોકોની સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.

અગાઉ સેન્સસ કોર્ટમાં અર્ણવ ગોસ્વામીએ પોલીસે મારપીટ કરી હોવાનો આરોપ મૂક્યો હતો તે અદાલતે ફગાવી દીધો હતો અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

અર્ણવ ગોસ્વામી ઉપરાંત મહારાષ્ટ્રમા વિપક્ષ ભાજપ આ કાર્યવાહીને કિન્નાખોરી અને પ્રેસની આઝાદી પર દમન ગણાવે છે. આની સામે મહારાષ્ટ્રની શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની સરકાર આને કાયદાનુસાર કાર્યવાહી કહી ચૂકી છે.

line

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જન્ટિસ ઇન્દિરા બેનરજીની બૅન્ચે અર્નબ ગોસ્વામીની જામીનની અરજી પર સુનવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર અર્નબ ગોસ્વામી તરફથી હરિશ સાલ્વે અને મહારાષ્ટ્ર સરકાર તરફથી કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ કરી.

સુનાવણી દરમિયાન અર્નબ ગોસ્વામીના વકીલ હરિશ સાલ્વેએ અદાલતને કહ્યું કે "દ્વેષની સાથે અને તથ્યને હઠાવીને સત્તાનો દુરુપયોગ પહેલાં પણ થયો છે આપણે સૌ તેના વિશે જાણીએ છીએ. અન્વય નાઇકની પત્નીએ ગત વર્ષે એક ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું હતું કે આર્થિક તંગીના કારણે તેમણે આત્મહત્યા કરી. આ આત્મહત્યા માટે ઉકસાવવાના દાયરામાં કેવી રીતે આવે છે?"

આના જવાબમાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "જો આત્મહત્યા આર્થિક તંગીના કારણે થઈ હોય તો તેમાં કલમ 306 લાગશે. આમ છત્તાં જો આજે કોર્ટ આ કેસમાં દખલ ન દે તો આપણે વિનાશની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમની (અર્નબ ગોસ્વામી)ની વિચારધારા ગમે તે હોય આ પરિસ્થિતિમાં તેમની ચેનલ ન જુઓ. પરંતુ આજે બંધારણીય કોર્ટ હોવાના કારણે જો અમે આ કેસમાં દખલગીરી ન કરીએ તો વિનાશના રસ્તે આગળ વધવા જેવું થશે. આજે અમારે હાઈકોર્ટને સંદેશ આપવો પડશે કે તે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા લોકોની આઝાદીની સુરક્ષાને સુનિશ્ચિત કરે."

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "જો એફઆઈઆર લંબિત છે અને જામીન ન અપાય તો તે ન્યાયના પગલાનું દમન હશે."

line

મેટરના તત્કાળ લિસ્ટિંગ પર વિવાદ

અર્ણવ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્ણવ ગોસ્વામી તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે

અર્ણવ ગોસ્વામીની આગોતરા જામીન અરજીનું ત્વરિત બીજા જ દિવસે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં લિસ્ટિંગ થયું તે પણ વિવાદનો વિષય બન્યો હતો.

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટ બાર એસોશિયેશનના પ્રમુખ દુષ્યંત દવેએ પસંદગીપૂર્વક લિસ્ટિંગ થઈ રહ્યું હોવા અંગે પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી.

લાઇવ લૉના અહેવાલ મુજબ એમણે કહ્યું કે મને મિસ્ટર ગોસ્વામી સામે કોઈ વાંધો નથી અને દરેકને સુપ્રીમ કોર્ટમાં આવવાનો અધિકાર છે. પરંતુ છેલ્લા આઠ મહિનામાં આપની આગળ રજિસ્ટ્રી દ્વારા પંસદગીપૂર્વક લિસ્ટિંગ થઈ રહ્યું છે જે ગંભીર બાબત છે. હજારો નાગરિકો જેલમા છે. કેસ સુનાવણી માટે આવે એ માટે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રાહ જુએ છે ત્યારે કેવી રીતે મિસ્ટર ગોસ્વામીની અરજી દર વખતે તરત જ લિસ્ટ થઈ જાય છે તે મને હેરાન કરનારી બાબત છે.

એમણે પી. ચિદમ્બર અને અન્ય કેસ ટાંકીને અર્ણવ ગોસ્વામીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે કે કેમ એવો સવાલ પણ કર્યો. એમણે એમ પણ કહ્યું કે આ ચીફ જસ્ટિસની જાણમાં થઈ રહ્યું છે કે પછી તેઓ આનાથી અજાણ છે?

