પ્રણવ મુખરજી : એ રાજનેતા જેમના બાયોડેટામાં વડા પ્રધાનપદ સિવાય કંઈ ખૂટતું નથી

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

આધુનિક ભારતમાં એવા ઓછા નેતા હશે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના કદને આંબી શક્યા હોય. એક યુવા નેતાની મહત્ત્વાકાંક્ષા ચોક્કસથી એ પ્રણવ મુખરજીની સફળતા સુધી પહોંચવાની હશે.

પાંચ દાયકાથી લાંબી પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રણવ મુખરજીએ લગભગ બધું જ મેળવી લીધું હતું.

પ્રણવ મુખરજી

ઇમેજ સ્રોત, K Asif/India Today Group/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રણવ મુખરજી

વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખરજીને કોઈ એક ખાસ શ્રેણીમાં મૂકવા કાઠું છે.

જો તેઓ રાજનાયક હતા તો અર્થશાસ્ત્રી તરીકે પણ ઓળખાતા હતા. શરૂઆતમાં તેઓ શિક્ષક પણ રહ્યા અને પત્રકાર પણ. તેઓ સંરક્ષણમંત્રી પણ રહ્યા અને નાણામંત્રી પણ.

પ્રણવ મુખરજી ભારતીય બૅન્કોની સમિતિથી લઈને વર્લ્ડ બૅન્કના બૉર્ડના સભ્ય પણ રહ્યા. તેમના નામે લોકસભાની અધ્યક્ષતા પણ રહી અને કેટલીક સરકારી સમિતિઓની પણ.

line

વડા પ્રધાન ન બની શકવાનું દુ:ખ

પ્રણવ મુખરજીનું અમદાવાદ ઍરપૉર્ટ પર સ્વાગત

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

પ્રણવ મુખરજી બાયૉડેટમાં માત્ર એક વાતની કમી રહી ગઈ, વડા પ્રધાનપદની. જેના તેઓ 1984માં અને 2004માં દાવેદાર મનાતા હતા. ઇંદિરા ગાંધીની દેખરેખ હેઠળ આગળ વધનારા આ નેતા કદાચ ખુદને આ પદના હકદાર પણ ગણતા હતા.

જોકે, તેમને આ પદ ક્યારે હાંસલ ન થયું. બિલુકલ એ જ રીતે કે જે રીતે ભાજપના લાલકૃષ્ણ અડવાણીને પણ ક્યારેય આ પદ ન મળ્યું.

કૉંગ્રેસમાં તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજી સાથે વર્ષ 2015માં થયેલી એક વાતચીત દરમિયાન એ વાત સ્પષ્ટ રીતે સામે આવી કે તેમના પિતાને વડા પ્રધાન ન બની શકવાનો અફસોસ હતો.

જોકે, પક્ષના વરિષ્ઠ નેતા હોવાના લીધે તેઓ આ વાત ક્યારેય જાહેર ન કરી શક્યા. વર્ષ 2012માં તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા અને એ બાદ તેઓ આ મુદ્દે વાત કરવાનું યોગ્ય નહોતા સમજતા.

કૉંગ્રસમાં અલગઅલગ જૂથોમાં વડા પ્રધાન તરીકે તેમનું નામ સ્વીકારવામાં કોઈને પણ વાંધો નહોતો. જોકે, રાજકીય વિશ્લેષકોના મતે ગાંધી પરિવારના વિશ્વાસુ ન હોવાથી તેમને હાંસિયામાં ધકેલી દેવાયા.

પ્રણવ મુખરજી ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, પ્રણવ મુખરજી ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં

કહેવાય છે કે ભાજપે પ્રણવ મુખરજીને ભારતરત્ન આપીને એ દર્શાવવા પ્રયાસ કર્યો કે ગાંધી પરિવારની નજીક હોવાના લીધે એમને એ કંઈ ન મળ્યું, જેમના તેઓ હકદાર હતા.

આ પહેલાં પણ તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનાવાયા હતા.

આ સન્માનનો અર્થ એવો પણ કઢાયો કે જે સન્માન તેમને કૉંગ્રેસે ન આપ્યું તે ભાજપ અને સંઘે આપ્યું. એ વખતે તેમનાં પુત્રી શર્મિષ્ઠાએ પણ પોતાના પિતાના આ નિર્ણય પર સવાલ કર્યા હતા.

line

સંઘના મંચ પરથી પ્રભાવશાળી ભાષણ

પ્રણવ મુખરજી અને મોદી

ઇમેજ સ્રોત, Bhaskar Mallick/Pacific Press/LightRocket via Gett

જોકે, આ દિગ્ગજ નેતા જાણતા હતા કે તેઓ સંઘના મંચ પરથી શો સંદેશ આપવા માગે છે.

પ્રણવ મુખરજીએ 7 જૂન 2018માં નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં જે ભાષણ આપ્યું એ ક્યારેય ભૂલી શકાય એમ નથી.

તેમણે રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિને લઈને જે કંઈ કહ્યું, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે મંચ ભલે ગમે તે હોય, તેમની વિચારધારમાં કોઈ ફેર નથી પડ્યો.

તેમણે પોતાના ભાષણમાં ભારતની સાચી રાષ્ટ્રીયતા પર ભાર આપ્યો, "ભારતની રાષ્ટ્રીયતા એક ભાષા કે એક ધર્મમાં નથી. આપણે વસુધૈવ કુટુંબકમમાં ભરોસો કરનારા લોકો છીએ. ભારતના લોકો 122થી વધુ ભાષા અને 1600થી વધુ બોલીઓ બોલે છે. અહીં સાત મોટા ધર્મના અનુયાયીઓ છે અને તમામ એક વ્યવસ્થા, એક ઝંડા અને એક ભારતીય ઓળખ હેઠળ રહે છે."

પ્રણવ મુખરજીની બાળ ઠાકરે સાથેની મુલાકાત

ઇમેજ સ્રોત, Satish Bate / Hindustan Times Via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રણવ મુખરજીની બાળ ઠાકરે સાથેની મુલાકાત

પ્રણવ મુખરજીએ કહ્યું, "આપણે સહમત હોઈ શકીએ. અસહમત હોઈ શકીએ. પણ આપણે વૈચારિક વિવિધતાને દબાવી શકીએ નહીં. 50થી વધુ વર્ષો જાહેરજીવનમાં પસાર કર્યા બાદ હું એ કહી રહ્યો છું કે બહુમતીવાદ, સહિષ્ણુતા, સંયુક્ત સંસ્કૃતિ, બહુભાષાવાદ એ આપણા દેશનો આત્મા છે."

પૂર્વ રાષ્ટ્રપિતએ એ વાત પર પણ ભાર મૂક્યો કે વિવિધતામાં એકતા જ ભારતની સાચી ઓળખ છે.

"નફરત અને અસહિષ્ણુતાથી આપણી રાષ્ટ્રીય ઓળખ જોખમમાં મુકાશે. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રવાદમાં તમામ પ્રકારની વિવિધતા માટે જગ્યા છે. ભારતના રાષ્ટ્રવાદમાં બધા જ લોકો સામેલ છે. તેમાં જાતિ, ધર્મ, વંશ કે ભાષાના આધારે કોઈ ભેદ નથી. "

line

રાજકીય કારકિર્દીની શરૂઆત

પ્રણવ મુખરજીની સોમનાથ મંદિરની મુલાકાત

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, પ્રણવ મુખરજીની સોમનાથ મંદિરની મુલાકાત

એક વિનમ્ર પૃષ્ઠભૂમિથી આવનારા અને 84 વર્ષના મુખરજીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના પશ્વિમ બંગાળના એક નાના ગામમાં મિરાટીમાં થયો હતો. તેમના પિતા કૉંગ્રેસ પક્ષના એક સ્થાનિક નેતા પણ હતા અને સ્વતંત્રતાસેનાની પણ.

તેમણે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રીની સાથેસાથે કલકત્તા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પણ હાંસલ કરી હતી. પછી તેમણે પોતાના વ્યાવસાયિક જીવનની શરૂઆત કૉલેજના શિક્ષક અને પત્રકારના રૂપમાં કરી હતી.

1969માં પ્રણવ મુખરજીની રાજકીય કારકિર્દી 34 વર્ષની ઉંમરે રાજ્યસભાના સભ્ય બનવાથી શરૂ થઈ. ઇંદિરા ગાંધીની સમયમાં તેમની રાજકીય સફર ઝડપથી આગળ વધી. જે બાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

પરંતુ તેમને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા અને તેમણે પ્રણવ મુખરજીને પોતાના મંત્રીમંડળમાં જગ્યા ના આપી.

તેઓ આ ઘટનાને પોતાના પુસ્તક 'ધ ટર્બુલૅન્ટ યર્સ 1980-1996'માં યાદ કરતા કહે છે, 'હું કૉલની રાહ જોઈ રહ્યો હતો. રાજીવ મંત્રીમંડળમાંથી બહાર કરશે એવું મારા મગજમાં ન હતું. મેં કોઈ અફવા પણ સાંભળી નહોતી. જ્યારે મેં મંત્રીમંડળમાંથી બહાર કાઢી મૂકવા વિશે જાણ્યું તો હું સ્તબ્ધ થઈ ગયો અને ગુસ્સે થયો. મને વિશ્વાસ ના આવ્યો.'

line

ખરાબ દિવસો

પ્રણવ મુખરજી

ઇમેજ સ્રોત, Mohd Zakir / Hindustan Times via Getty Images

પ્રણવ મુખરજીનો તેનાથી પણ ખરાબ સમય ત્યારે આવ્યો જ્યારે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો.

આ પગલું તેમની વિરુદ્ધ ત્યારે ભરવામાં આવ્યું જ્યારે તેમણે એ સમયે 'ઇલસ્ટ્રેટેડ વીકલીટ પત્રિકાના સંપાદક પ્રીતીશ નંદીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ તેમને પક્ષમાંથી બહાર કરવાના મામલે પોતાના પુસ્તકમાં લખે છે, "તેમણે (રાજીવ ગાંધીએ) ભૂલો કરી અને મેં પણ કરી. બીજાએ મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી એટલે મેં તેમને બીજાને પ્રભાવિત કરવા દીધા અને મારી વિરુદ્ધ તેમના પૂર્વજોની વાત સાંભળી. મેં પણ મારી નિરાશા પર કાબૂ ના કર્યો."

કૉંગ્રેસ પક્ષમાં તેઓ પરત ફર્યા પરંતુ 1991માં પક્ષની સામાન્ય ચૂંટણીઓમાં થયેલી જીત અને નરસિમ્હા રાવ વડા પ્રધાન બન્યા બાદ તેમનું ભાગ્ય બદલ્યું.

જ્યારે 2004માં કૉંગ્રેસની સરકાર બની અને એ સ્પષ્ટ થઈ ગયું કે સોનિયા ગાંધી વડાં પ્રધાન બનવા માગતાં નથી.

એ સમયે તેમનું નામ વડા પ્રધાનપદ માટે લેવાવાનું શરૂ થયું. તેઓ તેમના પુસ્તક 'ધ કોએલિશન યર્સ' 1995-2012માં એ વાતનો સ્વીકાર કરતા કહે છે, "પ્રચલિત અપેક્ષા એ હતી કે સોનિયા ગાંધીએ વડાં પ્રધાનપદ માટે ના પાડ્યા બાદ મારી પસંદગી થશે."

પ્રણવ મુખરજી વડા પ્રધાન ન બની શક્યા પરંતુ સંરક્ષણમંત્રી અને નાણામંત્રીના પદની સાથે તેઓ વડા પ્રધાન મનમોહન સિંહના નજીકના સહયોગી બની રહ્યા.

પક્ષની પણ સેવા કરતા રહ્યા જેનાથી તેમની 'મિસ્ટર ડિપેન્ડેબલ'ની છબિ વધુ મજબૂત બનતી રહી. આ વાતનો ઉલ્લેખ પણ તેમણે તેમના પુસ્તકમાં કર્યો છે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ પદને ગંભીરતાથી લીધું અને 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર સાથે સારા સંબંધો રાખ્યા હતા.

પ્રણવ મુખરજી એક સાચા લોકતંત્રવાદી બન્યા રહ્યા.

આજના સમયમાં જ્યાં નેતાઓ વિચારધારાની પરવા કર્યા વિના પક્ષ બદલવામાં એક ક્ષણનો પણ વિચાર કરતા નથી ત્યાં પ્રણવ મુખરજી પોતાની એક આગવી ઓળખ બનાવી, પોતાની વિરાસત છોડીને ગયા છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો