You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચે સત્તાના સમીકરણો શું કહે છે?
રાજસ્થાનનું રાજકીય સંકટ હજી બરકરાર છે. અશોક ગેહલોત અને સચીન પાઇલટનો ફાંટો હજી નમતું જોખવા તૈયાર નથી. આ સંજોગોમાં કૉંગ્રેસ પણ બેઉ મોટાં નેતા વચ્ચેની નારાજગીને ઉકેલવા મથી રહી છે. સચીન પાઇલટ અને તેમના સમર્થક ધારાસભ્યો ગઈ કાલે બેઠકમાં સામેલ થયા ન હતા.
કૉંગ્રેસના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ મીડિયાને કહ્યું કે અમે સચીન પાઇલટને બીજો મોકો આપી રહ્યાં છીએ અને તેમને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા કહ્યું છે. આશા રાખીએ કે તમામ ધારાસભ્યો બેઠકમાં સામેલ થશે અને રાજસ્થાનના વિકાસ માટે કામ કરશે.
સચીન પાઇલટની નારાજગીથી રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચી છે, તેની પટકથા આ ગણિત પર ટકેલી છે-
વિધાનસભાની સીટો કેટલી છે- 200
સરકાર બનાવવા માટે કેટલી સંખ્યા જોઈએ- 101
કૉંગ્રેસ પાસે કેટલી સંખ્યા છે - પોતાના 107 ધારાસભ્ય + 15 અપક્ષ અને અન્ય=122
ભાજપ પાસે કેટલી સંખ્યા છે - 73 + 3 સહયોગી = 76
એટલે કે કૉંગ્રેસ પાસે હજુ પણ બહુમતી છે, ભાજપ પાસે નથી. અને રાજકીય વર્તુળોમાં એ ચર્ચા થઈ રહી છે કે આ તસવીર પલટી શકાશે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે કે સચીન પાઇલટનું શું થશે?
સચીન પાઇલટ શું આંકડાઓને બદલાવી શકે છે ? તેમની પાસે કયાકયા રસ્તાઓ છે, અને તેનાથી તેમના માટે કે ભાજપ માટે નવા રસ્તાઓ ખૂલી શકે છે? આવો એવા જ કેટલાક વિકલ્પો પર નજર નાખીએ-
શક્યતા 1- સચીન પાઇલટ ભાજપમાં જતા રહે તો ભાજપ સરકાર બનાવી લે
આ શક્યતાની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, કેમ કે આના જેવું જ પ્રકરણ પાંચ મહિના પહેલાં મધ્ય પ્રદેશમાં થઈ ચૂક્યું છે. સચીન પાઇલટની જેમ કૉંગ્રેસનો યુવા ચહેરો રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય મંત્રી કમલનાથથી નારાજ થયા, પાર્ટી બદલી, કૉંગ્રેસની સરકાર ગઈ, ભાજપ સત્તામાં ફરી આવ્યો.
જોકે રાજસ્થાનની તસવીર મધ્ય પ્રદેશથી અલગ છે. તેમાં સૌથી મોટું અંતર ગણિતનું છે, જે ભાજપ કે સચીન પાઇલટના પક્ષમાં દેખાતું નથી.
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ કૌશલ કહે છે કે જો એવું થાય કે ભાજપ ગેહલોત સરકારને વિશ્વાસમત લેવા માટે બાધિત કરીને હરાવે, તો સ્થિતિ અલગ હોત.
તેઓ કહે છે, "ભાજપ દાવો કરત કે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે, તેઓ રાજ્યપાલ પાસે દળ-બળ સાથે જતા કે તમે ગેહલોત સરકારને વિશ્વાસમત હાંસલ કરવાનો નિર્દેશ આપો. જોકે ભાજપ સામે આવ્યો નથી, આથી એ સ્પષ્ટ છે કે હજુ સુધી સંખ્યા કૉંગ્રેસમાં પક્ષમાં છે."
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે "સચીનના ભાજપમાં જવાનો હાલ કોઈ અર્થ દેખાતો નથી. ન ભાજપ માટે, ન સચીન પાઇલટ માટે. આથી ભાજપ બહુ સક્રિય થયો નથી અને સચીન પણ ખૂલીને કશું કહેતા નથી."
નીરજા કહે છે, "ભાજપ પાસે સંખ્યા નથી તો તેમને શું કામ લે? માની લો કે તેમની પાસે નંબર છે, તો પણ ભાજપ તેમને શું આપશે? સીએમની ખુરશી તો તેમને આપવાના નથી. કેમ કે પછી વસુંધરા રાજે સિંધિયાથી સમસ્યા થશે."
નીરજા કહે છે કે ચોક્કસથી સચીન પાઇલટને કૉંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એક મૂંઝવણ થઈ રહી છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી તેમના વિચારો પરથી લાગે છે કે તેઓ ભાજપ તરફ જવાના નથી."
તેઓ કહે છે કે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની સ્થિતિ અલગ હતી, સચીન પાઇલટની સ્થિતિ અલગ છે.
નીરજા સવાલ કરે છે, "સચીન પાઇલટ એવું કેમ કરે કે તેઓ ભાજપમાં જાય અને બેસી જાય? સિંધિયાનું તો સમજાતું હતું કે તેમને રાજ્યસભાની સીટ મળશે, તેમના નજીક લોકો મંત્રી બની જશે, તેમનું રાજકારણ ચાલી જશે, કેમ કે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. પણ સચીનને શું મળશે?"
શક્યતા 2- સચીન પાઇલટ અલગ થઈ જાય, કે કાઢી મુકાય, અને ત્રીજો મોરચો બનાવી લે.
સચીન પાઇલટ મુખ્ય મંત્રી અશોક ગેહલોત તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થયા નથી.
એક શક્યતા એ છે કે સચીન પાઇલટ ખૂલીને બળવો કરે અને પછી પાર્ટી તેમને કાઢી મૂકે, બાદમાં તેઓ પોતાની અલગ પાર્ટી બનાવે. જોકે આ નિર્ણયના ફાયદા-નુકસાન બંને છે.
નીરજા ચૌધરી કહે છે, "જ્યારે પણ કૉંગ્રેસમાં ગાંધી પરિવારથી અલગ વિકલ્પોની વાત ઊઠી ત્યારે લોકોએ સિંધિયા અને પાઇલટનું નામ લીધું. પાર્ટીએ તેમને ઉપયોગ નથી કર્યો, પરંતુ જો તેઓ એક ક્ષેત્રીય તાકાત બને તો આ શક્યતા જોઈ શકાય છે. એવું બની શકે કે તેઓ ત્રીજો મોરચો બનાવે અને કૉંગ્રેસની એ જમીનમાં પડેલી શૂન્યતાને ભરવાની કોશિશમાં નીકળી પડે. એ બહુ મુશ્કેલ કામ હશે, પણ એ વિકલ્પ પણ છે."
પ્રદીપ કૌશલ કહે છે કે નવી પાર્ટી બનાવવી સરળ નથી, તેમને વહેલા-મોડા ભાજપના ઝંડા હેઠળ આવવું પડશે.
તેઓ કહે છે, "જેટલા પણ લોકો ભાજપ કે કૉંગ્રેસમાંથી નીકળ્યા, તેમાં ભલે ગમે તેટલા મોટા કદાવર નેતા હોય, તેઓ લાંબો સમય પોતાની પાર્ટીઓ ચલાવી શક્યા નથી. તેના માટે મોટાં સાધનો જોઈએ, મોટો જાતિગત આધાર જોઈએ, તેમને પણ ગુર્જર સમુદાયનું સમર્થન મળશે, પરંતુ સવાલ એ છે કે તેઓ કેટલા વ્યાપક છે, કેટલી સીટો તમે જીતી શકો છો."
પ્રદીપ કૌશલ કહે છે કે "એ વાતનો અંદાજ સચીન પાઇલટને પણ સારી રીતે હશે કે રાજકારણમાં લોકો પોતાની મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે આવે છે. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે કોઈ મુખ્ય પાર્ટી સાથે હોવ, એ લોકો સાથે હોવ જે સરકાર બનાવે છે, અથવા તો એ લોકો સાથે જેઓ ભવિષ્યમાં સત્તા રચવાની દાવેદાર પાર્ટીઓ હોય. જે બંનેમાં નથી, તેઓ બહાર થઈ જાય છે. એ રાજકારણના સ્વભાવથી વિપરીત છે."