લાઇવ લૉના અહેવાલ મુજબ દુષ્યંત દવેએ પત્ર લખ્યા પછી અર્ણવ ગોસ્વામીના પત્નીએ પણ એક પત્ર લખ્યો જેમાં એમણે દુષ્યંત દવેના પત્ર બાબતે આઘાત વ્યક્ત કર્યો અને તેને ન્યાયતંત્રને પ્રભાવિત કરવા પૂવર્ગ્રહ આધારિત ગણાવ્યો. એમણે એમ પણ લખ્યું કે અનેક કેસમાં સુપ્રીમ કોર્ટમાં તત્કાળ સુનાવણી થતી હોય છે અને અર્ણવ ગોસ્વામીને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવી રહી.

line

તલોજા જેલમાં શિફ્ટ

રવિવારે રિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને રાયગઢ પોલીસે અલીબાગથી નવી મુંબઈની તલોજા જેલમાં ખસેડ્યા હતા.

તેમને આની પહેલાં અલીબાગમાં એક ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, જેનો જેલ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે.

અહેવાલ મુજબ અલીબાગમાં જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં તેઓ મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા વાપરી રહ્યા હતા.

રાયગઢની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જમીલ શેખે કહ્યું, "શુક્રવારે સાંજે અમને જાણ થઈ કે અર્ણવ ગોસ્વામી કોઈના મોબાઇલ ફોનથી સોશિયલ મીડિયા વાપરી રહ્યા હતા."

રિપબ્લિક ટીવીએ પોલીસના આરોપને નકારતાં કહ્યું કે "અર્ણવ ગોસ્વામી પાસે સોશિયલ મીડિયા ઍકાઉન્ટ નથી."

પરંતુ પોલીસનું કહેવું છે કે જ્યારે અર્ણવ ગોસ્વામીની વર્લીથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનો મોબાઇલ ફોન કબજે કરી લેવામાં આવ્યો હતો.

જમીલ શેખે કહ્યું, "મેં અલીબાગ જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને તપાસ રિપોર્ટ માગ્યો કે અર્ણવ ગોસ્વામી પાસે મોબાઇલ ફોન કેવી રીતે આવ્યો."

અર્ણવ ગોસ્વામીને જ્યારે રવિવારે સવારે તલોજા જેલ લઈ જવાયા ત્યારે તેમણે પોલીસ વેનમાંથી બૂમ પાડીને કહ્યું હતું,'મારા જીવને જોખમ છે, પ્લીઝ કોર્ટને કહો કે મારી મદદ કરે.'

તેમણે જેલમાં ઉત્પીડનનો આરોપ પણ મૂક્યો, જેને તલોજા જેલના સુપરિન્ટેન્ડેન્ટ અબાસાહેબ પાટીલે ફગાવી દીધો હતો.

તેમણે કહ્યું કે "ક્વૉરૅન્ટીન સેન્ટરમાં સીસીટીવી કૅમરા છે, જે અર્ણવ ગોસ્વામીનાં સફેદ જૂઠણાં પરથી પરદો હઠાવી દેશે."

line

અન્વય નાઇક કેસ શું છે?

અન્વય નાઇક

5મી મે 2018ના રોજ અન્વય નાઇકે અલીબાગ પાસેના કાવીર ગામ ખાતે આવેલા તેમના ઘરે આત્મહત્યા કરી હતી. ત્યાંથી તેમનાં માતા કુમુદ નાઇકનો પણ મૃતદેહ મળ્યો હતો.

અન્વય નાઇક વ્યવસાયે વાસ્તુવિશારદ હતા અને કૉન્કર્ડ ડિઝાઇન્સ લિમિટેડ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર પણ હતા.

અન્વય નાઇકની આત્મહત્યા બાદ મળી આવેલી ચિઠ્ઠીમાં પત્રકાર અર્ણવ ગોસ્વામી પર નાણાકીય ઉચાપતનો આરોપ મૂક્યો હતો.

એ પછી અન્વય નાઇકનાં પત્નીએ અલીબાગ પોલીસસ્ટેશન ખાતે અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

અન્વય નાઇકની કંપનીએ અર્ણવ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો. આ જ મામલે નાણાકીય ઉચાપત કરવાનો આરોપ મુકાયો છે.

આ મામલે ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતાં 5મી મે 2020ના રોજ એટલે કે આત્મહત્યાના બે વર્ષે અક્ષતા નાઇકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ન્યાયની માગ કરી હતી.

એ વખતે કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ આ મુદ્દો ઉપાડ્યો હતો. આ વીડિયોની નોંધ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ લીધી હતી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો