કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થતી ફેફસાંની નવી બીમારી શું છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં રહેતા પંચાવન વર્ષના રમેશભાઈ ઠક્કરને ઑગસ્ટના બીજા અઠવાડિયામાં કોરોના થયો હતો.

તેમને આઈસીયુ-વૅન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. વીસેક દિવસ સુધી તેમણે હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. એ પછી તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

તેમના પુત્ર ધાર્મિકભાઈ બીબીસીને જણાવે છે કે બાપુજી ઘરે આવી ગયા પછી અમને રાહત હતી કે હાશ, કોરોનામાંથી છુટકારો થયો. જોકે, કોરોનામાંથી બહાર આવ્યા પછી નવી મુસીબત શરૂ થઈ હતી.

"બાપુજી, થોડું ચાલે કે કામ કરે એટલે તેમને નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નીચે જતું રહેતું હતું. બાપુજી કોરોનામાંથી તો બહાર આવી ગયા પણ આ નવી સમસ્યાએ ઘરની ચિંતા વધારી દીધી હતી."

"એ પછી અમે અમદાવાદમાં ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. ડૉક્ટરે જણાવ્યું કે બાપુજીનાં ફેફસાં કોરોનાને લીધે નબળાં પડ્યાં છે. તેમને ફિઝિયોથૅરપીની જરૂર છે. એ પછી બાપુજીને ફિઝિયોથૅરપી આપવામાં આવી. નિયમિત રીતે ફિઝિયોથૅરપીની કસરત વગેરે કરતાં બાપુજીને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ હવે સારું જળવાઈ રહે છે. ઉત્તરોત્તર તેઓ તંદુરસ્ત થઈ રહ્યા છે. હજી પણ તેમની ફિઝિયોથૅરપી એક્સરસાઇઝ વગેરે ચાલુ છે."

રમેશભાઈ ઠક્કરને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો એ પ્રકારની સમસ્યાનો સામનો કોરોનાને માત આપનારા કેટલાક લોકોને કરવો પડતો હોય છે.

કોરોનામાં સ્વસ્થ થયા પછી કેટલાક લોકોને ફેફસાંમાં અસર રહે છે. તેઓ થોડું ચાલે તો હાંફી જાય છે. ઘરમાં થોડું કામ કરે તો શ્વાસ ચઢવા માંડે છે. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાતું નથી.

આ પ્રકારના કેસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામે આવ્યા છે. મુંબઈની કેઈએમ હૉસ્પિટલમાં ઑગસ્ટ મહિનામાં કોરોનાથી સ્વસ્થ થયેલા 22 દરદીઓ ફરી દાખલ થયા હતા.

ડૉક્ટર માટે પણ આ દરદીઓ સંશોધનનો વિષય બન્યા હતા. તેમને પલ્મોનરી ફાઇબ્રોસિસ થયું હતું, એટલે કે કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ તેમનાં ફેફસાં વ્યવસ્થિત રીતે કામ કરતાં નહોતાં.

કોરોનાના દરદીની નવી સમસ્યા શું છે?

કોરોનામાં સ્વસ્થ થયા બાદ રમેશભાઈ ઠક્કરને જે ફેફસાંની સમસ્યા થઈ હતી એનું નિદાન ડૉ. તુષાર પટેલે કર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ સાથે સંકળાયેલા અને અમદાવાદના પલ્મોનોલૉજિસ્ટ ડૉ. તુષાર પટેલે બીબીસીને જણાવ્યું હતું કે "કોરોનાના એંસી ટકા દરદી ઍસિમ્પ્ટોમેટિક હોય છે એટલે કે તાવ, ઉધરસ, શરદી વગેરેનાં લક્ષણ વિનાના હોય છે. વીસ ટકા દરદી એવા હોય છે જેમને હૉસ્પિટલ ખસેડવા પડે છે. એમાંથી પણ પાંચ ટકા લોકોને કાં તો ન્યુમોનિયા હોય છે કે વૅન્ટિલેટર પર રાખવા પડ્યા હોય છે કે પછી ઓક્સિજનની જરૂર પડી હોય છે. આવા જે દરદી હોય છે તેઓ જ્યારે કોરોનામાંથી સ્વસ્થ થાય છે ત્યારે તેમનાં ફેફસાંમાં અસર થાય છે, ચાંદા જેવું દેખાય છે. જેને પલ્મોનરી ફાઇબ્રોસિસ કહે છે."

તેઓ વધુમાં કહે છે, "આવા દરદીને રજા આપ્યા પછી તેઓ સામાન્ય રીતે પોતાની દૈનંદિની એટલે કે રોજિંદી ક્રિયા કરી શકતા નથી. તેમને ચાલવાનું થાય તો શ્વાસ ચડી જાય છે. ન્હાવા જાય તો પણ શ્વાસ ચઢે છે. પોતાની નિત્યક્રમની જે ક્રિયા હોય એ કરતાં શ્વાસ ચઢે છે. તેમને દિવસભર અશક્તિ લાગ્યા કરે છે. ગુજરાતમાં કોરોના આવ્યો એને છ મહિના થઈ રહ્યા છે ત્યારે જે રિકવરીવાળા દરદી આવે છે એમાં આ પ્રકારના કેસ હવે વધુ જોવા મળે છે."

દરદી સ્વસ્થ થયા બાદ પણ ફેફસાંની સમસ્યા રહેશે?

કોરોનામાં બેઠા થયા પછી અનુસરવાના નિયમો એટલે કે પોસ્ટ કોવિડ મૅનેજમૅન્ટ પ્રોટોકૉલ 13 સપ્ટેમ્બરે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણે જાહેર કર્યો હતો.

જેમાં જણાવાયું હતું કે કોરોના પછી દરદીની રિકવરી માટે હોલિસ્ટિક અપ્રોચ માટે ફૉલોઅપ કૅરની જરૂર રહે છે. એમ પણ જણાવાયું છે કે શ્વાસ આવાગમનનની એટલે કે બ્રીધિંગ એક્સરસાઈઝ તમારા ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ કરવી.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દાવા અનુસાર ગુજરાતમાં એક લાખ પાંચ હજારથી વધુ લોકો અત્યાર સુધી કોરોનામાં રિકવર થયા છે.

જો કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પાંચેક ટકા લોકોમાં પણ પલ્મોનરી ફાઇબ્રોસિસની એટલે કે ફેફસાં નબળાં પડવાની સમસ્યા રહેતી હોય તો પણ એવા દરદીઓની સંખ્યા મોટી રહેવાની.

શું કોરોનાની સારવાર દરમિયાન એવું કોઈ નિદાન થઈ શકે કે દરદી સ્વસ્થ થયા બાદ પણ તેમને ફેફસાંની સમસ્યા અંગે દરદીને વાકેફ કરી શકાય?

આ વિશે જણાવતાં ડૉ. તુષાર પટેલ કહે છે કે "કોરોનાની સારવાર દરમિયાન દરદીને દશ-બાર દિવસ પછી પણ ઓક્સિજનનું લેવલ ઓછું રહેતું હોય એટલે કે 90થી 95 વચ્ચે રહેતું હોય. એ દરદી બે-ત્રણેક મિનિટ ચાલે અને ઓક્સિજન લેવલ ડ્રૉપ થઈને 80-85 થઈ જાય તો એ લક્ષણોનાં નિદાન પરથી એવું કહી શકાય કે આ દરદીને સાજા થયા પછી લાંબો સમય ઓક્સિજન અથવા પલ્મોનરી રિહેબિલિટેશનની જરૂર પડશે."

ફેફસાંને મજબૂત કરવા માટે ફિઝિયોથૅરપી કઈ રીતે કામ કરે છે?

અમેરિકાની જૉન હૉપકિન્સના બે વ્યૂ મેડિકલ સેન્ટરના એપ્રિલ મહિનાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોનાના ગંભીર કેસમાં પણ ફેફસાં રિકવર થઈ જાય છે, પરંતુ તેને સમય લાગે છે.

એ રિપોર્ટમાં ફેફસાંના રોગોના ઉપચાર માટેના નિષ્ણાત પેનેગીસ ગેલિટ્સેટોસે જણાવ્યું હતું કે "કોરોનાને લીધે ફેફસાંને ક્યા સ્તર સુધી નુકસાન થયું છે એને આધારે માંસપેશીઓને સક્ષમ થતાં વખત લાગે છે. એમાં દરદીને સંપૂર્ણ નૉર્મલ થતાં ત્રણ મહિનાથી વર્ષ સુધીનો સમય લાગી શકે છે. કોરોનાની મહામારી સમાપ્ત થઈ ગયા પછી પણ એવા દરદીઓ આવશે, જેઓ કોરોના પછીની ફેફસાં વગેરેની સમસ્યાથી પીડાતા હોય. તેમને ઉપચારની જરૂર રહેશે."

કોરોનાના જે દરદીઓને સમસ્યા થયા પછી ફેફસાંને મજબૂત કરવાની જરૂર રહે છે તેમના માટે ગુજરાતમાં પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશનનો પ્રોગ્રામ શરૂ થયો છે. જે અંતર્ગત દરદીને તબક્કાવાર ફિઝિયોથૅરપી વગેરે સારવાર આપવામાં આવે છે.

ડૉ. યજ્ઞા શુક્લ ફિઝિયોથૅરપિસ્ટ છે અને સરકારી ફિઝિયોથૅરપી કૉલેજમાં તેમજ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે.

આ પ્રોગ્રામ વિશે તેઓ બીબીસીને જણાવે છે કે "કોરોના થયા પછી સ્વસ્થ થયા બાદ પણ એટલે કે રિપોર્ટ નૅગેટિવ આવ્યા પછી પણ કેટલાક લોકોમાં ફેફસાંને લગતી એટલે કે શ્વાસ ચઢવો, અશક્તિ આવવી, સ્નાયુમાં અશક્તિ લાગવી, સ્નાયુમાં દુખાવો થવો વગેરે ફરિયાદ જોવા મળી હતી. તેમના આરોગ્યને લગતાં જે પુરાવા મળ્યા એને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નિષ્ણાતો તેમજ ફિઝિયોથૅરપિસ્ટની ટીમ કામ કરે છે."

તેઓ કહે છે, "દરદીની તપાસના આધારે તેની સારવાર થાય છે. જેમાં ફેફસાંને લગતી, સ્નાયુને લગતી સારવાર આપવામાં આવે છે. દરેક દરદીને તેમની ફરિયાદ તેમજ તપાસ કર્યા બાદ જે પરિણામ મળે એ બંને બાબતોને ધ્યાનમાં રાખીને અલગઅલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. છ સપ્તાહનો આ પ્રોગ્રામ નક્કી થયો છે. સપ્તાહમાં ત્રણ દિવસ દરદીએ રિહેબિલિટેશન સેન્ટરમાં આવીને કસરત કરવાની રહે છે."

"કસરત દરમિયાન તેમનું ઓક્સિજનનું પ્રમાણ, પલ્સ રેટ, બ્લડપ્રેશર વગેરે તપાસવામાં આવે છે. આ પ્રોગ્રામ માટે અત્યાર સુધી સાડા ત્રણસો જેટલા ફિઝિયોથૅરપિસ્ટને ઑનલાઇન તાલીમ આપવામાં આવી છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્યકેન્દ્રના 245 જેટલા ફિઝિયોથૅરપિસ્ટને કોરોના પછીના આ રિહેબિલિટેશન પ્રોગ્રામની તાલીમ આપવામાં આવી છે."

ડૉ. યજ્ઞા શુક્લની વાતનો તંતુ જોડતાં ડૉ. તુષાર પટેલ કહે છે કે આ મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામ છે. જેમાં મુખ્યત્વે કાર્ડિયો પલ્મોનરી વિષયમાં નિપુણ હોય એવા તાલીમબદ્ધ ફિઝિયોથૅરપિસ્ટ દ્વારા દરદીને કસરત કરાવવામાં આવે છે.

"ત્રણ ભાગમાં આ કસરત થાય છે. સૌપ્રથમ ફેફસાંની તાકાત વધારવાની કસરત, એ પછી સ્નાયુઓની કસરત હોય છે. કોરોનાના દરદીમાં સાઇકૉલૉજિકલ સમસ્યા પણ જોવા મળતી હોય છે. ન્યુટ્રીશનલ પ્રોબ્લૅમ પણ જોવા મળે છે. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને રિહેબિલિટેશન પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.

ડૉ. તુષાર પટેલના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારની જે પાંચ ફિઝિયોથૅરપી કૉલેજ છે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને દાહોદમાં હાલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. હવે રાજકોટમાં પણ શરૂ થશે.

તેઓ કહે છે કે "રાજકોટની ખાનગી ફિઝિયોથૅરપી કૉલેજમાં તાલીમ સેશન પૂરા કરી દીધાં છે. રાજકોટ અને એની આસપાસના જિલ્લામાં 70 જેટલા ખાનગી ફિઝિયોથૅરપિસ્ટને તાલીમ આપી છે. આ તાલીમબદ્ધ ફિઝિયોથૅરપિસ્ટ કોરોનામાં સ્વસ્થ થયા બાદ જેમને સમસ્યા છે તેમને સારવાર આપે છે. અત્યાર સુધી ચાલીસેક દરદીઓને સારવાર મળી છે અને હવે ધીમેધીમે વધતા જાય છે."

આ બીમારી વિશે નીતિ આયોગ શું કહે છે?

કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 90 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં હાલ 9 લાખ 68 હજારથી વધુ દરદીઓ ઈલાજ હેઠળ છે. દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સારા સમાચાર એ પણ છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નોંધાઈ રહેલા કેસ કરતાં કોરોનામાંથી રિકવર થનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી છે.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દાવા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી એક લાખ પાંચ હજારથી વધુ દરદીઓ કોરોનામાંથી રિકવર થયા છે.

ભારતમાં હવે રિકવર થયેલા કોરોના દરદીની સંખ્યા 44 લાખ 90 હજારને પાર કરી ગઈ છે.

હવે જોવાનું એ રહે છે કે મોટી સંખ્યામાં દરદીઓ રિકવર થઈ રહ્યા હોય તો એમાંથી કેટલાકને ફેફસાં સહિતની અન્ય સમસ્યા ઊભી થાય તો એનું નિદાન અને સારવાર કઈ રીતે થાય છે.

નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે 18 ઑગસ્ટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે "કોરોનામાંથી બહાર આવ્યા પછી કેટલાક દરદીઓમાં નવી સમસ્યા જોવા મળી રહી છે. બીમારીનો આ એક નવો ડાયમેન્શન છે જે સામે આવી રહ્યો છે. જેમાં ફેફસાંમાં ફાઇબ્રોસિસની પણ સમસ્યા છે. સાયન્ટિફીક સમુદાય તેમજ મેડિકલ સમુદાયની એના પર નજર છે. અત્યારે એટલું કહી શકાય એ વાઇરસ છે એ પછી પણ હુમલો કરી શકે છે, બહેતર છે કે સતર્ક રહેવું. આના લાંબા ગાળાના કોઈ જોખમી પરિણામો નથી એ પણ સામે આવ્યું છે. અમે એના પર કામ કરી રહ્યા છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો