You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહત ઇન્દૌરીનું મધ્ય પ્રદેશમાં કોરોના વાઇરસથી નિધન, ઉર્દૂ મુશાયરાઓની શાન ગણાતા હતા
જાણીતા શાયર ડૉ. રાહત ઇંદૌરીનું કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ મૃત્યુ થયું છે. ડૉકટરના જણાવ્યા મુજબ તેમને કોરોનાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને બે વાર હાર્ટઍટેક પણ આવ્યો હતો.
મંગળવારે તેમણે પોતાને કોરોના થયો હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી.
તેમણે ટ્વીટ કરતાં લખ્યું, "કોવિડના શરૂઆતી લક્ષણ દેખાતાં ગઈકાલ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે."
"ઑરબિંદો હૉસ્પિટલમાં દાખલ છું. દુઆ કરો કે જલદીથી જલદી બીમારીને હરાવ દઉં."
"હજી એક ઇલ્તિજા છે, મને કે ઘરના લોકોને ફોન ન કરશો, મારી તબિયત અંગે તમને ટ્વિટર અને ફેસબુક પર માહિતી મળતી રહેશે."
મુશાયરાઓની શાન
ઇંદૌરથી સ્થાનિક પત્રકાર શુરૈહ નિયાઝીએ કહ્યું કે એમનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું. એમને કોરોનાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
સમાચાર સંસ્થા એએનઆઈએ હૉસ્પિટલના ડૉ. વિનોદ ભંડારીને ટાંકીને લખ્યું છે કે એમને 60 ટકા જેટલો ન્યૂમોનિયા થઈ ગયો હતો અને બે વાર હાર્ટઍટેક આવ્યો અને તેઓ બચી ન શકયા.
રાહત ઇંદૌરીને રવિવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. રાહત ઇંદૌરી 70 વર્ષના હતા. ડૉ. રાહત ઇંદૌરી દેશ અને દુનિયામાં ઉર્દૂ મુશાયરાઓની શાન હતા. તેઓ સહજ શૈલીમાં ગઝલ લખવા માટે જ નહીં પરંતુ તેની આગવી રજૂઆત પણ જાણીતા હતા.
એમનો જન્મ 1 જાન્યુઆરી 1950માં થયો હતો. ત્યાં જ એમણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લીધું હતું. એમણે ઉર્દૂ ભાષામાં જ ડૉક્ટરેટની ઉપાધિ મેળવી હતી.
ઉર્દૂની જાણીતી સાહિત્યિક વેબસાઇટ રેખ્તા મુજબ રાહત ઇન્દૌરીનો જન્મ ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારે મદદરૂપ થવા એમણે 10 વર્ષની ઉંમરે સાઇનબોર્ડ પૅઇન્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.
રાહત ઇન્દૌરીએ આઈકે કૉલેજમાં ઉર્દૂ શિક્ષકની નોકરી કરી અને એ પછી મુશાયરામાં પંકાવાની શરૂઆત થઈ.
રાહત ઇન્દૌરીએ એમનો પહેલો શેર 19 વર્ષે કૉલેજમાં રજૂ કર્યો હતો.
એમણે હિંદી સિનેમામાં અનેક ગીતો પણ લખ્યા.
રાહત ઇંદૌરીને ઉર્દૂ શાયર અને ઉર્દૂ સાહિત્યમાં પ્રદાન બદલ અનેક ઍવૉર્ડ મળ્યા છે. તેઓ ઉર્દૂ સાહિત્યમાં અનમોલ એવા પુસ્તકોનો વારસો પાછળ છોડતા ગયા છે. જેમાં કલંદર, દો કદમ ઔર સહી, મેરે બાદ, રુત, ધૂપ બહુત હૈ, રાહત સાહબ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો