ચીન સામે ભારત ફંડને કારણે વિદેશનીતિમાં નબળું પડી રહ્યું છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દક્ષિણ હિંદ મહાસાગરમાં ખરાબ હવામાનને કારણે 55 દિવસની લાંબી સફર પછી એક એકલું યુદ્ધજહાજ ખાદ્યસામગ્રી અને દવાઓ લઈને પહોંચી રહ્યું છે.

સંક્ષિપ્તમાં, આ ભારતના જહાજ આઈએનએસ કેસરીની કહાણી છે, જે ભારત સરકારના 'મિશન સાગર' હેઠળ માલદીવ, મોરેશિયસ, કોમરોઝ દ્વીપ અને સેશલ્સ દ્વીપો પર કોવિડ રાહતસામગ્રી પહોંચાડવામાં લાગેલું રહ્યું.

મહામારીના શરૂઆતના દિવસોમાં 6 મેથી 28 જૂન વચ્ચે કરાયેલા ભારતીય નૌસેનાના આ પ્રયાસોને સમાચારોમાં બહુ મહત્ત્વ ન મળ્યું.

ભારત સરકારના રક્ષામંત્રાલયનું કહેવું છે કે 'આ અભિયાન ભારતના હિંદ મહાસાગરમાં પોતાના પડોશી દેશો સાથે મળીને કામ કરવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.'

આ પ્રયાસ બહુ મોટો લાગી શકે છે અને તેનો સમય બહુ યોગ્ય છે, પરંતુ આ પોતાની રીતે નવો નહોતો.

મેં જેમની સાથે વાત કરી એ મોટા ભાગના વિશ્લેશકોનું માનવું છે કે 'ભારત હંમેશાંથી જ પોતાના પડોશી દેશોને પ્રાથમિકતા આપતું રહ્યું છે.'

21 ઑગસ્ટ સુધી ભારતનું વિદેશમંત્રાલય કુલ 25 પ્રેસ વિજ્ઞપ્તિઓ જાહેર કરી ચૂક્યું છે, જેમાંથી નવનો સંબંધ ભારત અને તેના પડોશી દેશો સાથેના સંબંધોથી છે.

જુલાઈમાં 31 પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરાઈ હતી, જેમાં ચારનો જ સંદર્ભ પડોશી દેશ સાથે હતો. તો જૂનમાં 36 વિજ્ઞપ્તિઓમાંથી માત્ર બે પડોશી દેશ સાથે જોડાયેલી હતી.

જો ગત બે મહિનાનું વિશ્લેષણ કરવામાં આવે તો આ દર બહુ ઓછો છે.

પરંતુ આ પ્રેસ વિજ્ઞપ્તિઓ જ ભારતના પડોશી દેશો સાથેના સંબંધોને માપવાની એકમાત્ર રીત છે? જવાબ છે- ના.

કોને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું?

ઑગસ્ટ 18: ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન સિંઘલા ભારતથી બહાર પોતાની પહેલી મુલાકાતે ગયા. તેઓ ઢાકા પહોંચ્યા, જ્યાં ભારતીય રાષ્ટ્રીય પ્રસારક ડીડી ન્યૂઝ અનુસાર, 'વડાં પ્રધાન શેખ હસીના સાથે સુરક્ષા અને આંતરિક હિતોના મુદ્દે ચર્ચા કરી.'

ઑગસ્ટ 15: નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો. આ કૉલ એવા સમયે થયો જ્યારે સીમાવિવાદને લઈને ભારત અને નેપાળ એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા. નેપાળના પીએમે તો એટલું સુધી કહી દીધું કે ભારત તેમને સત્તામાંથી બહાર કરવાની કોશિશ કરી રહ્યું છે.

ઑગસ્ટ 13: ભારતના વિદેશમંત્રી ડૉક્ટર એસ. જયશંકરે માલદીવમાં સૌથી મોટા સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ પ્રોજેક્ટમાં પૈસા રોકવાની જાહેરાત કરી. ભારત માલદીવને નાણાપૅકેજ આપી રહ્યું છે, જેમાં 10 કરોડ અમેરિકન ડૉલરની ગ્રાન્ટ અને 40 કરોડ અમેરિકન ડૉલરનું કરજ સામેલ છે. આ સિવાય ભારતે માલદીવથી ઉડાન શરૂ કરવા માટે ઍર બબલ બનાવવા અને માલવાહક ફેરીસેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

ઑગસ્ટ 6: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેને ચૂંટણી જીતવા પર અભિનંદન આપ્યાં.

ઑગસ્ટ 3: ઈદ-ઉલ-અઝહાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના વડા પ્રધાન અશરફ ગની સાથે વાત કરી. બંને નેતાઓએ ક્ષેત્રીય સુરક્ષા અને આંતરિક હિતોના અન્ય મુદ્દાઓ પર ચર્ચા પણ કરી.

હવે આનાથી શું સમજવાનું?

ઉપર જે ઘટનાક્રમની વાત કરવામાં આવી એ ભારત અને ચીન વચ્ચેના વર્તમાન સીમાવિવાદથી પેદા થયેલી પરિસ્થિતિઓને કારણે છે? કે પછી ભારત મહામારીને કારણે અચાનક પોતાના પડોશી દેશનું ધ્યાન રાખવા લાગ્યું છે? કે પછી કોઈ અન્ય કારણ છે?

આ સવાલો પર વિશ્લેષકોનો એકમત છે. અચાનક પડોશી દેશો સાથે થયેલો આ હાઈ પ્રોફાઇલ મેળ-મિલાપ કોઈ એક ઘટનાને કારણે નથી થઈ રહ્યો.

મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે 'આ ઘટનાક્રમોને અલગઅલગ કરીને નહીં, પણ એક મોટી તસવીરના હિસાબે જોવી જોઈએ. અને આ સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં આપણે એકલા નથી. બીજો ખેલાડી તેજ ચાલ ચાલી રહ્યો છે અને આપણે તેનું ધ્યાન રાખવું પડશે.'

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અને ચીન અને ભૂતાનમાં ભારતના પૂર્વ રાજદૂત ગૌતમ બંબાવાલે કહે છે કે 'આ અસામાન્ય વર્ષ છે, સંભવત: મે મહિના બાદ ચીજોએ ગતિ પકડી છે અને હવે અચાનક આ લોકોને લાગી રહ્યું છે કે આપણે એક જ ક્ષેત્ર પર ધ્યાન આપી રહ્યા છીએ. આ એવા મુદ્દા છે, જેના પર સરકાર કામ કરવાનું વિચારી રહી હશે અને હવે બાબતોએ ધીમેધીમે ગતિ પકડી છે અને એ પૅટર્ન બની છે, જેના પર તેમને હોવું જોઈએ.'

ચીનમાં દિમાગમાં શું ચાલી રહ્યું હશે?

અમે બંબાવાલેને પૂછ્યું કે આ સમયે ચીનમાં દિમાગમાં શું ચાલી રહ્યું હશે?

તેના પર તેઓએ કહ્યું, 'કોવિડ-19 મહામારીએ ચીનને પહેલાંથી વધુ આક્રમક બનાવી દીધું છે અને હવે ચીન પગલાં ભરી રહ્યું છે અને તે હવે દક્ષિણ એશિયામાં પણ એ જ કરી રહ્યું છે, જે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને લેટિન અમેરિકા કે દુનિયાના અન્ય ભાગમાં કરી રહ્યું છે.'

'જ્યાં કોઈ જગ્યા ખાલી હશે, ચીન તેને ભરવાની કોશિશ કરશે. અફઘાનિસ્તાનને લઈને લો, અમેરિકાની મોજૂદગી ઓછી થઈ રહી છે અને ચીન વધુ સક્રિય થઈ રહ્યું છે. ચીને ગત મહિને ચાર દેશોની બેઠક બોલાવી હતી, જેમાં નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામેલ થયા હતા. મને લાગે છે કે ચીન જે સાર્વજનિક રીતે દેખાડી રહ્યું છે, એ તેની સક્રિયતાની એક ઝલક માત્ર છે.'

બીબીસી માટે દુનિયાભરના સમાચારો અને મીડિયા પર નજર રાખતા 'બીબીસી મૉનિટરિંગ' સાથે જોડાયેલાં ઉપાસના ભટ્ટ ચીનનાં વર્તમાન પગલાં પર કહે છે, 'ચીન દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું હરીફ છે અને એ કારણે અહીં તેની હરકતો પર નજર રાખવું ભારત માટે મહત્ત્વનું છે. ભારત-ચીન સીમા પર હાલના દિવસો કંઈ ખાસ ગતિવિધિઓ થઈ નથી, પરંતુ ચીન ભારતના પડોશી દેશો તરફ હાથ લંબાવી રહ્યું છે.'

ઉપાસના ભટ્ટ કહે છે, 'નેપાળમાં હાલના દિવસોમાં જે થયું એને જોવું રસપ્રદ છે. ચીનના રાજદૂત હુઆ યાનકીએ સત્તાધારી નેપાળ કૉમ્યુનિસ્ટી પાર્ટીમાં ઊઠી રહેલા સંકટના સમાધાન માટે કોશિશ કરી. તેને બધાએ જોયું. ચીન બાંગ્લાદેશને પણ રિઝવવાની કોશિશ કરી રહ્યું છે. ધ હિન્દુ અખબારના એક રિપોર્ટ અનુસાર, ચીન તીસ્તા નદીના પર સિંચાઈ પરિયોજના વિકસિત કરવામાં બાંગ્લાદેશને એક અબજ ડૉલર સુધીની મદદ કરી શકે છે.'

'નદીવિવાદ પર ભારત અને બાંગ્લાદેશની વાત પહેલાંથી ચાલી રહી છે. શ્રીલંકામાં રાજપક્ષેબંધુ ફરી સત્તામાં છે. મહિંદા રાજપક્ષે જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના ચીન સાથે સારા સંબંધ હતા. અને પાકિસ્તાન તો ચીનનું દરેક બાબતે સાથી છે જ.'

ભારતે તેની ચાલ કેવી રીતે ચાલવી જોઈએ?

વર્લ્ડ બૅન્ક અનુસાર, વર્ષ 2019ના અંતમાં ચીનનો જીડીપી 14.34 ટ્રિલિયન ડૉલર હતો. તેની તુલનામાં ભારતનો જીડીપી 2.87 ટ્રિલિયન ડૉલર હતો.

અને તેનાં શું કારણો છે એ સમજવું કોઈ માટે મુશ્કેલ પણ નથી.

બંબાવાલે કહે છે, 'ભારત એ જાણે છે કે તેની પાસે ચીન જેટલા પૈસા નથી અને ન તો એ તેની જેમ યોજનાઓને કાર્યાન્વિત કરી શકે છે. એવામાં ભારત શું કરે? ભારતે પોતાની તાકાતનો વધુ ઉપયોગ કરવો પડશે જે આપણને પડોશમાં ખાસ મદદ આપે અને આપણને વધુ સક્રિયતા અને કાર્યદક્ષતા બક્ષે. આ કાર્યદક્ષતાનો મતલબ માત્ર પ્રોજેક્ટ લાગુ કરવાનો છે, તેનો મતલબ એ પણ છે કે સંપૂર્ણ વલણ કુશળ હોય.'

તેઓ સમજાવે છે કે 'એક કુશળ દૃષ્ટિકોણ હેઠળ નેપાળ સાથે જે નકશાવિવાદ થયો, નેપાળે નવો નકશો જ પ્રકાશિત કરી દીધો, વાત અહીં સુધી પહોંચતી નહીં.'

ક્ષેત્રીય પ્રોજેક્ટ માટે ક્ષેત્રની બહારની તાકાતો સાથે સહયોગ ભારતનો હાલના દૃષ્ટિકોણનો એક વધુ પક્ષ છે.

બંબાવાલે કોલંબો પૉર્ટના વિકાસમાં ભારત અને જાપાન વચ્ચેના સહયોગનું ઉદાહરણ આપે છે.

એક અન્ય વાત પણ છે

અન્ય એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું, "આપણે જોયું છે કે ઘણા દેશો એવા છે, જેઓએ ચીનની શરતો પર ચિંતાઓ વ્યક્ત કરી છે અથવા તો ચીન સાથેના સંબંધોની ગતિ ધીમી કરી છે."

"જોકે ઘણા દેશ એવા પણ છે, જે રોકાણના ભૂખ્યા છે. ભારતે સક્રિયતા વધારીને દેશને કરજ સુવિધા આપીને સારું કામ કર્યું છે, પરંતુ ભારત યોજના લાગુ કરવામાં અને પરિણામ આપવામાં પાછળ રહ્યું છે."

તેઓ કહે છે, "આપણા બધા પ્રોજેક્ટ ધીમા ચાલી રહ્યા છે અને એ જ્યારે પૂરા થઈ જશે ત્યારે પણ ઘણું કરવાનું બાકી રહી જશે. આપણે એ વાત સમજીએ છીએ કે હવે નિરીક્ષણની મજબૂત વ્યવસ્થા છે, જે ભારતનું પ્રદર્શન સુધારવા માટે વિકસિત કરાઈ રહી છે."

... અને મંદી

પૂર્વ રાજદ્વારી અને ભારતના વિદેશસચિવ શ્યામ શરણ કહે છે, 'એક પછી એક વિદેશસચિવ કહી રહ્યા છે કે ભારતની કૂટનીતિને વધુ સંસાધનોની જરૂર છે. તેમાં રાજદ્વારીઓની સંખ્યા અને તેમને અપાતું પ્રશિક્ષણ પણ સામેલ છે. ભારત જે ભૂમિકા નિભાવવા માટે છે, તેને પ્રભાવક રીતે નિભાવવા માટે આ જરૂર પણ છે.'

માર્ચ 2018માં કેન્દ્રીય કૅબિનેટે 18 દેશોમાં ભારતના નવા મિશનને સ્થાપવાની મંજૂરી આપી હતી, તેમાંથી નવ હવે ખૂલી ગયાં છે.

ભારત નવું મિશન ખોલી રહ્યું છે અને એ દેશોમાં રાજદ્વારીઓને મોકલી રહ્યું છે, જ્યાં પહેલાં ભારતની મોજૂદગી નહોતી.

જોકે હાલમાં પણ દુનિયામાં 60 દેશ એવા છે જ્યાં ભારતનું રૅસિડન્ટ મિશન નથી.

વધુ સંસાધન મળવાની વાત તો છોડો, ભારતની કૂટનીતિને કમસે કમ ખર્ચ પર કામ ચલાવતા શીખવું પડી રહ્યું છે, કેમ કે વિદેશમંત્રાલયનું બજેટ સતત ઓછું થઈ રહ્યું છે.

જરા આના પર પણ ધ્યાન આપો

"... સમિતિએ પડોશી દેશો માટે 'તકનીકી અને આર્થિક સહયોગ' માટે મળતા ફંડમાં ઊણપ જોઈ છે. બાંગ્લાદેશ માટે મદદ, અને નેપાળ માટે મદદ છોડીને દક્ષિણ એશિયાના દેશો સાથે સહયોગની મદદના ફંડમાં કાપ મૂકવામાં આવ્યો છે. ચીનની વધતી મોજૂદગીની રોશનીમાં આ સ્થિતિ વધુ ચિંતાજનક છે."

"...ભૂતાન, માલદીવ, મ્યાનમાર, શ્રીલંકા અને આફ્રિકી દેશો અને આસપાસના અન્ય વિકાસશીલ દેશો માટે ભારતે મદદ ઓછી કરી છે."

"...ભારત સરકારના કુલ બજેટની તુલનામાં વિદેશમંત્રાલયનો જે વર્ષ 20-21નો ભાગ છે, તે ગત ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે."

આ કેટલાંક બિંદુઓ છે, જે વિદેશી મામલા પર સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં અને તેને 3 માર્ચ, 2020માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

ભારતના સાંસદો વિદેશમંત્રાલયનું બજેટ વધારવાની માગ કરી રહ્યા છે, પરંતુ બંબાવાલેનું કહેવું છે કે 'સમસ્યા ઊંડી અને વધી છે.'

તેઓ સમજાવે છે, 'હું વાતથી હેરાન નથી કે વિદેશમંત્રાલયનું બજેટ ઓછું થઈ રહ્યું છે અને તેની સાથે ભારતની પોતાની પડોશી દેશોની મદદ કરવાની વાસ્તવિક ક્ષમતા પણ ઓછી થઈ રહી છે. હકીકતમાં આ મોટી બાબત સાથે જોડાયેલી વાત છે. એ છે ભારતના જીડીપીનો વિકાસ અને આપણે વાસ્તવમાં તેની ચિંતા કરવી જોઈએ. એ કારણે ઘણાં વર્ષોથી પડોશી દેશો માટે ભારતનો મૂળ ફાયદો એ હતો કે વધતા ભારતથી તેઓ પણ ફાયદો ઉઠાવી રહ્યા હતા. અને તેના માટે આપણે બહાર નહીં ભીતર જોવાનું છે અને એ આર્થિક સુસ્તીને રોકવાની છે, જે કોવિડ મહામારી પહેલાં જ આવવાની શરૂ થઈ ગઈ હતી.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો