ભારતી સિંહ : જેમણે પૈસા માટે પોતાની ગરીબીની અને જાડાપણની મજાક ઉડાવી

ઇમેજ સ્રોત, BHARATI SINGH/FACEBOO
સુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી જગતની અનેક સેલિબ્રિટીઝને નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પૂછપરછ કરી છે.
એનસીબીએ આ મામલામાં ઘણી સેલિબ્રિટીઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા. જેમાં હવે કૉમેડિયન ભારતી સિંહનું નામ જોડાઈ ગયું છે.
ભારતી સિંહની એનસીબીએ શનિવારે મુંબઈમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી.
એનસીબી પ્રમાણે તેમના ઘર અને પ્રૉડક્શન હાઉસ પર દરોડોમાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાના સેવાનની વાતનો સ્વીકાર કર્યો છે.
ભારતી સિંહ સાથેસાથે તેમના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

કોણ છે ભારતી સિંહ?

ઇમેજ સ્રોત, BHARATI SINGH/BBC
'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ' અને 'કૉમેડી સર્કસ'માં એક સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે ઘર-ઘરમાં પોતાની ઓળખ ઊભી કરનારાં ભારતી સિંહ મૂળ પંજાબનાં રહેવાસી છે.
તેમણે છેલ્લાં 12 વર્ષોમાં સ્ટેન્ડ અપ કૉમેડીના ક્ષેત્રમાં પોતાનો એક મુકામ હાંસલ કર્યો છે. તેના કારણે હવે તેમને 'કૉમેડી ક્વીન' પણ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
36 વર્ષની ભારતી સિંહે પોતાની સફળતાની કહાણી લાંબા સંઘર્ષ બાદ લખી છે.
ભારતી સિંહનો જન્મ પંજાબના અમૃતસરમાં ત્રણ જુલાઈના 1984માં થયો હતો. તે માત્ર બે વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.
તેમનાં માતા એ વખતે 22 વર્ષનાં હતાં. તેમના પિતા નેપાળી મૂળના હતા અને તેમનાં માતા પંજાબી છે.
ભારતી સિંહનું બાળપણ ગરીબીમાં વિત્યું છે, તેનો ઉલ્લેખ તેઓ અનેકવાર ઇન્ટરવ્યૂમાં કરતાં આવ્યાં છે.

'પૈસા કમાવા પોતાના મેદસ્વીપણાની ઉડાવી મજાક'

ઇમેજ સ્રોત, BHARATI SINGH/FACEBOOK
ભારતીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે તેમણે પૈસા કમાવા માટે પોતાની ગરીબી અને મેદસ્વીપણાની મજાક ઉડાવવાનું શરૂ કર્યું.
ઝી ટીવી પર આવનારા એક કાર્યક્રમ 'જઝબાત' દરમિયાન તેમણે કહ્યું હતું કે કેવી રીતે તેમનાં માતા ઘર ચલાવવા માટે કપડાં સિવવાનું કામ કરતાં હતાં. સિલાઈ મશીનના અવાજથી આજે પણ તેમની એ દર્દભરી યાદો તાજી થઈ જાય છે.
આ શૉમાં તેમણે કહ્યું હતું કે તેમનાં બે ભાઈ-બહેનો પહેલાંથી જ હતાં એટલે માતા તેમને જન્મ આપવા માગતાં ન હતાં.
ભારતીએ કહ્યું હતું, "તેમણે મને ગર્ભમાં મારવાની જ તમામ કોશિશો કરી હતી પરંતુ મારો જન્મ થવો નક્કી હતો."

ઇમેજ સ્રોત, BHARATI SINGH/FACEBOOK
ભારતીએ કહ્યું હતું કે માત્ર બે વર્ષની ઉંમરમાં પિતાના નિધનને કારણે તેમણે બાળપણમાં અનેક દુખ જોયાં.
તેમનાં માતા એક બ્લેન્કેટની ફેક્ટરીમાં કામ કરતાં હતાં. ફેક્ટરીમાં કામ કર્યા બાદ દુપટ્ટાનું કામ કરતાં હતાં.
ભારતી સિંહે પોતાના બાળપણને યાદ કરતાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "દરેક તહેવાર પણ અમે રડતાં કેમ કે અમારી પાસે પૈસા ન હતા. પૈસા માગનારા મારાં માતાને ગાળો આપતા હતા. હું ઉંમર કરતાં પહેલાં જ મોટી થઈ ગઈ હતી."
ભારતીએ આ સ્થિતિમાંથી પસાર થઈને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.
અમૃતસરમાં કૉલેજના દિવસોથી જ ભારતી મશહુર સ્ટેન્ડ અપ કૉમેડિયન કપિલ શર્માને જાણતાં હતાં. આ બંનેની સફળતાની સફર પણ એક જેવી જ રહી છે.

શૂટર પણ રહી ચૂકી છે ભારતી

ઇમેજ સ્રોત, BHARTI SINGH
ભારતી સિંહ કૉમેડિયન સિવાય શૂટર અને તીરંદાજ પણ રહી ચૂક્યાં છે.
તેમણે એક વખત એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તેઓ કૉમેડિયન ન બન્યાં હોત તો શૂટર હોત.
તેમણે કહ્યું, "તો તમે બધા મને ટીવી પર ઑલિમ્પિકમાં શૂટિંગ અથવા તીરંદાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી મને જોતા હોત."
આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "જ્યારે મેં શૂટિંગનાં કપડાં અને બીજાં સાધનોની કિંમતનો જાણકારી મેળવી તો ખબર પડી કે 10 લાખ રૂપિયા લાગશે."
"મેં મારાં માતાને જ્યારે આ જણાવ્યું તો તેઓ મને ઘુરવા લાગ્યાં કેમ કે અમારી પાસે આટલા રૂપિયા ન હતા. એ વખતે 10 લાખ રૂપિયા અમારા માટે ખૂબ મોટી રકમ હતી. જેના કારણે મારી શૂટિંગ છોડવું પડ્યું. મને એનો ખૂબ જ અફસોસ છે."
તેમણે કહ્યું, "ત્યારે મારી પાસે પૈસા ન હતા અને હવે છે તો સમય નીકળી ચૂક્યો છે."

કૉમેડી કેરિયર

ઇમેજ સ્રોત, BHARATI SINGH/FACEBOOK
ભારતીએ રિયાલિટી શૉ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ભારતી આ શૉની સેકન્ડ રનર અપ રહી હતી. જે બાદ તેમણે 'કૉમેડી સર્કસ-3 કા તડકા'માં ભાગ લીધો. જે બાદ તેઓ લગભગ તમામ કૉમેડી શૉમાં દેખાવા લાગ્યાં અને લોકો તેમને પસંદ કરવા લાગ્યા.
એ બાદ તેમણે 'કૉમેડી સર્કસ મહાસંગ્રામ,' 'કૉમેડી સર્કસ કા સુપર સ્ટાર,' 'કૉમેડી સર્કસ કા જાદુ,' 'કૉમેડી સર્કસ કે તાનસેન,' 'કૉમેડી સર્કસ કા નયા દૌર,' 'કહાની કૉમેડી સર્કસ કી,' અને 'કૉમેડી સર્કસ કે અજૂબે' જેવા ઘણા શૉમાં તેઓ નજરે આવ્યાં હતાં.
એ સિવાય તેઓ 'નચ બલિએ,' 'ઝલક દિખલા જા સીઝન 5' અને 'બિગ બૉસ'માં પણ તેમણે ભાગ લીધો હતો.
ભારતી સિંહે 'ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ' અને 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' જેવા શૉ પણ હોસ્ટ કર્યા હતા અને કૉમેડી દંગલ શૉમાં જજની ભૂમિકામાં નજર આવ્યાં હતાં.
સામાન્ય રીતે પુરુષોના આધિપત્ય ધરાવતા સ્ટેન્ડ અપ કૉમેડીના ક્ષેત્રમાં ભારતી સિંહે પોતાની એક અલગ અને સફળ ઓળખ ઊભી કરી છે. તેઓ કેટલીક પંજાબી અને હિંદીં ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યાં છે. હિંદી ફિલ્મોમાં તેઓ ખેલાડી-786 અને સનમ રે જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે.

ભારતીના પતિ કોણ છે?

ઇમેજ સ્રોત, BHARATI/FACEBOOK
ભારતી સિંહે ત્રણ ડિસેમ્બર 2017ના રોજ હર્ષ લિંબાચિયા જોડે લગ્ન કર્યાં હતાં. હર્ષ એક સ્ક્રિપ્ટ રાઇટર, પૉડ્યુસર અને હોસ્ટ છે.
ભારતી અને હર્ષની મુલાકાત કૉમેડી સર્કસના શૉ દરમિયાન સંઘર્ષના દિવસોમાં થઈ હતી.
હર્ષ આ શૉના સ્ક્રિપ્ટ રાઇટર હતા અને તેઓ પણ પોતાની જગ્યા હાંસલ કરવા માટે એ સમયે સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ ઉંમરમાં ભારતી કરતાં ત્રણ વર્ષ નાના છે.
હર્ષ 'કૉમેડી સર્કસના તાનસેન,' 'કૉમેડી નાઇટ્સ બચાવો' અને 'કૉમેડી નાઇટ્સ લાઇવ શૉ' જેવા શૉની સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી ચૂક્યા છે.
એ સિવાય તેમણે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના ડાયલૉગ અને મલંગ ફિલ્મનું ટાઇટલ ટ્રેક લખ્યું છે.
તેમણે 'ખતરા, ખતરા, ખતરા,' 'હમ તુમ' અને 'ક્વોરૅન્ટિન શોટ' શૉ હોસ્ટ અને પ્રોડ્યૂસ કર્યા છે.
હાલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા બંને મળીને ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શૉ હોસ્ટ કરી રહ્યાં હતાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












