નરેન્દ્ર મોદીના વિદેશપ્રવાસ ખર્ચ પર આટલો વિવાદ કેમ થાય છે?

મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Mark Wilson/Getty

    • લેેખક, ઝૈનુલ હકીમજી
    • પદ, બીબીસી ગુજરાતી

"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2015થી નવેમ્બર 2019 વચ્ચે કુલ 58 દેશની યાત્રા કરી અને આ વિદેશપ્રવાસો પર કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે."

એનડીટીવી ઇન્ડિયા વેબસાઈટની ખબર અનુસાર રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ માહિતી આપી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે "વડા પ્રધાનના આ પ્રવાસોથી દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દૃષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજ વધી અને સંબંધોમાં મજબૂતી આવી છે."

લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર, વિદેશ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં આપેલી વિગતો પ્રમાણે પીએમ મોદીએ આ સમયગાળા દરમિયાન અમેરિકા, રશિયા અને ચીનની પાંચ-પાંચ વાર મુલાકાત લીધી, તો સિંગાપોર જર્મની ફ્રાંસ શ્રીલંકા અને યુએઈ દેશોની પણ એકથી વધુ વાર મુલાકાત લીધી છે.

પીએમ મોદીનો છેલ્લો વિદેશપ્રવાસ 2019માં બ્રાઝિલનો હતો, જેમાં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

પીએમ મોદીના આ 58 દેશોની વિદેશયાત્રા અને એમાં થયેલા 500 કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચો સમાચારોની હેડલાઇન બની ગયો અને વિદેશ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં આપેલી આ માહિતી મોટાં ભાગનાં સમાચારપત્રોના પાને અને ન્યૂઝ વેબસાઇટના પેજ પર જોવા મળી.

line

PM મોદીના વિદેશપ્રવાસની ચર્ચા કેમ?

પીએમ મોદી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

આમ તો વડા પ્રધાન સાથે જોડાયેલી દરેક ખબર પર મીડિયાની નજર હોય છે, પણ પીએમ મોદીના વિદેશપ્રવાસો ઘણા ચર્ચામાં રહે છે એ પણ એક હકીકત છે. વિદેશમાં તેઓએ કોની સાથે કઈ રીતે હાથ મિલાવ્યા, કેટલી વખત હાથ મિલાવ્યા, તેમણે શું પહેર્યું હતું એ બધી વિગતો પણ અખબારોના પાને ચમકતી રહે છે. એ જ રીતે તેમના વિદેશપ્રવાસમાં કેટલો ખર્ચ થયો તે પણ ચર્ચાનો વિષય બને છે.

આ વર્ષના માર્ચમાં હિન્દુસ્તાન ટાઇમ્સે પણ પીએમ મોદીના વિદેશપ્રવાસમાં થયેલા ખર્ચાનો એક અહેવાલ આપ્યો હતો.

અહેવાલ પ્રમાણે પાછલા પાંચ વર્ષોમાં પીએમ મોદીએ કરેલા વિદેશપ્રવાસોમાં કુલ ખર્ચ 446 કરોડનો ખર્ચ થયો હતો.

આ બધા અખબારી અહેવાલો એ જણાવી રહ્યા છે કે પીએમ મોદીના વિદેશપ્રવાસમાં થયેલા ખર્ચાની ચર્ચા સમાચારોમાં થતી રહી છે. તો શું કારણ છે કે પીએમ મોદીના વિદેશપ્રવાસોમાં થતા ખર્ચ પર દર વર્ષે ચર્ચા થતી રહે છે.

બીબીસી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે, "સંસદીય લોકતંત્રમાં વડા પ્રધાનની વિદેશયાત્રાના ખર્ચા પર સવાલ ઊઠવા એ એક પ્રકારે જવાબદારી બતાવે છે. એ ઊઠવા સ્વભાવિક છે, એના પર નજર રહેવી જોઈએ. એવા સવાલ ન ઊઠે તો એ આશ્ચર્ય ગણાય."

તેઓ કહે છે, "એ પણ ધ્યાનમાં આપણે લઈ શકીએ કે મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે એમની વિદેશયાત્રાના ખર્ચા પર એટલી ચર્ચા નહોતી થતી. પણ એનું કારણ એ હોઈ શકે કે તેમણે વિદેશયાત્રાઓ એટલી નહોતી કરી. એ રીતે જ વી.પી. સિંહ કે આઈ.કે. ગુજરાલ કે અટલ બિહારી વાજપેયીએ પણ વડા પ્રધાન તરીકે એટલી બધી વિદેશયાત્રાઓ નહોતી કરી. પણ પીએમ મોદી વધારે વિદેશપ્રવાસ કરે છે એટલે પણ તેમના વિદેશપ્રવાસના ખર્ચની ચર્ચા વધારે થાય છે. અને તેઓ એક મોટી હસ્તી તરીકે પણ અનેક મુદ્દે ચર્ચામાં રહે છે તો એ પણ તેમના વિદેશપ્રવાસના ખર્ચાઓની વધુ ચર્ચાનું એક કારણ છે."

નીરજા ચૌધરીએ યાદ કરતા જણાવ્યું, "રાજીવ ગાંધી વડા પ્રધાનપદે હતા તો તેઓના વિદેશપ્રવાસની જ નહીં તેમના વિમાનની અંદરની ગોઠવણ જેવી ઝીણવટભરી બાબતો પણ ચર્ચામાં રહેતી હતી."

line

વિદેશપ્રવાસથી દેશને શું ફાયદો થયો?

પીએમ મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અગ્રણી પત્રકાર રાધિકા રામાસેશન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "વડા પ્રધાન બન્યા પહેલાંથી પીએમ મોદી સાથે કેટલાક વિવાદો જોડાયેલા રહ્યા છે અને તેઓ સતત ચર્ચામાં પણ રહ્યા છે. આથી તેઓ સતત મીડિયાના રડાર પર પણ રહ્યા છે. તો એ પણ હું માનું છું કે તેમની વિદેશયાત્રાના ખર્ચા પર દર વર્ષે ચર્ચાનું એક કારણ છે."

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલ બીબીસી સાથેની વાતમાં વડા પ્રધાન મોદીના વિદેશપ્રવાસના ખર્ચા વિશે ટીકાના સૂરમાં કહે છે, "દરેક ખર્ચા અને દરેક રોકાણ સામે શું ફાયદો, શું નફો થયો એ જોવામાં આવે છે. પીએમ મોદી સૈરસપાટાવાળી, ખોખલી અને ધૂમધડાકા સરકાર ચલાવે છે. તેમની વિદેશયાત્રાથી દેશને શૂન્ય ફાયદો થયો છે. એક તરફ અમેરિકામાં ભારતીયો સામે H1B વિઝાનો મદ્દો છે, નેપાળ સરહદે, ચીન સરહદે તણાવ છે. યુએઈમાંથી લૉકડાઉન બાદ ભારતીયોને સ્વદેશ પરત મોકલાઈ રહ્યા છે તેવામાં તેમની વિદેશયાત્રાના 517 કરોડના ખર્ચાને તેનાથી થયેલા ફાયદા સામે ત્રાજવામાં તોળવામાં આવે તો દેશને શૂન્ય ફાયદો થયો છે."

તો કૉંગ્રેસના નેતા પીએલ પુનિયા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "વડા પ્રધાનના વિદેશપ્રવાસના ખર્ચાની ચર્ચા થવી જ જોઈએ એ લોકશાહીનો એક ભાગ છે, કારણ કે પ્રજાના પૈસા ખર્ચાય તો તેનો જવાબ સરકારે આપવાનો જ હોય છે એ સામાન્ય વાત છે. પણ સાથે જ પીએમ મોદીના વિદેશપ્રવાસો છતાં ભારતના તેના નેપાળ કે બાંગ્લાદેશ જેવા પડોશીઓ સાથે પણ સંબંધો સારા નથી રહ્યા."

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. વિજય શાસ્ત્રી બીબીસી સાથેની વાતચીતમાં કૉંગ્રેસના આરોપો પર જવાબ આપતા કહે છે, "જે લોકોને મોદીજી સાથે વ્યક્તિગત વિરોધ હોય એવા લોકો અને જે લોકો પોતાના રાજનૈતિક કાર્યકાળમાં નિષ્ફળ ગયા હોય તેવા લોકો જ તેમના વિદેશપ્રવાસ જેવા મુદ્દે તેમની ટીકા કરે છે. પીએમ મોદીના વિદેશપ્રવાસથી ભારતનું આંતરરાષ્ટ્રીયસ્તરે માન સન્માન વધ્યું છે, વિદેશી રોકાણ વધ્યું છે અને કૂટનીતિક રીતે પણ પીએમ મોદી ભારતના સૌથી સફળ વડા પ્રધાન છે."

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ફૌજીયા ખાને પીએમ મોદીના વિદેશપ્રવાસમાં થયેલા ખર્ચા વિશેના પૂછેલા સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આ જાણકારી આપી હતી અને ફરીથી આ મુદ્દો સમાચારોમાં ચમક્યો છે.

રાજ્યસભામાં આ સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને તો દાવા સાથે જણાવ્યું કે "વડા પ્રધાનના આ પ્રવાસોથી દ્વીપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દૃષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજ વધી અને સંબંધોમાં મજબૂતી આવી છે."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો