You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરતસિંહ સોલંકી : જ્યારે તબિયતે બદલી નાખી કૉંગ્રેસ નેતાની તસવીર
અમદાવાદની CIMS હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રદેશ કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયામાં આવતા જ તેમને ઓળખનાર સૌએ આશ્ચર્ય સાથે થોડો આંચકો જરૂર અનુભવ્યો હશે.
આ તસવીર ભરતસિંહ સોલંકીના કાર્યાલય દ્વારા બીબીસીને મોકલવામાં આવી છે અને તેમનાં પત્ની રેશમાબહેને આ તસવીર ભરતસિંહ સોલંકીની જ હોવા અંગે ખરાઈ કરી છે.
રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ ભરતસિંહ સોલંકી છેલ્લા લગભગ 55 દિવસોથી સારવાર હેઠળ છે.
તેમના અંગત સચિવ અંકિત પઢિયારે બીબીસીને કહ્યું કે, હવે તેઓ જોખમથી સંપૂર્ણ રીતે બહાર છે. તેમની સ્થિતિ ઘણી સુધારા પર છે પણ સારવારને કારણે શરીર નબળું પડી ગયું છે અને હાલ તેમની ફિઝિયોથૅરાપી સારવાર ચાલી રહી છે.
બીબીસી સાથેની વાતચીતમાં અંકિત પઢિયારે જણાવ્યું "આ તસવીર મીડિયામાં જાહેર થયાં બાદ અમારી ઉપર પણ અનેક ફોન આવ્યા એ પૂછવા માટે કે આ તસવીર ભરતસિંહભાઈની જ છે કે નહીં."
19 જૂને રાજ્યસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ તરત જ ભરતસિંહ સોલંકી કોરોના પૉઝિટિવ હોવાની ખબર આવી હતી.
રાજ્યસભાની એ ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી પણ કૉંગ્રેસ પક્ષ તરફથી મેદાનમાં હતા, જો કે ચૂંટણીમાં તેમને સફળતા મળી ન હતી.
તબિયત સુધારા પર
21 જૂને તબિયતમાં અસ્વસ્થ જણાયા બાદ વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં ભરતસિંહ સોલંકી દાખલ થયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅન્કર હૉસ્પિટલમાં એક અઠવાડિયાની સારવાર બાદ તેમને વધારે સારવાર માટે અમદાવાદની CIMS હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા અને 28 જૂનની મધરાતે તેમને અમદાવાદની CIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારથી તેઓ CIMS હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ભરતભાઇ સોલંકીના પત્ની રેશમાબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે" તેમનો કોરોના રિપોર્ટ તો હવે નૅગેટિવ છે. ડૉકટરો તેમના હેલ્થ બુલેટિનમાં જણાવે છે એ પ્રમાણે કોરોનાની સારવાર દરમિયાન અપાતી દવાઓની પણ સાઇડ ઇફેક્ટ શરીર પર થતી હોય છે અને હાલ ફૂડ ઇન્ટેક તરીકે લિક્વિડ ફૂડ જ તેમને અપાય છે. દસેક દિવસમાં તેમને ડિસ્ચાર્જ આપી શકવાની સ્થિતિ હાલ ડૉકટરો જોઈ રહ્યા છે."
અંકિત પઢિયારે જણાવ્યું કે હવે તેમને દિવસ દરમિયાન વૅન્ટિલેટરની પણ ખૂબ ઓછી જરૂર પડે છે અને ઓક્સિજનનું લેવલ પણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં જળવાતું થયું છે. તેમને હવે ડૉક્ટરોની સલાહ અનુસાર દિવસ દરમિયાન 15થી 18 કલાક વૅન્ટિલેટરના સપોર્ટની પણ જરૂર નથી પડતી.
અંકિતે કહ્યું," કોરોના પૉઝિટિવ જણાયા બાદ તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું જેની સારવાર કરવામાં આવી હતી. સતત દવાઓને કારણે કિડની પર પણ એની અસર થઈ હતી. શરીરમાં નબળાઈ આવી ગઈ છે. જોકે, હવે તેમની સ્થિતિમાં ઘણો સુધાર છે અને એવી આશા રાખી શકાય કે એક બે દિવસમાં તેમને વૅન્ટિલેટરની બિલકુલ જરૂર રહેશે નહીં. હાલ તેમની ફિઝિયોથૅરાપીની સારવાર ચાલી રહી છે."
ભરતસિંહ સોલંકી 30થી વધુ વર્ષોનો રાજનૈતિક અનુભવ ધરાવે છે. તેમણે કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રીથી લઈને ગુજરાત રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ સચિવ તરીકે તથા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે.
ભરતસિંહ સોલંકી બે વાર સંસદ સભ્ય, ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો