હૈદરાબાદ : 'મારા પર 139 લોકોએ બળાત્કાર ગુજાર્યો'

25 વર્ષીય એક યુવતીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને આરોપ મૂક્યો છે કે પાછલાં નવ વર્ષ દરમિયાન તેમના પર 139 લોકોએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો છે.
શુક્રવારે હૈદરાબાદમાં પજાગુટ્ટા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો.
એક એનજીઓ 'ગોડપાવર ફાઉન્ડેશન'ની મદદથી નાલગોંડાનાં રહેવાસી આ યુવતીએ ન્યાયની માગ સાથે પોલીસનો સંપર્ક કર્યો છે.
બીબીસી ન્યૂઝ તેલુગુનાં દીપ્તિ બથીનીએ આ મહિલા અને 'ગોડપાવર ફાઉન્ડેશન'ના રાજશ્રીકર રેડ્ડી સાથે વાત કરી.
મહિલાના જણાવ્યાં પ્રમાણે 15 વર્ષની ઉંમરે બળજબરીપૂર્વક તેમનું બાળલગ્ન કરી દેવાયું હતું. એ વખતે તેમણે હજુ દસમા ધોરણની પરીક્ષા પૂર્ણ જ કરી હતી.
પીડિતાએ જણાવ્યું, "મારાં માતાપિતા દૈનિક મજૂરી પર કામ કરનારાં શ્રમિકો છે. મારે એક નાનો ભાઈ છે. છોકરાના પરિવારે મારાં માતાપિતા પર મારું લગ્ન કરાવવા માટે દબાણ કર્યું. આ વિશે મને વધારે પૂછવામાં નહોતું આવ્યું,"
"મને લાગ્યું કે હું મારો અભ્યાસ પૂર્ણ કરીશ પણ એવું જરાય ન થયું. મારી સાથે ઘરમાં કામ કરનારા નોકર જેવો વ્યવહાર કરાતો હતો."
"લગ્ન પછી તરત જ તેમણે વધારે દહેજની માગ શરૂ કરી દીધી. મારાં માતાપિતા જે કંઈ પણ આપી શકે એમ હતાં એમણે એ બધું જ આપ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેમની મુશ્કેલી માત્ર વધારે દહેજની માગ સાથેની ઘરેલુ હિંસા પૂરતી જ મર્યાદિત નહોતી.
તેમના જણાવ્યા અનુસાર તેમના સાસરાપક્ષ દ્વારા તેમને દેહવ્યાપાર માટે દબાણ કરાયું.
"તેમણ મને કહ્યું કે અન્ય પુરુષો સાથે મને સૂવાની ફરજ પાડીને તેઓ નાણાં વસૂલી લેશે."
"તેમણે મને ધમકી આપી કે જો આ વિશે મેં મારાં માતાપિતાને જણાવ્યું તો તેઓ તેમને મારી નાંખશે. હું ખૂબ ડરી ગઈ હતી. હું ચૂપ રહી અને તમામ અત્યાચાર, અપમાન, જાતીય સતામણી એક વર્ષથી પણ વધુ સમય સુધી સહન કર્યાં."
આખરે હિંમત ભેગી કરીને વર્ષ 2010માં આ યુવતીએ પતિને છૂટાછેડા આપી દીધા.
તેઓ તેમનાં માતાપિતા પાસે પરત ફર્યાં અને અભ્યાસ પૂરો કરવા માટે કૉલેજમાં પ્રવેશ મેળવવા અરજી કરી.
તેમને આશા હતી કે હવે તેમની મુશ્કેલીઓનો અંત આવી જશે.
"એક મહિલા સાથે મારી મિત્રતા થઈ. મેં જે સહન કર્યું હતું એ તેને જણાવ્યું."

ઇમેજ સ્રોત, Getty Images
"એણે મારો પરિચય એના ભાઈ એમ. સુમન સાથે કરાવ્યો અને કહ્યું કે એ વિદ્યાર્થીસંઘનો નેતા છે. એણે મને મદદની ખાતરી પણ આપી."
"પણ એણે મારી નગ્ન અવસ્થામાં તસવીરો અને વીડિયો ઉતારી લીધાં અને મને બ્લૅકમેલ કરવાનું શરૂ કરી દીધું."
આ યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ. સુમનનું નામ મુખ્ય આરોપી તરીકે આપ્યું છે.
આ અંગે વિગતે વાત કરતાં તેઓ જણાવે છે કે સુમન અને તેમનાં બહેને પીડિતાનાં માતાપિતાને વધુ અભ્યાસ માટે પોતાને હૈદરાબાદ જવાં દેવાં મનાવી લીધાં.
તેઓ જણાવે છે, "તેણે મારાં માતાપિતાને કહ્યું કે મારા અભ્યાસનો ખર્ચો એ ઉઠાવી લેશે. મને મારી નગ્ન અવસ્થાની તસવીરો અને વીડિયોથી બ્લૅકમેલ કરવામાં આવી અને હૈદરાબાદ લઈ જવાઈ. "
"ત્યારથી મને એક ગ્રૂપથી બીજા ગ્રૂપમાં ફેરવવામાં આવી. તેઓ મને એક મકાનમાં બહુ લાંબો સમય રહેવા નહોતા દેતા."
પોલીસ ફરિયાદમાં તેમણે સુમન અને કેટલાક લોકો પર સેક્સરૅકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
તેઓ જણાવે છે કે તેમને અનેક લોકો સાથે સૂવા માટે મજબૂર કરાયાં છે.
તેમણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતા, મીડિયાકર્મી, નેતા, નેતાઓના અંગત મદદનીશો વગેરેનાં નામ આપ્યાં, જેમણે તેમની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા.
"મને નગ્ન નૃત્ય કરવા માટે કહેવાતું હતું. મને દારૂ અને ડ્રગ્સનું સેવન કરવા માટે પણ ફરજ પડાતી."
"હું કેટલીક વાર ગર્ભવતી પણ થઈ. તેમણે મને લઈ જઈ અનેકવાર ગર્ભપાત કરાવ્યો."
"જોકે, આમાં હું એકલી ન નહોતી. અન્ય કેટલીક છોકરીઓને પણ આમાં લાવવામાં આવી હતી."

'ગોડપાવર ફાઉન્ડેશન'ના સંપર્કમાં આવવા વિશે પણ તેમણે વિગતવાર જણાવ્યું.
તેઓ કહે છે કે લગભગ દોઢ વર્ષ પહેલાં સુમન અને અન્ય કેટલાક લોકોએ તેમને કહ્યું કે જો નવ લાખ રૂપિયા આપવામાં આવે તો નગ્ન તસવીરો અને વિડિયો પરત કરી દેવાશે.
આ નાણાં કેવી રીતે મેળવવા તે માટેની એક યોજના પણ બનાવી હોવાનું એ લોકોએ યુવતીને જણાવ્યું.
"મને સરકારી નોકરીના ઑફર-લેટરના ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા અને બહુ પૈસાવાળી એક વ્યક્તિનો સંપર્ક કરવા માટે કહેવાયું. "
"મેં રાજશ્રીકર રેડ્ડીનો સંપર્ક કર્યો. તેઓ જે એનજીઓ ચલાવે છે, તેની મને જાણ હતી."
"કેટલાંય અઠવાડિયાં આજીજી કર્યા બાદ તેમણે મને નાણાં આપવા સંમતિ દર્શાવી અને મારી પાસે પ્રૉમિસરી નૉટ પર સહી પણ કરાવી."
જોકે એમ છતાં તેમની તસવીરો અને વીડીયો તેમને અપાયાં નહોતાં.
તેમણે કહ્યું કે તેમનું શોષણ ચાલુ જ રહ્યું.
"તેમણે મારા નામે અગાઉથી જ એક બૅન્કખાતુ ખોલાવી રાખ્યું હતું. તેઓ મારી તસવીરો અને વિગતો ડૅટિંગ સાઇટ અને સેક્સ ચૅટ સાઇટ ઉપર અપલૉડ કરતા હતા."
"એ મને બળજબરીથી નગ્ન વિડિયોકૉલ્સ કરવાનું કહેતા અને મારા બૅકખાતામાં જમા કરાયેલાં નાણાં લઈ લેતા."
આખરે એક દિવસ રાજશ્રીકર રેડ્ડીએ લૉકડાઉન દરમિયાન યુવતીને તેમની ઑફિસમાં નોકરી માટે બોલાવ્યાં.
આ અંગે વાત કરતાં રાજશ્રીકર જણાવે છે, "એક દિવસ તે ભારે લોહી નિકળતી હાલતમાં ઑફિસ આવી અને બેભાન થઈ ગઈ. અમે એને પ્રાથમિક સારવાર આપી."
"એણે એની સાથે ઘટેલી ઘટના અમને જણાવી."
"અમે એનજીઓમાં એના માટે રહેવાની વ્યવસ્થા કરી. એને જે જગ્યાઓએ લઈ જવાઈ હતી તેને ફરીથી યાદ કરવાં કહ્યું. અમે પુરાવાઓ ભેગા કરવાનું શરૂ કર્યું."
યુવતી કહે છે કે ફરિયાદ નોંધાવવામાં પણ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
"જ્ઞાતિવષયક ટોણાથી મારું અપમાન કરાર્યું હતું. જોકે અંતે કેસ નોંધાયો."
બીબીસી ન્યૂઝ તેલુગુ સાથે વાત કરતાં તપાસનીશ અધિકારી ઇન્સ્પેક્ટર નિરંજન રેડ્ડીએ જણાવ્યું કે તેમણે પીડિતાનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
તેઓ કહે છે, "અમે તેને તબીબી તપાસ માટે લઈ ગયા છીએ. અમે તેનું કાઉન્સેલિંગ પણ કર્યું છે."
"અમે હવે પીડિતાનું નિવેદન નોંધી રહ્યા છીએ અને તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ. આ વિશે થોડા દિવસો બાદ જ વધુ જણાવી શકીશું."
બીબીસી ન્યૂઝ તેલુગુએ સુમન સુધી પહોંચવા પ્રયાસ કર્યો છે.
તેમનો ફોન નંબર પહોંચની બહાર બતાવે છે. જે વિદ્યાર્થીસંઘના તેઓ સભ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે, તેની સાથે પણ અમે વાત કરી.
જોકે, સંસ્થાએ સુમન તેમની સાથે ક્યારેય પણ જોડાયા હોવાનો ઇન્કાર કરી દીધો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












