IPL 2020 : જૉની બૅરસ્ટો, બટલર અને જૉફરા આર્ચરની ટીમ આ રીતે રહેશે ફાયદામાં

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ દુનિયાભરમાં ત્રાટક્યું ત્યારથી ક્રિકેટજગતમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ સહિત અનેક દેશોના ક્રિકેટરો પણ છેલ્લા ક્ટલાક મહિનાઓથી કોઈ મોટી ટૂર્નામેન્ટ નહોતી રમી.

ત્યારે આટલા મહિનાઓના સન્નાટા પછી ક્રિકેટના દર્શકો માટે પણ આઈપીએલમાં એ જોવાનો રોમાંચ રહેશે કે કયા દેશના ખેલાડીઓ સૌથી વધારે તૈયાર છે.

તાજેતરમાં જ પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ તો ઇંગ્લૅન્ડે ગુમાવી દીધી હતી પરંતુ તે છતાં એ તો નક્કી છે કે કોરોના કાળ બાદના પ્રવર્તમાન સંજોગોમાં કોઈ ટીમ કે ખેલાડી સતત સક્રિય હોય તો તે ઇંગ્લૅન્ડ અને તેના ખેલાડીઓ જૉની બૅરસ્ટો, જૉઝ બટલર, જૉફરા આર્ચર અને ડેવિડ મલાન છે.

આમ તો ઇંગ્લૅન્ડના તમામ ખેલાડીને આ યાદીમાં સામેલ કરી શકાય પરંતુ બટલર કે બૅરસ્ટોના નામ એટલા માટે કેમ કે તેઓ શનિવારથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવાના છે.

અને તેમની ટીમને આ ખેલાડીઓની હાજરી વિશેષ લાભ કરાવી આપશે.

ઇંગ્લૅન્ડની ટીમ કોઈ પણ ફૉર્મેટમાં ઉચ્ચ સ્તરની રમત દાખવવા માટે સક્ષમ છે.

જે આઇપીએલ 2020માં પણ જોવા મળી શકે છે. સતત બે મહિના ક્રિકેટ રમવાને કારણે ઇંગ્લૅન્ડની ટીમને મેચની સારી પ્રૅક્ટિસ મળી ચૂકી છે.

કોરોના યુગના ક્રિકેટમાં ઇંગ્લૅન્ડે ફક્ત એક જ વન-ડે સીરિઝ ગુમાવી છે અને તેણે મોટાભાગની સીરિઝ જીતી છે. અનુભવી ખેલાડી હોય કે નવા ખેલાડી દરેક ખેલાડીએ પ્રભાવિત કર્યા છે.

કયા બૅટ્સમૅન ફૉર્મમાં?

બૅટ્સમૅનોની વાત કરીએ તો મોટાભાગના ફોર્મમાં છે. જૉની બૅરસ્ટો હોય અથવા જૉઝ બટલર દરેક ખેલાડી પોતાની ફ્રેન્ચાઇઝી માટે રન બનાવવા માટે ઉત્સુક છે.

જોકે ઓઇન મૉર્ગનનું ફૉર્મ એટલું સારું નથી પરંતુ તે જલ્દીથી ફૉર્મમાં પરત ફરી શકે છે.

નવા ખેલાડીઓની વાત કરીએ તો ડેવિડ મલાન તાજેતરમાં જ ટી20 ઇન્ટરનેશનલ રૅન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે.

વિકેટકીપર ટૉમ બૅન્ટને પણ પાકિસ્તાન સામેની ટી20 સિરીઝમાં ઝડપી રન ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

આમેય ટૉમ બૅન્ટન અત્યારે સૌથી આક્રમક બૅટ્સમૅન છે.

તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમવાના છે.

આ જ ટીમમાંથી દિલ્હીનો યુવાન બૅટ્સમૅન શુભમન ગિલ રમી રહ્યો છે.

ગિલ અને બૅન્ટન એક સમયે અંડર-19 વર્લ્ડ કપમાં પોતપોતાની ટીમ વતી સામસામે રમતા હતા પરંતુ તેઓ એકબીજાની રમતથી સારી રીતે વાકેફ છે.

બૉલિંગની વાત કરીએ તો મુંબઈ માટે લસિત મલિંગા રમવાનો નથી તેવા સંજોગોમાં વિદેશી ઝડપી બોલરોમાં સૌ પ્રથમ નામ આવે છે જોફરા આર્ચરનું.

જેણે આ સિઝનમાં સારૂ પ્રદર્શન કર્યું છે. માર્ક વૂડે પણ સારા સ્પેલ નાખ્યા છે. આદિલ રશીદની સ્પિનિંગ બૉલિંગ સામે બેટ્સમેન ખૂબ જ હેરાન થઇ ગયા હતા. ડાબોડી યુવાન ફાસ્ટ બોલર સેમ કરને પણ હવે મરૂન બૉલ પછી વ્હાઇટ બૉલના ક્રિકેટમાં કમાલ કરેલી છે.

ટૂંકમાં આ વખતે ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડીઓ જે ટીમમાંથી આઇપીએલમાં રમશે તે ટીમને આ વધારાનો લાભ મળી રહેવાનો છે તેમાં શંકા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો