એક નનામી ચિઠ્ઠીથી ગુજરાતમાં બાળક વેચતી દાયણ કઈ રીતે પકડાઈ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ત્રણ દીકરીઓનાં માતાને દીકરાની ઘેલછા હતી, એટલે એમને પ્રાઇવેટ નર્સિંગ હોમનાં દાયણને સાધી એક કુંવારી માતાનો દીકરો ખરીદ્યો અને આજે જેલના સળિયા ગણવાની નોબત આવી છે.

વાત ગુજરાતના પંચમહાલ જિલ્લાના ખોબા જેવડા ગામ સુરેલીની છે, આ ગામમાં રિના પટેલ અને પ્રવીણ પટેલ સુખેથી રહેતાં હતાં.

એમને લગ્નજીવનથી ત્રણ દીકરી છે, ત્રણ પ્રસૂતી બાદ રિનાની કૂખે દીકરાનો જન્મ ન થયો.

વંશ આગળ વધારવા માટે એમને દીકરો ખરીદ્યો પણ તેઓ પોલીસાના હાથે પકડાઈ ગયાં.

એક નનામી ચિઠ્ઠીથી ભેદ ખૂલ્યો

"હું ઑફિસમાં બેઠો હતો, એક માસ્ક પહેરેલાં બહેન આવ્યાં અને મને એક નનામી અરજી આપીને કહ્યું કે સાહેબ આ અરજી પર પગલાં લેજો, એક માસૂમ બાળકની જિંદગી બચાવવાનું પુણ્ય મળશે. હું બંધ કવર ખોલું એટલી વારમાં એ બહેન ઑફિસમાંથી નીકળી ગયાં."

આ શબ્દો ગોધરાના બાળસુરક્ષા અધિકારી જે. પી. પંચાલના છે.

જે. પી. પંચાલે પોલીસ સાથે મળીને બાળક ખરીદનાર મહિલા સામે કાર્યવાહી કરી હતી. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આખો ઘટનાક્રમ જણાવ્યો હતો.

પંચાલે વાત આગળ માંડી, "અરજી વાંચીને મારાં રુવાડાં ઊભાં થઈ ગયાં."

"અરજીમાં લખ્યું હતું કે સુરેલી ગામનાં રિનાબહેન પટેલ નવજાત બાળક ઉઠાવી લાવ્યાં છે અને બાળક ભૂખ્યું રહે છે. જો પગલાં નહીં લેવાય તો બાળક મૃત્યુ પામશે."

જે. પી. પંચાલ માટે આ કેસ નવો હતો, તેમણે કાલોલના પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો અને રેડ કરવાનું નક્કી કર્યું.

રેડ દરમિયાન તેમને પ્રવીણ પટેલ અને રિના પટેલના ઘરેથી પાંચ દિવસનું બાળક મળી આવ્યું.

15 હજારમાં બાળક ખરીદ્યું હોવાની કબૂલાત

અહીં બાળસુરક્ષા અધિકારી અને પોલીસને આ કેસમાં બીજી કડી મળી.

પંચાલ કહે છે કે તેમની સમક્ષ રિના પટેલે કબૂલાત કરી હતી કે 15 હજાર રૂપિયામાં તેમણે આ બાળક એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરતાં દાયણ પાસેથી ખરીદ્યું હતું.

રેડ કરવા ગયેલા કાલોલના પીએસઆઈ એમ. એલ. ડામોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રિના અને પ્રવીણની વાત સાંભળીને અમે બંનેના ફોન જપ્ત કરી લીધા અને એમને સુરેલી ગામ લઈ ગયા.

ડામોર જણાવે છે કે 15 હજારમાં બાળક વેચનારાં મંજૂલાની અમે ત્યાંથી ધરપકડ કરી.

પંચાલ જણાવે છે કે રિના પટેલ મંજૂલા સાથે ઘણા લાંબા સમયથી સંપર્કમાં હતાં, એમને મંજૂલાને પૈસા આપી દીકરો ખરીદવાની વાત એક વર્ષ પહેલાં કરી હતી અને આ મહિને જ એમને દીકરો ખરીદ્યો હતો.

પીએસઆઈ ડામોરે કહ્યું કે મંજૂલા કાલોલની ખાનગી હૉસ્પિટલમાં સફાઈકામ કરે છે અને એમને પ્રસૂતિ કરાવતાં આવડે છે એટલે એ દાયણનું કામ પણ કરે છે.

'મને દીકરો થશે એવી આશા હવે નહોતી'

બાળક ખરીદનારાં રિના પટેલ કહે છે કે અમને વંશ આગળ વધારવા માટે દીકરો જોઈતો હતો.

રિના કહે છે, "દીકરાની ચાહમાં ત્રણ દીકરી થઈ ગઈ, મારી ઉંમર 36 વર્ષ થઈ હતી, મને દીકરો થશે એવી આશા હવે નહોતી."

તેઓ આગળ કહે છે, "મને કોઈએ કહ્યું હતું કે કાલોલમાં સફાઈકામ કરતી દાયણ પૈસા લઈને બાળક અપાવે છે, હું એક વર્ષથી એની પાછળ હતી અને ત્રીજી સપ્ટેમ્બરે એનો ફોન આવ્યો કે દીકરો જોઈતો હોય તો 15 હજારમાં મળશે."

"મેં મારા પતિ પ્રવીણને વાત કરી અને અમે કાલોલ જઈને પાંચ દિવસ પહેલાં દીકરો ખરીદીને આવ્યાં. અમને એમ કે અમારા કૂળનો વંશ મળી ગયો પણ માતાનાં ધાવણ વગર બાળક રડતું હતું."

આ અંગે ગ્રામજનોને રિના પટેલ પર શંકા ગઈ, એટલે લોકોએ એમને પૂછ્યું કે આ બાળક કોનું છે.

રિના પટેલ કહેતાં રહ્યાં કે આ એમનું બાળક છે પણ ગામમાંથી જ કોઈએ અરજી આપીને ફરિયાદ કરી દીધી હતી.

પંચાલ કહે છે કે અમે જ્યારે રેડ કરી ત્યારે બાળકની હાલત ખરાબ હતી, એ ભૂખ્યું હતું.

તેઓ જણાવે છે કે દત્તક લેવાની કોઈ કાનૂની કાર્યવાહી નહોતી કરાઈ, એટલે અમે આ બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગોધરાની સંસ્થામાં મોકલી આપ્યું છે, જ્યાં એની ડૉક્ટર દ્વારા સારવાર થઈ રહી છે .

રિનાના પતિ પ્રવીણ કહે છે, "અમે મંજૂલા પાસેથી પૈસા આપીને દીકરો લીધો ત્યારે અમે બાળકનાં અસલી માતાને મળવાની વાત કરી હતી."

"મંજૂલાએ અમને આશ્વાસન આપ્યું કે આ રીતે મેં ઘણાં બાળકો આપ્યાં છે કોઈ પૂછવા નહીં આવે, અમે એના ભરોસે દીકરાને લઈ આવ્યાં, અમને ખબર નહોતી કે આ ગુનો છે."

'અમે દીકરાની ઘેલછામાં બાળકને ઉઠાવી લાવ્યાં'

પોલીસને પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે દાયણે એક કુંવારી છોકરીની પ્રસૂતિ કરાવી હતી, આ કુંવારી છોકરી બાળકને સાથે રાખી શકે એમ નહોતી. એટલે એમનું બાળક દાયણે વેચી દીધું.

ડામોર કહે છે કે અમને પ્રાથમિક તપાસમાં કુંવારાં માતા કાલોલથી 30 કિલોમિટર દૂર ગામમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે, એમને પાંચ માસનો ગર્ભ હતો ત્યારે મંજૂલાના સંપર્કમાં આવ્યાં હતાં.

પોલીસના કહેવા પ્રમાણે બાકીનો સમય આ મહિલા ગામથી દૂર રહ્યાં અને એમને મંજૂલા પાસે પ્રસૂતિ કરાવી.

મંજૂલાએ આખી વાત ખાનગી રાખવાની ખાતરી આપી હતી. એ કુંવારાં માતાને એમના ઘરે મોકલીને આ બાળક વેચ્યું હતું.

ડામોરે કહ્યું કે મંજૂલાએ આવી રીતે કેટલા લોકોને ક્યાં-ક્યાં બાળકો વેચ્યાં છે, એની તપાસ ચાલુ છે.

હાલ પોલીસે ચાઇલ્ડ ટ્રાફિકિંગ, માતાથી બાળકને જોખમી રીતે દૂર કરવાના મામલે ગુનો દાખલ કરી રિમાન્ડ લીધા છે.

રિના પટેલ કહે છે, "કોને અમારી ફરિયાદ કરી એની અમને ખબર નથી, અમે દીકરાની ઘેલછામાં આ બાળકને ઉઠાવી લાવ્યાં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો