પાકિસ્તાનમાં કૃષ્ણમંદિર વિરુદ્ધ ફતવો કેમ કઢાયો?

સૈદપુર મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૈદપુર મંદિર
    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ મંદિરના નિર્માણની પહેલનો હજુ પ્રારંભ જ થયો હતો કે આને લઈને વિવાદ સર્જાઈ ગયો.

કેટલાક દિવસો પહેલાં ઇસ્લામાબાદ કૅપિટલ ડેવલપમૅન્ટ ઑથોટિરીએ મંદિર માટે જમીન આપી હતી. જોકે, ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થા અશર્ફિયા મદ્રેસાના એક મુફ્તીએ આના વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો. એટલું જ નહીં, મંદિરનિર્માણ અટકાવવા માટે વકીલ કોર્ટ સુધી પહોંચી ગયા છે.

23 જૂને એક સાધારણ કાર્યક્રમમાં સાંસદ અને માનવાધિકાર બાબતોના સંસદીય સચિવ લાલચંદ માલ્હીની મંદિરનિર્માણના ઐતિહાસિક કાર્યની દેખરેખ માટે નિમણૂક કરાઈ હતી.

20 હજાર સ્કવૅર ફીટની આ જમીન આમ તો વર્ષ 2017માં જ એક સ્થાનિક હિંદુ સમિતિને સોંપી દેવાઈ હતી. જોકે, સરકારી કારણોને લીધે મંદિરનિર્માણનું કામ અટકેલું હતું.

હવે પાકિસ્તાન સરકારે આ જમીન ઇસ્લામાબાદની હિંદુ પંયાચતને સોંપી દીધી છે અને વડા પ્રધાન ઈમરાન ખાને મંદિરનિર્માણના પ્રથમ તબક્કામાં દસ કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

એ બાદ લાલચંદ માલ્હીએ ટ્વીટને કરીને કહ્યું હતું કે "આ ઇસ્લામાબાદનું પ્રથમ હિંદુ મંદિર હશે. સરકારે મંદિરના નિર્માણ માટે જમીન આપી છે. પાકિસ્તાન ઝિંદાબાદ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

મંદિર અને સામાજિક કેન્દ્ર બનાવવા માગે છે હિંદુ

પાકિસ્તાનમાં મંદિરનિર્માણ

આ જાહેરાત બાદ હિંદુ સમુદાયે આપેલા દાનમાંથી કૃષ્ણમંદિરની ચાર દિવાલો બનાવાઈ રહી હતી કેમ સરકાર દ્વારા જાહેર કરાયેલું દાન હજુ મળવાનું બાકી છે.

લાલચંદ માલ્હીએ બીબીસીને જણાવ્યું કે હિંદુ પંચાયત આ જમીન પર વિશાળ પરિસર બનાવવા ઇચ્છે છે, જેમાં મંદિર, સ્મશાન, લંગરખાનું, કમ્યુનિટી હૉલ અને રહેવા માટે ધર્મશાળા પણ હશે. પ્રારંભિક અનુમાનો અનુસાર આ મંદિરને બનાવવા પાછળ લગભગ 50 કરોડનો ખર્ચ થશે.

તેમણે જણાવ્યું, "ઇસ્લામાબાદ હિંદુ પંચાયતે પોતાના પૈસાથી દીવાલો ઊભી કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે સરકારી ફંડ મળતાં હજુ થોડો સમય લાગશે. પાકિસ્તાનમાં તમામ ધર્મોના લોકો રહે છે અને પાકિસ્તાનનમાં હરેક નાગરિકનો ઇસ્લામાબાદ પર સમાન અધિકાર છે. એટલે મંદિર બનાવવાનો આ નિર્ણય પ્રતીકાત્મક છે. આનાથી સંપૂર્ણ પાકિસ્તાનના લોકો વચ્ચે ધાર્મિક સદ્ભાવનો સંદેશ જશે."

માલ્હી અનુસાર ઇસ્લામાબાદની ડેવલપમૅન્ટ ઑથોરિટીએ હિંદુ મંદિર ઉપરાંત ખ્રિસ્તી અને પારસીઓનાં ધર્મસ્થાનો માટે પણ 20 હજાર સ્ક્વૅર ફીટ જમીન આપી હતી.

તેમણે કહ્યું, "આ પાછળનો અમારો ઉદ્દેશ આંતરધાર્મિક સદ્ભાવ વધારવાનો અને કાયદે આઝમ મહમદ અલી ઝીણાના સપનાનું સમાવેશી પાકિસ્તાન બનાવવાનો છે. "

line

ઇસ્લામમાં મંદિરની પરવાનગી નથી

પાકિસ્તાનમાં મંદિરનિર્માણ

મંદિરનિર્માણ વિરુદ્ધ ફતવા જાહેર કરનારી સંસ્થા જામિયા અશર્ફિયા લાહોરની દેવબંદી ઇસ્લામિક સંસ્થા છે અને વર્ષ 1947માં પાકિસ્તાનના જન્મ સાથે જ તે અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી આ સંસ્થાનમાં હજારો દેવબંદી વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળ્યા છે.

જામિયા અશર્ફિયાને પાકિસ્તાનમાં દેવબંધી શિક્ષણ માટે માટેનાં સૌથી મહત્ત્વના સંસ્થાનોમાંથી એક ગણવામાં આવે છે.

વિશ્વભરમાંથી લોકો અહીં ઇસ્લામિક શિક્ષણ લેવા માટે આવે છે. સંસ્થાનના પ્રવક્તા અનુસાર મંદિરનિર્માણ વિરુદ્ધ ફતવો જાહેર કરનારા મુફ્તી મહમદ ઝકારિયા છેલ્લા બે દાયકાથી સંસ્થાન સાથે જોડાયેલા છે.

તેમના ફતવાને અન્ય એક વરિષ્ઠ મુફ્તીએ સમર્થન જાહેર કર્યું છે.

ફતવામાં ઝકારિયાએ કહ્યું છે કે ઇસ્લામમાં લઘુમતીઓનાં ધર્મસ્થળોની દેખરેખ કરવામાં વાંધો નથી પણ નવાં મંદિરો અને નવાં ધર્મસ્થાનોના નિર્માણની મંજૂરી નથી.

ફતવો

પોતાના ફતવામાં તેમણે કેટલાક ઐતિહાસિક સંદર્ભ અને લેખોનું ઉદાહરણ ટાંક્યું છે. બીબીસી સાથેની વાતચીતમાં મુફ્તી મહમદ ઝકારિયાએ કહ્યું કે તેમણે લોકોના પ્રશ્નો બાદ આ ફતવો જાહેર કર્યો છે.

તેઓ જણાવે છે, "અમે કુરાન અને સુન્ના થકી લોકોનું માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે અમારા મનથી કંઈ પણ નથી બોલતા. મારી સમજણ એવી છે કે એક ઇસ્લામિક દેશમાં નવું મંદિર કે કોઈ અન્ય ધર્મસ્થળ બનાવવું બિનઇસ્લામિક છે. "

જો સરકારે તેમની વાત ન સાંભળી તો તેઓ શું કરશે? આના જવાબમાં તેમણે કહ્યું, "અમારી પાસે સરકાર સમક્ષ અમારી વાત મનાવવાની તાકાત નથી. અમે માત્ર ધર્મના આધારે તેમને સમજાવવાના પ્રયાસો કરી શકીએ અને અમે અમારું કામ કર્યું છે."

