હોમાય વ્યારાવાલા - ફર્સ્ટ લેડી ઑફ ધી લૅન્સ

ઇમેજ સ્રોત, Ranmal Sindhav
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ફોટો જર્નાલિઝમની વાત આવે ત્યારે સૌના મોઢે હોમાય વ્યારાવાલાનું નામ અવશ્ય આવે. 'ડાલ્ડા 13' એવું પોતાનું હુલામણું નામ ખુદ હોમાયબહેને જ રાખ્યું હતું.
આ નામ રાખવા પાછળનું કારણ હતું તેમની કારનો નંબર DLD-13.
એ જમાનામાં જ્યારે મહિલાઓ ભાગ્યે જ જાહેર જીવન કે નોકરી ધંધામાં પ્રવેશતાં તે સમયે સામાન્ય કુટુંબમાંથી આવતાં હોમાયે ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે હોમાય ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશ મેળવનારાં પ્રથમ મહિલા હતાં.
એક દિવસ માણેકશા વ્યારાવાલા નામના પારસી પત્રકારને પ્રથમ વખત તેઓ રેલ્વેસ્ટેશને મળ્યાં. જેમજેમ સમય વિતતો ગયો તેમતેમ બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ. માણેકશાને ફોટોગ્રાફીનો પણ શોખ હતો તેથી હોમાય ફોટોગ્રાફી કળાથી પરિચિત થયાં અને હોમાય વ્યારાવાલાએ હિંમત કરી ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે અભ્યાસ શરૂ કર્યો.
તેઓ આ ક્ષેત્રે કામ કરનારાં ભારતના પ્રથમ સન્નારી હતાં તેથી જ હોમાય વ્યારાવાલાની 104મી જન્મજયંતીએ ગૂગલે એક ડૂડલ બનાવીને તેમને મરણોત્તર શ્રદ્ધાંજલિ આપી હતી. ગુગલે તેમને 'ફર્સ્ટ લેડી ઑફ ધ લૅન્સ'નું નામ આપી સન્માન કર્યું હતું.
હોમાય વ્યારાવાલાની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીની વાત સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કૅમેરા ક્રૉનિકલ ઑફ હોમાય વ્યારાવાલા'માં કરી છે.
હોમાય વ્યારાવાલાએ ફોટોગ્રાફર તરીકે બીજું વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદીના સમયની પળોને પોતાના કેમેરામાં કેદ કર્યાં હતાં.
તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં જીવ જોખમમાં મૂકીને તસવીરો લીધેલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
હોમાય વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ નવસારી ખાતે એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો.
પિતાનું નામ ડોસાભાઈ. શરૂઆતમાં તેઓ વ્યારા ખાતે રહ્યાં અને ત્યાર બાદ તેમનું કુટુંબ તારદેવ, મુંબઈ ખાતે જઈને વસ્યું. ત્યાં તેમના પિતા પારસી-ઉર્દૂ થિયેટરમાં કામ કરતા.
તેમણે પણ એક કલાકાર તરીકે સારી નામના મેળવી હતી. બાળપણમાં પિતાની સાથે નાટક કંપની શો કરવા જ્યાં જાય તે જગ્યાએ જતાં.
આમ બાળપણમાં તેઓ ઘણી જગ્યાએ પિતાની સાથે ફર્યા.
પ્રાથમિક શિક્ષણ પછી હોમાયબહેને મુંબઈની સેંટ ઝૅવિયર્સ કૉલેજમાંથી ઇકૉનૉમિક્સ સાથે બી.એ પાસ કર્યું અને સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ફોટોગ્રાફીનો ડિપ્લોમા કરવાનો નિર્ણય કર્યો.
અભ્યાસ પૂરો કર્યો પણ હોમાયે ફોટોગ્રાફીની તાલીમ તેમના મિત્ર માણેકશા વ્યારાવાલા પાસેથી લીધી.
હોમાય વ્યારાવાલાની પ્રથમ તસવીર 'બૉમ્બે કૉનિકલ'માં છપાઈ હતી. આ માટે તેમને એક રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. તેમણે મુંબઈના એક દૈનિકમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું અને બાદમાં આ જ ક્ષેત્રને વ્યયસાય તરીકે પસંદ કર્યું.
આ વ્યવસાયમાંથી માણેકશા સાથે પાંગરેલો પ્રેમ 1941માં લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ હોમાય અને માણેકશા દિલ્હી સ્થાયી થયાં અને તેમની વ્યવસાયીક કામગીરીનો પ્રારંભ કર્યો.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન (1939 થી 1945) તેઓ માણેકશાનાં આસિસ્ટન્ટ તરીકે 'ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાટ અને 'બૉમ્બે ક્રૉનિકલ' નામનાં સામયિકોમાં સાથે સંકળાયેલાં રહ્યાં. આ સામાયિકે તેમની કેટલીય બ્લૅક ઍન્ડ વ્હાઈટ તસવીરો પ્રસિદ્ધ કરી હતી, જે પાછળથી ખ્યાતિ પામી.
શરૂઆતમાં હોમાય રોજબરોજની મુંબઈની જિંદગીમાં કામ કરતાં મહિલાઓની તસવીરો જ ખેંચતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હોમાયે જે તસવીરો ખેંચી એમાં લાગણી અને સંવેદના કેન્દ્રસ્થાને રહેતાં. આ કારણથી તેમની તસવીરોને હંમેશાં લોકહૃદય અને મીડિયામાં સ્થાન મળતું. કારકિર્દીની શરૂઆતનાં વરસોમાં તેમણે તેમની તસવીરો તેમના પતિના નામ હેઠળ પ્રકાશિત કરવાનું પસંદ કર્યું હતું.
ફોટોગ્રાફી ક્ષેત્રે કુશળતા જોઈને 1942માં તેઓ દિલ્હી બ્રિટિશ હાઈ કમિશનની 'બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસ'માં ફોટોગ્રાફર તરીકે જોડાયાં. ત્યાં તેઓ રોજબરોજના જાહેર અને ખાનગી કાર્યક્રમોને કૅમેરામાં કંડારતાં.
આ તેમના જીવનનો સુવર્ણકાળ હતો. હોમાય વ્યારાવાલાનો સમય વીસમી સદીની અગત્યની ઘટનાઓને કૅમેરા થકી ડૉક્યુમૅન્ટ કરવાનો રહ્યો, જ્યાં તેમણે આઝાદી પહેલાં અને પછીની સ્થિતિને કેમેરામાં કેદ કરી એક સ્મૂર્તિમંજૂષા ઊભી કરી હતી.
એક ફોટોગ્રાફર તરીકે હોમાયની છટા અદ્ભુત હતી. તેઓ હંમેશાં સાડી પહેરતાં અને ખભે રૉલિફ્લેક્સ કૅમેરા લટકાવીને કોઈ પણ સ્થળ હોય, આગળ ધસી જતાં.
તેમનો મત હતો કે 'કોઈ પણ દૃશ્યને કૅમેરામાં કંડારવા માટે ક્ષણની પણ ક્ષણ અગત્યની છે.'
તેઓ કહેતાં "એ જમાનામાં વીજળી ન હોવાથી હું સૂવાના પલંગ નીચે ઘૂસી ગોદડાંની આડશ કરીને ડાર્કરૂમ બનાવતી હતી અને સ્લાઈડ સાફ કરતી હતી."
હોમાય વ્યારાવાલાએ તેમના સમયકાળ દરમ્યાન અનેક અવિસ્મરણીય દૃશ્યોને પોતાના કૅમેરા થકી મૂર્તિમંત કર્યાં હતાં. તેમણે બીજા વિશ્વયુદ્ધ સમયે ભારતની સ્થિતિ પોતાના કેમેરામાં કંડારી અને કાળખંડમાં ગુલામ ભારતની પરિસ્થિતિને ડૉક્યુમૅન્ટ કરી હતી.
સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તે પછીના સમયમાં હોમાયે ખેંચેલ કેટલીક તસવીરો આજે પણ પરિસ્થિતીને તાદ્રશ્ય કરે છે. હોમાયના મૃત્યુ પછી તેમણે લીધેલી અલભ્ય તસ્વીરોનો સંગ્રહ દિલ્હીસ્થિત 'ઍલ્કઝી ફાઉન્ડેશન ફૉર ધ આર્ટ્સ'માં રાખવામા આવ્યો છે. આ ફાઉન્ડેશન દ્વારા દિલ્હીમાં હોમાય વ્યારાવાલાનું ફોટો પ્રદર્શન યોજાતુ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બી.ઓ.એ.સીની ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે તેમના મોઢામાં સિગારેટ હતી, તે જ વખતે ઇંગ્લૅન્ડના ભારત ખાતેના કમિશનરનાં પત્ની પણ સાથે હતાં.
તેઓ સ્ત્રીસન્માનની ભાવનાને વરેલા હતા તેથી તેમણે બ્રિટિશ મહિલાને જે અદાથી સિગારેટ સળગાવી આપી હતી તે ફોટો પણ હોમાયબહેને લીધેલો.
તેમણે જૅકલીન કૅનેડી, ક્વિન એલિઝાબેથ અને આઇઝન હૉવરની તસવીરો લીધી હતી જે અદ્ભુત છે.
લોર્ડ માઉન્ટબેટને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજેલો સત્કારસમારંભ, 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું તે વખતે દિલ્હીમાં લહેરાયેલા તિરંગા ઝંડાની તેમજ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ પ્રસંગે કબૂતરોને આકાશમાં ઉડાડીને આઝાદ કર્યાં તે વખતની તસવીર તેમની અમૂલ્ય તસ્વીરો છે.
આ ઉપરાંત મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમયાત્રાની તસવીરો તેમજ દલાઈ લામા નાથુ લા માર્ગે ભારતમાં પ્રવેશતા હતા તે ઘટનાનો ફોટો તેમણે 'લાઈફ' મૅગેઝિન માટે લીધો હતો.
સબીના પોતાના પુસ્તકમાં હોમાય વ્યારાવાલાની ફોટો જર્નાલીસ્ટ તરીકેની કારકિર્દીને યાદ કરતાં લખે છે :
"ગાંધીજી-સરદાર-નેહરુ-ઝીણા-માઉન્ટબેટન જેવા નેતાઓ સાથેના તેમના પ્રસંગ, તેમણે લીધેલી તસવીરો જોઈને કોણ પ્રભાવિત થયા વિના રહી શકે? જનરલ કરિઅપ્પાએ તેમનું લાડકું નામ 'એનર્જી' પાડ્યું હતું."
ડૉ.રાધાકૃષ્ણન બીજા લોકો આગળ હોમાયની ઓળખાણ 'માય લેડી ફ્રેન્ડ' તરીકે આપતા અને હોમાયના મિત્રો ગમ્મતમાં ડૉ.રાધાકૃષ્ણનને હોમાયના 'બૉયફ્રેન્ડ' તરીકે ઓળખાવતા! સરદાર પટેલ તેમને 'આપણી ગુજરાતણ' ગણીને, એકમાત્ર મહિલા તસવીરકાર તરીકે તેમના વિશે રાજીપો અનુભવતા.

ઇમેજ સ્રોત, BIREN KOTHAR
આઝાદી પછી માહિતી-પ્રસારણમંત્રી તરીકે 'ફોટોગ્રાફર જોઈએ છે'ની સરકારી જાહેરાતમાં સરદારે ખાસ એક લીટી ઉમેરાવી હતીઃ 'વુમન કૅન ઑલ્સો ઍપ્લાય', જે ફક્ત હોમાયને જ લાગુ પડતી હતી. (હોમાયબહેનને સરકારી નોકરીમાં રસ ન હોવાથી તેમણે અરજી ન કરી એ જુદી વાત છે)
વરસ 1969માં હોમાયએ પોતાના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી.
ત્યારબાદ તેમના પુત્ર ફારુક એન્જિનિયરિંગ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને હોમાય અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાયાં. તેઓ ફારૂકનાં માતા તરીકે જાણીતાં હતાં. હોમાય તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં હતાં ત્યારે 2010માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યાં. પુત્રના મૃત્યુ બાદ તેઓ વ્યારાથી વડોદરા આવી સ્થાયી થયાં.
વડોદરામાં રહેવાસ દરમ્યાન તેઓ પોતાનું કામ જાતે જ કરતાં. તેમને બાગકામનો શોખ હતો. તેઓ ઘરમાં નાનું મોટું કામ હોય તો જાતે જ કરતાં.
સ્વાશ્રયી હોવા છતાં વધતી જતી ઉંમરની કારણે ઘણીવાર તકલીફ વેઠવી પડતી. એક વાર ઘરમાં પડી જવાથી ફ્રેકચર થઈ ગયું હતું ત્યારે ઘરમાં તેમની સાથે કોઈ નહોતું.
પડોશીઓ તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. છેવટે તેમને શ્વાસની તકલીફ થતાં 15મી જાન્યુઆરી 2012ના રોજ વડોદરા ખાતે 98 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
સંદર્ભ :
1.ગુજરાતના ઘડવૈયા, ગ્રંથ -2, લેખક : ડૉ. મકરન્દ મહેતા
2.હોમાય વ્યારાવાલાઃ સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ લેખક : ઉર્વીશ કોઠારી
http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_22.html
3."કૅમેરા ક્રૉનિકલ્સ ઑફ હોમાય વ્યારાવાલા' લેખીકા: સબીના ગડીહોક, ૨૦૦૬
4.https://feminisminindia.com/2017/03/24/homai-vyarawalla-essay/
5.Homai Vyarawalla: India's First Female Journalist - Time.com
6.Homai Vyarawalla - Brittanica Encyclopedia


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












