IPL 2020 : આરબ દેશમાં રમાનારી આઈપીએલમાં પહેલી વખત જોવા મળશે આવા ફેરફારો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની શરૂઆત થઈ રહી છે. પહેલાં સિઝન એપ્રિલ-મે માસમાં યોજાવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે સિઝનને મુલતવી રાખવી પડી હતી.

કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતાં સિઝન રદ થવાનો ડર હતો પરંતુ બીસીસીઆઈએ સિઝનને યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવાનું નક્કી કર્યું.

સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે અને ફાઇનલ મૅચ 10મી નવેમ્બરે યોજાશે.

ખેલાડીઓ, સ્પૉર્ટ સ્ટાફ, મૅચના અધિકારીઓ અને બ્રૉડકાસ્ટિંગ ટીમે પ્રોટોકોલ ફૉલો કરવા પડશે.

ત્યાં બાયોસિક્યૉરિટી બબલ રાખવામાં આવશે. IPL મૅચની સિઝન આ પ્રકારે પહેલી વાર યોજાશે. પ્રેક્ષકોને કોરોના વાઇરસના કારણે મૅચ જોવા માટે પ્રેક્ષકોને મંજૂરી અપાઈ નથી.

આ પહેલાં 2009માં સામાન્ય ચૂંટણીઓના કારણે અડધી સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી.

2014માં આ જ કારણે ટુર્નામેન્ટની અડધી સિઝન યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ હતી.

આઠ ટીમ એકબીજા સામે બે વખત રમશે. મૅચ શારજહાં, અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. આ વર્ષે ઑક્શન પછી ટીમમાં કેટલાક ફેરફાર થયા છે, જે નીચે મુજબ છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ (2010,2011,2018)

આ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ છે. ધોનીએ સ્વતંત્રતાદિવસે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને આખા દેશે દુખની લાગણી અનુભવી.

તેઓ એ જ ખેલાડી છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતને પ્રથમ ક્રમની ટીમ બનાવી હતી.

ધોની ચેન્નાઈ સુપરકિંગ્સના મુખ્ય લીડર છે અને ટીમે જે ત્રણ ટાઇટલ જીત્યા, તેમાં તેઓ કૅપ્ટન હતા.

સુરેશ રૈના, જે પણ ધોની સાથે નિવૃત્ત થયા છે, તેમનો રેકર્ડ પણ જોરદાર છે. તેઓ આ સિઝનમાં જોવાલાયક ખેલાડી હશે.

સીએસકેની ટીમ ડૅડી આર્મી તરીકે ઓળખાય છે, તેમની ટીમની ઍવરેજ ઉંમર 32 વર્ષની છે.

ડ્વેયન બ્રાવો, શૅન વૉટસન, ઇમરાન તાહિર અને ડુ પ્લેસિસ જેવા અનુભવી ખેલાડીઓ ચેન્નાઈ સુપરકિંગ્સના વૉરિયર્સ છે.

ચેન્નાઈ સુપરકિંગ્સે ઑલરાઉન્ડર સૅમ કરન, ઝડપી બૉલર જૉશ હૅઝલવુડ અને સ્પિનર પીયૂષ ચાવલામાં રોકાણ કર્યું છે.

ધીમી પીચ પર ચેન્નાઈની ટીમનો લાંબો સ્પિન ઍટેક નિર્ણાયક સાબિત થાય છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

અંડર-19 ક્રિકેટરથી દુનિયાના ટોચના બૅટ્સમૅન બનેલા વિરાટ કોહલી સતત 12 સિઝન સુધી આરસીબી માટે રમ્યા છે, પરંતુ તેઓ આઈપીએલના ટાઇટલની રાહ જોઈ રહ્યા છે.

વિરાટ કોહલી અને એબી ડીવિલયર્સ ટીમના બે પાયા છે. બન્ને ખૂબ આક્રમક છે. તેમની ટીમમાં એરોન ફિન્ચ અને બૉલર કેન રિચર્ડ્સનો સમાવેશ થયો છે.

સાઉથ આફ્રિકન ક્રિસ મૉરિસ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની સારી ત્રિપુટી બની શકે છે.

યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર અને પવન નેગી પણ પીચ પર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુએ કેટલીક જવાબદારી બીજા બૅટ્સમૅનને પણ આપવાની જરૂર છે.

એક યુનિટ તરીકે રમવું આ ટીમ માટે હંમેશાં સમસ્યા ઊભી કરે છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમને ટીમના અન્ય સભ્યોના સપૉર્ટની જરૂર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ

કે. એલ. રાહુલ ટીમના કૅપ્ટન, કીપર અને ઑપનર હશે. તેમના પર ઘણી જવાબદારીઓ છે.

આ ટીમમાં ક્રિસ ગેઇલ અને ગ્લેન મૅક્સવેલ જેવા ખેલાડીઓ છે. ગેઇલ અને મૅક્સવેલની આ જોડી થોડી જ ઓવરમાં ગેમને પલટી શકે છે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ હજી સુધી એક પણ વખત ખિતાબ જીતી શકી નથી.

ત્યારે એ ટાઇટલ જીતવાના પ્રયાસરૂપે આ વખતે તેમણે ટીમમાં જેમ્સ નિશમ, ક્રિસ જૉર્ડન, શેલ્ડન કોટ્ટરેલ, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને સામેલ કર્યા છે.

આ સિવાય મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન સહિત મનદીપસિંઘ જેવા ખેલાડીઓનો સપૉર્ટ રહેશે.

રવિ બિશ્નોઈ, ઇશાન પોરેલ જેવા અંડર-19 ખેલાડીઓ પણ મોટા મેદાને પરફૉર્મ કરવા રાહ જોઈ રહ્યા છે.

મુજિબ-ઉર-રહેમાન આ વખતે મહત્ત્વના ખેલાડી સાબિત થઈ શકે છે. આ વખતે આ ટીમના કૉચ અનિલ કુંબલે છે, જેઓ કદાચ ટીમ માટે લકી સાબિત થઈ શકે છે.

દિલ્હી કૅપિટલ્સ

ગત વર્ષે આ ટીમનું નામ બદલવામાં આવ્યું હતું. આ ટીમમાં શિખર ધવન, શ્રેયસ ઐય્યર, પૃથ્વી શૉ, ઋષભ પંત જેવા ખેલાડીઓ હતા.

હવે તેમાં અજિંક્ય રહાણે, શિમરોન હેટમેયર અને જેસન રૉય જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થયો છે.

તેમાંથી કોઈ એકને પસંદ કે નાપસંદ કરવા મુશ્કેલ છે. આ ટીમ માટે કગિસો રબાડા મહત્ત્વના સાબિત થઈ શકે છે.

રવિચંદ્રન અશ્વિન અને અમિત મિશ્રા ટીમ માટે ગેમ ચૅન્જિંગ જોડી સાબિત થઈ શકે છે. માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કારેએ તેમને તક મળવા માટે રાહ જોવી પડશે.

ટીમના જૂના ખેલાડીઓ ઇશાંત શર્મા, મોહિત શર્મા અને અક્ષર પટેલ પણ ટીમમાં છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ (2012, 2014)

શાહરૂખ ખાનની આ ટીમમાં ઑસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સનો સમાવેશ થયો છે.

આ સિઝનની હરાજીમાં તેમના પર સૌથી વધારે પૈસા લાગ્યા છે. પેટ કમિન્સ એક ફાસ્ટ બૉલર છે, જેઓ એક બ્રેક બાદ હવે વિકેટ ઝડપવાની તકમાં હશે.

દિનેશ કાર્તિક ટીમના કૅપ્ટન રહેશે. કેરેબિયન એન્ડ્રે રસેલ આ ટીમના ટ્રમ્પ કાર્ડ સમાન છે, જેઓ બૅટ્સમૅન, બૉલર અને ફિલ્ડર તરીકે ખૂબ જ સારા છે.

ભારતના અંડર 19 કૅપ્ટન શુભમન ગિલને મોટા મેદાને જોવાની સૌને રાહ છે. ટીમમાં સુનિલ નરીન અને કુલદીપ યાદવ છે.

આ સિવાય વર્લ્ડ કપનો ખિતાબ જીતનારા કૅપ્ટન ઇયોન મૉર્ગન સહિત ટોમ બૉન્ટનનો સમાવેશ થયો છે.

કમલેશ નાગરકોટી, શિવમ માવી અને પ્રસિદ્ધ ક્રિષ્ના સારી ત્રિપૂટી સાબિત થઈ શકે છે. લૉકી ફર્ગ્સન ટીમ માટે ઍક્સ ફૅક્ટર સાબિત થઈ શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

આ ટીમમાં ડેવિડ વૉર્નર અને જૉની બરિસ્તોની જોડી ઑપનિંગ માટે ખૂબ સારી છે.

કૅન વિલિયમસન, મનિષ પાંડે મહત્ત્વના ખેલાડી છે. આ સિવાય મોહમ્મદ નબી અને રશિદ ખાનની જોડી વિરોધી ટીમ માટે ખતરનાક હોઈ શકે છે.

તેમની પાસે પહેલાં પણ UAEમાં રમવાનો અનુભવ છે. ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૉલની ઝડપ માટે તેઓ અગત્યના છે.

ઑલરાઉન્ડર વિજય શંકર ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સને તેમની પર્ફૉર્મન્સથી ખુશ કરી શકે છે.

હરાજીમાં સનરાઇઝર્સની ટીમે યુવા ખેલાડીઓને પસંદ કર્યા છે, જેમણે અંડર-19માં સારું પ્રદર્શન કર્યું હોય.

મુંબઈ ઇન્ડિયન્સ (2013, 2015, 2017, 2019)

આ ટીમ લોકોપ્રિય રહી છે. ઈજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્મા સાજા થયા છે અને હવે આ ટીમમાં તેઓ પરત ફરશે.

હાલ જ પિતા બનેલા હાર્દિક પંડ્યા, તેમના ભાઈ કૃણાલ પંડ્યા સાથે મેદાને ઊતરશે. કિયોરોન પૉલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ માટે હંમેશાં સ્ટાર સાબિત થયા છે.

વિરોધી ટીમ પર હુમલો કરવા માટે આ ટીમમાં લસિથ મલિંગા, ટ્રેન્ટ બૉલ્ટ, મિચેલ મૅકલેંઘન અને જસપ્રિત બુમરાહ મહત્ત્વના છે.

મુંબઈ પાસે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ક્રિસ લિન અને ઑલરાઉન્ડર નતન કૉલ્ટર નાઇલ પણ છે. ગયા વર્ષે આ ટીમમાં રાહુલ ચહરે ખૂબ સારું નામ કમાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના ખેલાડી ક્વિન્ટન ડી-કોક પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે.

સૂર્યા કુમાર યાદવે ઘરેલુ મેદાન પર ઘણા રન બનાવ્યા છે. ત્યારે આ સિઝન સૂર્યા માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે.

રાજસ્થાન રૉયલ્સ (2008)

આ ટીમ હંમેશાં પ્રયોગો માટે જાણીતી છે. આ ટીમે ઘણી વખત લૉ પ્રોફાઇલ ખેલાડીઓને પસંદ કર્યા છે.

દુનિયાના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ રાજસ્થાન રૉયલ્સ માટે સૌથી મોટું હથિયાર છે. તેઓ બેટિંગ, વિકેટ ઝડપવા તેમજ ફિલ્ડિંગમાં માહેર છે.

વિરોધી પાર્ટી માટે તેઓ એક ખૂબ મોટો ખતરો છે. સ્ટીવ સ્મિથ અને જોસ બટલર એક સારી જોડી છે.

સંજુ સેમસન એક સારી સિઝનની આશા રાખી શકે છે. અંડર 19 વર્લ્ડ કપના મૅન ઑફ ધ સિરીઝ યશસ્વી જયસ્વાલ પણ રડાર પર રહેશે.

રિયાન પરાગને મેદાને જોવા ખૂબ ઉત્સાહજનક હશે. ડેવિટ મિલ્લર, જોફરા આર્ચર, જયદેવ ઉનડકટ, આ ટીમ માટે મહત્ત્વના ખેલાડી સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો