એક કિલો ગોબર દોઢ રૂપિયા બરાબર, ખરીદશે છત્તીસગઢ સરકાર

ઇમેજ સ્રોત, CG KHABAR
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
છત્તીસગઢમાં હવે પશુપાલકોનાં દિવસો હવે બદલાવવાના છે કારણ કે રાજ્ય સરકારે હવે ખેડૂતો પાસેથી દોઢ રૂપિયામાં પ્રતિ કિલોના હિસાબે ગોબર ખરીદવાનો નિર્ણય કર્યો છે.
ગોબર ખરીદવા માટે હાલમાં જ રાજ્ય સરકારે મંત્રી મંડળની ઉપસમિતિ બનાવી હતી, જેણે ખરીદીના નિર્ણયની અંતિમ મંજૂરી આપી દીધી છે.
રાજ્યના ખેતી વિષયક બાબતોના મંત્રી અને સમિતિના અધ્યક્ષ રવિન્દ્ર ચૌબેએ શનિવારે આની ઘોષણા કરતા કહ્યું, "અમે દોઢ રૂપિયા પ્રતિ કિલોના હિસાબે છાણ ખરીદવાની ભલામણ કરી છે. આને મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવશે. અમે છાણ ખરીદવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને ગામમાં 21 જુલાઈ, હરેલીના તહેવારના દિવસથી છાણની ખરીદીની શરૂઆત કરવામાં આવશે."
સરકારે 'ગૌધન ન્યાય યોજના'ના નામે છાણ ખરીદીનો નિર્ણય ગત મહિને લીધો હતો. પરંતુ છાણને ખરીદવાના ભાવને લઈને અનેક પ્રશ્નો હતા.
આ સિવાય છાણના વ્યવસ્થાપનને લઈને પણ અનેક સવાલ હતા. આ પછી છાણ ખરીદવા માટે મંત્રીમંડળની ઉપસમિતિ બનાવવામાં આવી હતી.
આ યોજના વિશે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલનું કહેવું હતું કે પશુ રાખવાના કામને વ્યવસાયિક રીતે ફાયદાકારક બનાવવાની રીતે અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીએ તો આ યોજના મહત્ત્વપૂર્ણ છે.
જોકે સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી કે તે એક દિવસમાં કુલ કેટલું છાણ ખરીદશે અને આ આખી યોજનામાં કેટલો ખર્ચ થશે અને આ ખર્ચ ક્યાંથી કરવામાં આવશે.
છાણની ખરીદીને લઈને રાજ્યના મુખ્ય સચિવ આરપી મંડલની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા છાણની ખરીદીના વ્યવસ્થાપન પર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે થશે છાણની ખરીદી?

ઇમેજ સ્રોત, CG KHABAR
રાજ્ય સરકારનો દાવો છે કે છાણની ખરીદીની આખી યોજના ખૂબ જ મહત્વકાંક્ષી અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપનારી સાબિત થશે. ખેતી મંત્રી રવિન્દ્ર ચૌબેનું કહેવું છે કે ગામમાં બનાવવામાં આવેલી ગૌશાળા સમિતિ અથવા મહિલા સ્વ-સહાયતા સમૂહ દ્રારા ઘરે ઘરે જઈને છાણને એકત્ર કરવામાં આવશે.
એના માટે ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ ખરીદી કાર્ડ બનાવવામાં આવશે, જેમાં દરરોજ છાણનું પ્રમાણ અને ચુકવણીને નોંધવામાં આવશે.
ખેડૂતો અને પશુપાલકોથી ખરીદેલા છાણની સામે ચુકવણી દર પંદર દિવસમાં એક વખત કરવાનું મંત્રી મંડળની ઉપસમિતિએ કહ્યું છે.
શહેરી વિસ્તારમાં છાણની ખરીદીનું કામ શહેરી વહીવટી વિભાગ દ્વારા તથા જંગલના વિસ્તારમાં જંગલોની વહીવટી સમિતિ દ્વારા કરવામાં આવશે.
રવિન્દ્ર ચૌબેએ કહ્યું કે વર્મી કમ્પોસ્ટની જરૂરિયાત ખેડૂતોની સાથે-સાથે હોર્ટિકલ્ચરમાં, વન વિભાગ અને શહેરી વહીવટી વિભાગમાં થતી હોય છે.
એમાં છાણમાંથી તૈયાર વર્મી કમ્પોસ્ટના વપરાશ અને તેના માર્કેટિંગની ચિંતા સરકારને નથી. રવિન્દ્ર ચૌબેનું કહેવું છે કે ગૌશાળાઓમાં પહેલાથી જ છાણનું કમ્પોસ્ટ બનાવવામાં આવે છે.
અહીં બનનારા વર્મી કમ્પોસ્ટને પ્રાથમિક્તાના આધારે તેના પર ગામના ખેડૂતોને નિર્ધારિત મૂલ્યે આપવામાં આવશે.

છાણ ખરીદવાનું સંપૂર્ણ ગણિત

ઇમેજ સ્રોત, CG KHABAR
અધિકારીઓનું કહેવું છે કે હાલમાં, રાજ્યમાં પાંચ હજાર ગૌશાળાઓ દ્વારા છાણની ખરીદી અને ખાતરના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આમાં લગભગ સાડા ચાર લાખ લોકોને રોજગારી મળશે.
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના 2019ના પ્રાથમિક આંકડા અનુસાર છત્તીસગઢમાં લગભગ 1 કરોડ 11 લાખ 58 હજાર 676 ગાય અને ભેંસ છે અને પશુ વૈજ્ઞાનિકોનું માનીએ તો એક એવરેજ ગાય-ભેંસ દરરોજ લગભગ 10 કિલો છાણ આપે છે. પરંતુ ગલી-મોહલ્લામાં હાલથી જ છાણના ગણિતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખેડૂતો છાણનું ગણિત સુલટાવવામાં લાગી ગયા છે.
ધમતરીના ખેડૂત રાજેશ દેવાંગન કહે છે, "જો રાજ્ય સરકાર એક કરોડ ગાય-ભેંસનું છાણ ખરીદે છે તો દસ કિલોના હિસાબે લગભગ 10 કરોડ કિલો છાણ ખરીદવાનું થશે, જેની કિંમત 15 કરોડ રૂપિયા થશે. આ હિસાબે દર મહિને 450 કરોડ રૂપિયા અને વર્ષે 5400 કરોડ રૂપિયાની ચૂકવણી સરકારે માત્ર છાણની કરવી પડશે."
રાજ્ય સરકાર પોતાની આ યોજનાને અમલમાં મૂકી શકશે તેને લઈને વિપક્ષને શંકા છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીનું કહેવું છે કે પ્રદેશની કૉંગ્રેસ સરકારે જેટલા પણ વાયદા કર્યા છે, તેમાંથી એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી.
રમણ સિંહ કહે છે, "અનાજ તો ખરીદી શક્યા નથી. એક-એક દાણો અનાજ ખરીદવાની વાત કરી, ખેડૂતોને બોનસ આપવાની વાત પણ કરી હતી. બે વર્ષનું બોનસ હાલ પણ બચ્યું છે. જ્યારે બોનસની વાત થાય છે, તો યુવાનોને બેરોજગારીના ભથ્થાની પણ. પરંતુ સરકાર કહે છે કે તેમની પાસે પૈસા નથી. સરકાર છાણ પણ ખરીદે અને અનાજ પણ ખરીદે પરંતુ આ વાતને લઈને બહાનાબાજી ના થવી જોઈએ."

છાણ અને ગૌમૂત્ર

ઇમેજ સ્રોત, CG KHABAR
ગાય, છાણ અને ગૌમૂત્ર જેવા મુદ્દા ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં દેખાય છે, પરંતુ છત્તીસગઢમાં કૉંગ્રેસ પાર્ટીની સરકારે આ મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. "છત્તીસગઢના ચાર ચિન્હારી, નરવા, ગરવા, ઘુરવા, બાડી" (છત્તીસગઢના ચાર ચિન્હ - નાલા, ગૌવંશ, દિન ફરવવાનો સમય અને ઘરની સાથેની જમીન)- ના નારા સાથે સત્તામાં આવેલી કૉંગ્રેસ પાર્ટીએ જળવ્યવસ્થાપન, ગૌધન, ઘરોથી નિકળનારા જૈવિક કચરાથી ખાતરનું નિર્માણ અને ઘર પાસેની જમીન પર શાકભાજી ઉગાડવાની પોતાની યોજનાના પહેલાં દિવસે જ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
સત્તામાં આવ્યા પછી રાજ્ય સરકાર ગાય અને બળદોને એક જગ્યાએ રાખવા માટે ગામમાં ગૌશાળાનું નિર્માણ કરી રહી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે રાજ્યમાં હાલ સુધીમાં 2200 ગૌશાળાઓ બનાવવામાં આવી છે, આ સિવાય 2800 ગૌશાળાઓ પણ જલદી તૈયાર થશે.
સરકારનો દાવો છે કે તમામ જિલ્લામાં ગૌશાળામાં મહિલા સમૂહો દ્વારા વર્મી ક્મ્પોસ્ટ ખાતર પણ બનાવવામાં આવી રહ્યું છે.
હવે સરકાર દ્વાર નિર્ધારિત દરે ખેડૂતો અને પશૂપાલકો પાસેથી છાણ ખરીદવામાં આવશે, જેનાથી મોટા પ્રમાણમાં વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલનું કહેવું છે કે દેશમાં પહેલીવાર છાણની ખરીદી કરનારો નિર્ણય છત્તીસગઢ સરકારનો છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં રસ્તા પર રખડતાં પશુઓ પર રોક મૂકશે, જ્યારે આ છાણથી બનનાર ખાતરથી રાજ્યમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન મળશે.
તેમનું કહેવું છે કે આ સિવાય પશુપાલકોને પણ લાભ થશે અને ગામમાં રોજગાર અને વધારાની આવકની તક પણ વધશે. ભુપેશ બઘેલે આવનારા દિવસોમાં ગૌમૂત્રની ખરીદીનો પણ સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને લાભ મળશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