તેઓ કહે છે, "તેમની કોઈને કોઈ યોજના તૈયાર હશે. એ પણ શક્ય છે કે ભાજપે તેમને કોઈ વાયદો કર્યો હોય અને કેન્દ્રમાં મંત્રીપદ મળી શકે છે. સંગઠનમાં મોટા પદ પર આવી શકે છે અને તાત્કાલિક મુખ્ય મંત્રી નહીં બને, પણ આસામમાં હેમંત બિશ્વા સરમાની જેમ તેમને એક મુખ્ય ભૂમિકા અપાય."
શક્યતા 3- સચીન પાઇલટ કૉંગ્રેસમાં જ રહી જાય, સુલેહ થઈ જાય?
જો સચીન પાઇલટ ભાજપમાં ન જાય, તેઓ પોતાની અલગ ક્ષેત્રીય પાર્ટી ઊભી ન કરે તો તેમની સામે ત્રીજો વિકલ્પ એ છે કે તેઓ કૉંગ્રેસમાં રહી જાય. જેવું છે તેવું ચાલતું રહે, કાં તો પછી કોઈ સમજૂતી થઈ જાય.
પણ આ જો-તો જેવી સ્થિતિ હશે, જેમ કે કોઈ યોદ્ધાએ તલવાર તાણી અને પછી મ્યાન કરી લીધી. એટલે કે આ વિકલ્પ સચીન પાઇલટને નબળો કરનારો હશે.
એક સ્થિતિ એ છે કે તેઓ પાછા ફરે અને કોઈ સમજૂતી થઈ જાય. પણ સમજૂતી કઈ વાતની? સચીન પાઇલટ તો ઉપમુખ્ય મંત્રી છે જ, ઘણા વિભાગોના મંત્રી પણ. ઉપરાંત છ વર્ષથી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તો પછી ડીલ કઈ બાબતની થશે?
પ્રદીપ કૌશલ કહે છે, "તેમની લડાઈ તો મુખ્ય મંત્રી બનવા માટેની છે. જો કૉંગ્રેસ તેમને મુખ્ય મંત્રી બનાવી દે તો તેઓ પલટી શકે છે. પણ આ શક્યતા દેખાતી નથી, કેમ કે મોટા ભાગના ધારાસભ્યો અશોક ગેહલોત સાથે છે. જો આવું થયું તો બીજી બાજુથી વિદ્રોહ થઈ જશે."
આથી તેમના માટે કૉંગ્રેસમાં રહેવાનો રસ્તો બહુ મુશ્કેલ જણાઈ રહ્યો છે. કશું હાંસલ થયા વિના તેવર બદલવાથી તેમનાં આત્મસન્માન અને છબિને ઠેસ પહોંચશે. બીજું કે જો તેઓ બળવો ચાલુ રાખશે તો ગેહલોતનું જૂથ તેમના માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.
પ્રદીપ કૌશલ કહે છે, "કૉંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષને ફરિયાદ કરી શકે છે કે તેઓ પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ છે, આથી બંધારણની કલમ-10 હેઠળ તેમની સદસ્યતા સમાપ્ત કરાય. એવામાં સચીન પાઇલટે ભલે વિધાનસભામાં ભલે પાર્ટીના વિરોધમાં મતદાન ન કર્યું હોય, પરંતુ ગેહલોત સરકાર વિધાનસભા અધ્યક્ષને સહમત કરાવી શકે કે તેઓ પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા, તો તેમની સદસ્યતા રદ પણ થઈ શકે છે."
નીરજા ચૌધરી પણ માને છે કે કૉંગ્રેસમાં સચીન પાઇલટ પોતાને એક અસહજ અનુભવતા હશે.
તેઓ કહે છે કે સચીનના પાર્ટીમાં રહેવાનો વિકલ્પ તો છે જ, પરંતુ તેમાં હાઈકમાને આવીને સુલેહ-સ્પષ્ટતા કરવી પડશે, જે હાઈકમાને હજુ સુધી કરી નથી.
નીરજા કહે છે, "અસલી નિરાશા હાઈકમાનને લઈને છે. આજે કૉંગ્રેસમાં હાઈકમાન છે જ નહીં. આ સમસ્યાનો તો પાંચ મિનિટમાં ઉકેલ આવી શકે છે. સચીનને તો તમે મળતા જ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો