જેને આપ્યું પ્રમોશન એની ખાતાકીય પરીક્ષા ગુજરાત સરકારને 36 વર્ષે યાદ આવી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'સરકારના અનેક તઘલખી નિર્ણયો તો નોકરી કરતી વખતે જોયા. મને આશા હતી કે હવે રિટાયર્ડ થઈને આરામની જિંદગી જીવીશ પણ સરકારી કલમના એક ગોદા એ મારી જિંદગી દોઢ વર્ષથી તહસનહસ કરી નાખી હતી. જોકે હવે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી સરકારની અંધેરનગરીમાં મને ન્યાય મળ્યો છે અને હવે કદાચ મારું ઘડપણ હવે સારું જશે.' આ શબ્દો છે 36 વર્ષ સુધી સરકારની નોકરી કરી, સરકારના અન્યાય સામે લડત આપી નિવૃત્ત થનારા ફૉરેસ્ટ ઑફિસર સુરેશ સિંહ યાદવના.
સુરેશ સિંહ યાદવની કહાણી વિચિત્ર છે. સરકારી નોકરી મેળવવી જેમ મુશ્કેલ હોય છે એમ હેમખેમ નિવૃત્ત થવું એ પણ મુશ્કેલ હોય છે. અનેક સરકારી કર્મચારીઓ નિવૃત્તિને આરે હોય ત્યારે જ ચિત્ર-વિચિત્ર નિયમો સરકારને યાદ આવે છે અને એમાં ઘણી વાર નિદોર્ષ કર્મચારી પણ દંડાય છે.
સુરેશ સિંહ યાદવના કેસમાં 36 વર્ષે સરકારને ખાતાકીય પરીક્ષા નહીં આપી હોવાનું અચાનક યાદ આવ્યું હતું.

શું હતો કેસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુરેશ સિંહ યાદવ 1981માં ફૉરેસ્ટ ગાર્ડ તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા. જે તે સમયે સરકારી નિયમો પ્રમાણે એમની નિમણૂક થઈ હતી. એમની કામગીરી જોયા પછી સરકારે એમને નવેમ્બર 1986થી માર્ચ 1987 સુધી કાકરાપારમાં તાલીમ પણ આપી.
સુરેશ સિંહની નોકરી પણ કાયમી હતી એટલે સરકારી નિયમ અને ધારા-ધોરણ પ્રમાણે એમનું પ્રૉવિડંડ ફંડ કપાતું અને સરકારી નોકરીમાં મળવાપાત્ર લાભો પણ મળતા હતા. આ પછી સરકાર દ્વારા નવા પર્યાવરણના નિયમો અને જંગલ ખાતાના નિયમો મુજબ 2002ના અંત ભાગમાં એમનો 28 દિવસનો ફૉરેસ્ટ ગાર્ડનો રિફ્રેશર કોર્સ કરાવવામાં આવ્યો અને ફરીથી તેઓ જાન્યુઆરી 2003થી નોકરી પર લાગ્યા. એ સતત કામ કરતા હતા.
સુરેશ સિંહ યાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી સારી કામગીરી જોઈને સરકારે મને જૂન 2012માં પ્રમોશન આપી ફૉરેસ્ટ ગાર્ડમાંથી ફૉરેસ્ટ ઑફિસર બનાવ્યો. મારી કામગીરી સારી ચાલતી હતી. 2016 સુધી મેં ભાવનગરમાં ફૉરેસ્ટ ઑફિસર તરીકે કામ કર્યું. આ દરમિયાન અચાનક મને કહેવામાં આવ્યું કે તમે 2008માં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની આંતરિક પરીક્ષા પાસ નથી કરી માટે તમારી સામે કાર્યવાહી કરીને અપાયેલું પ્રમોશન પરત લેવામાં આવશે.
સુરેશ સિંહ યાદવ કહે છે કે ''મને પહેલાં તો સમજ જ ના પડી કે મેં કઈ પરીક્ષા નથી આપી? મેં મારા ઉપરી અધિકારીઓ ને કહ્યું કે, મને કહો કે કઈ પરીક્ષા નથી આપી જેની મને સજા મળી રહી છે? આ જવાબ માગવો મારી ભૂલ હતી. મને એટલા સમયની નોકરીનો કોઈ રેકોર્ડ ના બતાવાયો અને કહ્યું કે 2008માં બનેલા નિયમ પ્રમાણે નોકરી વખતે મેં ખાતાકીય પરીક્ષા નથી આપી માટે મારી સામે પગલાં લેવામાં આવશે.''
''મેં સરકારી અધિકારીઓને જવાબ આપ્યા કે આ નિયમ કે પરીક્ષાની અમને જાણ કરવામાં નથી આવી અને સરકારે ખુદ આ પરીક્ષા પત્યાના ચાર વર્ષ પછી મને પ્રમોશન આપ્યું છે તો કયો ગુનો બને છે?''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''મારી સાથે આ ઘટના બની 2019ની શરૂઆતમાં અને હું રિટાયર્ડ થતો હતો 31 ઑગસ્ટ 2020માં. હું નિવૃત્તિને આરે હતો અને મને 30 એપ્રિલ 2019ના દિવસે સસ્પેન્ડ કરી દીધો.''
''સરકારે ખુદ પ્રમોશન આપી મને ઑફિસર બનાવ્યો. મેં સાત વર્ષ ઑફિસર તરીકે કામ કર્યું અને 36 વર્ષે સરકારને ખબર પડી કે મેં પરીક્ષા નથી આપી, તો મારી સરકારી ટ્રેનિંગ કેવી રીતે થઈ અને પ્રમોશન કેવી રીતે મળ્યું? એટલે મેં સરકારના આ તઘલખી નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી અને હું જીતી ગયો.''

સરકારનો અજબ નિર્ણય

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સુરેશ સિંહ યાદવના વકીલ નિમિત્ત શુક્લએ બી.બી.સી. સાથેની વાતચીતમાં કહ્યું કે ''સરકારનો આ નિર્ણય અજબ હતો. જે માણસને ગુજરાત ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના 1968ના નિયમ પ્રમાણે 1981માં નોકરી મળી હોય, ત્યારબાદ બે વાર તાલીમ લીધી હોય અને કામગીરી જોઈ પ્રમોશન આપવામાં આવ્યું હોય એણે સરકારી પરીક્ષા પાસ નથી કરી એવી સરકારને 36 વર્ષે ખબર પડે?''
''અને જો ખબર પડી હોય તો એને પ્રમોશન કેવી રીતે મળ્યું? આ એવી વાત હતી કે 12 ધોરણ પાસ થયેલાને એવું કહેવામાં આવે કે તમે પાંચમું ધોરણ પાસ નહોતું કર્યું.''
નિમિત્ત શુકલનું કહેવું છે કે ''સરકારે 2008માં ખાતાકીય પરીક્ષા લીધી હતી પણ એની યાદવને જાણ કરવામાં આવી ન હતી. વળી, ગુજરાત સરકારના 2004ના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે જેમને સરકારના ફૉરેસ્ટ ગાર્ડ તરીકેનો રિફ્રેશરનો કોર્સ કર્યો હોય એમને પ્રમોશન માટે 2008ની પરીક્ષા આપવાની જરૂર નહોતી અને એ રીતે જ એમને 2012માં ફૉરેસ્ટ ઑફિસરનું પ્રમોશન મળ્યું હતું.''
''ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી.જે. વૈષ્ણવે ગુજરાત સરકારે 36 વર્ષની નોકરી બાદ સુરેશ સિંહ યાદવને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવી એમને નિવૃત્તિના તમામ લાભો અને પેન્શન આપવાનો હુકમ કર્યો છે.''
સુરેશ સિંહ યાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ''જ્યાં સુધી હું જંગલમાં જાનવરો સાથે જિંદગી જીવતો હતો ત્યારે ઘણો સુખી હતો કારણકે જાનવર કપટ નથી કરતાં પણ જિંદગીના છેલ્લા દિવસોમાં માણસો વચ્ચે આવ્યો ત્યારે ખબર પડી કે જંગલી જાનવરો કરતાં માણસ વધારે ખતરનાક છે.''
''કોર્ટના આદેશ પછી મારું પેન્શન શરૂ થાય એટલે હું ફરી મારા વતન મધ્ય પ્રદેશમાં જંગલમાં રહેવા જતો રહીશ પણ માણસો વચ્ચે નહીં રહું.''


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












