You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુલેટ ટ્રેન વિરુદ્ધ લડનારા ખેડૂત આગેવાન જયેશ પટેલ ભાજપમાં જોડાયા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ વિરુદ્ધ ખેડૂતોના પક્ષે મોખરે રહેતા ખેડૂત નેતા જયેશ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે.
તેઓ નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં ભાજપમાં જોડાયા હતા.
ખેડૂત સમાજ ગુજરાત (દક્ષિણ ગુજરાત)ના પ્રમુખ જયેશ પટેલ 'દેલાદ' તરીકે પણ જાણીતા છે.
જયેશ પટેલે કહ્યું કે "ખેડૂતોને ન્યાય મળે એ માટે અમે હથિયાર ઉપાડ્યાં હતાં. હું છેલ્લાં 20-25 વર્ષથી ખેડૂતો માટે કામ કરી રહ્યો છું. છેલ્લા બે છેલ્લા બે મહિનામાં કૅબિનેટમંત્રી ગણપત વસાવા અને ઈશ્વરભાઇ પટેલ સાથે ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન મને સમજાયું કે ચર્ચાથી આ સમસ્યાને ઉકેલ આવી શકે છે, આંદોલનથી નહીં. મારા ભાજપમાં આવવાથી ખેડૂતોને ફાયદો થશે અને સહકારી મંડળીઓને મજબૂત બનાવવામાં આવશે."
દક્ષિણ કોરિયામાં અમેરિકાના રાજદૂતની મૂછથી બબાલ
કોઈની મૂછ પર શું વિવાદ થઈ શકે? અને વિવાદ ખતમ કરવા માટે કોઈ પોતાની મૂછની કુરબાની આપે તો તમે શું કહેશો?
દક્ષિણ કોરિયામાં અમેરિકન રાજદૂત હૈરી હૈરિસે ક્લિનશેવ કરાવી લીધા બાદ એ આશા રખાઈ રહી છે કે મૂછનો વિવાદ ખતમ થઈ જશે.
અમેરિકાની નૌસેનામાં એડમિરલ રહી ચૂકેલા હૈરિસ પર આરોપ મૂકવામાં આવ્યો કે એમણે મૂછો વધારી યજમાનોનું અપમાન કર્યું છે.
અનેક કોરિયન લોકોએ એમ પણ કહ્યું કે હૈરિસની મૂછો દક્ષિણ કોરિયા પર જાપાનના આધિપત્યના સમયની યાદ અપાવે છે. આનું કારણ એ છે કે તે હૈરિસની પૃષ્ઠભૂમિ છે. હૈરિસ જાપાનીઝ માતા અને અમેરિકન પિતાનું સંતાન છે. તેમના પિતા અમેરિકાની નૌસેનામાં અધિકારી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સૈન્યસંબંધ છે.
દક્ષિણ કોરિયામાં અમેરિકાના 28,500 સૈનિક તહેનાત છે, પરંતુ ગત વર્ષોમાં બંને દેશ વચ્ચે મતભેદ સામે આવ્યા છે.
વિવાદનું કારણ ઉત્તર કોરિયાને લઈને બંને દેશોનું અલગઅલગ વલણ અને સુરક્ષાખર્ચમાં ભાગીદારીનો મુદ્દો છે.
આ પરિસ્થિતિમાં હૈરી દક્ષિણ કોરિયામાં વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.
તેમના પર મનમાની કરવાનો આરોપ લાગતો રહ્યો છે અને એટલે સુધી કે તેમની મૂછો પણ ચર્ચામાં કેન્દ્રમાં આવી ગઈ હતી.
અઠવાડિયાના અંતમાં હૈરીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેમને એક પારંપરિક કોરિયન સલૂનમાં ક્લિનશેવ કરાવતા જોઈ શકાય છે.
પાંચ રફાલ વિમાને ભારતની ઉડાન ભરી
ચીન સાથે ભારતના સીમાવિવાદની વચ્ચે પાંચ રફાલ વિમાનોએ ફ્રાન્સથી ભારતની ઉડાન ભરી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રફાલ વિમાન બુધવારે એટલે કે 29 જુલાઈના રોજ હરિયાણાના અંબાલાસ્થિત ઍરફોર્સ સ્ટેશન પર લૅન્ડ કરશે.
રફાલ 10 કલાકનું અંતર કાપ્યા પછી સંયુક્ત આરબ અમિરાતમાં ફ્રાન્સના ઍરબેઝ અલ ધફરા પર લૅન્ડ કરશે. અને પછીના દિવસે રફાલ વિમાન અંબાલા માટે ઉડાન ભરશે.
ફ્રાન્સથી યુએઈ યાત્રા દરમિયાન રફાલ વિમાન સાથે હવામાં ઈંધણ ભરનારા બે રિફ્યૂલર પણ આવશે.
જે ભારતીય પાઇલટોએ રફાલને ઉડાવવાની ટ્રેનિંગ લીધી છે, તેઓ વિમાન ઉડાવીને ભારત લાવશે.
આ રફાલને ઔપચારિક રીતે આગામી મહિને ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે.
કુલભૂષણ જાધવ કેસ, પાકિસ્તાનની સંસદમાં અધ્યાદેશ
લાઇવ હિન્દુસ્તાનડોટકોમના અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકારે ભારતીય કેદી કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય પર સોમવારે વિપક્ષી દળોના વિરોધ વચ્ચે નેશનલ ઍસેમ્બલીમાં એક અધ્યાદેશ રજૂ કર્યો છે.
જિયો ટીવીના હવાલાથી લખવામાં આવ્યું કે કાયદાનુસાર સંસદમાં અધ્યાદેશ રજૂ થવો જોઈએ. સંસદીય મામલો પર વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર બાબર અવાને અધ્યાદેશને નીચલા સદનમાં રજૂ કર્યો હતો.
ભારતીય નૌસેનાના સેવાનિવૃત્તિ અધિકારી કુલભૂષણ જાધવને એપ્રિલ 2017માં એક પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.
ભારતે આ નિર્ણય સામે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો હતો.
હેગસ્થિત આઈસીજેએ જુલાઈ 2019માં નિર્ણય સંભળાવ્યો હતો કે પાકિસ્તાને જાધવની સજાની પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવો જોઈએ અને સાથે જ કોઈ મોડું કર્યા વિના ભારતને રાજદ્વારી પહોંચ પ્રદાન કરવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો