કોરોના વાઇરસ: ભારતની નવી પેપર ટેસ્ટિંગ ટેક્નૉલૉજી લાવી શકે છે મોટો ફેરફાર

- લેેખક, સૌતિક બિસ્વાસ અને કૃતિકા પાથી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં વૈજ્ઞાનિકોની એક ટીમે કોરોના વાઇરસના પરીક્ષણ માટે સસ્તી પેપર-આધારિત ટેસ્ટિંગ તકનીક વિકસાવી છે જે પ્રેગન્નસી ટેસ્ટ જેમ જ તાત્કાલિક પરિણામ આપી શકે છે.
આ ટેસ્ટનું નામ પ્રખ્યાત જાસૂસી પાત્ર 'ફેલુદા' પર રાખવામાં આવ્યું છે. આ ટેસ્ટ 'ક્રિસ્પર' તરીકે ઓળખાતી જીન ઍડિટિંગ તકનીક પર આધારિત છે.
વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે આ ટેસ્ટનું પરિણામ એક કલાકની અંદર આવી જાય છે અને તેની કિંમત માત્ર 500 રૂપિયા છે. કોવિડનું પરીક્ષણ કરવા માટે કદાચ આ વિશ્વની પ્રથમ પેપર-આધારિત તકનીક હોઈ શકે છે. ફેલુદા કિટનું ઉત્પાદન તાતા કંપની દ્વારા કરવામાં આવશે.

2000 નમૂનાઓ પર પરીક્ષણ થયું

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવણે બીબીસીને જણાવ્યું કે, આ એક સરળ, વિશ્વસનીય અને મોટા પાયા પર લઈ જઈ શકાય તેવી ટેકનૉલૉજી છે.
દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયૉલૉજી (આઈજીઆઈબી)ના સંશોધકોએ ફેલુદા વિકસિત કરી છે અને ખાનગી લૅબોરેટરીઓમાં 2000થી વધારે દર્દીઓનાં નમૂનાઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાં કોરોના પૉઝિટિવ મળી આવ્યા હોય એ નમૂનાઓ પણ સામેલ છે.
તેમને આ પરીક્ષણમાં 96 ટકા સેન્સિટિવીટી અને 98 ટકા સ્પેસિફિસીટી જોવા મળી છે - આ બે માપડંદો છે જેનાથી પરીક્ષણની ચોકસાઈનો ખ્યાલ આવે છે.
જો પરીક્ષણ બહુ સેન્સિટિવ હોય, તો તે લગભગ દરેક પૉઝિટિવ કેસને ઓળખી કાઢશે. સ્પેસિફિસીટી એ રોગની ગેરહાજરી અંગે સચોટ માહિતી પ્રદાન કરવાનો માપદંડ છે.

વ્યવસાયિક ઉપયોગ માટે મંજૂરી મળી

ઇમેજ સ્રોત, MAYANK MAKHIJA/NURPHOTO VIA GETTY IMAGES
પ્રથમ ટેસ્ટ ખાતરી કરે છે કે ખોટું નૅગેટિવ પરિણામ ઓછું આવે છે, અને બીજો એ સુનિશ્ચિત કરે છે કે ખોટું પૉઝિટિવ પરિણામ ઓછું આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના ડ્રગ રેગ્યુલેટરે વેપારી ઉપયોગ માટે આ પરીક્ષણને મંજૂરી આપી દીધી છે. ભારતમાં કોરોના વાઇરસનાં 65 લાખથી વધુ કેસો છે અને એક લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

હાલના ટેસ્ટિંગથી કેટલું અલગ?

ઇમેજ સ્રોત, PARVEEN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
દેશભરની 1200થી વધુ પ્રયોગશાળાઓમાં કોરોના ચેપને શોધવા માટે દરરોજ લાખો નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.
સામાન્ય રીતે પીસીઆર ટેસ્ટ વિશ્વસનીય હોય છે અને તેની કિંમત આશરે 2400 રૂપિયા છે. આમાં ખોટું પૉઝિટિવ અથવા ખોટું નૅગેટિવ પરિણામ આવવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.
એન્ટિજેન ટેસ્ટમાં લોહીનો નમૂનો લેવામાં આવે છે અને આ અગાઉ જો ચેપ લાગ્યો હોય તો પણ આ ટેસ્ટ તેને શોધી કાઢે છે. આ ટેસ્ટથી ખબર પડે છે કે રોગ સામે લડવા માટે તમારા શરીરમાં ઍન્ટિબોડીઝ બન્યું છે કે નહીં.
જોકે, પીસીઆર ટેસ્ટ કરતા આ ટેસ્ટ વધુ અચોક્કસ પરિણામો આપે છે કારણ કે જો શરીરમાં કોઈ વાઇરસ છે પરંતુ પરીક્ષણ સમય સુધી કોઈ ઍન્ટિબોડીઝ બન્યું નહીં હોય, તો ટેસ્ટ નૅગેટિવ પરિણામ આપશે.
વૈશ્વિક આરોગ્ય અને આરોગ્ય નીતિઓના સંશોધનકાર ડો. અનંત ભાને બીબીસીને જણાવ્યું કે, હજુ કોઈ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ નથી અથવા તે માટે લાંબી રાહ જોવી પડશે. અમે મોટા પ્રમાણાં ઍન્ટિજેન ટેસ્ટ કરી રહ્યાં છીએ, જેના કારણે નકારાત્મક પરિણામો આવવાની સમસ્યા હજી છે.
તેઓ માને છે કે નવી ફેલુદા તકનીક ઍન્ટિજેન પરીક્ષણને બદલી શકે છે કારણ કે તે સસ્તી છે અને વધારે સચોટ પરિણામ આપી શકે છે.
આઈજીબીઆઈના ડિરેક્ટર અરૂણ અગ્રવાલે બીબીસીને કહ્યું "નવી ટેસ્ટ તકનીક પીસીઆર ટેસ્ટની જેમ વિશ્વસનીય છે. પરિણામો ઝડપથી આવે છે અને નાની પ્રયોગશાળાઓમાં સરળતાથી કરી શકાય છે."
ફેલુદા ટેસ્ટ માટેની નમૂના લેવાની પદ્ધતિ પીસીઆર ટેસ્ટ જેવી જ છે - નાકમાં એક સ્વેબ નાંખીને નમૂનો લેવામાં આવે છે. હજી ભારતમાં થૂંકનું સૅમ્પલ લઈને પરીક્ષણ કરવામાં આવતું નથી.
પીસીઆર ટેસ્ટમાં નમૂનાને પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે જ્યાં વિવિધ પરીક્ષણો કરવામાં આવે છે. ફેલુદા ક્રિસ્પર એટલે કે કલસ્ટર ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પૈલિડ્રોમિક રિપીટ તકનીકનો ઉપયોગ કરે છે, જે જીન-ઍડિટિંગ પર આધારિત છે.
સંશોધકોના મતે જીન ઍટિડિંગ વર્ડ ફાઇલ પર થતી પ્રક્રિયા જેમ કાર્ય કરે છે. જેમ તમે ફાઇલમાં ખોટા શબ્દોને સુધારવા માટે કમ્પ્યુટર પર કર્સરનો ઉપયોગ કરીને ખોટો અક્ષર સુધારો છો, ખોટો અક્ષર હઠાવીને સાચો અક્ષર લખો છો, એ જ રીતે, જીન ઍડિટિંગ તકનીક જિનોમ અક્ષરને હઠાવી કે મૂકી શકે છે.
સામાન્ય રીતે આ તકનીકનો ઉપયોગ કોષો સાથે સંકળાયેલ રોગોની સારવારમાં થાય છે.
ક્રિસ્પર તકનીક પણ કર્સરની જેમ કામ કરે છે જે કોરોના વાઇરસના 'સિગ્નૅચર લેટર' માં જાય છે અને તેમને હાઇલાઇટ કરે છે. તેના પરિણામો કાગળ પર દેખાય છે.
કાગળ પર ફક્ત એક વાદળી લાઇનનો અર્થ થાય છે કે પરિણામ નૅગેટિવ છે, બે વાદળી રેખાઓ દર્શાવે છે કે પરિણામ પૉઝિટિવ છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સ્ટીફન ક્રિસ્લર સમજાવે છે, "આ પરીક્ષણ મર્યાદિત છે, તેને સુધારવા માટે આપણે તમામ શક્ય પ્રયાસો કરવા પડશે. તેથી ફેલુદાનો ઉપયોગ કરવો એ એક સારું પગલું છે."

અન્ય દેશોમાં પણ સંશોધન થઈ રહ્યું છે

યુએસ અને યુકેની કેટલીક કંપનીઓ પણ આવા પરીક્ષણો લઈને સંશોધન કરી રહી છે.
અમેરિકાસ્થિત શેરલૉક બાયોસાયન્સિસએ પણ એક પેપર આધારિત ટેકનૉલૉજી વિકસાવી છે, જે ઘણી ચર્ચામાં છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ કટોકટીના સમયમાં તેના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. તે ડીએનએ અને આરએનએ પર આધારિત છે.
હાર્વર્ડ ગ્લૉબલ હેલ્થ સંસ્થાના ડો. થોમસ સાઈના જણાવ્યા મુજબ એક આદર્શ પરિસ્થિતિ એ હશે જ્યારે આ કાગળ આધારિત તકનીકનો ઘરે ઉપયોગ કરવામાં આવે.
તેમણે કહ્યું, "આ તકનીકમાં કેટલીક સમસ્યાઓ છે. લોકો ઘરે બેસીને ટેસ્ટ કરે અને આરએનએ કાઢે એવી અપેક્ષા નહીં રાખી શકાય."

ફેલુદા અલગ છે
સીએસઆઈઆર-આઇજીબીએમઆરના પરમાણુ વૈજ્ઞાનિક દેબોજ્યોતિ ચક્રવર્તીએ બીબીસીને જણાવ્યું કે તેઓ એવી તકનીક પર કામ કરી રહ્યા છે જે "ઘરમાં આરએનએને કાઢીને પીસીઆર તકનીકથી તેને વિસ્તૃત કરવામાં મદદ કરશે."
આ તકનીક બનાવનાર ટીમનું નેતૃત્વ કરનાર દેબોજ્યોતિ કહે છે, "અમે એક સરળ, સસ્તી અને સચોટ પરીક્ષણ તકનીક માટે પ્રયત્ન કરી રહ્યા છીએ."
સ્ટીફન ક્રિસલર કહે છે, "ભારત પાસે આ પરીક્ષણની ઉપયોગિતાને સાબિત કરવાની તક છે કારણ કે તેની વસતી ઘણી વધારે છે અને આ યોગ્ય સમય છે. જો તે ઉપયોગી સાબિત થાય, તો વિશ્વભરના લોકોને તેનો લાભ મળશે."
ક્રિસલરના જણાવ્યા મુજબ અત્યારે સૌથી વધારે ટેસ્ટ કરવાની જરૂર છે, આપણે રસી ઉપર ભરોસો રાખી શકીએ નહીં.
તે કહે છે, "રસી કોઈ પણ રોગને તેના મૂળથી દૂર કરતી નથી, પરંતુ તેની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. તેથી પરીક્ષણની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહેશે."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