જામિયા અશર્ફિયાના પ્રવક્તા મૌલાના મુજીબુર્રહમાન ઇંકલાબી બીબીસીને જણાવ્યું કે ફતવો જાહેર કરવાનો ઉદ્દેશ કોઈ ધર્મનો વિરોધ નથી પણ કેટલાક લોકોના સવાલોનો જવાબ આપવાનો હતો. મુફતીઓએ ઇસ્લામની જાણકારી અનુસાર લોકોની શંકાનું સામાધાન કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે.

line

અદાલતનો મંદિરનિર્માણના કામને અટકાવવાનો ઇનકાર

પાકિસ્તાનમાં મંદિરનિર્માણ
ઇમેજ કૅપ્શન, એ વકીલ જેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો

ઇસ્લામાબાદના વકીલ તન્વીર અખ્તર કાયદાના આધારે આ કૃષ્ણમંદિરના નિર્માણને અટકાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા.

તેમણે બીબીસીને કહ્યું, "આ બાબતે મારી માત્ર એક આપત્તિ છે. હું જાણવા માંગુ છું કે સરકારે જ્યારે સૅક્ટર એચ-9માં જમીનનું અધિગ્રહણ કર્યું હતું તો તે યોજનામાં મંદિર માટે જમીન અનામત રાખવાનો કોઈ ઉલ્લેખ હતો? જો નહીં તો કૅપિટલ ડેવલપમૅન્ટ ઑથોરિટી હવે હિંદુમંદિર બનાવવા માટે કેવી રીતે જમીન આપી શકે? આને તરત રોકવામાં આવે કારણ કે આ નિયમોની વિરુદ્ધમાં છે."

જોકે ઇસ્લામાબાદ હાઈકોર્ટે તન્વીર અખ્તરની ફરિયાદ પર મંદિરનિર્માણ પર સ્ટે ઑર્ડર આપવાનો ઇનકાર કર્યો છે. અદાલતે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓને પણ ધાર્મિક આઝાદીનો એટલો જ અધિકાર છે જેટલો બહુમતીને છે.

આની સાથે જ અદાલતે કૅપિટલ ડેવલપમૅન્ટ ઑથોરિટીના અધ્યક્ષ અને અન્ય સંબંધિત અધિકારીઓને નોટિસ મોકલી છે અને કહ્યું છે કે અરજીકર્તાના વકીલના સવાલોના જવાબ આપીને એ સ્પષ્ટ કરવામાં આવે કે મંદિર બનાવવામાં કોઈ નિયમોનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યુંને?

માનવઅધિકારની બાબતોના સંસદીય સચિવ લાલચંદ માલ્હીએ આ આખા ઘટનાક્રમ પર નિરાશા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાન એક બહુ-સાંસ્કૃતિક દેશ છે, જ્યાં અલગ-અલગ સમુદાય એકસાથે રહે છે. દેશના સ્થાપક મહમદ અલી જીણાએ એ સુનિશ્ચિત કર્યું હતું કે અહીં લઘુમતીને બરાબરનો અધિકાર આપવામાં આવે અને ઈમરાન ખાનની સરકાર આ માટે પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. હું આશા રાખું છું કે હાઈકોર્ટ આગામી સુનવણીમાં આ ફરિયાદને રદ કરી દેશે."

line

લાંબા સમયથી થઈ રહી છે મંદિરની માગણી

લાલચંદ માહ્લી

પાકિસ્તાનમાં લગભગ 80 લાખ હિંદુ રહે છે. દક્ષિણ સિંધ પ્રાતના ઉમરકોટ, મીરપુર ખાસ અને થારપાકરમાં મોટા પ્રમાણમાં હિંદુ રહે છે. જ્યારે, ઇસ્લામાબાદમાં પણ લગભગ 3 હજાર હિંદુ રહે છે.

ઇસ્લામાબાદ હિંદુ પંચાયતના પૂર્વ અધ્યક્ષ પ્રીતમ દાસ એ ગણ્યાંગાંઠ્યા લોકોમાંથી છે, જે વર્ષ 1973માં થારપાકરથી ઇસ્લામાબાદ આવ્યા હતા.

તેઓ કહે છે, "હું એ ગણ્યાંગાંઠ્યા લોકોમાંથી હતો જે નવી રાજધાની ઇસ્લામાબાદમાં આવ્યા હતા. પરંતુ ગત કેટલાંક વર્ષોમાં અહીં હિંદુઓની વસ્તી ઝડપથી વધી છે."

ઇસ્લામાબાદના ગામ સૈદપુરમાં એક નાની મૂર્તિ હતી જેને એ સમયે સંરક્ષિત કરવામાં આવી હતી જ્યારે તે ગામને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યું. પરંતુ પ્રીતમ દાસના કહેવા પ્રમાણે આ એક સાંકેતિક મૂર્તિ છે જે ઇસ્લામાબાદમાં વધતી હિંદુઓની સંખ્યાની પૂજા-અર્ચના માટે પૂરતી નથી.

તેમણે કહ્યું, "ઇસ્લામાબાદમાં હિંદુઓ માટે પૂજા-પાઠ કરવા અને રીતિરિવાજ અનુસરવા ઘણા મુશ્કેલ છે. જેમ કે પહેલાં અહીં સ્મશાન નહોતું, જેના કારણે અમારે મૃતદેહોને અંતિમવિધિ માટે બીજાં શહેરોમાં લઈ જવા પડતા હતા. અહીં કોઈ સામાજિક કેન્દ્ર પણ ન હતું, જેના કારણે હોળી-દિવાળી જેવા તહેવારની ઉજવણી કરવામાં તકલીફ થતી હતી. આ મંદિર બનાવવું અમારી જૂની માગણી હતી અને મને ખુશી છે કે છેવટે સરકારે અમારો અવાજ સાંભળી લીધો."

line

'મંદિર બનાવવાનું પવિત્ર મદીનાનું અપમાન'

ઇસ્લામાબાદમાં હિંદુ પંચાયતના પૂર્વ અધ્યક્ષ પ્રીતમ દાસ

મંદિર અને તેની સામે કઢાયેલા ફતવાને લઈને પાકિસ્તાનથી વિવિધ પ્રકારની રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે. પંજાબ વિધાનસભાના સ્પીકર અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વરિષ્ઠ નેતા પરવેઝ ઈલાહીએ મુફતી મહમદ ઝકારિયાના ફતવાનું સમર્થન કર્યું છે.

મીડિયા સેલ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં પરવેઝ ઈલાહીએ કહ્યું છે કે પાકિસ્તાને ઇસ્લામના નામ પર બનાવવામાં આવ્યું હતું અને રાજધાની ઇસ્લામાબાદમાં નવું મંદિર બાંધવું એ ન માત્ર ઇસ્લામી લાગણીની વિરુદ્ધ છે, બલકે પયંબર મહંમદે બનાવેલા મદીના શહેરનું પણ અપમાન છે.

તેમણે એમ પણ કહ્યું કે મક્કા પર જીત મેળવ્યા પછી પયંબર મહંમદે કાબાની 300 મૂર્તિઓને નષ્ટ કરી દીધી હતી. પરવેઝ ઈલાહી એ કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી લઘુમતીઓના અધિકારના રક્ષણનું સમર્થન કરે છે પરંતુ સાથે એમ પણ માને છે કે નવાં મંદિર બનાવવાની જગ્યાએ પહેલાં હાજર રહેલાં મંદિરોની દેખ-રેખ કરવી જોઈએ.

પરવેઝ ઇલાહી એ જ નેતા છે જેમણે પંજાબના મુખ્ય મંત્રી તરીકે કટાસરાજ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

બીજી બાજુ, વડા પ્રધાન ઈમરાન ખાન સતત કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં તેમની સરકાર લઘુમતીઓને બરાબરનો અધિકાર અપાવશે.

કેટલાક મહિના પહેલાં તેમણે ટ્વીટમાં કહ્યું હતું, "હું એ લોકોને ચેતવણી આપવા ઇચ્છું છું કે પાકિસ્તાનમાં લઘુમતી અથવા તેમનાં ધાર્મિકસ્થળોને નિશાન બનાવતા લોકો સામે કડકાઈથી લડવામાં આવશે. આપણા લઘુમતીઓ આ દેશના સમાન નાગરિક છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો